શું ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે, લોકો શા માટે ચિંતિત છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી હિંદી
- પદ, નવી દિલ્હીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરતા લાખો લોકોના મનમાં એક ચિંતા અને કેટલાક પ્રશ્નો છે.
આ ચિંતા અને પ્રશ્નો કેન્દ્ર સરકારની એક અધિસૂચના બાદ ઊભા થયા છે અને તેની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી ચાલી રહી છે.
સરકારે અધિસૂચના જાહેર કરતાં કહ્યું, "બૅન્કો 2,000 રૂપિયા સુધીના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાવી શકશે નહીં. સરકાર દ્વારા જાહેર કરાયેલી ગેઝેટ અધિસૂચના અનુસાર, RuPay ડેબિટ કાર્ડ દ્વારા ₹2,000 સુધીના પેમેન્ટ પર પણ કોઈ પ્રકારનો ચાર્જ લગાવવાની મનાઈ કરવામાં આવી છે."
અધિસૂચના મુજબ, "કોઈ પણ બૅન્ક અથવા સિસ્ટમ પ્રોવાઇડર આ માધ્યમો દ્વારા ચુકવણી કરનાર અથવા પ્રાપ્ત કરનાર વ્યક્તિ પાસેથી સીધો કે પરોક્ષ રીતે કોઈ ચાર્જ વસૂલ કરી શકશે નહીં."
સરકારે આ અધિસૂચના પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટ, 2007 ની કલમ 10A હેઠળ જાહેર કરી છે.
UPI પેમેન્ટ ચાર્જ પર લોકોના પ્રશ્નો

ઇમેજ સ્રોત, Ministry of finance
સોશિયલ મીડિયા અને UPI નો ઉપયોગ કરતા લોકો વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારની અધિસૂચનામાં ₹2,000ની મર્યાદાનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો છે?
હાલ સુધી UPI દ્વારા ₹500, ₹2,000, ₹5,000 અથવા તેનાથી વધુ રકમની કોઈપણ ચુકવણી કરવા પર વપરાશકર્તા પાસેથી કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવતો નહોતો.
એવા સંજોગોમાં લોકો પૂછે છે કે શું આ નવી અધિસૂચનાનો અર્થ એ છે કે સરકારે ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર ભવિષ્યમાં ચાર્જ લગાવવાનો માર્ગ ખોલી દીધો છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ આશંકા સંપૂર્ણપણે બિનઆધારભૂત પણ નથી, કારણ કે નવી અધિસૂચનામાં ₹2,000 સુધીના UPI ટ્રાન્ઝેક્શનને સ્પષ્ટ રીતે નો-ચાર્જ શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેનાથી વધુના UPI પેમેન્ટ પર હાલમાં કોઈ ચાર્જ લગાવી દેવામાં આવ્યો છે. સરકારે આ અંગે સ્પષ્ટ રીતે કંઈ પણ જણાવ્યું નથી.
કૉંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર UPI પેમેન્ટ દ્વારા જનતા પાસેથી વસૂલી કરવાની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે.
પાર્ટીએ દાવો કર્યો છે કે સરકાર ₹2,000થી વધુના દરેક UPI પેમેન્ટ પર 0.5 ટકા ચાર્જ લગાવવાની યોજના બનાવી રહી છે.
હકીકતમાં, 14 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલી સરકારી અધિસૂચના અનુસાર ₹2,000 સુધીના UPI પેમેન્ટ પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં.
કૉંગ્રેસનું કહેવું છે કે જો આ વ્યવસ્થા અમલમાં આવશે તો ₹5,000ના UPI પેમેન્ટ પર ₹25નો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
કૉંગ્રેસે ઍક્સ પર લખ્યું, "નરેન્દ્ર મોદી જનતા પાસેથી વસૂલી કરવાનો નવો પ્લાન લઈને આવ્યા છે. હવે ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર સરકાર વસૂલી કરશે. યોજના એવી છે કે ₹2,000થી ઉપરના દરેક UPI પેમેન્ટ પર 0.5% ચાર્જ વસૂલવામાં આવશે. તેનો અર્થ એ છે કે જો તમે ₹5,000ની ખરીદી કરો તો ₹25નો ચાર્જ લાગશે. જો તમે ₹10,000ની ખરીદી કરો તો ₹50 વસૂલવામાં આવશે."
બીજેપીએ કૉંગ્રેસના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ ઍક્સ પર લખ્યું, "કૉંગ્રેસ ફરી એક વખત ફેક ન્યૂઝ ફેલાવી રહી છે."
હાલમાં શું નિયમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલની સ્થિતિમાં UPI વપરાશકર્તા પાસેથી પેમેન્ટ કરવા પર કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવતો નથી.
સરકારે ઑગસ્ટ 2026માં પણ કહ્યું હતું કે સામાન્ય વપરાશકર્તાઓ માટે UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લગાવવામાં આવશે નહીં અને P2P (પર્સન ટુ પર્સન) ટ્રાન્ઝેક્શન મફત રહેશે.
સરકારે એ પણ કહ્યું હતું કે જો ભવિષ્યમાં MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાવવામાં આવશે, તો તે મર્યાદિત સંખ્યાના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે.
આમાંથી એક મહત્ત્વનો તફાવત સમજવો જરૂરી છે.
MDR અને વપરાશકર્તા પાસેથી લેવામાં આવતો ચાર્જ એક જ વસ્તુ નથી.
MDR એ તે ફી છે જે પેમેન્ટ સિસ્ટમમાં મર્ચન્ટની તરફથી બૅન્ક અને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે UPI દ્વારા દરેક વખત પેમેન્ટ કરનાર ગ્રાહક પાસેથી એટલી જ રકમ વસૂલવામાં આવશે.
સરકારે ઑગસ્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે UPI વપરાશકર્તાઓ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવવામાં આવશે નહીં અને P2P પેમેન્ટ મફત રહેશે.
પછી ₹2,000ની મર્યાદા શા માટે?

ઇમેજ સ્રોત, Firdous Nazir/NurPhoto via Getty Images
આ જ સમગ્ર મામલાનો સૌથી મોટો પ્રશ્ન છે.
સરકારની નવી અધિસૂચના હાલમાં ₹2,000 સુધીના UPI પેમેન્ટને સીધા નો-ચાર્જ જોગવાઈ હેઠળ રાખે છે. પરંતુ તેનાથી વધુના UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે, ક્યારે લાગશે કે લાગશે પણ કે નહીં, તેની કોઈ દર આ અધિસૂચનામાં નિર્ધારિત કરવામાં આવી નથી.
એટલે હાલમાં એવું કહેવું યોગ્ય નહીં બને કે ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર ચાર્જ લાગવાનું શરૂ થઈ ગયું છે.
પરંતુ આ પ્રશ્ન હજુ ખુલ્લો છે કે ભવિષ્યમાં મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર MDR અથવા અન્ય કોઈ પ્રકારની ફીની વ્યવસ્થા બનાવવામાં આવશે કે નહીં.
લોકોના મનમાં કયા કયા પ્રશ્નો છે?
શું ₹2,000થી વધુનું UPI પેમેન્ટ હવે મોંઘું થશે?
જવાબ: હાલમાં નહીં. આવો કોઈ દર અથવા વપરાશકર્તા ચાર્જ લાગુ કરવામાં આવ્યો નથી.
શું UPI દ્વારા ₹2,000થી વધુ રકમ મોકલવા પર બૅન્ક પૈસા કાપશે?
જવાબ: હાલમાં આવો કોઈ નવો વપરાશકર્તા ચાર્જ લાગુ થયો નથી.
શું દરેક UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે?
સરકારે એવું કહ્યું નથી. ઑગસ્ટમાં સરકારે જણાવ્યું હતું કે P2P ટ્રાન્ઝેક્શન મફત રહેશે.
શું ₹2,000થી વધુના પેમેન્ટ પર MDR લાગશે?
સરકારે ભવિષ્યમાં મર્યાદિત મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર નજીવા MDRની સંભાવના અંગે વાત કરી છે, પરંતુ તેનો દર અને તે ક્યારેથી લાગુ થશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
શું તેની અસર સામાન્ય લોકોના P2P પેમેન્ટ પર પડશે?
સરકારે કહ્યું છે કે P2P ટ્રાન્ઝેક્શન મફત રહેશે. તેથી હાલમાં એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને પૈસા મોકલવા પર કોઈ ચાર્જ લાગશે તેવી વાત નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























