મુંબઈથી નેધરલૅન્ડ્સ સુધીની સફર : વર્ષો જૂની મૈત્રી અને ડીએનએ ટેસ્ટથી 'અસલી સંબંધ'નો ખુલાસો

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ગીતા પાંડે
- પદ, વીમેન અફેર્સ ઍડિટર, ભારત
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
બોલીવૂડની કોઈ ફિલ્મની વાર્તા હોય તેવી કહાણી હકીકતમાં બની છે.
ભારતીય મૂળનાં બે મહિલા કેટલાય દાયકાથી ગાઢ મિત્ર, પરંતુ હવે તેમને ખબર પડી છે કે તેઓ બાયોલૉજિકલ બહેનો છે. હાલમાં ચાળીસીમાં પહોંચેલાં બે મહિલા જ્યારે બાળકી હતાં ત્યારે બે અલગ-અલગ પરિવારોએ તેમને દત્તક લીધાં હતાં અને નેધરલૅન્ડ્સમાં પડોશમાં જ રહેતાં હતાં.
મીના ગેલટિંક અને મીનલ તિજસેનનો જન્મ 1980ના દાયકાની શરૂઆતમાં થયો હતો. જન્મના થોડા જ મહિના પછી તેઓ મુંબઈમાં બે અલગ-અલગ અનાથાશ્રમમાં હતાં, ત્યારે અલગ પરિવારોએ તેમને દત્તક લીધાં હતાં.
તેમના વાલીઓએ જે ઍડોપ્શન એજન્સીની મદદ લીધી હતી, તેના દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બંનેની પહેલી મુલાકાત થઈ ત્યારે બંને ટીનેજર હતાં. તેમના દેખાવ અને વર્તનમાં અસાધારણ સમાનતા હતી જેનાથી તેમને પણ નવાઈ લાગી હતી.
મીનાની ઉંમર અત્યારે 43 વર્ષ છે અને તેમને તે દિવસ બરાબર યાદ છે.
તેઓ કહે છે, "દત્તક લેવાયેલાં તમામ બાળકોને ત્યાં એકત્ર કરાયાં હતાં, જેથી તેઓ એકબીજા સાથે હળીમળી શકે અને ડિનર લઈ શકે."
મીના અને મીનલ બંને બહેનપણી હતાં અને એકબીજાના દેખાવમાં બહુ સમાનતા છે તેની તેમણે નોંધ લીધી હતી.

ઇમેજ સ્રોત, Meena Geltink
"બધા કહેતા, 'તમારી જાતને અરીસામાં જુઓ'.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"અને મને લાગ્યું, 'હે ભગવાન, તેનું નાક મારા જેવું જ છે! અમે એક સરખી રીતે હસીએ છીએ'.
મીનાએ નેધરલૅન્ડ્સમાં પોતાના ઘરેથી બીબીસી સાથે વાત કરતા કહ્યું, "ડિનર વખતે હું સતત તેને જોતી રહી."
બીજા દિવસે છોકરીઓએ એકબીજાના ટેલિફોન નંબર અને સરનામાં શૅર કર્યાં, એકબીજાના સંપર્કમાં રહેવાનું નક્કી થયું.
તેમની વચ્ચે લોહીના સંબંધ છે એવા કોઈ સંકેત મળ્યા ન હતા, છતાં તેમની વચ્ચે તરત એક જોડાણ થઈ ગયું. વર્ષો સુધી તેઓ એકબીજાને પત્રો લખતાં રહ્યાં.
"ઘણી વખત અમે એકબીજાને 'બહેન' તરીકે સંબોધતાં, કારણ કે અમને એવું લાગતું હતું."
તેઓ પત્રમાં પોતાની શાળા, મિત્રો, છોકરા, બહાર ફરવા જવું અને ડાન્સ વિશે લખતાં. તેઓ પોતાને ગમતી રમતો અને સંગીત વિશે વાત કરતાં. બંનેને બેકસ્ટ્રીય બૉય્ઝનું સંગીત પસંદ હતું.
ત્યાર બાદ 15 વર્ષ અગાઉ તેમનો સંપર્ક કપાઈ ગયો. મીનલ ફ્રાન્સ રહેવા જતાં રહ્યાં અને મીનાને તાજેતરમાં પ્રથમ બાળક આવ્યું અને તેઓ બહુ વ્યસ્ત થઈ ગયાં.
2017માં મીનાએ ભારતથી દત્તક લેવાયેલાં બાળકોની વધુ એક મીટિંગમાં ભાગ લીધો જ્યાં તેમણે ડીએનએ ટેસ્ટિંગ વિશે સાંભળ્યું અને પોતાનો ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો. પરંતુ તેમને કોઈ મૅચ ન મળ્યા. ચાલુ વર્ષની શરૂઆતમાં તેમણે ઍપ પણ ડિલીટ કરી નાખી, કારણ કે ફોનનું સ્ટોરેજ ભરાઈ ગયું હતું. ત્યાર બાદ 20મેએ મીનાને ફેસબુક પર મીનલનો એક મૅસેજ મળ્યો.
તેણે પૂછ્યું 'હું યાદ છું?'

ઇમેજ સ્રોત, Reuters
મીનલે પોતાનાં માતાપિતાને મળવા નેધરલૅન્ડ્સ ગયાં ત્યારે એપ્રિલમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો અને ટેસ્ટના પરિણામનો એક સ્ક્રીનશૉટ શૅર કર્યો હતો.
મીના કહે છે, "મેં ઍપ ફરીથી ઇન્સ્ટૉલ કરી. હું એટલી નર્વસ હતી કે મેં 10 વખત ખોટા પાસવર્ડ નાખ્યા અને પછી લોગ-ઇન કરી શકી."
આ પરિણામે તેમને ચોંકાવી દીધા. બંને મહિલાના ડીએનએ "100 ટકા મૅચ" થતા હતા.
મીના કહે છે, મને મારી ફુલ સિસ્ટર મળી ગઈ હતી. એટલે કે અમારાં બાયોલૉજિકલ માતા અને પિતા સમાન હતાં. એવું લાગ્યું જાણે મેં એડ્રીનાલિનનો શૉટ લીધો હોય. હું રડવા લાગી. મીનલ એ મારી મિસિંગ પઝલનો હિસ્સો હતી જેને હું લાંબા સમયથી શોધતી હતી. અમે એકબીજાને બહેન તરીકે બોલાવતી હતી."
"આ ડીએનએ ટેસ્ટથી એક વાતની પુષ્ટિ થઈ ગઈ કે અમને જે અંતર્જ્ઞાન થતું તે યોગ્ય હતું."
બંને બહેનો છે તે જાણ થયા પછી ઑગસ્ટ મહિનામાં એક દિવસ તેઓ પહેલી વખત મળ્યાં.

ઇમેજ સ્રોત, Meena Geltink
મીના હવે ત્રણ બાળકોનાં માતા છે. તેઓ કહે છે, "તે બહુ યાદગાર હતું. મને હોમકમિંગ જેવું લાગ્યું. મીનલ અને મને વર્ષોથી એવું લાગતું કે જાણે અમારા હૃદયમાં એક ખાલીપો છે. અમને લાગતું કે જાણે અમે અપૂર્ણ છીએ. હવે એવું લાગે છે જાણે આવું જ હોવું જોઈએ."
તેમના ભાવનાત્મક પુનર્મિલન વિશે રૉયટર્સે લખ્યું કે તેમની મુલાકાતમાં આંસુ, આલિંગન અને હાસ્યની આપ-લે થઈ. ત્યાર પછી તેમણે એક સાથે સેલ્ફી લીધી."
44 વર્ષનાં મીનલ પોતાના પાર્ટનર અને બે પુત્રો સાથે ફ્રાન્સમાં રહે છે. તેમણે એજન્સીને કહ્યું કે એપ્રિલમાં તેમના ડીએનએ પરિણામ આવ્યા ત્યારે શરૂઆતમાં તેમને અંદાજ ન આવ્યો કે 30 વર્ષ અગાઉ તેઓ જે ટીનેજ છોકરીને મળ્યા હતા તેની સાથે જ ડીએનએ મૅચ થાય છે.
તેમણે જ્યારે સોશિયલ મીડિયા પર મીનાનો ફોટો જોયો ત્યારે તેમને વાત સમજાઈ. તેઓ કહે છે, "'મીના: બહેન.' મને માનવામાં ન આવ્યું. અમે બહેનો હતી તેનાથી પહેલાં બહેનપણીઓ હતી."
મીના અને મીનલને બે અલગ-અલગ અનાથાશ્રમમાંથી બે અલગ ડચ દંપતીઓએ દત્તક લીધાં હતાં.
મીના કહે છે કે તેમનો ઉછેર નેધરલૅન્ડ્સના એક નાનકડા પરિવારમાં થયો હતો. તેમનાં માતાપિતા એક ખાનગી સ્કૂલમાં શિક્ષકો હતાં.
તેઓ કહે છે, "તેઓ મારા શિક્ષકો પણ હતા. તેઓ બહુ પ્રેમાળ, બહુ વિશ્વાસુ લોકો હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















