ચોમાસા બાદ 44 વર્ષમાં ના આવ્યું હોય એવું વાવાઝોડું ભારત પર આવશે? શું છે આ આગાહી પાછળની હકીકત

ઇમેજ સ્રોત, Getty Images
ઇસરોના સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરે (SAC) ભારતમાં આ વર્ષે ચોમાસું પૂરું થયા બાદ ડિસેમ્બર મહિના સુધીમાં ત્રણ વાવાઝોડાં સર્જાઈ શકવાની આગાહી કરી છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોની આ શાખાના કહેવા પ્રમાણે ઑક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીમાં ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ વાવાઝોડાં સર્જાઈ શકે છે.
ભારતમાં વાવાઝોડાની બે સિઝન આવે છે, એક ચોમાસું શરૂ થાય તે પહેલાં એપ્રિલ મહિનાથી જૂન મહિનાની શરૂઆત અને બીજી ચોમાસું પૂરું થાય તે બાદ એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધી.
સામાન્ય રીતે આ ગાળામાં ઉત્તર હિંદ મહાસાગરમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે, જ્યારે ચોમાસા દરમિયાન સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં નથી.
ઉત્તર હિંદ મહાસાગરમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો સમાવેશ થઈ જાય છે. જેમાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડાં સર્જાતાં હોય છે.
હાલની ઇસરોની શાખાની આ આગાહી બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે 40 વર્ષમાં ક્યારેય ન આવ્યું હોય એવું ખતરનાક વાવાઝોડું આ વર્ષે આવવાનું છે. પરંતુ ખરેખર શું એટલું ખતરનાક વાવાઝોડું સર્જાવાનું છે, ઇસરોનું આ પૂર્વાનુમાન શું કહે છે.
ભારતમાં 40 વર્ષમાં ન સર્જાયું હોય એટલું ખતરનાક વાવાઝોડું આવશે?
ઇસરોના આ મોસમી પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ઑક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે ઉત્તર હિંદ મહાસાગરમાં 3 ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સર્જાશે. જેનો Power dissipation index (PDI) 13.06 x106 નૉટ્સ હશે. જે છેલ્લાં 44 વર્ષના સરેરાશ PDI 7.15x106 કરતાં વધારે હશે.
હવે ઇસરોના આ પૂર્વાનુમાનને સમજતાં પહેલાં આપણે પીડીઆઈ શું છે તેને સમજી લઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
Power dissipation index (PDI) જેને ગુજરાતીમાં ઊર્જા વ્યય સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે.
ઊર્જા વ્યય સૂચકાંક (PDI) એ એક વૈજ્ઞાનિક માપ છે એટલે કે જે વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં લેવાતી એક ગણતરી છે. જે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો દ્વારા તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન મુક્ત થતી કુલ ઊર્જાનું માપન કરે છે. માત્ર કેટલાં વાવાઝોડાં રચાય છે તે જોવાને બદલે, PDI એ બાબતનું મૂલ્યાંકન કરે છે કે વાવાઝોડાં કેટલા સમય સુધી ટકી રહે છે અને કેટલાં શક્તિશાળી બને છે.
સરળ રીતે સમજીએ તો વાવાઝોડાં કેટલાં તીવ્ર છે, વાવાઝોડાની સિસ્ટમ બન્યા બાદ કેટલાક દિવસ સુધી રહે છે અને એક સિઝનમાં કેટલાં વાવાઝોડાં સર્જાય છે. આ તમામ બાબતોની સાથે ગણતરી કરવામાં આવે છે. એટલે માત્ર કેટલાં વાવાઝોડાં સર્જાશે એવી સાદી ગણતરી હોતી નથી.
આ ઉપરાંત ઇસરોની આ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે સરેરાશ ઊર્જા વ્યય સૂચકાંક વધારે રહેશે. એટલે કે કોઈ એક જ વાવાઝોડું આટલું ખતરનાક નહીં હોય, આ સિઝનમાં સર્જાનારાં તમામ વાવાઝોડાંમાંથી મુક્ત થતી ઊર્જા અત્યાર સુધીની સરેરાશ કરતાં વધારે હશે.
જ્યારે આ એક પૂર્વાનુમાન છે અને વાવાઝોડું ક્યારે અને ક્યાં સર્જાશે એ ખૂબ અગાઉથી નક્કી કરી શકવું ખૂબ મુશ્કેલ હોય છે.
એ પણ જરૂરી નથી કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં મળીને કુલ ત્રણ વાવાઝોડાં જ સર્જાય.
એવું પણ બને કે વધારે કે ઓછાં વાવાઝોડાં સર્જાય અને તેમ છતાં પણ PDI સરેરાશ કરતાં વધારે હોય.
ભારતમાં એક વર્ષમાં કેટલાં વાવાઝોડાં સર્જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર હિંદ મહાસાગર - બંગાળની ખાડી અને અરબી સમુદ્ર- માં વર્ષે આશરે પાંચ જેટલાં વાવાઝોડાં સર્જાય છે. જે વિશ્વભરમાં સર્જાતાં વાવાઝોડાંનાં 5થી 6 ટકા જેટલાં છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે વિશ્વમાં દર વર્ષે સરેરાશ 80 જેટલાં વાવાઝોડાં સર્જાય છે.
ગુજરાત જેના કાંઠે આવેલું છે એ અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં સામાન્ય રીતે વધારે વાવાઝોડાં સર્જાય છે. હવામાન વિભાગ પ્રમાણે અંદાજે ચાર વાવાઝોડાં બંગાળની ખાડીમાં સર્જાય ત્યારે અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સર્જાય છે.
મેથી જૂન અને ઑક્ટોબરથી નવેમ્બર દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડાં વધારે તીવ્ર હોય છે. જ્યારે ચોમાસા દરમિયાન સર્જાતી સિસ્ટમો એટલી તીવ્ર હોતી નથી.
આ ઉપરાંત વિશ્વભરમાં સર્જાતાં વાવાઝોડામાંથી 20-30 વાવાઝોડાં એવાં હોય છે જે ખૂબ જ વધારે તાકવર બની જાય છે એટલે કે તે અતિ તીવ્ર ચક્રવાતની કૅટેગરીમાં આવી જાય છે.
જ્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાંમાંથી 2થી 3 વાવાઝોડાં વધારે તાકતવર બને છે.
જ્યારે અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંને જોવામાં આવે તો તેનો ખતરો ગુજરાત પર સૌથી વધારે રહેલો છે. અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાં આગળ વધીને મોટે ભાગે ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કાંઠે આવેલા દેશો જેવા કે પાકિસ્તાન, ઓમાન, યમન અથવા સોમાલિયા તરફ જાય છે.
બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડાં કેમ સર્જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાં વાવાઝોડાં સામાન્ય રીતે આંદામાન સાગર કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાય છે અથવા ઉત્તર-પૂર્વ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલાં વાવાઝોડાનાં અવશેષો ચીનના સમુદ્ર પરથી થઈને બંગાળની ખાડીમાં આવે છે.
પ્રશાંત મહાસાગરમાં ઉત્તર હિંદ મહાસાગર કરતાં વધારે વાવાઝોડાં સર્જાય છે અને તેની બાકી રહેલી સિસ્ટમો બંગાળની ખાડીમાં પહોંચ્યા બાદ ફરીથી વાવાઝોડાનું સ્વરૂપ લેતી હોય છે. જેથી અહીં વધારે વાવાઝોડાં સર્જાય છે.
અરબી સમુદ્રમાં સામાન્ય રીતે દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વાવાઝોડાં સર્જાય છે અથવા બંગાળની ખાડીનાં વાવાઝોડાંના બાકી રહેલા અવશેષો અરબી સમુદ્ર પર પહોંચે છે. પરંતુ આ સિસ્ટમો અરબી સમુદ્ર પર પહોંચતા પહેલાં ખૂબ નબળી પડી જાય છે. જેથી ઘણી સિસ્ટમો અરબી સમુદ્રમાં પહોંચી શકતી નથી.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે અરબી સમુદ્રનું તાપમાન બંગાળની ખાડીના તાપમાન કરતાં સામાન્ય રીતે નીચું હોય છે. જેના કારણે અહીં વાવાઝોડાં ઓછાં સર્જાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



















