કચ્છના રણમાં 100થી વધુ હાડપિંજર મળ્યાં, સુમરા વંશ સાથે તેનો શું સંબંધ છે?

ઇમેજ સ્રોત, ugc
ગુજરાતના કચ્છમાં આવેલું ધોળાવીરા એક એવું સ્થળ છે જે વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે.
પાંચ હજાર જૂનાં એ ધોળાવીરા શહેરની કહાણી કોઈ સ્માર્ટ સિટીથી કમ નથી.
આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નૉમિનેશન માટે ડોઝિયર સૌપ્રથમ 2018માં મોકલ્યું હતું અને સાથે જ ગુજરાત સરકારે સાઇટનો વિકાસ કરવા સમિતિઓ બનાવી હતી.
તે સૂચવે છે કે કચ્છનો ઇતિહાસ સાથેનો સબંધ અનોખો અને ઘણા સત્ય ઉજાગર કરવાનો રહ્યો છે.
તાજેતરમાં કચ્છ પાસે આવેલી ઇન્ડો-પાક બૉર્ડર નજીક એક એવી સાઇટ મળી આવી હતી જેમાં 100થી વધુ માનવ હાડપિંજરો મળ્યાં હતાં.
ચોંકાવનારી બાબત એ હતી કે 100થી વધુ હાડપિંજર એવાં છે જેમનું માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં છે.
આ મૃતદેહોના ચહેરા પશ્ચિમ દિશા તરફ હતા.
આ કંકાલોની આસપાસ તપાસ કરવાથી વધુ પાંચેક પુરાતત્વીય સાઇટ્સ મળી આવી હતી. જ્યાંથી માટીનાં વાસણો, ટેરાકોટાનાં રમકડાં અને વસાહતોના અવશેષ મળી આવ્યાં છે. પ્રાથમિક અભ્યાસમાં આ અવશેષો મધ્યકાલીનયુગના હોવાનું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો વિસ્તૃત અભ્યાસમાં પ્રાથમિક તારણોને સમર્થન મળશે, તો તે માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં, પરંતુ દેશના ઇતિહાસ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી શકે છે. સાથે જ અનેક રહસ્યો ઉપરથી પડદો ઊચકાશે.
તે સૌ પ્રથમ બીએસએફના સૈનિકો દ્વારા જોવામાં આવ્યાં હતાં.
માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં

ઇમેજ સ્રોત, ugc
ભારત-પાકિસ્તાન સરહદે ગ્રૅટ રણ ઑફ કચ્છમાં આવેલી પુરાતત્વીય સાઇટમાં મળેલાં હાડપિંજરો એવાં હતાં જેમનું માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં હતા. જોકે, આ મૃતદેહોના ચહેરા પશ્ચિમ દિશા તરફ હતાં.
આ બાબતની જાણ કેવી રીતે થઈ તે અંગે માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના જિયોલૉજી અને આર્કીયૉલૉજી વિભાગના વડા ડૉ. ગૌરવ ચૌહાણ બીબીસી ગુજરાતીને જણાવે છે કે કચ્છની ઇન્ડો પાક બૉર્ડર નજીક એક અલગ જ આર્કયૉલોજીકલ સાઇટ મળી છે. આ સાઇટની વિશેષતા છે કે અહીં 100થી વધુ માનવ હાડપિંજર મળ્યાં છે.
તેમનું કહેવું છે, સૌપ્રથમ બીએસએફના લોકોએ પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટ પ્રથમવાર જોઈ હતી. તેઓ આ સ્થળને બરબાદ થયેલું ગામ કહેતા હતા.
"બીએસએફ અને કલેક્ટર ઑફિસની મદદથી 2024માં આ અમે શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને શોધી પણ શક્યા."

ઇમેજ સ્રોત, ugc
પ્રૉ. ચૌહાણનું કહેવું છે કે હું જ્યારે પ્રથમવાર ત્યાં ગયો તો હું પણ ચોંકી ઉઠ્યો હતો.
"આટલાં બધાં પુરુષ અને સ્ત્રીઓનાં હાડપિંજરોની બરિયલ પૅટર્ન પણ એકદમ સિસ્ટમેટિક રીતે મળી આવી હતી."
"જેમાં બધાં હાડપિંજરોનું માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં હતા. ચહેરા પશ્ચિમ દિશા તરફ હતા. આ ત્યારની ધાર્મિક માન્યતા પણ હોય શકે છે."
"તેમજ આટલા બધા લોકોનું ત્યાં એક સાથે દફન થવું એટલે તે વખતે કોઈ હોનારત પણ થઈ હોય શકે છે."
તેમનું કહેવું છે કે એક ચોકવનારી બાબત એ પણ હતી કે અહીં જ આસપાસ અન્ય ચારથી પાંચ બીજી સાઇટ પણ મળી હતી. જ્યાં માટીનાં વાસણો, ઘર, રમકડાં, ટેરાકોટા પણ મળ્યાં. પછી ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ડેક્કન કૉલેજ પૂનાની મદદથી ત્યાં ગયા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે અહિયાં મળેલા અવશેષો મધ્યયુગ 100થી 1500 વર્ષ પહેલાંના હોય શકે છે.
"તેની અગત્યતા એટલે વધી જાય છે કે જે સ્થળે આ અવશેષ મળ્યા તે રણ પ્રદેશમાં એક દિવસ કાઢવો પણ મુશ્કેલ હોય ત્યાં આટલા બધા લોકો રહેતા હતા."
શું હાડપિંજરોનું જોડાણ સુમરા વંશ સાથે છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. ગૌરવ ચૌહાણ બીબીસી ગુજરાતીને જણાવે છે, ધોળાવીરા એ પ્રાચીન યુગમાં રહેવા માટે લોકોએ પસંદ કરેલી સાઇટ છે.
તેઓ કહે છે, "ધોળાવીરાના યુગમાં સિંધુ નદીનાં પાણી આ જગ્યાએ આવતાં હતાં. અહીં કહેવાય છે કે લોકોએ સ્થળાંતર કર્યું હશે તેવું પણ માનવામાં આવે છે."
"આ સ્થળે અમને કૉપરના સિક્કાઓ પણ મળ્યા છે. ચલણ પર પાકિસ્તાનની આજુબાજુની સાઇટ કંજર કોટ જેવી સાઇટ પરથી જે રિસર્ચ થયું છે તેના આધારે ખ્યાલ આવે છે કે આ સુમરા ડાયનેસ્ટી હતી હાડપિંજરો સાથે જોડાણ ધરાવતા હોય શકે છે."
જમીન પર આ હાડપિંજરો અચાનક દેખાતાં લોકોમાં કુતૂહલતા સર્જાઇ હતી.
આ હડપિંજરો જમીન પર દેખાવા લાગ્યાં હતાં, તેની પાછળનું કારણ જણાવતા પ્રો. ચૌહાણ જણાવે છે કે "કોઈ એવી હોનારત આવી હોવી જોઈએ જેના કારણે કે દફન કરેલા કે દટાયેલા મૃતદેહનાં હાડપિંજરોની ઉપરની માટી ઊડી ગઈ અને તે સપાટી પર દેખાવવા લાગ્યા હશે."
"આ સાઇટ ખરેખર તો ધોળાવીરા અને આજના યુગ વચ્ચેના જોડાણ યુગ તરીકે જોવામાં આવે છે. કલેકટરે આવી ઘણી સાઇટનું લિસ્ટ પણ માંગેલું હતું. ભવિષ્યમાં ઘણી બધી સાઇટ છે જેની પર અમે રિસર્ચ કરી શકો છો."
"અમે હવે આ હાડપિંજરોનાં ડીએનએ અને ડેટિંગ કરવાનો પ્રયાસ કરીશું," એમ ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે. જે સુમરા વંશનો આ હાડપિંજરોનો સંબંધ હોવાનું માનવામાં આવે છે તે સુમરા વંશ શું છે?
બ્રિટાનિકામાં જણાવ્યા પ્રમાણે સુમરા વંશ, 11મી સદીની આસપાસ આ વિસ્તારમાં રાજ્ય ધરાવતો એક એવો રાજવંશ હતો જેના શાસન હેઠળ હાલનું પાકિસ્તાનનું સિંધ પણ હતું. આ વંશને ઇતિહાસકારો દ્વારા આરબની વંશાવળી સાથે જોડવામાં આવે છે. પરંતુ કેટલાક ઇતિહાસકારો તેને રાજપૂત મૂળના માને છે. સુમરાઓએ ત્રણ સદીઓ સુધી આ પ્રદેશમાં શાસન કર્યું હતું. ત્યાર બાદ તેમનું સ્થાન સમ્માઓએ લીધું અને પછી આ પ્રદેશને મુઘલ બાદશાહ અકબર દ્વારા જીતવામાં આવ્યો હતો.
ધોળાવીરા- આંતરરાષ્ટ્રીય બંદર

ઇમેજ સ્રોત, Getty Images
ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખદીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે.
ગામથી એકાદ કિલોમીટર દૂર ઉત્તર તરફ જઈએ તો 'કોટડા ટિંબા' વિસ્તાર આવે છે. બસ, આ જ વિસ્તાર ગામને અસામાન્ય બનાવે છે.
અહીં જ પાંચ હજાર વર્ષ પહેલાં એ સમયની આધુનિક સંસ્કૃતિનું નગર ધોળાવીરા ધમધમતું હતું.
'આઈઆઈટી ગાંધીનગર' અને 'આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા' દ્વારા કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આ 'પુરાતન શહેર'માં પાંચ હજાર વર્ષ પહેલાં પાણીનું અદ્ભુત વ્યવસ્થાપન કરાયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન

























