વરસાદની ખેંચ, પાણીનો કાપ અને ગંદુ પાણી; મુંબઈના લોકો કેવા પરેશાન થઈ રહ્યા છે?

    • લેેખક, અલ્પેશ કરકરે
    • પદ, બીબીસી મરાઠી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"એક તો પહેલાંથી ગરમી પહેલા સમસ્યાઓ સર્જી રહી છે. પાણી ઓછું હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. અમે ગભરાયેલા છીએ, કારણ કે અમારે ટૅન્કર મંગાવવાં પડી રહ્યાં છે."

દક્ષિણ મુંબઈના સેવરીના કોલ્સા બંદર વિસ્તારમાં રહેતાં શિલ્પા ખાપરેની પાણી ની સમસ્યા અંગે કંઈક આવું કહે છે. તેઓ કહે છે કે હાલમાં તેમનો દિવસ પાણીના ટાઇમટેબલની આસપાસ ફરે છે.

મુંબઈ મહાનગરપાલિકાએ દસ ટકા પાણી કાપ લાગુ કર્યો ત્યારથી શહેર પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વધતી ગરમી અને વરસાદ લંબાવાને કારણે, મુંબઈના ડૅમોમાં પાણીનું સ્તર સૌથી નીચા સ્તરે પહોંચી રહ્યું છે. પરિણામે, પાણીની અછતની ચિંતા હવે ઘણા પરિવારોના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે.

પાણીની કટોકટીનો સામનો કરવા માટે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને પાણી કાપ સહિત કેટલાંક નિયંત્રણો લાદ્યાં છે.

પરિસ્થિતિ એ છે કે જો સારો વરસાદ પડે તો જ મુંબઈના પાણીના સંકટમાંથી થોડી રાહત મળી શકે છે.

ઝૂંપડાંથી બહુમાળી ઇમારતો સુધી, બધે પાણીની સમસ્યા

મુંબઈગરો કહી રહ્યા છે કે હાલની પાણીની અછતને કારણે, શહેર અને ઉપનગરોમાં, ઝૂંપડાંથી માંડીને બહુમાળી ઇમારતો સુધી, દરેક જગ્યાએ પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈના ગિરગાંવ, વરલી, શિવરી અને અન્ય વિસ્તારોમાં જ્યાં પહેલાં બે કલાક પાણી આવતું, ત્યાં હવે તેનો સમય ઘટીને દોઢ કલાક થઈ ગયો છે. સ્થાનિકોની ફરિયાદ છે કે પાણીનું પ્રેશર પણ ઓછું છે.

કેટલાકનું કહેવું છે કે કૉર્પોરેશને કરેલી કપાત કરતાં ખરી અસર વધુ તીવ્ર છે.

કુર્લા, બાંદ્રા, સાંતાક્રુઝ, વિક્રોલી અને ઘાટકોપર જેવા ઉપનગરીય વિસ્તારોના લોકો પણ અપૂરતા પાણી પુરવઠા, પાણીના ઓછા દબાણ અને કેટલીક જગ્યાએ ગંદા પાણીની ફરિયાદ કરી રહ્યા છે.

અમે મુંબઈના વિવિધ ભાગોની મુલાકાત લઈને પાણીની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું, જેમાં સાંતાક્રુઝ પૂર્વના ઉપનગરીય વિસ્તાર પણ સમાવિષ્ટ છે.

અમે સાંતાક્રુઝ પૂર્વના સુબ્રમણ્યમનગરમાં રહેતાં 58 વર્ષીય વૈશાલી કાંબલેને મળ્યા.

તેઓ કહે છે, "અમે હાલમાં પીવા માટે નળના પાણીનો ઉપયોગ નથી કરતાં. અમે બહારથી પાણી ખરીદીએ છીએ, કારણ કે નળમાંથી આવતું પાણી ઘણી વાર કાદવવાળું હોય છે. જે પાણી આવે છે, તે પણ ઓછું હોય છે. પાણી વિના ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે."

જૂન મહિનો અડધો પૂરો થઈ ગયો હોવા છતાં, અપેક્ષા પ્રમાણેનો વરસાદ નથી પડ્યો. જેના કારણે મુંબઈને પાણી પૂરું પાડતાં સાત તળાવોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી ગયું છે.

આ જોતાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને સામાન્ય લોકો માટે પાણીમાં દસ ટકા અને ઔદ્યોગિક અને વાણિજ્યિક ઉપયોગ માટે 20 ટકાનો ઘટાડો લાગુ કર્યો છે.

ગરમી અને પાણીની અછતનો બેવડો માર?

દક્ષિણ મુંબઈના શિવરી વિસ્તારમાં રહેતાં શિલ્પા ખાપરે કહે છે કે પાણીની તંગી હવે રોજિંદા જીવન પર સીધી અસર કરી રહી છે.

સ્થાનિકો પહેલેથી જ વધતી ગરમીથી ત્રસ્ત છે. પાણી પુરવઠામાં ઘટાડો થવાને કારણે ઘરના કામકાજનું આયોજન કરવું મુશ્કેલ બન્યું છે.

મુંબઈના ઘણા વિસ્તારોમાં, નાગરિકો માટે પાણી બચાવવાનો સમય આવી ગયો છે. કેટલીક જગ્યાએ પાણીના દબાણમાં ઘટાડો થવાની ફરિયાદો છે, તો કેટલાક વિસ્તારોમાં પાણીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

આ અંગે, સાંતાક્રુઝ વિસ્તારના રહેવાસી નીતિન કાંબલેએ જણાવ્યું હતું કે, "અમે પહેલાંથી જ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છીએ. જ્યારે અમે લૅબમાં પાણીનું પરીક્ષણ કરાવ્યું તો એ પીવા માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું. અમે આ પરિસ્થિતિથી પરેશાન છીએ. વહીવટી તંત્રે આ તરફ ધ્યાન આપવું જોઈએ."

મુંબઈનાં તળાવોમાં કેટલું પાણી બચ્યું છે?

મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના 18 જૂન સુધીના ડેટા અનુસાર, શહેરને પાણી પૂરું પાડતાં સાત તળાવોમાં માત્ર 10.19 ટકા પાણી જ રહ્યું છે.

મુંબઈને દરરોજ લગભગ 4,664 મિલિયન લિટર પાણીની જરૂર પડે છે. ઉપલબ્ધ ભંડારને જોતાં, અંદાજ છે કે પાણીનો વર્તમાન જથ્થો આગામી 30 થી 35 દિવસ માટે પૂરતો રહેશે.

જળ સંસાધન વિભાગની સૂચના અનુસાર, આગમચેતીનાં પગલા તરીકે, મ્યુનિસિપલ કૉર્પોરેશને 15 મે, 2026 થી મુંબઈમાં દસ ટકા પાણી કાપ લાગુ કર્યો છે.

વહીવટીતંત્રે શક્યતા વ્યક્ત કરી હતી કે જો ડૅમ વિસ્તારમાં સંતોષકારક વરસાદ નહીં પડે તો પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા છે.

જેમ જેમ વરસાદ લંબાતો જઈ રહ્યો છે, તેમ તેમ મ્યુનિસિપલ કૉર્પોરેશન સામે પાણી પુરવઠો વધુ દિવસો સુધી જાળવી રાખવાનો પડકાર વિકટ થતો જઈ રહ્યો છે.

પાણીની અછતથી કોને અસર થાય છે?

પાણીની અછતની અસર ફક્ત ઝૂંપડાં કે જૂની વસાહતો સુધી મર્યાદિત નથી. મુંબઈમાં ઘણી હાઉસિંગ સોસાયટીઓને વધારાનાં ટૅન્કર મંગાવવાં પડી રહ્યાં છે.

આનાથી સોસાયટીઓનો ખર્ચ વધી ગયો છે અને રહેવાસીઓ પર આર્થિક બોજો પડી રહ્યો છે.

કેટલાક વિસ્તારોમાં, નાગરિકોએ પીવા માટે અલગ પાણી ખરીદવાનું શરૂ કર્યું છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે મુંબઈના ઉપનગરીય વિસ્તારો જેમ કે, ગોરેગાંવ, અંધેરી, નહેરુનગર, ઘાટકોપર, વિક્રોલી અને અન્ય વિસ્તારોમાં કેટલીક સોસાયટીઓને વધારાનાં પાણી માટેનાં ટૅન્કરો મંગાવવાં પડી રહ્યાં છે.

આ અંગે ગોરેગાંવમાં રૉયલ પામ સોસાયટીનાં સોનલ રાનાડેએ બીબીસીને જણાવ્યું, "અમારે દરરોજ દસ ટૅન્કર પાણીનો ઑર્ડર આપવો પડે છે. એક ટૅન્કરની સરેરાશ કિંમત 1,400 રૂ. છે. આનાથી સભ્યોના ખિસ્સા પર મોટો બોજો પડી રહ્યો છે. પાણીની સમસ્યા ઘણાં વર્ષોથી છે અને હવે આ પરિસ્થિતિમાં તે વધુ ગંભીર બની ગઈ છે."

મ્યુનિસિપલ કૉર્પોરેશને શું પગલાં લીધાં?

આ દરમિયાન પાણીની અછતને પગલે, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને પીવાના પાણીના પુરવઠાને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે વધારાનાં નિયંત્રણો લાદ્યાં છે.

દસ ટકા પાણી કાપ સાથે, કૉર્પોરેશને પાણીનો બગાડ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.

આ ઉપરાંત, 17 જૂનથી બાંધકામ માટેના પાણીનાં જોડાણો કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યાં છે અને નવાં પાણીનાં જોડાણો આપવાનું કામ પણ સ્થગિત કરાયું છે.

સ્વિમિંગ પુલોને પાણી પૂરું પાડવાનું બંધ કરવામાં આવ્યું છે અને ઔદ્યોગિક, વાણિજ્યિક અને સ્પૉર્ટ્સ ક્લબ સંસ્થાઓ દ્વારા પાણીના વપરાશમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ઘરેલુ ઉપયોગ માટે વિવિધ સંસ્થાઓને શુદ્ધ કરેલું (ટ્રીટ કરેલું) પાણી, કુવા અને બોરવેલના પાણીનો ઉપયોગ વધારવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

ક્યારે રાહત મળશે?

નિષ્ણાતો માને છે કે અલ નીનોની અસર, વરસાદમાં વિલંબ અને આબોહવા પરિવર્તનને કારણે આ વર્ષે જળ સંસાધનો પર દબાણ આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આવતા અઠવાડિયે વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.

મુંબઈ અને ડૅમ વિસ્તારમાં સારો વરસાદ મુંબઈની પાણીની અછતની ચિંતાઓને હળવી કરી શકે છે.

જોકે, પરિસ્થિતિ એવી છે કે મુંબઈગરા માટે પાણીની આ સમસ્યા વરસાદ ન પડે ત્યાં સુધી યથાવત્ રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન