You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામમંદિર ટ્રસ્ટ સામે સવાલો અને ચંપત રાયની ભૂમિકા, શું છે સમગ્ર મામલો?
- લેેખક, પ્રેરણા
- પદ, અયોધ્યાથી બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
હિંદુઓનાં સૌથી મહત્ત્વના યાત્રાધામો પૈકીનું એક એવું અયોધ્યાનું રામમંદિર હાલમાં રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આમ તો, સદીઓ જૂનો ઇતિહાસ, આસ્થા અને સંઘર્ષ ધરાવતું આ શહેર અખબારોની હેડલાઇન્સમાં ચમકે, એ કોઈ નવી વાત નથી. સમયાંતરે અયોધ્યા વિવિધ કારણોસર રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે લોકોનું ધ્યાન ખેંચતું આવ્યું છે. પણ આ વખતનું કારણ જરા જુદું છે.
જુદું એટલા માટે છે કે, આ વખતે ઊઠેલી ચર્ચા મંદિરને લગતા આંદોલન, તેના નિર્માણ કાર્ય, તેની ભવ્યતા, ભક્તોની ભીડ કે આધ્યાત્મિક ઉત્સાહ વિશે નહીં, બલ્કે મંદિરને મળતા દાન, ટ્રસ્ટની કામગીરી તથા કથિત ગેરરીતિઓને લઈને ઉઠાવવામાં આવી રહેલા સવાલો વિશે છે.
સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ' પર સતત પ્રહાર કરતા આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ટ્રસ્ટના નાક નીચે મંદિરના દાન અને ચઢાવાના હિસાબો સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. તેમણે એવો દાવો કર્યો છે કે, રામમંદિરના દાનમાંથી કરોડો રૂપિયા ગાયબ છે. તેમના ઉપરાંત, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી (આપ) અને તે પછી સ્થાનિક સ્તર પર ભૂતપૂર્વ કારસેવક સંતોષ દુબે, ભાજપના નેતા ડૉક્ટર રજનીશ સિંહ વગેરે પણ આ કથિત ગેરરીતિને ટાંકીને ઉત્તરદાયિત્વની માગણી કરી રહ્યાં છે.
આ દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઇટી તેનું કામ કરી રહી છે અને આ સમગ્ર મામલાની તપાસ હાલ ચાલી રહી છે. આ દરમિયાન, જો તમે અયોધ્યાના સામાન્ય લોકો અને દર્શન કરવા આવતા ભાવિકો સાથે વાત કરશો, તો તમને નિરાશા અને રોષની મિશ્ર લાગણીનો અનુભવ થઈ શકે છે. અયોધ્યાના ઘણા રહીશો આ મામલે કૅમેરા સામે ખુલીને વાત કરવાનું ટાળે છે. જોકે, અમારી સાથે વાત કરનારી અમુક વ્યક્તિઓએ એવી ફરિયાદ કરી હતી કે, જે મંદિર લાખો લોકોની આસ્થા અને બલિદાનથી બન્યું હોવાનું કહેવાતું હતું, તેનો ઉપયોગ હવે આરોપ-પ્રત્યારોપ કરવા માટે થઈ રહ્યો છે.
કેટલાક લોકોએ આને "અયોધ્યાને બદનામ કરવાનું" કાવતરું ગણાવ્યું હતું, તો અન્ય લોકોએ તેને ઉત્તરદાયિત્વ અને પારદર્શિતા માટેની આવશ્યક માગ ગણાવી હતી. પરંતુ, આ પ્રશ્નોના કેન્દ્રમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છે. આ એ જ સંગઠન છે, જેને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રામમંદિરનું નિર્માણ કરવાની અને તેનું સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અને ટ્રસ્ટમાંના એક નામને લઈને વારંવાર ચર્ચાઓ થતી રહે છેઃ મહાસચિવ ચંપત રાય.
પણ, કોણ છે આ ચંપત રાય? રામમંદિરના આંદોલનમાં તેઓ કેવી રીતે ઊભરી આવ્યા? અને શા માટે સમર્થકો તેમને આંદોલનના રણનીતિકાર માને છે, જ્યારે આલોચકો તેમની પાસે ઉત્તરદાયિત્વ નક્કી કરવાની માગણી કરી રહ્યા છે?
ચંપત રાય કોણ છે?
વર્તમાન સમયમાં ચંપત રાય શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ અને વિશ્વ હિંદુ પરિષદના ઉપ-પ્રમુખ છે. ફેબ્રુઆરી, 2020માં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી હતી. 15 સભ્યોના બનેલા ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે મહંત નૃત્ય ગોપાલદાસ, ખજાનચી તરીકે સ્વામી ગોવિંદદેવ ગિરી, વરિષ્ઠ ઍડ્વોકેટ કે. પરાસરન, ડૉક્ટર અનિલ મિશ્રા, કમલેશ્વર ચૌપાલ, મહંત દિનેન્દ્રદાસ તેમજ અન્ય કેટલાક સામાજિક અને ધાર્મિક પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની ગણના રોજબરોજનાં કામો કરનારા અત્યંત મહત્વત્ના હોદ્દેદારોમાં થાય છે. મુખ્યત્વે તેઓ મંદિરના નિર્માણના પ્રોજેક્ટ, દાન અને ચઢાવાના વ્યવસ્થાપન, ટ્રસ્ટ વતી સત્તાવાર નિવેદનો આપવાં, બેઠકો અને વિવિધ સંસ્થાઓ સાથે સહનિર્દેશ કરવાની જવાબદારી ધરાવે છે. આથી જ, રામમંદિરને લગતી કોઈ મોટી જાહેરાત, વિવાદ કે પછી વહીવટી નિર્ણયો દરમિયાન ચંપત રાય ઘણી વખત ટ્રસ્ટનો અગ્રણી જાહેર ચહેરો બને છે. તેના પરિણામે, તાજેતરના વિવાદની સ્થિતિમાં પણ, મીડિયાકર્મીઓ ટ્રસ્ટ સામે થઈ રહેલા આ આરોપોનો જવાબ ચંપત રાય પાસેથી માગી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંપત રાયે શરૂઆતમાં એક વીડિયો જારી કરીને, તમામ આરોપોને રદિયો આપ્યો હતો, પણ એસઆઇટીની રચના થયા બાદ તેઓ માધ્યમોથી અંતર રાખવા લાગ્યા છે.
આરોપોના જવાબમાં ચંપત રાયે શું કહ્યું હતું?
આ વીડિયોમાં, ચંપત રાયે કહ્યું હતું, "શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમયાંતરે તેની વિવિધ પ્રવૃત્તિઓનું ઓડિટ હાથ ધરે છે. હૂંડી (દાનપેટી)ની ગણતરીનું ઓડિટ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર, તેના કાર્યકરો અને સ્ટેટ બૅંકના કર્મચારીઓ દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણા દિવસો સુધી ચાલતી રહે છે. અત્યારે તે પ્રક્રિયા ચાલી રહી છે અને હજી સુધી કોઈ અસામાન્ય બાબત કોઈના ધ્યાન પર આવી નથી."
અમે ચંપત રાયનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ અમને કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. સામાન્યપણે તેઓ અયોધ્યાના કારસેવકપુરમમાં રહે છે, પણ ત્યાં પહોંચતાં વિશ્વ હિંદુ પરિષદના એક સભ્યએ અમને જાણ કરી કે, જ્યારથી એસઆઇટીની તપાસ શરૂ થઈ છે, ત્યારથી - છેલ્લા સાત-દસ દિવસોથી ચંપત રાય મંદિરના સંકુલની અંદર જ રહે છે.
ચંપત રાય વિશેના અભિપ્રાયો અલગઅલગ કેમ?
બીબીસીએ અયોધ્યામાં જે લોકો સાથે વાત કરી, તે પૈકીના ત્યાંના સ્થાનિક રહીશો, વ્યાવસાયિકો, સંતો કે રામ મંદિર સાથે સંકળાયેલાં સામાજિક તથા ધાર્મિક સંગઠનોના સભ્યો સહિતના ઘણા લોકોએ જણાવ્યું હતું કે, તાજેતરના વિવાદ વિશે સાંભળીને તેમને ખાસ આશ્ચર્ય થયું નથી. કેટલાક લોકોએ કહ્યું હતું કે, મંદિર અને ટ્રસ્ટ વિશેની ચર્ચાઓ અને વિવિધ સમાચારો છેલ્લાં કેટલાંક વર્ષોથી સમયાંતરે સપાટી પર આવતાં રહે છે, આથી આ સવાલો સ્વાભાવિક જ હતા.
જોકે, ચંપત રાય વિશેના લોકોના અભિપ્રાયો સ્પષ્ટપણે બે ભાગમાં વિભાજિત જણાય છે. તેમના ટેકેદારો તેમને એવી વ્યક્તિ ગણાવે છે, જેઓ સીધું-સાદું જીવન જીવે છે, જેમણે દાયકાઓથી સંગઠન માટે કામ કર્યું છે અને તેઓ તેમની પ્રામાણિકતા માટે જાણીતા છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું છે કે, જો કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોય, તો તેમાં ચંપત રાયની સંડોવણી હોવાની કલ્પના કરવી તેમના માટે મુશ્કેલ છે.
બીજી તરફ, કેટલાક સ્થાનિક રહેવાસીઓ અને આલોચકો એવી દલીલ કરે છે કે, ચંપત રાય રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ તરીકે એટલું મહત્ત્વનું પદ ધરાવે છે કે, તેમની જાણ વગર કોઈ મોટી ગેરરીતિ થવી મુશ્કેલ જણાય છે. તેમના જણાવ્યા અનુસાર, વ્યક્તિની અંગત પ્રામાણિકતા સામે સવાલ ન હોય, તો પણ સંસ્થાકીય ઉત્તરદાયિત્વનો પ્રશ્ન તો અકબંધ જ રહે છે.
રસાયણશાસ્ત્રના શિક્ષકથી લઈને ટ્રસ્ટના મહાસચિવ બનવા સુધીની સફર
પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી આવતા ચંપત રાયનો જન્મ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલા પિતાના ઘરે થયો હતો અને તેમનો પરિવાર પણ તે વિચારધારા તરફ ઝુકેલો હતો. પિતાથી પ્રેરાઈને ચંપત રાય નાની વયે જ આરએસએસની શાખાઓમાં હાજરી આપવા માંડ્યા હતા.
જોકે, તેમણે તેમના વ્યાવસાયિક જીવનની શરૂઆત એક શિક્ષક તરીકે કરી, તેઓ બિજનોરની આરએસએમ ડિગ્રી કૉલેજમાં કૅમિસ્ટ્રી ભણાવતા હતા. પછીથી, 1980ના દાયકામાં તેમણે શિક્ષણ કાર્ય છોડીને આરએસએસના પૂર્ણકાલીન પ્રચારક તરીકે કામ કરવાનો નિર્ણય કર્યો.
વિશ્વ હિંદુ પરિષદના સભ્ય શરદ શર્માના શબ્દોમાં, "એક પ્રચારકના જીવનમાં વ્યક્તિ સંગઠનના કાર્ય સાથે સીધી જ જોડાઈ જાય છે. ચંપત રાયજીએ પણ આગ્રા, દહેરાદૂન અને હરિદ્વારમાં ઘણાં સ્થળોએ સંગઠનને વિસ્તારવવા માટે કામ કર્યું. તેઓ વિભાગ-પ્રચારક હતા અને પછીથી તેમને વિશ્વ હિંદુ પરિષદમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સહ-પ્રાંત સંગઠન મંત્રી તરીકે કામ કર્યું હતું."
અહીંથી, રામ જન્મભૂમિ આંદોલનમાં તેમની ભૂમિકા વધવા માંડી. ઉત્તર પ્રદેશ ઍસોસિએશન ઑફ જર્નાલિસ્ટ્સના પ્રમુખ સર્વેશકુમાર સિંહ એક લેખમાં લખે છે, "1984ની ધર્મસંસદ પછી જ્યારે વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)એ રામજન્મભૂમિ આંદોલન સંગઠિત રીતે આગળ ધપાવવાનું શરૂ કર્યું, ત્યારે અશોક સિંઘલ સહિતના ઘણા પ્રચારકોને વીએચપીમાં મોકલવામાં આવ્યા હતા, અને તેમાં ચંપત રાય પણ હતા. સિંહના જણાવ્યા પ્રમાણે, ચંપત રાયની પ્રાથમિક જવાબદારીઓમાં આંદોલનના જાણીતા ચહેરાઓની પાછળ રહીને કામ કરવું, રણનીતિઓ ઘડવી અને તેનો અમલ કરવો, કેસોના સત્તાવાર સંચાલન માટે દસ્તાવેજો એકઠા કરવા તથા વકીલો સાથે સહનિર્દેશન કરવાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની દરેક મહત્ત્વની સુનાવણી પહેલાં દિલ્હીમાં વકીલોની બેઠક ગોઠવવામાં પણ તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. વીએચપીની અંદર પણ તેમનું કદ સતત વધતું ગયું."
સંગઠન સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ, "ચંપત રાય અશોક સિંઘલના સૌથી વિશ્વાસુ સાથીઓ પૈકીના એક ગણાતા હતા. 2017-18માં જ્યારે વીએચપીની અંદર નેતૃત્વને લઈને કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી તથા સંગઠન ડૉક્ટર પ્રવીણ તોગડિયા અને અન્ય આગેવાનો વચ્ચે સંઘર્ષનો સામનો કરી રહ્યું હતું, તે સમયે સંગઠનની અંદર સંતુલન જાળવી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા લોકોમાં ચંપત રાય પણ સામેલ હતા."
પછીનાં વર્ષોમાં તેઓ વિશ્વ હિંદુ પરિષદની ટોચની નેતાગીરીનો ભાગ બન્યા અને સંગઠનના અત્યંત પ્રભાવશાળી વ્યૂહરચનાકારોમાંથી એક બન્યા. નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો અને ફેબ્રુઆરી, 2020માં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની રચના થઈ, તે પછી ફરી એક વખત ચંપત રાયની ભૂમિકા બદલાઈ ગઈ. આંદોલનના આયોજક તેમજ વ્યૂહરચનાકાર તરીકે જાણીતા ચંપત રાય હવે મંદિરનિર્માણ પ્રકલ્પના વહીવટકર્તા તેમજ ટ્રસ્ટના મહાસચિવ તરીકે ઊભરી આવ્યા.
ચંપત રાયને ત્રણ ભાઈ છે. તેમના એક ભાઈનું દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું. બિજનોરના સ્થાનિક પત્રકાર ઝુબૈર કહે છે કે, ચંપત રાય છેલ્લે ભાઈના અવસાન વખતે ઘરે ગયા હતા.
દેશવ્યાપી ભંડોળ એકત્રીકરણ અભિયાનમાં ભૂમિકા
રામમંદિરના નિર્માણ માટેનો માર્ગ મોકળો કરી દેનારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે, ટ્રસ્ટને નિર્માણ માટેનું ભંડોળ એકઠું કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. પરિણામે, જાન્યુઆરી, 2021માં ભંડોળ એકત્રિત કરવાનું મોટું દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેને "નિધિ સમર્પણ અભિયાન" નામ આપવામાં આવ્યું હતું.
આ અભિયાનનું આયોજન કરવામાં તેમજ તેનો પ્રચાર-પ્રસાર કરવામાં ચંપત રાયે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ટ્રસ્ટના મહાસચિવ તરીકે અભિયાન કેવી રીતે હાથ ધરાશે, ભંડોળ કેવી રીતે એકત્રિત કરવામાં આવશે અને તેનો ઉપયોગ કેવી રીતે થશે - તે વિશે વાત કરવા માટે તેઓ નિયમિતપણે માધ્યમો સમક્ષ હાજર થતા હતા. જોકે, આ વર્ષે ટ્રસ્ટ અને ચંપત રાયનું નામ, બંને વિવાદોથી ઘેરાયાં હતાં.
ટ્રસ્ટ તથા ચંપત રાય સામે અગાઉ પણ સવાલો ઊઠાવવામાં આવ્યા હતા
જૂન, 2021માં ટ્રસ્ટે અયોધ્યામાં ખરીદવામાં આવેલા જમીનના એક ટુકડાને કારણે સવાલોનો સામનો કરવો પડ્યો હતો. આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ એવો આરોપ લગાવ્યો હતો કે, એક વ્યક્તિએ જે જમીન બે કરોડ રૂપિયામાં ખરીદી, તે જ જમીન આ સોદો થયાની ગણતરીની મિનિટોની અંદર જ ટ્રસ્ટ દ્વારા 18.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. આ સમગ્ર સોદાની તપાસ કરવાની માગણી થઈ હતી. તે સમયે, કૉંગ્રેસ સહિતના ઘણા વિરોધ પક્ષોએ પણ આ મામલામાં પારદર્શિતાની માગણી કરી હતી.
ચંપત રાય અને મંદિરના ટ્રસ્ટે તેમની સામેના આ આરોપોને રદિયો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જમીન ખરીદીના તમામ સોદા પારદર્શી રીતે કરવામાં આવ્યા હતા, બૅન્કો મારફત ચૂકવણી કરવામાં આવી હતી અને ટ્રસ્ટે માર્કેટ વેલ્યૂ કરતાં નીચી કિંમત પર જમીનની ખરીદી કરી હતી. સાથે જ રાયે આ આરોપોને "ગેરમાર્ગે દોરનારા" અને "રાજકીય દ્વેષથી પ્રેરિત" ગણાવ્યા હતા.
જોકે, રાજકીય પક્ષો ફરી એક વખત આ મામલો ઉઠાવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અને અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય પવન પાંડે કહે છે કે, 2021માં આ આરોપોની તપાસ થઈ હતી, પણ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
તપાસ કેવા પ્રકારની હતી, તે કોણે હાથ ધરી હતી અને તેનાં તારણો શું નીકળ્યાં હતાં, તે વિશે બીબીસી હજી સુધી કોઈ નિશ્ચિત જાણકારી મેળવી શકી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન