You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
14 દિવસથી ગુમ બે વર્ષની બાળકીને શોધવા સેંકડો ટીમો અને ડ્રોન જંગલો ખૂંદી રહ્યાં છે, બાળકી સાથેના કૂતરાના મોતનું રહસ્ય શું છે?
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી તેલુગુ માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
કાકીનાડા જિલ્લાની ડોંડવાકા પંચાયતની હદમાં આવેલા સીએચ અગ્રહારમમાં તાડ (પામ ઑઇલ)ના બગીચામાં પોતાના પિતાને શોધતી વખતે ગુમ થઈ ગયેલી બે વર્ષની જ્ઞાનેશ્વરીની શોધખોળ થઈ રહી છે.
આ વાતને ઘણા દિવસો વીતી ગયા છે અને હજુ સુધી જ્ઞાનેશ્વરીના કોઈ સગડ મળ્યા નથી.
એસડીઆરએફ, એનડીઆરએફની ટુકડીઓ, ડ્રોન ઑપરેટરો, પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ 40 એકરમાં આવેલા પામ ઑઇલના બગીચા અને 500 એકરમાં પથરાયેલા પર્વતીય વિસ્તારમાં બાળકીને શોધી રહ્યા છે.
ખરાબ હવામાનમાં પણ સર્ચ ઑપરેશન ચાલુ છે.
પામ ઑઇલના બગીચા, ઝાડી-ઝાંખરાં, નહેરો, તળાવો, કૂવા, અવાવરું ઘરો... બાળકી મળી આવવાની સંભાવના હોય, તેવાં દરેક ઠેકાણે શોધ કરવામાં આવી રહી છે.
પરંતુ વ્યક્તિ ગુમ થઈ જવાના સામાન્ય કેસથી અલગ પોલીસનું દિવસ-રાત સર્ચ ઑપરેશન જારી હોવા છતાં હજુ સુધી નાની અમથી બાળકીની ભાળ શા માટે મળી નથી?
અત્યાર સુધીનું સર્ચ ઑપરેશન કેવું રહ્યું છે? પોલીસ હવે આગળ શું કાર્યવાહી કરશે?
તે દિવસે શું બન્યું હતું?
બે વર્ષની જ્ઞાનેશ્વરી છઠ્ઠી જૂનના રોજ ગાયબ થઈ હતી. તેના પિતા સુનકારગણેશ કાકીનાડા જિલ્લાની ડોંડાવકા પંચાયતમાં આવેલા સીએચ અગ્રહારમમાં પામ ઑઇલના બગીચામાં કેરટેકર તરીકે કામ કરે છે. તેમનો પરિવાર ત્યાં તેમની સાથે જ રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગણેશ, તેમનાં પત્ની સુનકાર ભવાની, પુત્રી જ્ઞાનેશ્વરી અને છ મહિનાની બીજી પુત્રી 40 એકરના બગીચામાં રહે છે. ગણેશનાં માતાપિતા પણ તેમની સાથે જ રહે છે. તેઓ સૌ બગીચાની વચ્ચોવચ લગભગ 80 વારના બે માળના કૉંક્રિટના ઘરમાં રહે છે.
બાળકીનાં માતાપિતા ભવાની અને ગણેશે છઠ્ઠી જૂને શું બન્યું હતું, તે વિશે બીબીસી સાથે વાત કરી.
જ્ઞાનેશ્વરીનાં માતા સુનકારા ભવાનીએ કહ્યું હતું, "શનિવારે સવારે મારી પુત્રી અમારી સાથે હતી. તેના પિતા થોડું કામ હોવાથી બગીચામાં ગયા હતા. તેઓ ગયા તે પછી જ્ઞાનેશ્વરી પણ તેમની પાછળ થોડે દૂર, આંબાના ઝાડ સુધી ગઈ. તે પછી તે તેના પિતા સાથે પાછી ફરી. હું મારી નાની પુત્રીને નવડાવી રહી હતી, ત્યારે તેઓ જ્ઞાનેશ્વરીને દીવાલ પાસે છોડી ગયા અને મને તેનું ધ્યાન રાખવા જણાવીને બગીચામાં કામ કરવા જતા રહ્યા હતા."
"મેં જ્ઞાનેશ્વરીને મારા ખોળામાં લીધી. તેના પિતા જઈ રહ્યા હોવાથી તે રડવા માંડી. તે જ સમયે મારી બીજી દીકરી પણ ઘરમાં જોરથી રડી રહી હતી. હું નાની દીકરીને દૂધ પીવડાવવા માટે અંદર ગઈ, કારણ કે, જ્ઞાનેશ્વરી સામાન્યપણે આસપાસમાં રમતી હોય છે કે પછી તેના પિતા પાસે રહેતી હોય છે."
માતાપિતાએ બીબીસીને જણાવ્યું હતું કે, છોકરી તેના પિતાની પાછળ ગઈ અને બગીચાની વચ્ચેના રસ્તા પર ગુમ થઈ ગઈ હતી.
છઠ્ઠી જૂનથી શોધ ચાલુ છે, છતાં બાળકીના સગડ મળ્યા નથી
સર્ચ ઑપરેશનની વિગતો પૂરી પાડતાં ગૃહમંત્રી વંગલાપુડી અનીતાએ જણાવ્યું હતું, "બાળકી સવારે 11.50 વાગ્યાની આસપાસ ગુમ થઈ હતી. તે છેલ્લે તે સમયે ઘરની બહાર જતી જોવા મળી હતી."
"ત્યાર પછી તે પાછી ફરી નથી. એસડીઆરએફની ટીમો કામે લગાડવામાં આવી છે."
"અમે સર્ચ ઑપરેશનમાં જિલ્લાના તમામ વિસ્તારોના પોલીસકર્મીઓને પણ સામેલ કર્યા છે."
"અમે ટેકરી પરથી શોધખોળ આદરી છે. આ ઉપરાંત અમે વન્ય જીવ સંરક્ષણ નિષ્ણાતોને પણ સાથે રાખ્યા છે, જે 'હનુમાન ટીમ' તરીકે ઓળખાય છે. એસપી કહે છે કે, આ જંગલમાં નીચે આવવાનો માત્ર એક જ રસ્તો છે."
ખોવાયેલી બાળકીને શોધવા માટે ડ્રોન લગાવાયાં
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકીને શોધવા માટે વ્યાપક સ્તરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું, "અમે ઘણા લોકોએ આપેલાં સૂચનો વિશે વિચારી રહ્યા છીએ. ઘરે-ઘરે તપાસ કરવાને કારણે ઘણા ગ્રામજનોને અસુવિધા થઈ હતી, કેટલાક લોકોએ અમારી અને વિભાગની ટીકા પણ કરી હતી."
"તેમ છતાં, અમે નજીકમાં આવેલાં તમામ ગામોમાં ઝીણવટપૂર્વકની તપાસ કરી રહ્યા છીએ."
મંત્રીએ જણાવ્યું હતું કે, બાળકીને વન્ય પશુ ઉપાડી ગયું હતું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, તે બંને દિશામાં તપાસ ચાલી રહી છે.
સામાન્યપણે ગુમ થયેલી વ્યક્તિના કિસ્સામાં અમુક જ કલાકોમાં કોઈ સગડ મળતા હોય છે. પણ, આ કેસમાં આટલા દિવસો વીત્યા છતાં પુરાવાના અભાવે તપાસકર્તા અધિકારીઓ સામે પડકાર ઊભો થયો છે.
સ્થાનિકોનું કહેવું છે કે, તુની નગરની આસપાસના વિસ્તારોમાં આ પહેલાં કદીયે આવું સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું નથી... અને તેઓ એ વાતથી પણ અજાણ છે કે, અહીં ક્યારેય બાળકના અપહરણનો બનાવ નોંધાયો હોય.
વાડ પર ઢીંગલી કેમ બાંધવામાં આવી
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, છોકરીને કોઈ પ્રાણી ઉઠાવી ગયું હતું કે કેમ, કારણ કે આ વન્ય વિસ્તાર છે અને આ ઘટના પામ ઑઇલના બગીચામાં બની છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓ ફરે છે કે નહીં, તે જાણવા માટે પોલીસે ઢીંગલીઓ મૂકી છે. તેમણે આ ઢીંગલીઓને ખેતરની વાળ સાથે બાંધી છે.
જોકે, બગીચાની વાડ પર લટકતી ઢીંગલીઓને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અટકળો થઈ રહી છે.
જ્ઞાનેશ્વરીનાં માતા સુનકારા ભવાનીએ કહ્યું હતું કે, પોલીસે તેમને જણાવ્યું હતું કે કોઈ વન્ય પ્રાણી આવવાની શક્યતા છે કે કેમ, તે ચકાસવા માટે આ ઢીંગલીઓ રાખવામાં આવી છે.
પોલીસ પહેલેથી જ નજીકના વિસ્તારોનું સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે, શંકાસ્પદ માણસો તથા વાહનોની ગતિવિધિ પર નજર રાખી રહી છે.
મોબાઇલ ડેટા, કૉલ રેકૉર્ડ્ઝ તથા સ્થાનિક માહિતીનું પણ વિશ્લેષણ કરાઈ રહ્યું છે.
ચિન્ના રાવ નામના એક સ્થાનિક રહીશે કહ્યું હતું, "અહીં ફક્ત સ્થાનિક લોકો જ રહે છે. મોટા ભાગના લોકો 10 કિલોમીટરની ત્રિજ્યામાંથી આવે છે. લગભગ દસ વ્યક્તિઓ આ તરફના ગામમાંથી અને દસ લોકો બીજી બાજુના ગામમાંથી આવે છે. આ વિસ્તારમાં કોઈ બહારથી આવતું નથી."
ગુમ બાળકી સાથેના કૂતરાના મોતથી રહસ્ય કેમ ઘેરાયું?
બાળકી સાથે પરત ફરેલા પાલતુ કૂતરાના મોતથી પણ આ કેસનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
જ્ઞાનેશ્વરીનાં માતાએ જણાવ્યું હતું, "કૂતરાના આકસ્મિક મોતે પુત્રી પાછી ફરશે કે નહીં, તે ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે, તે વિશેની મારી ચિંતાઓ વધારી દીધી છે."
"મને કોઈના પર શંકા નથી," એમ કહીને તેઓ ઉમેરે છે કે, તેઓ આસપાસની કોઈ વ્યક્તિને ઓળખતાં નથી અને તે દિવસે શું થયું હતું, તેની કલ્પના સુધ્ધાં કરી શકતાં નથી.
ગૃહમંત્રી અનીતા અનીએ કહ્યું હતું, "તેઓ છ મહિનાથી જે પાલતુ શ્વાનને ઉછેરી રહ્યાં હતાં, તે કૂતરાનું વર્તન ઘરે પરત ફર્યા પછી અસામાન્ય થઈ ગયું હતું."
"પછીથી તે મરી ગયો. શ્વાનના મોતનું કારણ જાણવા માટે અમે પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ."
"આ ઉપરાંત અમે મૃતદેહને ફૉરેન્સિક તપાસ માટે પણ મોકલી દીધો છે."
"જ્યારે ડૉક્ટરોને પૂછવામાં આવ્યું કે, શું કૂતરાને સાપ કરડ્યો હતો, ત્યારે પ્રાથમિક અહેવાલ પછી તેમણે સાપ કરડ્યાની શંકા નકારી કાઢી હતી."
તકનીકી પુરાવાનું વિશ્લેષણ
જોકે, આ તમામ પ્રયત્નો કરવા છતાં, જ્ઞાનેશ્વરી હજી સુધી મળી નથી, તે હકીકત આ કેસને વધુ રહસ્યમય બનાવે છે.
જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યા છે, તેમ પરિવારજનો જ્ઞાનેશ્વરીના આરોગ્યને લઈને વધુને વધુ ચિંતા કરી રહ્યા છે.
સેંકડો સૈનિકો, ડ્રોન, સર્ચ ટીમો, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો, તકનીકી તપાસો... પોલીસ લગભગ તમામ ઉપલબ્ધ સાધનો વાપરી ચૂકી છે. તેમ છતાં, જ્ઞાનેશ્વરીની ભાળ મળી નથી.
પેદ્દાપુરમના ડીએસપી એબીજી તિલકે બીબીસીને જણાવ્યું હતું કે, પોલીસ માટે આગળનો માર્ગ સર્ચ એરિયાને વિસ્તારવાનો તેમજ તકનીકી પુરાવાનું વધુ ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવાનો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન