અમદાવાદ પ્લેન ક્રૅશના પીડિતોના અવશેષોની ઓળખ માટે પરિવારોને એક વર્ષ લાંબી લડત કેમ લડવી પડી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, યુકે

ઇમેજ સ્રોત, Family handout

ઇમેજ કૅપ્શન, અશોક અને શોભના પટેલ એક વર્ષ પહેલાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં હતાં
    • લેેખક, અઝાદેહ મોશીરી
    • પદ, દક્ષિણ એશિયા સંવાદદાતા, અમદાવાદ
    • લેેખક, ચાર્લોટ સ્કાર
    • પદ, અમદાવાદ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

મિતેન પટેલને યાદ છે કે અમદાવાદમાં હૉસ્પિટલના સ્ટાફે તેમનાં માતા-પિતાની ઓળખ માટે તેમના શરીરમાંથી બે શીશીઓ લોહી લીધું હતું.

તેઓ પોતાના ભાઈ સાથે થોડા કલાકો પહેલાં જ ભારતના આ શહેરમાં ઊતર્યા હતા અને પોતાની સાથે અશોક અને શોભના પટેલના ડેન્ટલ રેકોર્ડ્સ પણ લાવ્યા હતા.

"અમારે ત્યાં પહોંચવા માટે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ લેવી પડી; કારણ કે બીજી કોઈ ફ્લાઇટ નહોતી." તેમણે કહ્યું.

મિતેન ભારતમાં કોઈને ઓળખતા નહોતા. પરંતુ એક આશ્વાસન હતું કે તેમનાં માતા-પિતાએ તેમને અમદાવાદની સ્થાનિક ભાષા ગુજરાતી શીખવી હતી. તેના કારણે તેમને અને તેમના ભાઈને તે દુર્ઘટનાનાં અવ્યવસ્થિત પરિણામો વચ્ચે માર્ગ શોધવાની શક્તિ મળી, જેણે તેમનું સમગ્ર જીવન બદલી નાખ્યું.

"મને ખબર પણ નહોતી કે સ્વદેશપ્રવાસ શબ્દનો અર્થ શું છે."

એક વર્ષ પહેલાં 12 જૂને, તેમનાં માતાપિતા લંડન જઈ રહ્યાં હતાં ત્યારે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી ઉડાન ભર્યાના માત્ર 32 સેકન્ડ પછી ક્રૅશ થઈ ગઈ હતી. ભારતના ઇતિહાસના સૌથી ખરાબ વિમાન અકસ્માતોમાંના એકમાં મૃત્યુ પામેલા 260 લોકો (વિમાનમાં 241 અને જમીન પર 19)માં તેમનાં માતાપિતા પણ હતાં. એક મુસાફર ચમત્કારિક રીતે આ દુર્ઘટનામાંથી જીવતો બચી ગયો હતો.

પટેલ પરિવારના અવશેષોને યુકે પહોંચાડવામાં એક અઠવાડિયાથી વધુ સમય લાગ્યો.

ચાર દિવસ પછી એક સવારે, લંડન પોલીસનો ફોન મિતેન પર આવ્યો. તેઓએ તે સાંજે તેમને મળવાનું કહ્યું, પરંતુ ફોન પર તેનું કારણ જણાવવાનો ઇનકાર કર્યો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સીટી સ્કૅનથી જાણવા મળ્યું કે તેમનાં માતાની શબપેટીમાં બીજા કોઈના અવશેષો પણ હતા. મિતેનને જણાવવામાં આવ્યું કે તેમાં વધારાના "હાડકાના અવશેષો" પણ હતા.

પોલીસે મિતેનને અઠવાડિયા સુધી કોઈને ન કહેવા કહ્યું, તેમના પરિવારને પણ નહીં. તેમણે કૉરોનરને મળવાનો આગ્રહ રાખ્યો.

તેમણે કહ્યું, "મેં તેમને કહ્યું, જુઓ, હું નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું કે મારી માતાના અવશેષોને બીજા કોઈના અવશેષોથી અલગ કરો."

વધુ તપાસમાં જાણવા મળ્યું કે તેમની માતાના અવશેષો એક અજાણ્યા પુરુષના અવશેષો સાથે ભળી ગયા હતા.

પટેલ પરિવારે તેમના અવશેષોના અગ્નિસંસ્કાર માટે વધુ એક મહિનો રાહ જોઈ, અશોકના અંતિમસંસ્કાર મુલતવી રાખ્યા; જેથી બંનેના અંતિમસંસ્કાર એકસાથે કરી શકાય.

શોભના પટેલની શબપેટીમાં રહેલા તે પુરુષના મૃત્યુ અંગે યુકેમાં તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

આ અઠવાડિયે યોજાયેલી સુનાવણીમાં યુકેનાં કૉરોનર ફિયોના વિલકોક્સે જણાવ્યું હતું કે, "આ સજ્જનની ઓળખ કરવા માટે અમે તેમના હથેળીના નિશાન અને ડીએનએ ભારત મોકલ્યાં હતાં, પરંતુ આજદિન સુધી અમને તેમના નામ અંગે કોઈ પુષ્ટિ મળી નથી." તેમણે આગળ ઉમેર્યું કે, "મૃત્યુના લગભગ એક વર્ષ પછી આવી તપાસ શરૂ કરવી સ્પષ્ટ રીતે અત્યંત અસામાન્ય છે."

વિલકોક્સે જણાવ્યું કે, "એ અજ્ઞાત પુરુષની ઓળખ હજુ બાકી છે. મને આશા છે કે તેમની ઓળખ બહુ જલદી થઈ જશે."

અમદાવાદ પ્લેન ક્રૅશનીમાં મૃતદેહોની ઓળખ કેમ મુશ્કેલ બની?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, યુકે

ઇમેજ સ્રોત, Reuters / Hannah Mackay

ઇમેજ કૅપ્શન, મિતેન પટેલને તેમના માતાપિતાના અવશેષોના અંતિમ સંસ્કાર માટે એક મહિનો રાહ જોવી પડી

દુર્ઘટનાસ્થળે બચાવકાર્યમાં જોડાયેલા કર્મચારીઓ માટે આ પડકાર અત્યંત મોટો હતો; કારણ કે ત્યાં સેંકડો માણસો મૃત્યુ પામ્યા હતા, અને ઘણા મૃતદેહો બળી ગયા હતા તેમજ તેમના ટુકડે-ટુકડા થઈ ગયા હતા.

વિમાન તબીબી વિદ્યાર્થીઓની હૉસ્ટેલ સાથે અથડાઈને તૂટી પડ્યું હોવાથી તેનો કાટમાળ 37,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો, જેનો વિસ્તાર લગભગ પાંચ ફૂટબોલ મેદાન જેટલો થાય છે.

મદદ કરવા દોડી ગયેલા એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં તેમને ભારે મુશ્કેલી પડી હતી; કારણ કે પીડિતોને બાંધેલો સીટબેલ્ટ એટલો ગરમ હતો કે તેને સ્પર્શ પણ કરી શકાય તેમ નહોતો.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે નિયુક્ત કરવામાં આવેલા સ્વતંત્ર ફોરેન્સિક નિષ્ણાત ડૉ. દીપક વેંકટેશે બીબીસીને જણાવ્યું હતું કે આટલી મોટી આપત્તિને કારણે પીડિતોની ઓળખ કરવાનું કામ વધુ મુશ્કેલ બની ગયું હતું.

ભારતની નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી (NDMA) અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાંથી 90% લોકોના મૃતદેહો ગંભીર રીતે બળી ગયા હતા અને અત્યંત આગને લીધે આંગળીઓનાં નિશાન, ચહેરો અને ઓળખ બતાવી શકે તેવા અન્ય દૃશ્યમાન સંકેતો નષ્ટ થઈ ગયા હતા.

NDMAએ ત્યારથી ઍર ઇન્ડિયા ક્રૅશમાંથી બોધપાઠ લીધો છે અને જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલી નવી ઓળખ માર્ગદર્શિકામાં તેનો કેસ સ્ટડી તરીકે ઉપયોગ કર્યો છે.

ડૉ. વેંકટેશે બીબીસીને જણાવ્યું, "આમાંથી એક બોધપાઠ શીખવા મળ્યો."

બીબીસીએ ભારતીય વિદેશ મંત્રાલય, ગુજરાતમાં ઓળખ પ્રક્રિયા માટે જવાબદાર હૉસ્પિટલ અને યુકેના વિદેશ કાર્યાલયનો સંપર્ક કર્યો હતો; પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

ગયા વર્ષે જુલાઈમાં, પ્લેન ક્રૅશના લગભગ એક મહિના પછી, ભારતના વિદેશ મંત્રાલયે બીબીસીને જણાવ્યું હતું કે, "આ ચિંતાઓ અને મુદ્દાઓ અમારા ધ્યાન પર લાવવામાં આવ્યા ત્યારથી અમે યુકે પક્ષ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ."

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું, "આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના પછી સંબંધિત અધિકારીઓએ સ્થાપિત નિયમો અને તકનીકી આવશ્યકતાઓ અનુસાર પીડિતોની ઓળખ હાથ ધરી હતી."

"બધા નશ્વર અવશેષોને અત્યંત વ્યાવસાયિક રીતે અને તમામ મૃતકોની ગરિમા જળવાય તે રીતે સાચવવામાં આવ્યા હતા."

પ્લેન ક્રૅશના પીડિત પરિવારને અપાયા 'ખોટા અવશેષ'?

યુકેમાં એક કિસ્સો એવો પણ છે, જેમાં એક પરિવારને ખોટા અવશેષો આપવામાં આવ્યા હતા.

અમાન્ડા ડોનાઘી યુકે પરત ફર્યાં ત્યારે તેમને લાગતું હતું કે તેઓ પોતાના 39 વર્ષીય પુત્ર ફિઓન્ગલ ગ્રીનલૉ-મીકના અવશેષો પોતાની સાથે લઈ જઈ રહ્યાં છે, પરંતુ પછી તેમને ખબર પડી કે તેમને 70 વર્ષીય ભારતીય મહિલા વસુબેન નરેન્દ્રસિંહના અવશેષો મળ્યા હતા.

આ અઠવાડિયે યુકેના કૉરોનર વિલકોક્સે જણાવ્યું કે તેઓ તાજેતરમાં જ શ્રીમતી રાજના પુત્રનો સંપર્ક કરી શક્યાં છે.

ડોનાઘી હજુ પણ પોતાના પુત્રના અવશેષો શોધી રહ્યાં છે.

ડોનાઘી અને મિતેન પટેલ બંનેનું પ્રતિનિધિત્વ કરતા વકીલ જેમ્સ હીલી-પ્રેટે બીબીસીને જણાવ્યું હતું કે આપત્તિનું પ્રમાણ એટલું મોટું હતું કે ઓળખપ્રક્રિયામાં પડકારો ઊભા થયા હતા, "તેમ છતાં પારદર્શિતા અને જવાબદારી હોવી જ જોઈએ; કારણ કે દરેક પરિવારને તેનો હક છે."

તેમણે ઉમેર્યું કે ગયા એક વર્ષ દરમિયાન "ભારતમાં સત્તાના પદ પર રહેલા કોઈપણ વ્યક્તિએ કોઈ પણ તબક્કે જવાબદારી સ્વીકારી નથી."

"આ અત્યંત શરમજનક છે અને તે તેમની અયોગ્યતા દેખાડે છે."

ડૉ. વેંકટેશને દુર્ઘટનાના થોડા દિવસો પછી અવશેષોની ઓળખમાં મદદ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે એવાં દૃશ્યોનું વર્ણન કર્યું જે આજે પણ તેમનો પીછો છોડતાં નથી.

મહિનાઓ સુધી ટીમોએ કાટમાળ અને ભંગારમાં શોધખોળ ચાલુ રાખી હતી. આસપાસ વિઘટિત થઈ રહેલા માનવ અવશેષો વચ્ચે, 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં તેઓ કામ કરતા રહ્યા હતા.

તેમણે અમને જણાવ્યું કે શરીરના વિવિધ ભાગોને નંબર આપવામાં આવતા હતા અને ત્યારબાદ પ્રક્રિયા માટે સ્થાનિક પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવતા હતા.

પરિવારોને પૂછવામાં આવતું હતું કે શું તેઓ પોતાના સ્વજનનો સંપૂર્ણ મૃતદેહ પરત મેળવવા માંગે છે; આવી પ્રક્રિયામાં ઘણા મહિના લાગી શકે તેમ હતા; કારણ કે બધા અવશેષોનું પરીક્ષણ અને મૅચિંગ (સરખામણી) કરવામાં આવતું હતું.

ડૉ. વેંકટેશના જણાવ્યા મુજબ દુર્ઘટના સમયે, NDMAનું મુખ્ય ધ્યાન "રાહત, બચાવ અને પુનર્વસન" પર હતું. તાત્કાલિક પરિણામોમાં, બચાવકર્મીઓ મૃતદેહોની ઓળખ કરવા પર નહીં, પરંતુ જીવન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા.

'ડીએનએ ટેસ્ટિંગ પણ બની મોટો પડકાર'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, યુકે

ઇમેજ સ્રોત, Family

ડૉ. વેંકટેશે જણાવ્યું, "વિવિધ શબોના અવશેષોને અલગ પાડવામાં ઘણા પડકારો ઊભા થયા હતા; તેમાં કમિંગલિંગ (એકમેકમાં ભળી જવાની સંભાવના)ની સંભાવના ખૂબ જ હતી."

એકથી વધુ વ્યક્તિઓના અવશેષો એકબીજા સાથે ભળી જાય તેને કમિંગલિંગ કહેવામાં આવે છે. જોકે, તેમના જણાવ્યા અનુસાર તેમને એવા કોઈ કેસની જાણ નથી, જેમાં પરિવારે તેમના સ્વજનની ઓળખ અંગે વાંધો ઉઠાવ્યો હોય.

તેમણે જણાવ્યું કે પ્રારંભિક બચાવ કામગીરી પૂર્ણ થયા પછી એક "ઝીણવટભરી" અને "વ્યવસ્થિત" શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં ટીમોએ દુર્ઘટનાસ્થળને અલગ-અલગ ઝોનમાં વહેંચી દીધું હતું.

દુર્ઘટના બાદ NDMA દ્વારા સુધારેલી માર્ગદર્શિકામાં સ્વીકારવામાં આવ્યું હતું કે, "અત્યાર સુધી આપત્તિ વ્યવસ્થાપનના માળખામાં આપત્તિ પીડિતની ઓળખ અને વ્યવસ્થાપન પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી."

જ્યારે ડૉ. વેંકટેશે કહ્યું કે ડેન્ટલ રેકોર્ડને વૈશ્વિક સ્તરે પીડિતોને ઓળખવાની ઝડપી અને વિશ્વસનીય રીત ગણવામાં આવે છે, છતાં સત્તાવાળાઓએ તેમના અગાઉના પ્રોટોકોલના આધારે ડીએનએ ચકાસણીને પ્રાથમિકતા આપી હતી.

સુધારેલી NDMA માર્ગદર્શિકાઓ અનુસાર, તેના કારણે અમદાવાદ નજીક ગાંધીનગરસ્થિત ફોરેન્સિક પ્રયોગશાળામાં અવરોધ ઊભો થયો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, "અચાનક મોટી સંખ્યામાં ધસી આવેલા પડકારજનક ડીએનએના નમૂનાઓને કારણે પ્રયોગશાળાની ક્ષમતા પર ભારે દબાણ ઊભું થયું હતું."

અહેવાલે નિષ્કર્ષ આપ્યો હતો કે ભારતમાં વધુ પ્રાદેશિક DNA પરીક્ષણ સુવિધાઓની જરૂર છે, તેમજ દંતચિકિત્સા આધારિત ઓળખનો વધુ ઉપયોગ થવો જોઈએ.

"આ લડત હજુ ચાલુ છે," મિતેને કહ્યું, "દિવસના અંતે, મારાં માતા કોઈ બીજી વ્યક્તિ સાથે ઘરે પરત ફર્યાં હતાં."

મોટા ભાગનો સમય મિતેન પોતાનું દુઃખ મનમાં દબાવી રાખે છે. પણ રાત્રે 11 વાગ્યે, એક રૂમમાં જઈને એકલા એકલા પોતાનાં સ્વર્ગસ્થ માતા-પિતાના વિડિયો જુએ છે.

તેમનું માનવું છે કે તેઓ પોતાના અને બીજાના પરિવારો માટે લડાઈ લડી રહ્યા છે અને તેમના સન્માન માટે કમ સે કમ આટલું તો કરવું જ જોઈએ.

"હું નથી ઇચ્છતો કે હું મરી જાઉં અને ઉપર જઈને મારા માતા-પિતાને મળું અને તેઓ…" મિતેન થોડા સમય માટે અટકી જાય છે.

"હું ઇચ્છું છું કે તેઓ મને કહે, બેટા, અમને તારા પર ખૂબ ગર્વ છે. અમારા ગયા પછી તેં જે કંઈ થઈ શક્યું, તે બધું કર્યું."

(અમદાવાદમાં પ્રેમ બૂમીનાથન દ્વારા વિશેષ રિપોર્ટિંગ)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન