અમદાવાદ પ્લેન ક્રૅશ : 'એમને એમ છે કે એ બચી ગયો હશે અને ક્યાંકથી પાછો આવશે'

ઇમેજ સ્રોત, mukesh maheshawari
અમદાવાદ પ્લેન ક્રૅશમાં પ્લેનમાં સવાર 241 લોકો સહિત કુલ 260 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાને એક વર્ષ થયું છે અને હજી સુધી તેનો ભોગ બનનારા પરિવારોના માનસમાં તેની યાદો તાજી છે.
વડોદરાનો મહેશ્વરી પરિવાર આવો જ એક પરિવાર છે, જેઓ તેમના 25 વર્ષના દીકરા ભાવિક મહેશ્વરીને એક ક્ષણ માટે પણ ભૂલી નથી શક્યો.
ઘટનાના એક વર્ષ બાદ બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે વડોદરા તેમના ઘરે પહોંચી તો ઘરમાં હજી સુધી જાણે માતમ છવાયો હતો.
તેમનાં માતા અને કાકી પોતાને વ્યસ્ત રાખવા માટે રસોડામાં હતાં, તો પિતા પોતાની કરિયાણાની દુકાન પર હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ભાવિકનાં નાના ભાઈ અને તેમનાં કાકા-કાકીનાં બાળકો તેમના દાદા સાથે જોવા મળ્યાં હતાં.
દાદા અરજણકુમાર મહેશ્વરી અને ભાવિકનો નાનો ભાઈ દિવ્યાંગ અમને તેમના ડ્રોઇંગરૂમમાં બેઠા મળ્યા. દિવ્યાંગ એક સ્પેશિયલ ચાઇલ્ડ છે અને તેમની માતાથી પરવાનગી લઈને અમે તેમની સાથે વાત કરી.
દિવ્યાંગ ઊઠીને પોતાના રૂમમાં ગયા અને જૂતાંની જોડી લઈને આવ્યાં. તૂટકતૂટક વાક્યોમાં તેમણે અમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે છેલ્લી વખત જ્યારે ભાવિક ભારત આવ્યા હતા, ત્યારે તેમના માટે ઇંગ્લૅન્ડથી આ જૂતાં લઈને આવ્યાં હતાં.
"મેં તેમને ફોટા મોકલાવ્યો હતો, કે મારે આવા બુટ જોઈએ છે." આટલું કહીને દિવ્યાંગે 12મી જૂન 2025ના દિવસની વાત કરી જ્યારે તેઓ પોતે પોતાનાં દાદી, કાકા અને કાકી સાથે ભાવિકને અમદાવાદ ઍરપૉર્ટ પર મૂકવા ગયાં હતાં. ભાવિકને તેઓ 'મંકુભૈયા' તરીકે સંબોધે છે.
તેમણે કહ્યું, "અમે ગયા, વાતો કરી, મેં તેમને કહ્યું કે હેપ્પી જર્ની અને પછી તેઓ જતા રહ્યાં તો અમે પાછા વડોદરા આવી ગયા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે હજી આ વાત કરી રહ્યાં હતા, ત્યાં ભાવિકના પિતા મુકેશભાઈ મહેશ્વરી દુકાનેથી આવી ગયા હતા. તેમણે અમને કહ્યું, "ભાવિક અને દિવ્યાંગ વચ્ચેનું બૉન્ડિંગ ખૂબ સારું હતું. જ્યારથી ભાવિક યુકે જઈને કમાતો થયો હતો, ત્યારથી ક્યારેય મેં દિવ્યાંગ માટે એક રૂપિયો ખર્ચ કર્યો નથી. તેના મોબાઇલ રિચાર્જથી માંડી રમતગમતની વસ્તુઓ કે પછી તહેવાર સમયે ફટાકડાં કે કપડાં બધું જ ભાવિક ત્યાં બેઠો બેઠો એને અહીંયાં અપાવી દેતો હતો."
ઘરના ડ્રોઇંગરૂમની અંદર ટી.વી. સેટની નીચે ભાવિકની એક તસવીર છે, જેમાં તેઓ તેમનાં કાકાની નાની દીકરી સાથે ઊભા હતાં. આ તસવીર વિશે જ્યારે તે નાની દીકરીને પૂછ્યુ તો તેમણે કહ્યું કે 'મંકુભૈયા' જ્યારે આ વખતે આવ્યા હતા, ત્યારે તેમણે મારી સાથે આ ફોટો પડાવ્યો હતો. આટલું કહેતા તે રડવાં માંડી, અને ફોટો ફ્રેમ હાથમાં લઈને અંદરના રૂમમાં જતી રહી.
'એ બધાની ચિંતા કરતો, આઠ મહિના બાદ તેનાં લગ્ન હતાં'

ઇમેજ સ્રોત, Pavan jaishwal
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાવિક જ્યાં રહે છે, તે ચાર માળની બિલ્ડિંગ છે. દરેક માળ પર એક પરિવાર રહે છે, જેમાં ભાવિકના પિતા સહિત તેમના ત્રણ ભાઈઓ તેમજ ભાવિકનાં દાદા-દાદી રહે છે.
આખું કુટુંબ એક સાથે રહે છે. ભાવિકનાં માતા કવિતાબહેન મહેશ્વરી જ્યારે રસોડામાંથી બહાર આવ્યાં તો તેમણે કહ્યું કે, અમારા પરિવારમાં કઝિન્સ જેવો કોઈ શબ્દ જ નથી. ભાવિક ક્યારે તેમને કઝીન બ્રધર કે કઝીન સિસ્ટર નહોતો કહેતો. તે તેમને ભાઈ-બહેને જ કહેતો અને દર તહેવારમાં દરેકના જન્મદિનમાં કે કોઈ પણ પ્રસંગમાં લંડનથી તેમના માટે ખૂબ ગિફ્ટ મોકલાવતો. આજે એક વર્ષ થઈ ગયું છે, તેમ છતાંય આ બાળકો તેને એક ક્ષણ માટે પણ ભૂલી નથી શક્યા.
ભાવિકની તસવીર હાથમાં લઈને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "પોતાની નાની ઉંમરમાં અમને મોટી ખુશીઓ આપીને જતો રહ્યો. તે બધાની ચિંતા કરતો હતો. આઠ મહિના બાદ તેનાં લગ્ન હતાં."
ભાવિક સાથેની પોતાની છેલ્લી વાત વિશે વાત કરતા તેઓ કહે છે કે, "તેણે મને વૉટ્સઍપ ઑડિયો મૅસેજ કર્યો હતો કે, મમ્મી અહીંયાં કોઈ નેટવર્ક આવી નથી રહ્યું, માટે હું તને પછી ફોન કરીશ. મેં તેણે કહ્યું હતું કે હવે તારું સેક્યૉરિટી ચેક પતી ગયું છે તો તું કંઈ ખાઈ લેજે."
25મી મે 2025ના રોજ ભાવિક ભારત આવ્યા હતા, કારણ કે 31મી મેના રોજ તેમણે પોતાનાં માતા-પિતાની લગ્નની વર્ષગાંઠ ઊજવવી હતી. ખૂબ જ ધામધૂમથી તે વર્ષગાંઠ તેમણે ઊજવી, અને પોતાના પરિવારના તમામ લોકોને બોલાવ્યા.
મુકેશભાઈ કહે છે કે, "અમે બાપ-દીકરા ક્યારેય ગળે નહોતા મળ્યા. એ વખતે પહેલી વાર અમે બન્ને ગળે મળ્યા હતા. અમને શું ખબર હતી કે આ છેલ્લી વખત પણ થઈ જશે, કારણ કે એના 12 દિવસ પછી તો આ અકસ્માત થઈ ગયો હતો."
અકસ્માતના બે દિવસ પહેલાં ભાવિકના કોર્ટ મૅરેજ થયાં હતાં

ઇમેજ સ્રોત, Pavan jaishwal
આ કાર્યક્રમના 10મા દિવસે એટલે કે 10મી જૂન, 2025ના રોજ ભાવિકે કોર્ટ મૅરેજ કર્યાં હતાં. આ છોકરી સાથે હિંદુ પરંપરા પ્રમાણે આઠ મહિના બાદ તેમનાં લગ્ન થવાનાં હતાં. તેઓ જ્યારે ઍરપૉર્ટ પર હતા, ત્યારે તેમનાં કાકા-કાકીની સાથે સાથે તેમનાં વાગ્દત્તા પણ તેમને મળવા આવ્યાં હતાં.
કવિતાબહેન કહે છે કે, "ભાવિકે તેને કહ્યું હતું કે તું રડીશ નહીં, હું આઠ મહિના બાદ આવી રહ્યો છું. આપણા હવે કોર્ટ મૅરેજ થઈ ગયા છે, તો હવે હું તારા તમામ ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરીશ અને લગ્ન કરીને તને લઈ જઈશ."
ભાવિકની વાત કરતા પરિવારના દરેક સભ્ય ધ્રૂસકે ને ધ્રૂસકે રડતાં જોવા મળ્યાં હતાં. ભાવિકનાં કાકી મોનિકાબહેન મહેશ્વરીએ બીબીસી ગુજરાતી સાથે રડતાં રડતાં વાત કરી.
તેમણે કહ્યું કે, "16મી જૂને તેના પાર્થિવ શરીરને એક બૉક્સમાં લઈને આવ્યા. અમને તેને ચહેરો પણ જોવા ન મળ્યો. માત્ર તેનો ફોટો જોઈને અમે તેને વિદા કર્યો. તેના કાકાને તો હજી પણ એવું લાગે છે કે, તેમનો ભાવિક પાછો આવશે. એમને એમ છે કે, એ બચી ગયો હશે અને ક્યાંકથી પાછો આવી જશે."
અમે જ્યારે આ વાત કરી રહ્યાં હતાં, ત્યારે તેમનો નાનો ભાઈ પોતાના બેટિંગ ગ્લોઝ અને એક પર્સ લઈને આવ્યો. તેમણે કહ્યું કે, "મેં તેમની પાસેથી બેટિંગ ગ્લોઝ માગ્યાં હતાં. તેમણે તેની સાથે-સાથે પોતાનું પર્સ પણ મને આપી દીધું હતું."
તેમના આ નાના ભાઈ પાસે આજે પણ તે પર્સ જેમ હતું તેમ પડ્યું છે. ભાવિકની ઇન્ડિયન કરન્સી, તેમનો પાસપૉર્ટ સાઇટ ફોટો બધી વસ્તુઓ તેમના આ નાના ભાઈએ જેમની તેમ સંભાળીને રાખી છે.
તેમણે કહ્યું, "તે મારા ભાઈ નહીં પણ પપ્પાની જેમ હતા. હું મારી દરેક વાત તેમને કહેતો હતો." આટલું કહેતા તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો, અને પછી પોતાને થોડુંક સંભાળીને ફરીથી કહ્યું કે, "આ બધી વસ્તુઓ હું જીવનભર સંભાળીને રાખીશ."
ભાવિકના પરિવારે તેમની દરેક વસ્તુ સંભાળીને રાખી છે. પછી 12મી જૂન, 2025ના ઇમિગ્રેશનના સિક્કા સાથેનો તેમનો પાસપૉર્ટ હોય, તેનાં ક્રૅડિટ કાર્ડ કે પછી AI-171નો 12મી તારીખનો બૉર્ડિંગ પાસ હોય. અડધી બળી બળેલી, અડધા પલળી ગયેલી આ તમામ વસ્તુઓ પરિવારે તેની યાદ તરીકે સંભાળીને રાખી છે.
"હવે અમારી પાસે માત્ર આ તેની યાદો જ રહી ગઈ છે, તેને જ સંભાળીને રાખવાની છે."
'આ દુર્ઘટના પાછળ કોનો વાંક'

ઇમેજ સ્રોત, mukesh maheshawari
છેલ્લાં ચાર વર્ષથી ભાવિક લંડનમાં રહેતા હતા. વડોદરામાં સ્કૂલિંગ કરી, પછી બીબીએનો અભ્યાસ કરી તેઓ લંડનમાં એક એમબીએનો અભ્યાસ કરી રહ્યા હતા અને એક કૅર સેન્ટરમાં નોકરી પણ શરૂ કરી હતી. નવેમ્બર 2025માં તેમના પિતા મુકેશભાઈ લંડન ગયા હતા અને ભાવિકના કામના સ્થળની મુલાકાત લીધી હતી.
તેમણે એ જોઈને નવાઈ લાગી હતી કે તેમની ઑફિસના નાનકડા ગાર્ડનને તેમની યાદમાં તેમનું નામ આપવામાં આવ્યું છે. આટલું જ નહીં, ઑફિસમાં એક ખૂણામાં તેમની તસવીર પણ મૂકવામાં આવી છે. તેના તમામ સહકર્મીઓએ એક ભાવિકની તસવીર સાથેનો એક મોમેન્ટો પણ મુકેશભાઈને ભેટ આપ્યો.
લંડનમાં રહેતા ભાવિક અવરજવર કરવા અને એક રેસ્ટોરાંમાં કામ કરવા માટે એક ઇલેક્ટ્રિક સાઇકલનો ઉપયોગ કરતો હતો. "હું જ્યારે તે રેસ્ટોરાંમાં પહોંચ્યો તો તેમણે મને તેની આ સાઇકલ અને આ કૅપ આપી. તેમણે કહ્યું કે, ભાવિક આ સાઇકલ પર ખૂબ મહેનત કરતો હતો, જેથી એ વધારાના પૈસા કમાઈ શકે અને પરિવારને વિવિધ ગિફ્ટ અપાઈ શકે. હવે હું આ સાઇકલ તેની યાદ તરીકે લંડનથી અહીં લઈ આવ્યો છું."
ભાવિકનું નામ આવતા જ તેમનાં માતા કવિતાબહેન રડી પડે છે. તેઓ કહે છે કે, "અમને બસ એટલું જાણવું છે કે આ દુર્ઘટના પાછળ કોનો વાંક છે. અમારે જાણવું છે કે કોની ભૂલને કારણે અમારી દુનિયા લુટાઈ ગઈ, અમારા જેવા અનેક પરિવારો આજે અવિરત રડી રહ્યા છે. હું તમારા મારફતે એટલું જ કહેવા માગું છું કે અમને જલદી ન્યાય આપો, બસ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















