જાપાનના આ શહેરમાં પહેલી મસ્જિદને કારણે કેમ વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે?

- લેેખક, કુરુમી મોરી
- પદ, ટોક્યો સંવાદદાતા, ફુજીસાવા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
આજે, તે સ્થળે ઘાસનું મેદાન આવેલું છે. પણ ટૂંક સમયમાં જ આ જગ્યા પર જાપાનના આ શહેરની પ્રથમ મસ્જિદનું નિર્માણ થશે.
લાંબા સમયથી અહીં રહેતાં નોરિકો ઇઝુમિઝાવા કહે છે, "મને એ વાતની ચિંતા થાય છે કે, આનાથી અમારો સમાજ કેવી રીતે બદલાઈ શકે છે."
ટોક્યોની દક્ષિણે આશરે એકાદ કલાકના મોટરમાર્ગે દરિયાકાંઠે ફુજીસાવા નામનું એક શાંત નગર વસેલું છે.
ત્યાં એક ઇસ્લામિક ધર્મસ્થાન બનાવવાની યોજનાએ લોકોમાં વિવિધ પ્રકારની લાગણીઓ જન્માવી છે.
ત્યાં આક્રોશ અને ડરની સાથે-સાથે આશા અને સ્વીકૃતિ પણ છે, જે ઘટી રહેલી અને વૃદ્ધ થઈ રહેલી વસ્તીને કારણે શ્રમિકોની સર્જાયેલી અછતની સ્થિતિમાં ઇમિગ્રેશન (સ્થળાંતર) તેમજ સામાજિક પરિવર્તનને લઈને વધી રહેલી ચિંતાને ઉજાગર કરે છે.
ઇમિગ્રેશ (સ્થળાંતર) રાજકીય દૃષ્ટિએ સંવેદનશીલ અને પ્રતિબંધિત મુદ્દો હોવા છતાં જાપાન ખાલી થયેલી જગ્યાઓ ભરવા માટે વધુને વધુ વિદેશી કામદારો પર નિર્ભર થઈ રહ્યું છે.
તેનો અર્થ એ કે, વિવિધ સંસ્કૃતિ, ભાષાઓ, ધર્મો અને જીવનશૈલી ધરાવનારા સ્થળાંતરકર્તાઓનો પ્રવાહ ઠલવાઈ રહ્યો છે.
આથી, દેશભરમાં ફુજીસાવા જેવાં નગરોમાં ચાલી રહેલી ચર્ચા જાપાન સ્વયંને કેવી રીતે જુએ છે - તે બાબતના મૂળ સુધી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવું અનુભવનારાં ઇઝુમિઝાવા એકલાં નથી. તેઓ ફુજીસાવાના રહીશોના એ જૂથમાંનાં એક છે, જેઓ મુસ્લિમ સમુદાયની વધી રહેલી હાજરીથી ચિંતિત છે.
તેઓ કહે છે કે, અમેરિકા અને યૂરોપમાં ઇમિગ્રેશન વિશે થઈ રહેલી વિવાદાસ્પદ ચર્ચાઓએ પણ તેમની ચિંતા વધારી દીધી છે.
ચાલુ વર્ષના પ્રારંભમાં સ્થાનિક ટ્રેન સ્ટેશન પર મસ્જિદ-વિરોધી દેખાવો થયા હતા, જેમાં હજ્જારો લોકો મસ્જિદના પ્રસ્તાવિત નિર્માણના વિરોધમાં રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા.
કેટલાક લોકો એવી દલીલ કરે છે કે, નજીક આવેલા જાપાનિઝ શિન્ટો કરતાં ઘણી વિશાળ મસ્જિદ હોવી એ અનાદર સમાન છે.
તે ઉપરાંત જાપાનિઝ સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતાં નિવેદનો અને ખોટી માહિતી ફેલાઈ રહી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
સ્થાનિક માધ્યમોના જણાવ્યા પ્રમાણે, મસ્જિદોને અપમાનજનક ફોન કૉલ અને ઇમેઇલ્સ મળી રહ્યા છે, જેમાંના કેટલાક ફોન કોલ અને ઇમેઇલ્સને લીધે નફરત વિરોધી જૂથોએ નફરત ન ફેલાવવાની માગણી સાથે વળતા દેખાવો યોજવાની ફરજ પડી છે.

ફુજીસાવા મસ્જિદનું બાંધકામ જ્યાં થવાનું છે, તે રોડની સામેની બાજુએ આવેલી કૉફી શૉપ ચલાવતા હિરોકી સુઝુકા બહેતર સમજ અને સંવાદની હિમાયત કરે છે.
તેમણે કહ્યું હતું, "હું તેનો ખાસ વિરોધી નથી, પણ હું એમ પણ નહીં કહું કે, હું તેની તરફેણમાં છું."
"મને લાગે છે કે, પહેલું કદમ તેમને સમજવા વિશે છે, તેઓ કેવા પ્રકારના લોકો છે અને તેઓ કેવાં મૂલ્યો તેમજ દૃષ્ટિકોણ ધરાવે છે."
"તેની શરૂઆત મન ખુલ્લું રાખવાથી અને એકમેકને સમજવાની ઇચ્છા સાથે થાય છે."
જાપાનમાં મુસ્લિમોની કેવી સ્થિતિ છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બિઝનેસમૅન મહમ્મદ મોહિદીન છેલ્લાં 39 વર્ષોથી ઓસાકામાં રહે છે. તેઓ આર્થિક તેજી દરમિયાન કામની બહેતર તકોને પગલે 1987માં તેમના મૂળ દેશ શ્રીલંકામાંથી અહીં આવીને વસ્યા હતા.
તેમણે કિંમતી રત્નોનો વેપાર કર્યો અને પછીથી તેઓ શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોમાં યુઝ્ડ કારની નિકાસ કરવાના વેપારમાં જોડાયા હતા.
તેઓ એ સમયે અહીં આવીને વસ્યા હતા, જ્યારે વિદેશી રહેવાસીઓની સંખ્યા ઘણી ઓછી હતી.
પણ મોહિદીનને લાગે છે કે, સ્થાનિક લોકો હવે પહેલાંના સમય કરતાં વધુ પ્રતિકૂળ બની ગયા છે અને મુસ્લિમો ઉપર ઑનલાઇન તેમજ તેમની હાજરીમાં અપમાનજક ટિપ્પણીઓ કરવા માંડ્યા છે.
મોહિદીને જણાવ્યું હતું, "સોશિયલ મીડિયા પર, એ પ્રકારની અગણિત કૉમેન્ટ્સ જોવા મળે છે કે, 'જાપાન છોડીને જતા રહો' અને 'તમારા પોતાના દેશમાં પાછા ચાલ્યા જાઓ.' આ ઉપરાંત લોકો મસ્જિદમાં આવી-આવીને પણ અપશબ્દો બોલવા માંડ્યા છે."
મોહિદીન સ્થાનિક ઇસ્લામિક સમુદાયના સભ્ય તરીકે રોજ નમાઝ પઢવા માટે તેમજ અન્ય કાર્યો માટે ઓસાકાની મસ્જિદમાં જાય છે.
તેઓ કહે છે કે, તેમને કદીયે જીવનું જોખમ હોવાની લાગણી થઈ નથી.
પાડોશીઓ સાથે ઘણાં વર્ષોથી સારા સંબંધો હોવા છતાં મોહિદીને તાજેતરના ગાળામાં જ મુસ્લિમો તરફના વલણમાં ફેરફાર થતો નોંધ્યો છે.
"હવે, મને લાગે છે કે, લોકોને અમારાથી ડર લાગે છે."
મૌખિક દુર્વ્યવહારની ઘટનાઓ તાજેતરમાં ઘણી વધી ગઈ છે.
તેમના મુસ્લિમ સમુદાયના સભ્યોને આતંકવાદી કહેવામાં આવ્યા હતા, તેમના પર બોમ્બ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેમને જાપાન છોડીને જતા રહેવા જણાવવામાં આવ્યું હતું.
મોહિદીને જણાવ્યું હતું કે, "જ્યારે આવું થાય, ત્યારે અમારે ધીરજ ધરવાની હોય છે."
"તેઓ લડવા માટે કે આમને-સામને આવી જવા માટે અમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. તેઓ જોવા માગે છે કે, અમે કેટલા સમય સુધી આ બધું સહન કરીશું."
"આથી અમે શાંત રહીએ છીએ, સૌમ્ય રીતે વાત કરીએ છીએ અને તેમની સાથે ભલમનસાઈથી વર્તીએ છીએ, કારણ કે, જાપાનના લોકો સામાન્યપણે ઇસ્લામ વિશે ખાસ જાણકારી ધરાવતા નથી."
તેમ છતાં, તેઓ માને છે કે, આ અંતર માટે અમુક અંશે સહિયારી જવાબદારી છે.
તેઓ કહે છે કે, "અમે માત્ર અમારા કામ પર જ ધ્યાન આપ્યું અને લાંબા સમય સુધી લોકોને એ સમજાવવાનો પૂરતો પ્રયત્ન ન કર્યો કે અમે કોણ છીએ. અમે આ સમાજનો ભાગ બનવા માટે પણ પૂરતી કોશિશ ન કરી."
"હવેથી, હું સંવાદ વધારવા પાછળ તેમજ પરસ્પર બહેતર સમજૂતી પ્રસ્થાપિત કરવા પાછળ મહેનત કરવા માગું છું."

61 વર્ષના શકીલ મહમ્મદ છેલ્લા એક દસકાથી સૈતામા પ્રાંતની યાશિઓ મસ્જિદનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
પાકિસ્તાનથી જાપાન આવ્યા પછી તેમણે 26 વર્ષ સુધી કન્સ્ટ્રક્શન સાઇટ સુપરવાઇઝર તરીકે કામ કર્યું છે અને તેઓ અસ્ખલિત જાપાનિઝ બોલે છે.
મહમ્મદ કહે છે કે, સૌથી મહત્ત્વની વાત જાપાનના નિયમોનું પાલન કરવાની છે, જેમાં કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવું, પાર્કિંગના નિયમોને અનુસરવા તથા બાઇસિકલ ચલાવતી વખતે હેલમેટ પહેરવાનો સમાવેશ થાય છે.
"અમે જાપાનમાં પ્રવર્તતા રીત-રિવાજોનો આદર કરવાનો અને નિયમોનું પાલન કરવાનો શક્ય પ્રયત્ન કરીએ છીએ. વળી, અહીં લોકોને નમસ્કાર કરવા જેવી નાની અમથી વાતમાં પણ સૌજન્ય મહત્ત્વપૂર્ણ છે."
તેમણે જણાવ્યું હતું કે, યાશિઓમાં રહેતા જાપાનિઝ સ્થાનિકો આ વિસ્તારના પાકિસ્તાની સમુદાયને "યાશિઓ-સ્તાન" તરીકે સંબોધે છે.
"જોકે, એ સાચું છે કે, કેટલાક પાકિસ્તાનીઓ ખરાબ વર્તન કરે છે, પણ તેવા લોકોનું પ્રમાણ ઘણું જ ઓછું છે અને તે બાબત જાપાનિઝ લોકોને પણ લાગુ પડે છે."
અન્ય દેશોથી જાપાન આવતા લોકોની કેવી સ્થિતિ છે?
જાપાન વ્યાપક વસ્તિવિષયક ફેરફારોની સામે પોતાની ઓળખ જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
જાપાનમાં ધર્મનો અભ્યાસ કરનારા વાસેડા યુનિવર્સિટીના પ્રોફેસર ઇમેરિટસ હિરોફુમી તાનાડાના જણાવ્યા પ્રમાણે, જાપાનમાં વિદેશી રહેવાસીઓ તથા જાપાનિઝ શ્રદ્ધાળુઓની સંખ્યા 2024ના અંતમાં આશરે 4,20,000 નોંધાઈ હતી, જે 2019માં 2,30,000 હતી.
દેશમાં મુસ્લિમોની વધી રહેલી વસ્તી દેશવ્યાપી મોટો પ્રવાહ પણ દર્શાવે છે.
વિદેશી રહેવાસીઓની વસ્તી - જે મુખ્યત્વે ચીન, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને ફિલિપાઇન્સમાંથી આવે છે - તે 2025માં 40 લાખને પાર થઈ ગઈ હતી.
સરકારી ડેટા પ્રમાણે, તેમાંથી 25.7 લાખ લોકો જાપાનમાં કામ કરે છે. એ જ વર્ષે જાપાનની વસ્તીમાં આશરે દસ લાખનો ઘટાડો નોંધાયો હતો.
સરકારી અધિકારીઓ લાંબા સમયથી દેશને ઇમિગ્રેશન દેશ તરીકે ઓળખાવવાનું ટાળતા આવ્યા છીએ, પણ તેઓ એવા વિઝા આપવા પર ભાર મૂકે છે, જે કાયમી કરતાં કામચલાઉ વધુ માનવામાં આવતા હોય છે. આલોચકો તેને "છૂપી" ઇમિગ્રેશન સિસ્ટમ કહે છે.
પણ તેમ છતાં, વડા પ્રધાન સનાએ તાકાઈચીએ વ્યાપક સ્તરના ઇમિગ્રેશન (સ્થળાંતર) સામે અત્યંત રૂઢિચુસ્ત વલણ અપનાવ્યું છે.
જૂન, 2026માં જાપાનની સરકારે વિદેશી નાગરિકો માટેની વિઝા ફીની રકમ આશરે 50 વર્ષ સુધી ન વધાર્યા પછી પાંચ ગણી વધારી દેવાનો નિર્ણય લીધો હતો.
હવે, સરકાર ઇમિગ્રેશન સર્વિસ એજન્સીમાં કર્મચારીઓની સંખ્યામાં આશરે 230 લોકોનો વધારો કરવાનું આયોજન કરી રહી છે, જે પાછળનો આશય વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ગેરકાયદેસર રોકાઈ રહેલા વિદેશીઓ સામે કાનૂની અમલ મજબૂત કરવાનો છે.
અધિકારીઓ દેશમાં વિદેશી રહેવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે મર્યાદા લાવે, એવી પણ શક્યતા છે.
જેમ-જેમ ઇમિગ્રન્ટ સમુદાયો વધુને વધુ દેખાઈ રહ્યા છે, તેમ-તેમ દેશ લાંબા સમયથી જેને ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે સવાલનો સામનો કરવા મજબૂર બન્યો છે. તે સવાલ છેઃ શું જાપાન તેની પોતાની ઓળખ અને ઐક્યની ભાવનાને જાળવી રાખીને વધુ વિવિધતા ધરાવતો દેશ બની શકે?
ફુજીસાવામાં, ઇઝુમિઝાવા સ્વીકારે છે કે, તેમને પોતાને કદી મુસ્લિમ પાડોશીનો નકારાત્મક અનુભવ થયો નથી.
"હકીકત એ છે કે, કદાચ હું અજાણી બાબતોથી ડરું છું," એમ તેઓ કહે છે.
ચી કોબાયાશી દ્વારા ઉમેરારૂપ રિપોર્ટિંગ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























