ઈરાન યુદ્ધ : શું પાકિસ્તાને ઈરાની યુદ્ધવિમાનોને અમેરિકાથી બચાવવા માટે પોતાના ઍરબેઝ પર પાર્ક કરવાની આપી હતી પરવાનગી?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
પાકિસ્તાને નૂર ખાન ઍરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોની હાજરી અંગે પ્રકાશિત થયેલા એક ન્યૂઝ અહેવાલને નકારી કાઢ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેને 'ભ્રામક' અને 'સનસનાટીભર્યું રિપોર્ટિંગ' ગણાવ્યું છે.
અમેરિકાની સીબીએસ ન્યૂઝે અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કર્યું હતું કે એક તરફ પાકિસ્તાન, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ તે પોતાના ઍરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોને પાર્ક કરવાની મંજૂરી આપી રહ્યું છે.
સીબીએસના અહેવાલ પ્રમાણે, ઈરાનનો હેતુ આ વિમાનોને અમેરિકી હુમલાથી બચાવવાનો છે.
સીબીએસના આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, ઈરાને પોતાનાં નાગરિક વિમાનોને અફઘાનિસ્તાન પણ મોકલ્યાં છે.
સીબીએસ મુજબ, અમેરિકાના હુમલામાં બચી ગયેલાં સૈન્ય અને નાગરિક વિમાનોને સુરક્ષિત રાખવા માટે ઈરાને તેમને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મોકલ્યાં છે.
પાકિસ્તાને શું કહ્યું?
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને સીબીએસ ન્યૂઝના આ અહેવાલને ફગાવી દીધો છે.
પોતાના વિગતવાર જવાબમાં પાકિસ્તાને કહ્યું, "નૂર ખાન ઍરબેઝ પર ઈરાની વિમાનોની હાજરી અંગે સીબીએસ ન્યૂઝનો અહેવાલ ભ્રામક છે. અમે આ અહેવાલને સંપૂર્ણપણે નકારીએ છીએ. એવું લાગે છે કે આવી અટકળ આધારિત કહાણીનો હેતુ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ માટે ચાલતા પ્રયાસોને નબળા પાડવાનો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાને કહ્યું, "યુદ્ધવિરામ પછી અને ઇસ્લામાબાદ ચર્ચાની શરૂઆતના તબક્કા દરમિયાન, ઈરાન અને અમેરિકા બંનેમાંથી અનેક વિમાનો પાકિસ્તાનમાં આવ્યાં હતાં. જેથી રાજદ્વારી કર્મચારીઓ, સુરક્ષા ટીમો અને ચર્ચા પ્રક્રિયા સાથે જોડાયેલા વહીવટી સ્ટાફના આવાગમનને સરળ બનાવી શકાય."
"કેટલાંક વિમાનો અને સહાયક કર્મચારીઓ આગળની ચર્ચાની શક્યતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રીતે પાકિસ્તાનમાં જ રહ્યાં. હાલના સમયમાં સત્તાવાર ચર્ચાઓ હજુ શરૂ થઈ નથી, પણ ઉચ્ચ સ્તરના રાજનૈતિક સંપર્કો ચાલુ રહ્યા છે. આ જ સંદર્ભમાં, ઈરાનના વિદેશ મંત્રીની ઇસ્લામાબાદ મુલાકાત હાલની લૉજિસ્ટિક અને વહીવટી વ્યવસ્થાઓ હેઠળ સુગમ બનાવવામાં આવી હતી."
જોકે, પાકિસ્તાને ઈરાની વિમાનોની હાજરીને સંપૂર્ણપણે નકારી નથી કાઢી, પરંતુ કહ્યું, "જે ઈરાની વિમાનો હાલમાં પાકિસ્તાનમાં છે, તે યુદ્ધવિરામ દરમિયાન આવ્યાં હતાં અને તેમનો કોઈપણ સૈન્ય ટુકડી અથવા સંરક્ષણ વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી. તથ્યોથી વિપરીત આ પ્રકારના દાવાઓ અટકળ આધારિત, ભ્રામક અને તથ્યોથી સંપૂર્ણપણે અલગ છે."
પાકિસ્તાને કહ્યું કે તે સતત સંવાદ અને તણાવ ઘટાડવાના સમર્થનમાં નિષ્પક્ષ, રચનાત્મક અને જવાબદાર ભાગીદાર તરીકે કાર્ય કરતું રહ્યું છે.
સીબીએસ ન્યૂઝના અહેવાલમાં બીજું શું જણાવાયું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સીબીએસ ન્યૂઝે દાવો કર્યો કે અમેરિકી અધિકારી કે જેમણે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતોમાં પોતાનું નામ જાહેર નહીં કરવા શરતે માહિતી આપી, તે મુજબ એપ્રિલના પ્રારંભમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.
તે પછી થોડા જ દિવસોમાં ઈરાને ઘણાં વિમાનો પાકિસ્તાનની વાયુસેનાના નૂર ખાન ઍરબેઝ પર મોકલ્યાં. આ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ સૈન્ય ઠેકાણું રાવલપિંડી નજીક આવેલું છે.
આ સૈન્ય વિમાનોમાં ઈરાની વાયુસેનાનું એક RC-130 વિમાન પણ સામેલ હતું, જે લૉકહીડ સી-130 હરક્યૂલસ સામરિક પરિવહન વિમાનનું ટોહી કે ગુપ્ત જાણકારી મેળવવા માટે કામ કરતું સંસ્કરણ છે.
આ રિપોર્ટ મામલે રિપબ્લિકન સેનેટર ગ્રેહામ લિન્ડસેએ ઍક્સ પર લખ્યું, "જો આ રિપોર્ટ સાચો છે, તો ઈરાન, અમેરિકા અને અન્ય પક્ષો વચ્ચે મધ્યસ્થ તરીકે પાકિસ્તાનની ભૂમિકાનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું પડશે. પાકિસ્તાની સંરક્ષણ અધિકારીઓ દ્વારા ઇઝરાયેલ અંગે અગાઉ આપવામાં આવેલાં કેટલાંક નિવેદનોને જોતાં, જો આ સાચું નીકળે તો મને આશ્ચર્ય નહીં થાય."
અફઘાનિસ્તાનએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાન તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે અફઘાનિસ્તાનમાં કોઈ પણ ઈરાની વિમાનોની હાજરીને નકારી કાઢતા સીબીએસ ન્યૂઝને કહ્યું, "ના, આ સાચું નથી અને ઈરાનને આવું કરવાની જરૂર પણ નથી."
સીબીએસ સાથે વાત કરનારા અફઘાન નાગરિક ઉડ્ડયન વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, મહાન ઍરનું એક ઈરાની મુસાફર વિમાન યુદ્ધ શરૂ થવાના થોડા સમય પહેલાં કાબુલ પહોંચ્યું હતું અને ઈરાની હવાઈ ક્ષેત્ર બંધ થયા પછી પણ કાબુલ ઍરપૉર્ટ પર ઊભું રહ્યું હતું.
સીબીએસ મુજબ, જ્યારે પાકિસ્તાને માર્ચમાં કાબુલ પર હવાઈ હુમલા કર્યા અને અફઘાન તાલિબાન સરકાર પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને પનાહ આપવાનો આરોપ લગાવ્યો, ત્યારે સુરક્ષા ચિંતાઓને કારણે તાલિબાનના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાએ તે વિમાનને ઈરાનની સરહદ નજીક આવેલા હેરાત ઍરપૉર્ટ પર મોકલવાનો નિર્ણય કર્યો.
રિપોર્ટ મુજબ, આ પગલું કાબુલ ઍરપૉર્ટ પર પાકિસ્તાની વિમાનો દ્વારા સંભવિત બૉમ્બમારાથી વિમાનને બચાવવા માટે લેવામાં આવ્યું હતું.
બીબીસી ઉર્દૂ મુજબ, 11 એપ્રિલે ઈરાન-અમેરિકા ચર્ચાનો પ્રથમ તબક્કો શરૂ થયો તેનાં થોડા દિવસ પહેલાં અમેરિકી પ્રતિનિધિમંડળના આગમન પહેલાં, સુરક્ષા અને પ્રોટોકૉલ કર્મચારીઓને લઈને અનેક વિમાનો ઇસ્લામાબાદ પહોંચ્યાં હતાં.
આ જ રીતે ઈરાની પ્રતિનિધિમંડળ પણ વિમાનો દ્વારા ઇસ્લામાબાદ આવ્યું હતું.
તે સમયે એક સરકારી અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે અમેરિકી C-17 કાર્ગો વિમાન 9 એપ્રિલે કતાર સ્થિત અમેરિકી અલ-ઉદેઇદ ઍરબેઝથી ઇસ્લામાબાદના નૂર ખાન ઍરબેઝ પર પહોંચ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ, "આ ઘણું મોટું વિમાન છે, જે બખ્તરબંધી વાહનો અને ટૅન્કો પણ લઈ જઈ શકે છે. અમેરિકી પ્રતિનિધિમંડળ માટે ખાસ વાહનો આ જ વિમાન મારફતે ઇસ્લામાબાદ લાવવામાં આવ્યાં હતાં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















