નૅશનલ ટેસ્ટિંગ એજન્સીને કેવી રીતે ખબર પડી કે NEET UGની પરીક્ષાનું પેપર થયું હતું લીક, હવે આગળ શું?

ઇમેજ સ્રોત, ANI
પેપર લીકના અહેવાલો વચ્ચે, નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ ગત 3 મેના રોજ આયોજિત નીટ (યુજી) 2026 પરીક્ષા રદ કરી દીધી છે. એનટીએએ કહ્યું કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પરીક્ષા રદ કરાઈ છે.
એનટીએએ જાહેરાત કરી છે કે આ પરીક્ષા ફરીથી આયોજિત કરાશે. પરીક્ષાની નવી તારીખો અને ઍડમિટ કાર્ડનું શેડ્યૂલ ટૂંક સમયમાં સત્તાવાર ચૅનલો મારફતે જાહેર કરવામાં આવશે.
10 મેના રોજ રાજસ્થાનમાં પેપર લીક સંબંધિત અહેવાલો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મેડિકલના અભ્યાસ માટે આયોજિત આ પરીક્ષામાં આશરે 22 લાખ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા, હવે તેમણે ફરીથી પરીક્ષા આપવી પડશે. જોકે, આના માટે વધારાની કોઈ ફી લેવામાં નહીં આવે.
નીટ (યુજી) પરીક્ષા રદ થયા બાદ, વિપક્ષે મોદી સરકારની નિંદા કરી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "આ હવે પરીક્ષા નથી રહી. નીટ એક હરાજી બની ગઈ છે."
પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ દિલ્હીમાં વિરોધપ્રદર્શન કર્યું છે.
એનએસયુઆઇના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદ જાખડે જણાવ્યું હતું કે , "દેશભરના વિદ્યાર્થીઓ રસ્તા પર છે, તેઓ માગ કરી રહ્યા છે કે સરકાર ક્યાં છે. મહેનતથી તૈયારી કરનારાઓનું ભવિષ્ય વૉટ્સઍપ અને ટેલિગ્રામ ગ્રૂપમાં પાંચ-પાંચ હજરા રૂપિયામાં વેચવામાં આવ્યું છે."
"હું સરકાર પાસે માગ કરું છું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો આવી રીતે પેપર લીક થતાં રહે, તો આ વાત જણાવે છે કે મોદી સરકાર અને એનટીએ પરીક્ષા લેવામાં સક્ષમ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનટીએએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
એનટીએએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ભારત સરકારે આ મામલાને સંપૂર્ણ તપાસ માટે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. એનટીએ આ તપાસમાં પૂરો સહયોગ કરશે અને તમામ જરૂરી દસ્તાવેજો અને માહિતી ઉપલબ્ધ કરાવશે."
એનટીએએ જણાવ્યું હતું કે, "ફરીથી પરીક્ષા આપવા માટે નવું રજિસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નહીં રહે અને વધારાની કોઈ ફી નહીં લેવાય. પહેલાંથી જમા કરાયેલ ફી વિદ્યાર્થીઓને પરત કરી દેવાશે અને એનટીએ પોતાનાં સંસાધનોનો ઉપયોગ કરીને પરીક્ષા આયોજિત કરશે."
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એનટીએ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, "એનટીએ આ તપાસમાં સીબીઆઇને પૂરો સહયોગ કરશે અને તપાસ માટે જરૂરી તમામ સામગ્રી, રેકૉર્ડ અને સહાય પૂરી પાડશે."
ભારતમાં મેડિકલ કૉલેજોમાં અંડરગ્રૅજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ (નૅશનલ એલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા લેવામાં આવે છે.
રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોમવારે કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પરીક્ષા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું , "મેં નીટ 2026 પેપર લીકના સમાચાર સાંભળ્યા. આ હવે પરીક્ષા નથી રહી. નીટ એક હરાજી બની ગઈ છે. પરીક્ષાના 42 કલાક પહેલાં જ વૉટ્સઍપ પર ઘણા પ્રશ્નો વેચાઈ રહ્યા હતા."
"22 લાખથી વધુ બાળકોએ આખા વર્ષ સુધી રાતની ઊંઘ હરામ કરીને દિવસરાત અભ્યાસ કર્યો, અને એક જ રાતમાં તેમના ભવિષ્યની ખુલ્લેઆમ હરાજી થઈ ગઈ. આવું પહેલી વાર નથી બન્યું. દસ વર્ષમાં 89 પેપર લીક થયાં, 48 વખત ફરીથી પરીક્ષાઓ થઈ. દરેક વખતે એ જ વચનો, પછી એ જ મૌન."
રાહુલ ગાંધીએ લખ્યું, "મોદીજી, જ્યારે તમે દરેક નિષ્ફળતાનો દોષ જનતા પર ઢોળો છો, તો તેમાં ગરીબ બાળકોનું ભવિષ્ય પણ સામેલ થઈ જાય છે. 22 લાખ બાળકોનો વિશ્વાસ તૂટી ગયો છે, અને ભારતના યુવાનોનાં સપનાં માટે મોદી સરકારથી મોટો કોઈ ખતરો નથી."
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓએ પણ આ મામલે પ્રશ્નો ઉઠાવ્યા હતાં.
રાહુલ ગાંધીએ બીજી એક ઍક્સ પોસ્ટમાં લખ્યું , "નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, બલિદાન અને સપનાં આ ભ્રષ્ટ ભાજપી વ્યવસ્થાએ કચડી નાખ્યાં છે."
રાહુલ ગાંધીએ લખ્યું, "કોઈ પિતાએ લોન લીધી, કોઈ માતાએ પોતાનાં ઘરેણાં વેચ્યાં, લાખો બાળકોએ આખી રાત અભ્યાસ કર્યો અને બદલામાં તેમને પેપર લીક, સરકારી બેદરકારી અને શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર મળ્યો."
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો, "આ ફક્ત નિષ્ફળતા નથી, યુવાનોના ભવિષ્ય સામેનો અપરાધ છે. દરેક વખતે પેપર માફિયા છટકી જાય છે અને પ્રામાણિક વિદ્યાર્થીઓ તેનાં પરિણામો ભોગવે છે. હવે લાખો વિદ્યાર્થીઓ ફરીથી એ જ માનસિક તાણ, નાણાકીય બોજ અને અનિશ્ચિતતાનો સામનો કરશે."
રાહુલ ગાંધીએ કહ્યું છે કે, "જો આપણું ભાગ્ય મહેનતથી નહીં, પણ પૈસા અને પહોંચથી નક્કી થતું હોય, તો શિક્ષણનો શો અર્થ રહી જશે? વડા પ્રધાનનો કહેવાતો 'અમૃતકાળ' દેશ માટે ઝેરી સમય બની ગયો છે."
પેપર ક્યાં લીક થયું?

ઇમેજ સ્રોત, ANI
એનટીએએ એક સત્તાવાર નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે ફરીથી પરીક્ષા માટે નવા રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે. પરીક્ કેન્દ્રો પણ નહીં બદલાય.
નિવેદનમાં કહેવાયું છે કે એનટીએ તેનાં આંતરિક સંસાધનો દ્વારા નીટ-2026ની પરીક્ષા ફરી વાર લેશે, જેના માટે પ્રવેશકાર્ડ ફરીથી જાહેર કરવાની અને તારીખોના સમયપત્રક અંગેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરાશે.
નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે 8 મેના રોજ, આ મામલાની તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવી હતી, અને તેમના અહેવાલના આધારે, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયા ચાલુ ન રાખી શકાય. પરિણામે, પારદર્શિતા જાળવવા માટે, અમે પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય લીધો છે.
ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશને (એફએઆઇએમએ-ફાઇમા) ઍક્સ પર એક લાંબા નિવેદનમાં લખ્યું, "ફાઇમા આ પેપર લીક માટે તાત્કાલિક જવાબદારીની માંગ કરે છે. અમે ચૂપ નહીં બેસીએ. કડક સજા એ એકમાત્ર ઉકેલ છે."
અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે નીટ (યુજી)નું પ્રશ્નપત્ર રાજસ્થાન અને કેરળમાં લીક થયું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજસ્થાન સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપને આ મામલાની પ્રાથમિક તપાસમાં પેપર લીકના પુરાવા મળ્યા છે, જેના આધારે રિપોર્ટ કરાયં કે પ્રશ્નપત્રની પીડીએફ ફાઇલ કથિતપણે કેરળથી રાજસ્થાનના સીકરમાં ફરતી કરવામાં આવી હતી.
આ દાવા પર રાજસ્થાનના મંત્રી કિરોડીલાલ મીણાએ એએનઆઇને જણાવ્યું હતું કે સરકારની સંવેદનશીલતા જુઓ કે પેપર લીકનાં તથ્યો સામે આવતાંની સાથે જ સરકારે પરીક્ષા તાત્કાલિક રદ કરી દીધી અને સીબીઆઇ તપાસનો આદેશ આપી દીધો.
"કહેવાઈ રહ્યું છે કે પ્રશ્નપત્રના 320માંથી 120 પ્રશ્નો લીક થયા હતા. જે કોઈ દોષિત છે, પછી ભલે તે કેરળમાં હોય કે સીકર (રાજસ્થાન)માં, તે હવે છટકી શકશે નહીં. વિપક્ષ કહી રહ્યો છે કે સરકાર આ મામલાને દબાવવા માંગે છે, આમાં પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવી છે અને સીબીઆઇ તપાસ શરૂ થઈ ગઈ છે."
એનટીએએ જણાવ્યું નીટ પેપર લીક વિશે કેવી રીતે માહિતી મળી?

ઇમેજ સ્રોત, ANI
એનટીએના મહાનિદેશકે જણાવ્યું છે કે નીટનું પેપર લીક થવાની જાણકારી કેવી રીતે મળી.
એનટીએના ડીજીએ મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "અમારી નીટની પરીક્ષા 3 મેના રોજ સુચારુપણે સંપન્ન થઈ હતી. 7 મેના રોજ વ્હિસલબ્લોઅર પાસેથી અમને એક માહિતી મળી હતી કે તેમને પરીક્ષા પહેલાં એક વૉટ્સઍપ મૅસેજ મળ્યો હતો, જેમાં કેટલાક પ્રશ્ન એવા હતા, જે પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો સાથે મળતા આવતા હતા."
ડીજી અભિષેકસિંહે જણાવ્યું કે 3 તારીખના રોજ જે પરીક્ષા થઈ હતી, તેના માટે 5,432 કેન્દ્ર ભારતમાં 14 કેન્દ્ર ભારત બહાર બનાવાયાં હતાં.
તેમણે કહ્યું, "અમે પરીક્ષા પહેલાં મળેલી દરેક માહિતીની તપાસ કરાવી હતી, એના પર કાર્યવાહી કરાઈ હતી. ઘણા બધા લોકો ફેક પેપર વેચવાની કોશિશ કરી રહ્યા હતા. 120 ટેલિગ્રામ ચૅનલ બંધ કરાવાઈ હતી."
"7 મેની રાત્રે મૅસેજ મળ્યા બાદ અમે બે બાબતોની તપાસ કરાવી. પ્રથમ એ કે પીડીએફમાં જે પ્રશ્ન પુછાયા હતા, શું એ પરીક્ષામાં પુછાયા હતા અને બીજી વાત એ કે આ પીડીએફ 3 મેની પરીક્ષા પહેલાં કોઈની પાસે ઉપલબ્ધ હતી કે કેમ?"
"અમે આની તપાસ કાયદાનું અમલ કરતી એજન્સી પાસેથી કરાવી તો ખબર પડી કે પરીક્ષામાં પુછાયેલા કેટલાક પ્રશ્નો આ પીડીએફમાં પણ હતા અને પોલીસને પોતાની તપાસમાં મળી આવ્યું કે 2 મેના રોજ એ પીડીએફ અમુક લોકોના ફોનમાં હાજર હતી."
તેમણે કહ્યું, "જે બાળકો પ્રામાણિકપણે ભણે છે, તેમની સાથે કોઈ અન્યાય ન થાય, તેથી અમે ફરી વાર પરીક્ષા કરાવવાનો નિર્ણય લીધો. અમે આ મામલો સીબીઆઇને સોંપ્યો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















