કુવૈતમાં ઈરાનના ડ્રૉન હુમલામાં ઈટાલીના બે નાગરિકોનાં મોત - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઇટાલીએ જણાવ્યું હતું કે, કુવૈતમાં ગુરુવારે ઈરાનના ડ્રૉન હુમલામાં તેના બે નાગરિકોનાં મોત થયાં હતાં.
બીબીસી પર્શિયને ઇટાલીના વિદેશ મંત્રાલયના નિવેદનને ટાંકીને લખ્યું હતું કે, બંને નાગરિકો જર્મનીની હથિયાર બનાવતી કંપની 'રાઇનમેટલ' માટે કામ કરતા હતા.
આ પહેલાં કુવૈતે જણાવ્યું હતું કે, તેનાં સશસ્ત્ર દળોએ કેટલાંક "દુશ્મન ડ્રૉન" તોડી પાડ્યાં હતાં.
કુવૈતના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, આ ડ્રૉનને રોકવાની કામગીરી દરમિયાન છરા (તીક્ષ્ણ ટુકડા) વાગવાથી ચાર લોકો ઘાયલ થયા હતા. જેમાં કુવૈતના એક નાગરિક, ઇટાલીના બે નાગરિકો અને પાકિસ્તાનના એક નાગરિકનો સમાવેશ થતો હતો.
સરકારે ચાર દિવસ માટે લોકસભાનું સત્ર બોલાવવાની વિનંતી કરી

ઇમેજ સ્રોત, @KirenRijiju
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, સરકારે 30 નવેમ્બરે લોકસભાનું સત્ર બોલાવવા માટે લોકસભા અધ્યક્ષને વિનંતી કરી છે.
તેમણે 'ઍક્સ' પર લખ્યું હતું કે, "અગત્યનું સરકારી કામકાજ આટોપવા માટે લોકસભાની બેઠક સોમવાર, 30 નવેમ્બર, 2026 અને રાજ્યસભાની બેઠક બુધવાર, 2 ડિસેમ્બર, 2026ના રોજ ફરીથી બોલાવવા સરકારે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને વિનંતી કરી છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કામકાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, બંને ગૃહની બેઠક 3 ડિસેમ્બર, 2026ના રોજ સમાપ્ત થઈ શકે છે.
અખિલેશ યાદવે જાહેર કર્યો સપાનો ચૂંટણીઢંઢેરો, આઝમ ખાને કહ્યું- 'તેઓ વારંવાર મુખ્ય મંત્રી બનશે'

ઇમેજ સ્રોત, ANI
સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવે ગુરુવારે લખનઉમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં પોતાની પાર્ટીનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કાર્યક્રમ દરમિયાન અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, "આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે આજે બંધારણને બચાવવાની લડાઈ ચાલી રહી છે. એક તરફ એવા લોકો છે, જેઓ રાજકીય સત્તા મેળવવા માટે બંધારણનો દુરુપયોગ કરવા માગે છે. તો બીજી તરફ આપણે સૌ PDA (પીડીએ) સમુદાયના લોકો છીએ, જેઓ બંધારણની સામાજિક ન્યાયની વિચારસરણી પર આધારિત વ્યવસ્થા સ્થાપિત કરવા માગીએ છીએ."
તેમણે ઉમેર્યું હતું કે, "આપણે PDA સમુદાયના લોકો હવે એકજૂટ થઈ ગયા છીએ, જેથી બંધારણમાં સુધારાના નામે તેને નબળું પાડવાના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવી શકાય. આપણે આવા પ્રયાસો સામે એકસાથે ઊભા રહેવા અને લડવા માટે તૈયાર છીએ."
આ કાર્યક્રમમાં સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા.
આઝમ ખાને અખિલેશ યાદવ વિશે વાત કરતાં કહ્યું હતું કે, "તેઓ વારંવાર મુખ્ય મંત્રી બનશે અને કદાચ તેનાથી પણ આગળ જશે. તેઓ માત્ર અહીં સુધી જ સીમિત નહીં રહે, પરંતુ ખૂબ આગળ વધશે."
AIMIM (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર પરોક્ષ રીતે પ્રહાર કરતાં સપા નેતા આઝમ ખાને કહ્યું હતું કે, "જે લોકો આજકાલ તમને પરેશાન કરી રહ્યા છે, તેમને તમે જ મોટા બનાવ્યા છે. તેમને એવી કોઈ દવા મળવી જોઈએ, જેથી પોતાની જાતને અકારણ મોટી સમજવાની તેમની બીમારી દૂર થઈ જાય અને તેઓ પોતાની અસલી હેસિયતમાં પાછા આવી જાય."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "તેમની પાસે કોઈ મોટો હેતુ નથી. તેમનો એકમાત્ર નાનો હેતુ એ છે કે સરકારો કેવી રીતે બનવા ન દેવી. તેઓ કિંગમેકર તો બની શકતા નથી, પરંતુ બીજાની રમત બગાડી શકે છે. આ એક અત્યંત સંકુચિત અને શરમજનક વિચારસરણી છે."
ગાઝા પર ઇઝરાયલનો ફરી હવાઈ હુમલો, હમાસના વરિષ્ઠ નેતાના મોતના અહેવાલ

ઇમેજ સ્રોત, Bashar TALEB / AFP) (Photo by BASHAR TALEB/AFP via Getty Images
ઇઝરાયલે ગાઝાના દેર અલ-બલાહ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો છે.
બીબીસી પર્શિયને ફિલિસ્તીની મીડિયાના હવાલાથી જણાવ્યું છે કે, આ હુમલામાં હમાસના ભૂતપૂર્વ નાયબ શિક્ષણ મંત્રી ખાલિદ અબુન્દાહ અને તેમનાં પત્નીનું મોત થયું છે.
બીજી તરફ, ઇઝરાયલી સેનાએ પણ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, તેમણે હમાસના એક વરિષ્ઠ સભ્યને નિશાન બનાવીને કાર્યવાહી કરી છે.
સેનાએ જણાવ્યું હતું કે, આ હુમલા અંગેની વિસ્તૃત માહિતી પછીથી જાહેર કરવામાં આવશે.
બીજી બાજુ, ગાઝાના અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક કલાક દરમિયાન ઇઝરાયલ દ્વારા કરાયેલા ત્રણ અલગ-અલગ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા આઠ પેલેસ્ટિનિયનોનાં મોત થયાં છે.
હમાસના નાગરિક સુરક્ષા સંગઠનના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે, બચાવ ટુકડીઓ અને મેડિકલ ટીમોએ આઠ મૃતકોના દેહને અલ-અક્સા અને ગાઝા સિટીની શિફા હૉસ્પિટલે પહોંચાડ્યા છે.
દાહોદ જિલ્લામાં ગાંજાના છોડનું વાવેતર પકડાયું, એક આરોપીની ધરપકડ

ઇમેજ સ્રોત, PANCHMAHAL SPG
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે ગાંજાના છોડનું વાવેતર થતું હોવાનો મામલો સામે આવ્યો છે.
બીબીસી ગુજરાતીના ગોધરા ખાતેના સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે, સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ (એસપીજી)ની દાહોદ પોલીસે અહીં ગાંજાના 378 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
દાહોદ પોલીસે જણાવ્યું હતું કે, ગાંજાના પકડાયેલા આ છોડનું વજન 460.83 ગ્રામ છે અને તેની બજાર કિંમત 2 કરોડ ત્રીસ લાખ પાંચસો રૂપિયા થાય છે.
દાહોદની એસપીજી પોલીસે જાહેર કરેલી પ્રેસ રિલીઝ પ્રમાણે, ત્રણ ખેતરોમાં ગાંજાના છોડનુ વાવેતર કરવામાં આવ્યું હતું.
પ્રેસ રિલીઝમાં જણાવ્યા પ્રમાણે, આરોપી કોલાભાઈ બારિયાની સામે એનડીપીએસ ઍક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
'અમેરિકી ટેરિફ લાગવાથી ભારતમાં પાંચ લાખ નોકરીઓ પર ખતરો', વડા પ્રધાન મોદીને પત્ર લખશે ઉદ્યોગ સંગઠન

ઇમેજ સ્રોત, Getty Images
ભારત પર ટેરિફ લગાવવાના અમેરિકાના નિર્ણયને લઈને ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ નારાજગી વ્યક્ત કરી છે.
CTIના ચૅરમૅન બ્રજેશ ગોયલે કહ્યું કે અમેરિકી ટેરિફના કારણે ભારતના લગભગ 48 અબજ ડૉલરના નિકાસ વેપાર પર અસર પડી શકે છે અને પાંચ લાખ નોકરીઓ પણ જોખમમાં આવી શકે છે.
બ્રજેશ ગોયલે કહ્યું, "અમેરિકાએ જણાવ્યું છે કે જો ભારત અમેરિકા સાથે વેપાર કરાર કરશે તો 17 ટકા ટેરિફ લાગશે અને જો ભારત અમેરિકા સાથે વેપાર કરાર નહીં કરે તો અમેરિકા ભારતીય ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લગાવશે."
"આ મુદ્દે દેશભરના તેમજ દિલ્હીના વેપારીઓમાં ભારે નારાજગી છે, કારણ કે ભારત અમેરિકા માટે મોટા પાયે કપડાં, ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સી-ફૂડ વગેરે ઉત્પાદનોની નિકાસ કરે છે."
CTIનું માનવું છે કે અમેરિકી ટેરિફના કારણે ભારતની લગભગ 48 અબજ ડૉલરની નિકાસ પ્રભાવિત થઈ શકે છે અને પાંચ લાખ નોકરીઓ પર પણ સંકટ આવી શકે છે.
ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના ચૅરમૅન બ્રજેશ ગોયલે કહ્યું, "વેપારીઓનું કહેવું છે કે જે ઑર્ડર પહેલેથી આવી ચૂક્યા છે અને જે માલ હાલમાં રસ્તામાં છે અથવા અહીંથી મોકલાઈ ચૂક્યો છે, તેનું શું થશે? CTI આ મુદ્દે આજે વડા પ્રધાન મોદીજીને પત્ર લખી રહી છે. અમે તેમની પાસે માંગ કરી છે કે ભારત પણ અમેરિકા પર જવાબી ટેરિફ લગાવે, કારણ કે અમેરિકા પણ ઘણા ઉત્પાદનો ભારતને નિકાસ કરે છે."
બ્રજેશ ગોયલના મુજબ, જો ભારત પણ જવાબી ટેરિફ લગાવશે તો અમેરિકન માલ અહીં મોંઘો થશે અને ત્યાંના વેપારીઓ પણ અમેરિકી સરકાર પર દબાણ બનાવશે.
બીજી તરફ, અમેરિકી કૉંગ્રેસનાં સભ્ય ગ્રેસ મેંગે કહ્યું છે કે આગામી વર્ષે ડેમોક્રેટ્સને અમેરિકી કૉંગ્રેસમાં નિયંત્રણ મળ્યા બાદ આ ટેરિફને સમાપ્ત કરવા માટે પગલાં લેવામાં આવશે.
ઇજિપ્ત: હાઇવે પર ટૅન્કરમાં આગ લાગવાથી 31 લોકોનાં મોત, 21 ઘાયલ

ઇમેજ સ્રોત, Getty Images
ઇજિપ્તની રાજધાની કૈરોમાં બુધવારે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત બાદ લાગેલી આગમાં 31 લોકોનાં મોત થયાં છે અને 21 અન્ય ઘાયલ થયા છે.
ઇજિપ્તના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાઇવે પર એક ઈંધણ ટેન્કર અથડાયા બાદ આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્યાંથી પસાર થતા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા.
આ અકસ્માત કૈરોના વરાક વિસ્તારમાં રિંગ રોડ પર થયો હતો. નજીકની હૉસ્પિટલોમાં દાઝી ગયેલા અને ધુમાડામાં શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા લોકોને સારવાર આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પરના વીડિયોમાં હાઇવે પરથી આગની લપટો અને કાળો ધુમાળો નીકળતો જોવા મળ્યા હતા. આગ એટલી તીવ્ર હતી કે નજીકમાં પાર્ક કરેલાં અનેક વાહનો પણ બળીને ખાખ થઈ ગયાં હતાં.
અધિકારીઓએ હજુ સુધી આગ લાગવાનું કારણ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી, પરંતુ સરકારી મીડિયા અહેવાલો સૂચવે છે કે એક ઈંધણ ટૅન્કર પલટી ગયું હતું, જેના કારણે રસ્તા પર પેટ્રોલ છલકાઈ ગયું હતું અને નજીકનાં વાહનો પણ આગમાં ફસાઈ ગયાં હતાં.
સરકારી અખબારે તપાસથી પરિચિત સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે એક ખાનગી કૉન્ટ્રાક્ટરની માલિકીનું ટૅન્કર હાઇવે પર જઈ રહ્યું હતું, ત્યારે તેની સામે એક હાઇ-વૉલ્ટેજ પાવર લાઇન પડી ગઈ.
ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને ડિવાઇડર ઓળંગીને પલટી ગયાં અને આગ લાગી ગઈ હતી.
ઈરાનના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે ઇઝરાયલ અમેરિકાને બીજું યુદ્ધ કરવા માટે ઉશ્કેરી રહ્યું છે

ઇમેજ સ્રોત, ATTA KENARE / AFP via Getty Images
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ઇઝરાયલના રાસાયણિક હથિયારો બનાવવાના આરોપોનો કડક જવાબ આપ્યો છે.
વિદેશ મંત્રી અરાઘચીએ બુધવારે કહ્યું હતું કે ઈરાન પર રાસાયણિક હથિયારો વિકસાવવા અને છુપાવવાના આરોપો પાયાવિહોણા છે અને તેમનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં તણાવ વધારવાનો છે.
વાસ્તવમાં, આ પહેલા પણ ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે ઇરાન પર કેમિકલ વેપન વિકસાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ ઇરાનને આવી ક્ષમતા પ્રાપ્ત કરવા દેશે નહીં.
તેના પર પ્રતિક્રિયા આપતા, અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું, "ઇઝરાયલી શાસને ન્યુક્લિયર, કેમિકલ અથવા બાયોલૉજિકલ વેપન પર પ્રતિબંધ મૂકતી કોઈપણ સંધિમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. તેની પાસે સેંકડો પરમાણુ શસ્ત્રો છે. તેણે આ ક્ષેત્રના સાત દેશો પર હુમલો કર્યો છે અને ત્રણમાં પ્રદેશ પર કબજો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં જ તેણે અમેરિકાને ઇરાન સામે બે નિષ્ફળ યુદ્ધોમાં ખેંચી લીધું છે."
"હવે આ યુદ્ધ ભડકાવવાળો દેશ બેશરમીપૂર્વક ઈરાન પર આરોપો લગાવી રહ્યો છે. ઈરાન પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) પર હસ્તાક્ષર કરવવાળો દેશ છે, રાસાયણિક શસ્ત્રો રોક લગાવનાર સંગઠન (ઓપીસીડબ્લ્યુ)નો સભ્ય છે અને પોતે રાસાયણિક શસ્ત્રોનો ભોગ બન્યો છે."
"આ શસ્ત્રો પશ્ચિમ જર્મની દ્વારા સદ્દામ હુસૈનના શાસનને પૂરા પાડવામાં આવ્યા હતા. તેમ છતાં ઇઝરાયલ ઈરાન પર ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓમાં આવા ખતરનાક શસ્ત્રોનું ઉત્પાદન અને છુપાવવાનો આરોપ લગાવી રહ્યું છે."
અરાઘચીએ કહ્યું કે આવા નિવેદનો દ્વારા ઇઝરાયલ અમેરિકાને યુદ્ધમાં ઘસડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને તેમના આરોપો સંબંધિત કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























