ગુજરાતમાં હજુ કેટલા દિવસ વાવણીલાયક વરસાદની રાહ જોવી પડશે, હવામાનની આગાહી શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચોમાસું તો પહોંચી ગયું છે, પણ રાજ્યના ઘણા ભાગોમાં હજુ સુધી વરસાદ પડતો નથી. રાજ્યમાં વરસાદ ન પડતાં ખેડૂતો સહિત અનેક લોકો ચિંતાતુર પણ બન્યા છે.
ચોમાસું આમ પણ આ વખતે રાજ્યમાં મોડું પહોંચ્યું છે અને હજુ પણ વરસાદ લાવે તેવા પવનોની ગતિ વધતી નથી રહી.
એવામાં વરસાદની ઘટ હોવાથી ખેડૂતો પણ વાવણી કરી શક્યા નથી અને આગામી દિવસોમાં ભારે કે અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી નથી.
ગુજરાત હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે વરસાદની આગાહી કરી છે. જોકે આખા રાજ્યમાં વરસાદની આગાહી નથી.
આગાહી અનુસાર, જે તે જિલ્લામાં જો વરસાદ પડે તો એ પણ હળવોથી સામાન્ય રહી શકે છે.
સામાન્ય રીતે આ દિવસોમાં ચોમાસું ગુજરાતના ઘણા વિસ્તારોને કવર કરી લેતું હોય છે અથવા ઘણા વિસ્તારોમાં ચોમાસા પહેલાંનો વરસાદ પડતો હોય છે, પરંતુ આ બંને સ્થિતિઓ હાલ ગુજરાત માટે અનુકૂળ જણાતી નથી.
ચોમાસાની હાલ શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, imd
આગળ વધેલું ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે અને મુંબઈ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ હજુ પણ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. એટલે કે ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. જોકે વરસાદી પવન મહારાષ્ટ્રમાં જ સ્થગિત થઈ ગયા હોય એવું લાગે છે.
26 જૂનના હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર અરબ સાગરના કેટલાક ભાગો, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહારના બાકીના ભાગો, તેમજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમનું ચોમાસું આગળ વધે તેવા સાનુકૂળ સંજોગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે હાલના સમયમાં હાલ બંગાળની ખાડી શાંત છે અને તેમાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા દેખાતી નથી. સામાન્ય રીતે ચોમાસાને ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત સુધી આગળ લઈ જવામાં લો-પ્રેશર એરિયા જરૂરી હોય છે. જે બંગાળની ખાડીમાં સર્જાઈ રહ્યા નથી.
ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

ઇમેજ સ્રોત, imd gujarat
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
તારીખ 27 જૂને દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ અલગ-અલગ જગ્યાએ વરસાદ વરસી શકે છે.
28 તારીખે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વસલાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે.
તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
આ સિવાય જૂન મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્થળોએ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ ગાજવીજ સાથે હળવોથી સામાન્ય વરસાદ પડશે તેવું અનુમાન છે.
હવામાન વિભાગના બુલેટિન પર નજર નાખવાથી એ ખબર પડે છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના ઉત્તર સહિતના ભાગોમાં કોઈ વરસાદ પડે તેવું અનુમાન નથી.
એટલું જ નહીં પણ જે વરસાદ પડશે એ પણ સામાન્ય વરસાદ પડશે તેવી શક્યતા છે. એટલે કે કોઈ જિલ્લામાં ભારે કે અતિભારે વરસાદની આગાહી કરાઈ નથી.
હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે એ પ્રમાણે ગુજરાતમાં ચારથી પાંચ જુલાઈ સુધી વરસાદની રાહ જોવી પડશે.
રાજ્યમાં તાપમાનમાં મોટા ફેરફારના સંકેત નહીં
27 જૂને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશમાં વાદળો છવાયેલાં રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















