ભારતીય પાસપૉર્ટ એ નાગરિકત્વનો પુરાવો નથી, તો પછી કયો દસ્તાવેજ માન્ય ગણાશે?

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે એક સમાચાર આવ્યા કે ભારતીય પાસપૉર્ટ એ નાગરિકત્વનો અંતિમ પુરાવો નથી, પરંતુ માત્ર એક ટ્રાવેલ ડૉક્યુમેન્ટ છે. તેના કારણે મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે.
ભારતનાં ઘણાં મીડિયામાં વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ અહેવાલ અપાયા છે.
'ધ હિંદુ'નો અહેવાલ જણાવે છે કે "વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે ભારતીય પાસપૉર્ટનો હેતુ લોકોને વિદેશી ઍરપોર્ટ અને વિસ્તારમાં આવન-જાવનમાં મદદ કરવાનો છે. તેની તુલના બીજા દસ્તાવેજો સાથે થવી ન જોઈએ, જેનો ઉપયોગ નાગરિકતા સંબંધિત અધિકાર સ્થાપિત કરવા માટે થાય છે."
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે ભારતના વર્ક ફોર્સને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવામાં પાસપૉર્ટની ભૂમિકા પર ભાર આપતાં વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે "સરકાર આગામી મહિનાઓમાં પશ્ચિમી દેશો અને જાપાન સાથે આવનજાવન વધારે તેજ કરશે. તેનો હેતુ ભારતીય નાગરિકોને આ ઔદ્યોગિક અર્થતંત્રોમાં સુરક્ષિત રોજગારની વધુ સારી તકો ઉપલબ્ધ કરાવવાનો છે."
'ધ હિંદુ'ના અહેવાલ પ્રમાણે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય પાસપૉર્ટને નાગરિકતા સાબિત કરવાના દસ્તાવેજ તરીકે જોવો ન જોઈએ.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "પાસપૉર્ટ એક ટ્રાવેલ ડૉક્યુમેન્ટ છે, નાગરિકતાનું પ્રમાણપત્ર નથી. સૈદ્ધાંતિક રીતે પાસપૉર્ટને ભારતીય નાગરિકત્વના પુરાવા તરીકે જોવામાં આવે છે અને આ વાત તેને બીજા દસ્તાવેજોથી અલગ કરે છે. વિદેશ યાત્રા દરમિયાન પાસપૉર્ટ પોતાની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરે છે, પરંતુ તેને નાગરિકત્વના અંતિમ પ્રમાણ તરીકે જોઈ ન શકાય."
પાસપૉર્ટ ભારતીય નાગરિકત્વની સાબિતી ન હોય તો પછી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ધ હિંદુએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે વિદેશ મંત્રાલયના અધિકારીએ એક સવાલના જવાબમાં આ વાત કહી જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું એસઆઈઆર દરમિયાન મતદારયાદીમાંથી નામ બહાર કરવામાં આવ્યું હોય તેને પડકારવા માટે ભારતીય પાસપૉર્ટનો ઉપયોગ કરી શકાય કે નહીં.
વિદેશ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે નવા ચિપ આધારિત ઇ-પાસપૉર્ટમાં બાયૉમેટ્રિક ડેટા જેવી આધુનિક સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેથી વૈશ્વિક સ્તરે તેની સ્વીકાર્યતા વધે અને છેતરપિંડીના જોખમને ઘટાડી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતે હવે ચિપથી સજ્જ ઇ-પાસપૉર્ટ બનાવવાનું શરૂ કર્યું છે, જેને સુરક્ષા અને અસલીયતના આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ ગણવામાં આવે છે.
દરમિયાન એવો સવાલ પેદા થયો છે કે પાસપૉર્ટ જો ભારતીય નાગરિકત્વની સાબિતી ન હોય તો પછી શું છે? પાસપૉર્ટ ઍક્ટ 1967ના સેક્શન પાંચ હેઠળ પાસપૉર્ટ ઓથોરિટી અરજી પર વિચારણા કરીને અને પૂરતી તપાસ કર્યા પછી જ પાસપૉર્ટ ઇશ્યૂ કરી શકે છે.
જ્યારે સેક્શન 6(2)(a) સ્પષ્ટ રીતે જણાવે છે કે જો અરજકર્તા ભારતીય નાગરિક નહીં હોય તો તેને પાસપૉર્ટ જારી કરવામાં નહીં આવે.
જાણીતા ગીતકાર અને ફિલ્મકાર જાવેદ અખ્તરે ઍક્સ પર લખ્યું છે કે "વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાસપૉર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ માત્ર એક ટ્રાવેલ ડૉક્યુમેન્ટ છે. ખરેખર? તો શું તેનો અર્થ એવો થયો કે સરકાર એવા લોકોને પણ આ ટ્રાવેલ ડૉક્યુમેન્ટ જારી કરી રહી છે જેની ભારતીય નાગરિકતા વિશે સંપૂર્ણપણે આશ્વસ્ત નથી? આ તર્ક પોતાની રીતે બહુ વિચિત્ર અને વિરોધાભાસી લાગે છે."

ઇમેજ સ્રોત, Manjul Prakashan
ભારતના ભૂતપૂર્વ કાયદા મંત્રી અને જાણીતા વકીલ કપિલ સિબ્બલે ઍક્સ પર લખ્યું છે કે "વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાસપૉર્ટ એક ટ્રાવેલ ડૉક્યુમેન્ટ છે, નાગરિકતાનો દસ્તાવેજ નથી. તો પછી નાગરિકતાનું પ્રમાણ કયો દસ્તાવેજ છે? એક બીએલઓ મારી નાગરિકતા પર સવાલ ઉઠાવી શકે છે. મને મત આપવાના અધિકારથી વંચિત કરી શકે છે. પરિણામ? ભાજપ ચૂંટણી જીતી જશે. હવે ભારતીય સુપ્રીમ કોર્ટ પર નજર છે."
કપિલ સિબ્બલની આ પોસ્ટને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે રિપોસ્ટ કરી છે.
શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ પણ આ વિશે સવાલ ઉઠાવ્યા છે. ઠાકરેએ ઍક્સ પર લખ્યું કે, "જો વિદેશ મંત્રાલય માનતું હોય કે પાસપૉર્ટ એ નાગરિકતાનો દસ્તાવેજ નથી, તો કેટલાક પાયાના સવાલો પેદા થાય છે-
1. પાસપૉર્ટ જારી કરતા પહેલાં પોલીસ કઈ વાતની ચકાસણી કરે છે?
2. શું આપણા દેશમાં બિનભારતીયોને પણ ટ્રાવેલ ડૉક્યુમેન્ટના નામે ભારતીય પાસપૉર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે?
3. શું આ નિવેદનથી બીજા દેશોમાં એવી શંકા પેદા નહીં થાય કે ક્યાંક બિનભારતીયોને પણ ભારતીય પાસપોર્ટ અપાતા નથી ને?"
પાસપૉર્ટનો કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતનાં ભૂતપૂર્વ વિદેશ સચિવ નિરુપમા રાવ માને છે કે વિદેશ મંત્રાલયની વાત કાયદાકીય રીતે ખરી છે કારણ કે પાસપૉર્ટને પાસપૉર્ટ એક્ટ, 1967 હેઠળ જારી કરવામાં આવે છે જ્યારે નાગરિકતા સિટિઝનશિપ એક્ટ, 1955 હેઠળ નિયંત્રિત હોય છે. તેમનું કહેવું છે કે એક કાયદો દસ્તાવેજને નિયંત્રિત કરે છે, જ્યારે બીજો કાનૂની સ્થિતિને.
નિરુપમા મેનન રાવ ઍક્સ પર લખે છે, "પરંતુ કાયદો અને સામાન્ય લોકોની સમજણ એકસરખી નથી હોતી. મોટા ભાગના ભારતીયો માટે પાસપૉર્ટ એ સૌથી ભરોસાપાત્ર ડૉક્યુમેન્ટ છે. તેના પર રિપબ્લિક ઑફ ઇન્ડિયા લખેલું હોય છે અને વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત થાય છે. દુનિયાભરમાં તેને સ્વીકારવામાં આવે છે કારણ કે વિદેશી સરકારોને ભરોસો હોય છે કે ભારતે પાસપૉર્ટ જારી કરતા પહેલાં તે વ્યક્તિની રાષ્ટ્રીયતાની ચકાસણી કરી છે. તેથી એવો સવાલ કરવામાં આવે તે સ્વભાવિક છે કે જો પાસપૉર્ટ એ નાગરિકતાનું પ્રમાણ ન હોય તો પછી શું છે?"
"તેનો જવાબ થોડો જટિલ છે. પાસપૉર્ટ નાગરિકતા નથી બનાવતો. જો નાગરિકતાને કોર્ટમાં પડકારવામાં આવે તો નાગરિકતા સાબિત કરવા માટે પાસપૉર્ટ એ અંતિમ દસ્તાવેજ નથી."
દુનિયાના ઘણા લોકશાહી દેશોની જેમ ભારત પણ નાગરિકત્વના કાયદા અને પાસપૉર્ટના કાયદા વચ્ચે અંતર રાખે છે. છેતરપિંડી, વિવાદ અથવા ગેરકાયદે નાગરિકતા મેળવવાના મામલામાં સિટિઝનશિપ ઍક્ટ, 1955 અને તેની સાથે સંકળાયેલા પુરાવાના આધારે નાગરિકતા નક્કી કરવામાં આવી શકે છે.
રાવ કહે છે કે, "આ કારણથી જ કાયદાની નજરે પાસપૉર્ટને દરેક સંભવિત પરિસ્થિતિમાં નાગરિકતાનો પુરાવો માનવામાં આવતો નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તેનું વ્યવહારિક મહત્ત્વ ઘટી ગયું છે. પાસપૉર્ટ ત્યારે જ જારી થાય છે જ્યારે સરકાર એ સુનિશ્ચિત કરે કે અરજકર્તા તેને મેળવવા પાત્ર છે. વિદેશ મંત્રાલયના નિવેદનથી આ વાસ્તવિકતા બદલાતી નથી."
પાસપૉર્ટ ક્યારે ઇશ્યૂ થાય?

ઇમેજ સ્રોત, Getty Images
કાયદો એવું માનીને ચાલે છે કે પાસપૉર્ટ ત્યારે જ ઇશ્યૂ થશે જ્યારે સરકાર એ સુનિશ્ચિત કરી લે કે અરજકર્તા ભારતીય નાગરિક છે. તેથી બિનભારતીય નાગરિકોને પાસપૉર્ટ ઇશ્યૂ જ થતો ન હોય, તો પછી જેમની પાસે પાસપૉર્ટ છે તેઓ ભારતીય હોવા અંગે શંકા કેમ ઉઠાવાય છે એવો સવાલ ઉઠે એ સ્વભાવિક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાસપૉર્ટ નાગરિકતાનો પુરાવો હોઈ શકે છે, પરંતુ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી.
જો ખોટા દાવા અથવા ખોટી માહિતીના આધારે નાગરિકતા મેળવવામાં આવી હોય તો સરકાર પાસે આવા પાસપૉર્ટને જપ્ત અથવા રદ કરવાનો અધિકાર છે.
પરંતુ આટલી ચકાસણી અને તપાસ પછી જારી થતા પાસપૉર્ટને પણ નાગરિકતાનો પુરાવો ગણી ન શકાય, તો પછી કયા દસ્તાવેજ બાકી રહે છે?
તાજેતરમાં જ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) દરમિયાન સુપ્રીમ કોર્ટની સમક્ષ મુખ્ય કાનૂની સવાલ એ હતો કે શું પહેલેથી રજિસ્ટર્ડ મતદારો પાસેથી પાત્રતા સાબિત કરવા માટે નવેસરથી નવા દસ્તાવેજ માગી શકાય કે કેમ.
મતદાર ઓળખપત્ર એ સ્થાપિત કરે છે કે તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં છે. પરંતુ તે પોતાની રીતે નાગરિકતાનો પુરાવો નથી. જોકે, માત્ર ભારતીય નાગરિકો જ મતદાર તરીકે રજિસ્ટર્ડ થઈ શકે છે.
આમ છતાં ચૂંટણીપંચ પાસે અધિકાર છે કે તે કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં કાયદેસર છે કે નહીં તેની ચકાસણી કરી શકે.
આ કારણથી જ એસઆઈઆર દરમિયાન માત્ર જૂના વોટર કાર્ડ હોવું એ નાગરિકતાને લગતા સવાલનો અંતિમ જવાબ ગણાયો ન હતો.
વોટર આઇડી કાર્ડ પણ નાગરિકતાનો છેલ્લો પુરાવો ન હોય, અને પાસપૉર્ટ પણ નાગરિકતાની સાબિતી ન હોય, તો પછી દેખીતી રીતે જ નાગરિકો સવાલ ઉઠાવી શકે છે કે અંતે કયા દસ્તાવેજને નાગરિકતાનું અંતિમ પ્રમાણપત્ર ગણવામાં આવશે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















