મહારાષ્ટ્રમાં TETની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક, 28 જૂને લેવાનાર પરીક્ષા સ્થગિત - ન્યૂઝ અપડેટ

મહારાષ્ટ્રમાં TETની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક, 28 જૂને લેવાનાર પરીક્ષા સ્થગિત - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે 28 જૂને લેવાનાર 'ટીઇટી'ની પરીક્ષા રદ કરી દીધી છે. આ નિર્ણય પરીક્ષાના એક દિવસ પહેલાં એટલે કે આજે (27 જૂન) ટેટનું પેપર લીક થવાને કારણે લીધો છે.

મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ, પુણેએ આ મામલે એક નોટિસ બહાર પાડી છે. એ અનુસાર, ગોપનીય માહિતીને આધારે આ ખબર પડી છે કે આજે (27 જૂન) સવારે ભિંવડીમાં કેટલાક લોકો પાસે આ પ્રશ્નપત્ર અંગે માહિતી હતી. આ કારણે ભિંવડી પોલીસે એ જગ્યાએ રેડ પાડી હતી.

બાદમાં મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદના અધિકારીઓને તત્કાળ સત્યતાની ચકાસણી માટે બોલાવાયા હતા. તપાસમાં ખબર પડી કે આ લોકો પાસે જૂન 2026ની શિક્ષક અભિયોગ્યતા પરીક્ષા (TET)નાં પેપર જેવાં જ પેપર હતાં. આ મામલે ભિંવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ નિર્ણય બાદ શિક્ષક બનવા માટે અનેક ઉમેદવારોનાં સપનાં તૂટી ચૂક્યાં છે અને તેઓ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

વિપક્ષે સત્તાધારી પક્ષ પર પહેલા નીટ (NEET) અને હવે ટેટ (TET) પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક કરવાનો આરોપ મૂક્યો છે. વિપક્ષે આ સરકારને 'પ્રશ્નપત્ર લીક કરનારી સરકાર' ગણાવી છે.

કૉંગ્રેસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે "વધુ એક પેપર લીક. મહારાષ્ટ્રમાં ટેટની પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે. આ પરીક્ષા કાલે થવાની હતી, પણ આજે રદ થઈ ગઈ. ભાજપ સરકારમાં એવું કોઈ પેપર નથી જે લીક ન થઈ રહ્યું હોય. આ સરકાર 'પેપરલીક સરકાર' બની ગઈ છે."

કપડવંજમાં ફટાકડા બનાવતી ફૅક્ટરીમાં વિસ્ફોટ, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

કપડવંજમાં ફટાકડાં બનાવતી ફૅક્ટરીમાં વિસ્ફોટ, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, NACHIKET MEHTA

ખેડા જિલ્લાના કપડવંજ નજીક આવેલી ફટાકડા બનાવતી એક ફૅક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 2 લોકોને ઈજા થઈ હોવાની માહિતી મળી છે.

બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેતા મહેતાના કહેવા પ્રમાણે આ ફૅક્ટરી કપડવંજના ડમ્પિંગ સ્ટેશનની સામે આવેલી હતી.

તેમણે વધુમાં જણાવ્યું, "જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં આખું મકાન તૂટી પડ્યું છે. આ બ્લાસ્ટને કારણે ફૅક્ટરીમાં કામ કરતાં 2 લોકો ધાયલ થયા છે."

પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ મીડિયાને જણાવ્યું, "આ ફૅક્ટરીમાં ફટાકડાની દિવેટ બનાવાતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેની પાસે કોઈ તેને માટેનું લાયસન્સ હતું કે નહીં તેની જાણકારી નથી. અમે આ વિશે તપાસ કરીશું."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી છે. જેમની હાલત ગંભીર હોવાથી એકને નડિયાદ અને એકને અમદાવાદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાલ, ફાયર બ્રિગેડની મદદથી ફૅક્ટરીના મકાનની આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાએ મીડિયાને વાતચીતમાં જણાવ્યું, "પહેલાં અમને ખબર મળી હતી કે ફૅક્ટરીમાં 17 લોકો કામ કરી રહ્યા છે અને તે પૈકી ચાર-પાંચ લોકો ઘાયલ થયા છે. પરંતુ ઘટનાસ્થળે આવીને તપાસ કરી તો ખબર પડી કે માત્ર બે જણા ઈજાગ્રસ્ત છે અને બાકીના સ્વસ્થ છે."

આવતા વર્ષે ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી શકે છે, અમેરિકાના વિદેશ મંત્રીએ શું કહ્યું?

આવતા વર્ષે ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી શકે છે, અમેરિકાના વિદેશ મંત્રીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Eric Lee / POOL / AFP via Getty Images

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂઆતમાં ભારતનો પ્રવાસ કરી શકે છે. તેમણે આ વાત સમાચાર એજન્સી આઈએએનએસને આપેલી મુલાકાતમાં કરી હતી.

રુબિયોએ કહ્યું છે કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલની નજીક છે.

તેમણે કહ્યું, "મને લાગે છે કે બધું શાનદાર રીતે આગળ વધી રહ્યું છે. મારો અર્થ એ છે કે સંબંધો મજબૂત છે, જી-7માં રાષ્ટ્રપતિની વડા પ્રધાન સાથેની ઘણી સારી મુલાકાત રહી હતી. અમે વ્યાપાર સમજૂતીને અંતિમ રૂપ આપવાની આશા વ્યક્ત કરી રહ્યા છે."

રુબિયોએ કહ્યું, "અમે તેને પૂર્ણ કરવાથી કેટલાંક પગલાં જ દૂર છીએ. સંકેત સકારાત્મક છે. અમે જલદી એક ક્વૉડની બેઠકમાં સામેલ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે."

"હું પોતે આ વર્ષના અંત પહેલા બીજી વખત ભારત આવવાની રાહ જોઉં છું. આવતા વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ (ટ્રમ્પ)ની યાત્રાની વ્યવસ્થા પર કામ કરી રહ્યો છું."

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સે કહ્યું કે 'હિંસાનો જવાબ હિંસાથી અપાશે'

ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે કહ્યું કે 'હિંસાનો જવાબ હિંસાથી અપાશે'

ઇમેજ સ્રોત, Fabrice Coffrini / POOL / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે કહ્યું કે 'હિંસાનો જવાબ હિંસાથી અપાશે'

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વાર તણાવ વધવા પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે કહ્યું કે 'હિંસાનો જવાબ હિંસાથી અપાશે.'

અમેરિકન સેનાએ શુક્રવારે ઈરાનનાં મિસાઇલ-ડ્રોન ઠેકાણાં અને રડાર ઠેકાણાં પર હુમલો કર્યો છે. આ કાર્યવાહી હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલા એક માલવાહક જહાજ (કાર્ગો શિપ)ને નિશાન બનાવ્યા બાદ કરાઈ છે.

બાદમાં જે.ડી. વેન્સે ઍક્સ પર અમેરિકન સેન્ટ્રલ કમાન્ડની એ પોસ્ટને રીપોસ્ટ કરી છે, જેમાં ઈરાન પર અમેરિકન હુમલાની માહિતી અપાઈ હતી.

વેન્સે પોતાની પોસ્ટમાં લખ્યું કે "ઈરાને યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને તેનું પાલન કર્યું છે. જો તેમને એમઓયુ (કરાર) લાગુ કરવાની રીત પર કોઈ અસહમતિ હોય તો અમને ફોન કરી શકતા હતા. પરંતુ હિંસાનો જવાબ હિંસાથી અપાશે."

અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર યુદ્ધવિરામના 'મૂર્ખતાપૂર્વક ઉલ્લંઘન'નો આરોપ મૂક્યો હતો.

ટ્રમ્પે કયા રસ્તાનું નામ બદલવા બદલ ભારતનો માન્યો?

ટ્રમ્પે કયા રસ્તાનું નામ બદલવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bonnie Cash/UPI/Bloomberg via Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૈદરાબાદના એક રસ્તાનું નામ બદલવા બદલ ધન્યવાદ પ્રગટ કર્યો છે. હવે આ રસ્તાને 'ડોનાલ્ડ ટ્રમ્પ ઍવેન્યૂ'નું નામ આપવામાં આવ્યું છે.

ટ્રમે ટ્રુથ સોશિયલ પર તેના ઉદ્ઘાટન સમારોહની તસવીર શૅર કરતાં લખ્યું, "ભારતના હૈદરાબાદમાં ન્યૂ ડોનાલ્ડ ટ્રમ્પ ઍવેન્યૂ. આ પ્રકારે સન્માનિત થનારા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ, આભાર."

આ પહેલાં બુધવારે અમેરિકાના હૈદરાબાદમાં આવેલા અમેરિકી સૉન્સુલેટ જનરલે ઍક્સ પર આ માર્ગના ઉદ્ઘાટન સમારોહની જાણકારી આપી હતી.

કૉન્યુલેટે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર અને તેલંગાણાના ઉપમુખ્ય મંત્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લૂની એક તસવીર પણ જારી કરી હતી.

હૈદરાબાદમાં આવેલા અમેરિકાના કૉન્સુલેટ જનરલે ઉદ્ઘાટન સમારોહની તસવીર શૅર કરી.

ઇમેજ સ્રોત, X/@USAndHyderabad

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદમાં આવેલા અમેરિકાના કૉન્સુલેટ જનરલે ઉદ્ઘાટન સમારોહની તસવીર શૅર કરી.

અમેરિકાના કૉન્સુલેટે લખ્યું, "હૈદરાબાદમાં એક ઐતિહાસિક પળ, અમરિકાની 250મી વર્ષગાંઠના સન્માનમાં તેલંગાણાના ઉપમુખ્ય મંત્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લૂએ અમેરિકાના વાણિજ્ય દૂતાવાસ પાસેના રસ્તાને આધિકારિક રીતે બદલીને ડોનાલ્ડ ટ્રમ્પ ઍવેન્યૂ કરીને તેનું નામકરણ કર્યું.'

"આ અદ્ભુત સન્માન માટે તેલંગાણાના લોકોનો હાર્દિક ધન્યવાદ, આ અમારા સતત મજબૂત થતા સંબંધોનું પ્રમાણ છે."

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો

વેનેઝુએલામાં આવેલા ભૂકંપને કારણે 920 લોકોનાં મૃત્યુ થયાં છે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલામાં આવેલા ભૂકંપને કારણે 920 લોકોનાં મૃત્યુ થયાં છે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં અત્યારસુધીમાં 920 લોકોનાં મોત થયાં છે અને 3,360 લોકો ઘાયલ થયા છે. વેનેઝુએલા સરકારે આ જાણકારી આપી છે.

બચાવકર્મી હજુ જીવતા બચેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. બીજી તરફ પરિજનો પણ પોતાના સ્વજનો વિશેની ખબરની રાહ જોઈ રહ્યા છે.

ઘાયલોની સારવાર વિવિધ અસ્થાયી ચિકિત્સાકેન્દ્રોમાં થઈ રહ્યો છે. દેશના ઉત્તર ભાગમાં આવેલા બે ભીષણ ભૂકંપને કારણે દઝનો ઇમારતો તૂટી જવા પામી છે, જેમાં રાજધાની કરાકાસની ઇમારતો પણ સામેલ છે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સેંકડો આંતરરાષ્ટ્રીય બચાવકર્મી દેશમાં પહોંચી રહ્યા છે, કેટલીક ટીમો રસ્તામાં છે.

ઘણા લોકો લાપતા છે અને બચાવ અભિયાન હજુ ચાલી રહ્યું છે. રાજધાનીની ઉત્તરમાં આવેલું લા- ગુઆઈરા ક્ષેત્ર પણ ભૂકંપને કારણે પ્રભાવિત થયું છે. આ રાજ્યના બે પ્રમુખ બંદરોમાંથી એક છે. અધિકારીઓનું માનવું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન