IND vs IRE : આયર્લૅન્ડે પ્રથમ વખત ભારતને માત આપી રચ્યો ઇતિહાસ, ભારતની હારનાં ત્રણ મુખ્ય કારણો

આયર્લૅન્ડે પ્રથમ વખત ભારતને માત આપી રચ્યો ઇતિહાસ, ટી20 મૅચમાં 34 રનથી હરાવ્યું, કૅપ્ટન અય્યરે હારનું કારણ શું આપ્યું?
ઇમેજ કૅપ્શન, આયર્લૅન્ડે પહેલી વખત ભારતને કોઈ પણ ફૉર્મેટમાં હરાવીને ઇતિહાસ રચ્યો છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

આયર્લૅન્ડે બેલફાસ્ટમાં થયેલી પ્રથમ ટી20 મૅચમાં ભારતને 34 રનથી હરાવી દીધું. આ આયર્લૅન્ડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામેની પ્રથમ જીત છે.

ભારતે મૅચમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો. આયર્લૅન્ડે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા.

આ સ્કોરનો પીછો કરતાં ભારતીય ટીમ 148 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી અભિષેક શર્માએ 49 અને શિવમ દુબેએ 25 રન બનાવ્યા.

આયર્લૅન્ડ તરફથી ટીમના કૅપ્ટન લોર્કાન ટકરે 50 અને ગૅરેથ ડેલેનીએ 49 રન બનાવ્યા.

ભારત તરફથી અર્શદીપસિંહ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણાએ ત્રણ વિકેટ ઝડપી.

મૅચમાં આયર્લૅન્ડના બૉલરોએ કમાલ કરી હતી.

મૅથ્યુ હમ્ફ્રીઝ અને મેટ હોલાર્ડે પોતાની ટીમ માટે ત્રણ-ત્રણ વિકેટ મેળવી જ્યારે જય મુન્દ્રાએ બે વિકેટ પોતાના નામે કરી.

પરંતુ ભારતીય બૉલરો એટલા કિફાયતી સાબિત થયા નહીં. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરના સ્પેલમાં 57 રન આપી દીધા, જેમાંથી 27 રન તો એક જ ઓવરમાં આપી દીધા.

આયર્લૅન્ડે પહેલી વખત ભારતને કોઈ પણ ફૉર્મેટમાં હરાવીને ઇતિહાસ રચ્યો છે. મૅચ બાદ આયરિશ કૅપ્ટન લોર્કન ટકરે આ જીતને બહુ 'ખાસ પળ' ગણાવી હતી.

ટકરે ટીએનટી સ્પૉર્ટ્સ સાથે વાતચીતમાં કહ્યું, "આ બહુ ખાસ પળ હતી. ખેલાડીઓને તેનો પૂરો શ્રેય આપવો રહ્યો. અમે સંઘર્ષ કર્યો અને આખરે અમને તેનું ઇનામ મળ્યું."

ભારતની હારનાં ત્રણ મુખ્ય કારણો

આયર્લૅન્ડે પ્રથમ વખત ભારતને માત આપી રચ્યો ઇતિહાસ, ટી20 મૅચમાં 34 રનથી હરાવ્યું, કૅપ્ટન અય્યરે હારનું કારણ શું આપ્યું?
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શ્રેયસ અય્યરની કૅપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયાને આયર્લૅન્ડ સામે પહેલી ટી20 મૅચમાં 34 રને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ મુકાબલામાં ભારતની હારનાં ત્રણ મુખ્ય કારણો રહ્યાં.

1 ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવી

ભારતના કૅપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ મેદાનમાં પિચ બેટિગ માટે અનુકૂળ હતી. જેના પર પહેલા બેટિંગ કરીને ભારતીય ટીમ 200 રનથી મોટો સ્કોર બનાવી શકી હોત. જેને કારણે વિરોધી ટીમ બૅકફૂટ પર આવી ગઈ હોત કારણકે આટલો મોટો સ્કોરના લક્ષ્યાંકને પાર કરવું આયરિશ ટીમ માટે આસાન નહીં હોત. પરંતુ પહેલા બૉલિંગ લેવાને કારણે આયર્લૅન્ડે 182 રન બનાવ્યા અને તેનો પીછો કરતા ભારતીય ટીમ 148માં ઑલઆઉટ થઈ ગઈ.

2 પ્રસિદ્ધ કૃષ્ણા પાસે ચાર ઓવર કરાવવી

પ્રસિદ્ધ કૃષ્ણા પહેલેથી જ લય ખોઈ બેઠા હતા. પહેલી ઓવરમાં જ તેમણે 15 રન આપી દીધા હતા. પ્રસિદ્ધના મોંધા ઓવર છતાં અય્યરે તેના પર ભરોસો રાખ્યો અને બાકીની ઓવર આપી જ્યારે કે ભારતીય ટીમ પાસે વિકલ્પો હતા. ત્રણ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ કોઈ પણ વિકેટ લીધા વગર 30 રન આપ્યા હતા. ચોથી ઓવરમાં તેમણે 27 રન આપ્યા, તેણે કુલ ચાર ઓવરના સ્પેલમાં 57 રન ખર્ચ કર્યા.

3 બૅટ્સમૅનોએ ઉતાવળ કરી

183 રનનું લક્ષ્યાંક ભારતીય ટીમ માટે સરળ લાગતું હતું પરંતુ તેનો પીછો કરતા ભારતીય બૅટ્સમૅનો ઉતાવળમાં લાગ્યા. ટીમે 60 રન પર જ્યારે ત્રીજી વિકેટ ગુમાવી અને શ્રેયસ અય્યર આઉટ થયા પછી ચોથી વિકેટ 80 રન પર પડી જ્યારે અભિષેક શર્મા 49 રન બનાવીને આઉટ થયા. ચાર વિકેટ પડવા છતાં ભારતીય ટીમે આક્રામક વલણ યથાવત્ રાખ્યું. તેની વિકેટ જલદી પડતી ગઈ, મિડલ ઓવરમાં કોઈ મોટી ભાગેદારી ન થઈ અને તે ભારતની હારનું મુખ્ય કારણ રહ્યું.

શું બોલ્યા કૅપ્ટન શ્રેયસ અય્યર?

આયર્લૅન્ડે પ્રથમ વખત ભારતને માત આપી રચ્યો ઇતિહાસ, ટી20 મૅચમાં 34 રનથી હરાવ્યું, કૅપ્ટન અય્યરે હારનું કારણ શું આપ્યું?

મૅચ બાદ શ્રેયસ અય્યરે કહ્યું, "શરૂઆતમાં અમારા બૉલરો ખૂબ જ શાનદાર બૉલિંગ કરી રહ્યા હતા. પરંતુ મધ્યની ઓવરોમાં અમે અમારી યોજના મુજબ બૉલિંગ કરી શક્યા નહીં અને વિરોધી બૅટ્સમૅનોને મેદાનની સીધી સામેની દિશામાં શૉટ રમવાની તક આપી દીધી, જ્યાં બાઉન્ડ્રી નાની હતી."

"મને લાગ્યું હતું કે બૉલરોએ જેવી શરૂઆત અપાવી હતી, તેના હિસાબે 140 રનનું લક્ષ્ય સારું રહેત. પરંતુ હા, કૅપ્ટન તરીકે આ શાનદાર શરૂઆત રહી." તેમણે હસતાં-હસતાં આ વાત કહી.

તેમણે આગળ કહ્યું, "જે થયું તેને અમે ભૂલી જવાનો પ્રયત્ન કરીશું. આ મૅચમાંથી અમને ઘણું શીખવા મળ્યું છે. આગામી મુકાબલામાં અમે સંપૂર્ણ તૈયારી અને આક્રમક ઇરાદા સાથે ઉતરીશું."

"શરૂઆતમાં ઝડપી બૉલરોને ઘણી મદદ મળી રહી હતી. શિવમ મહત્ત્વપૂર્ણ ઓવર ફેંકે છે, તેથી મને તેમના પર હંમેશાં વિશ્વાસ રહે છે. ઈજામાંથી વાપસી કરી રહેલા હર્ષિત રાણાએ પણ શાનદાર બૉલિંગ કરી."

અય્યરે કહ્યું કે ટીમ માટે તેમનો સંદેશ એટલો જ છે કે કોઈ પણ બાબતને હળવાશથી લેવી જોઈએ નહીં.

આયર્લૅન્ડના કૅપ્ટને શું કહ્યું?

આયર્લૅન્ડે પ્રથમ વખત ભારતને માત આપી રચ્યો ઇતિહાસ, ટી20 મૅચમાં 34 રનથી હરાવ્યું, કૅપ્ટન અય્યરે હારનું કારણ શું આપ્યું?
ઇમેજ કૅપ્શન, મૅચ બાદ આયરિશ કૅપ્ટન લોર્કન ટકરે આ જીતને બહુ 'ખાસ પળ' ગણાવી હતી.

આયર્લૅન્ડ ટીમના કૅપ્ટન લોર્કાન ટકરે કહ્યું, "આ જીત અમારા માટે અત્યંત ખાસ છે. મૅચ દરમિયાન ઘણા મુશ્કેલ તબક્કા આવ્યા, પરંતુ અમે હાર માની નહીં અને અમારી યોજના પર અડગ રહ્યા."

"ભારતે શરૂઆતમાં શાનદાર બૉલિંગ કરી. બૉલરોએ સતત યોગ્ય લંબાઈ પર બૉલ નાખ્યો, જેના કારણે સારા શૉટ રમવા અમારા માટે ખૂબ મુશ્કેલ બની ગયું. થોડા સમય માટે તો આ મુકાબલો ટેસ્ટ મૅચ જેવો લાગ્યો."

"પોતાના ઘરઆંગણે વિશ્વ ચૅમ્પિયન ભારતને હરાવવું અત્યંત ખાસ ઉપલબ્ધિ છે. તેનો સંપૂર્ણ શ્રેય અમારી ટીમના ખેલાડીઓ અને પડદા પાછળ સતત મહેનત કરતા ક્રિકેટ આયર્લૅન્ડના સહાયક સ્ટાફને જાય છે."

ડૅબ્યૂ કરનારા ખેલાડીઓ વિશે તેમણે કહ્યું, "તેઓએ ઘણી ધીરજ અને ધગશ દેખાડી. અમે ભારતની બૉલિંગમાંથી શીખ મેળવી અને અમારા બૉલરોએ સતત યોગ્ય જગ્યાએ બૉલ નાખવાની શાનદાર ક્ષમતા દર્શાવી."

રવિવારે થનારી આગામી મૅચ અંગે તેમણે કહ્યું, "ઘરઆંગણે ભારત સામે સિરીઝ જીતવી અમારા માટે અત્યંત ખાસ રહેશે. ટીમના બધા ખેલાડીઓ ફરીથી મેદાનમાં ઉતરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે."

વૈભવ સૂર્યવંશીને સ્થાન નહોતું મળ્યું

મૅચ બાદ આયરિશ કૅપ્ટન લોર્કન ટકરે આ જીતને બહુ 'ખાસ પળ' ગણાવી હતી.

આ મૅચ માટે ભારતના યુવા તોફાની બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી પર ક્રિકેટ ચાહકોની ખાસ નજર હતી, જોકે તેમને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું.

ભારતીય કૅપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું, "આ અમારા માટે નવી પિચ છે. અમારી ટીમના મોટાભાગના ખેલાડીઓ અહીં પહેલાં ક્યારેય રમ્યા નથી. તેથી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અમે પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો."

સૂર્યવંશીના રમવા અંગે પૂછાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું, "દુર્ભાગ્યે નહીં. તેઓ શાનદાર ખેલાડી છે, પરંતુ અમારી ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જેમણે અમારા માટે સારું પ્રદર્શન કર્યું છે, તેથી અમે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છીએ. સમય આવતાં તેમને પણ તક મળશે."

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન અને કૉમેન્ટેટર માઇકલ વૉને સૂર્યવંશીને નહીં પસંદ કરવામાં આવ્યા તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વૉને લખ્યું, "વિશ્વાસ નથી થતો કે ભારતે વૈભવ સૂર્યવંશીને પસંદ કર્યા નહીં. આ સમયે તેઓ વિશ્વના શ્રેષ્ઠ ટી20 ખેલાડીઓ પૈકીના એક છે."

પરંતુ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકરે સૂર્યવંશીને નહીં રમાડવાના ભારતીય ટીમ મૅનેજમેન્ટના નિર્ણયની પ્રશંસા કરી.

માંજરેકરે ઍક્સ પર લખ્યું, "ભારતનો પોતાના ફૉર્મમાં ચાલી રહેલા ઓપનરો અને ટી20 વિશ્વકપ જીતાડનારા ખેલાડીઓ સાથે છેડછાડ ન કરવાનો નિર્ણય યોગ્ય છે. 'બાહ્ય અવાજ' ફક્ત બાહ્ય અવાજ જ રહેવા જોઈએ, જ્યારે ડ્રેસિંગ રૂમમાં શાંતિ અને યોગ્યતાના આધારે નિર્ણયો લેવાવાં જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન