ઈરાને કહ્યું, 'ટ્રમ્પની ધમકી બાદ અમે અમેરિકા સાથેની બેઠક વચ્ચે જ છોડી દીધી હતી' – ન્યૂઝ અપડેટ

ઈરાને કહ્યું, 'ટ્રમ્પની ધમકી બાદ અમે અમેરિકા સાથેની બેઠક વચ્ચે જ છોડી દીધી હતી' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ATTA KENARE/AFP via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સ્વિટ્ઝર્લૅન્ડમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત સમાપ્ત થઈ ગઈ છે. જે મામલે ઈરાની વાટાઘાટકાર મોહમ્મદ ગાલિબાફે જાણકારી આપી છે.

ગાલિબાફે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી નારાજ થઈને તેઓ બેઠક છોડીને જતા રહ્યા હતા. ત્યાર બાદ અમેરિકાના પક્ષોએ મધ્યસ્થો મારફતે વધુ એક બેઠકની માગ કરી હતી.

ઈરાનના હૈદરાબાદ કૉન્સ્યુલેટે ગાલિબાફનો એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે.

તેઓ કહે છે કે "80 મિનિટની વાતચીત બાદ મને ખબર મળી કે ટ્રમ્પે અમારા રાષ્ટ્રપતિ, અમારી વાટાઘાટકારોની ટીમ અને અમારા વિસ્તાર પર હુમલાની ધમકી આપી છે."

"મેં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડીને કહ્યું કે અમે અહીં વાતચીત માટે આવ્યા છીએ. સમજૂતીની પહેલી શરતમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ ધમકી કે દબાણ નહીં હોવું જોઈએ. પરંતુ આપના રાષ્ટ્રપતિએ ધમકી આપી છે. એ જાણી લો કે અમે ધમકી કે દબાણમાં વાતચીત નહીં કરીએ."

તેમણે કહ્યું, "અમે વાતચીત સમાપ્ત કરી, મિટિંગની બહાર નીકળી ગયા અને પરત નહીં ગયા. પછી અમેરિકાના પક્ષે મધ્યસ્થો મારફતે વધુ એક બેઠકની માગ કરી, પરંતુ અમે સ્પષ્ટ ના પાડી. કતાર અને પાકિસ્તાની મધ્યસ્થ અમારી પાસે આવ્યા હતા અને અમે તેમને કહ્યું કે અમે તમારી સાથે વાતચીત કરીશું, પરંતુ સીધા અમેરિકા સાથે નહીં."

તેમણે કહ્યું કે ચર્ચાનું પરિણામ એ જ આવ્યું જે મામલે પાકિસ્તાન અને કતારે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.

કતારમાં રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં વિસ્ફોટને કારણે 12 ભારતીયોનાં મોત

કતારમાં રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં વિસ્ફોટને કારણે 12 ભારતીયોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં એક ફૅક્ટરીમા થયેલા વિસ્ફોટને કારણે 13 લોકોનાં મોત થયાં છે. જેમાં 12 ભારતીયો છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી.

દોહામાં આવેલા ભારતીય દૂતાવાસે ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું, "કતારના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રવિવારે રાત્રે રાસ લાફાનમાં થયેલી દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકોના દુ:ખદ મૃત્યુ થયાં છે."

દૂતાવાસે કતારના અધિકારીઓના હવાલેથી જણાવ્યું કે ઘાયલ લોકોની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.

કતારમાં આઠ લાખથી વધારે ભારતીય કામદારો રહે છે અને દર વર્ષે 1.3થી 1.9 અબજ ડૉલર કમાઈને ભારત મોકલે છે.

પાકિસ્તાનના પ્રવાસે જશે ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન, કયા મુદ્દે થશે વાતચીત?

પાકિસ્તાનના પ્રવાસે છે ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન, કયા મુદ્દે થશે વાતચીત? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Foad Ashtari/SOPA Images/LightRocket via Getty Image

ઇમેજ કૅપ્શન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મળશે (ફાઇલ તસવીર)

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન મંગળવનારે પાકિસ્તાનના અધિકૃત પ્રવાસે હશે. તેની પુષ્ટિ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કરી છે.

બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે, મસૂદ પેઝેશ્કિયાન પોતાના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે મુલાકાત કરશે.

તેઓ સેનેટના ચૅરમૅન, સંસદના સ્પીકર અને વિદેશ મંત્રી ઇસ્હાક ડારની પણ મુલાકાત કરશે.

મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે, "આ પ્રવાસમાં પાકિસ્તાન અને ઈરાન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે. વ્યાપાર, ઊર્જા, સરહદની સુરક્ષા તથા ક્ષેત્રીય જોડાણના નવા રસ્તાઓ પર ચર્ચા કરવામાં આવશે."

આ પ્રવાસ એટલે માટે મહત્ત્વનો છે, કારણકે હાલમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં બંને પક્ષોની બેઠક પણ થઈ, આ દરમિયાન પાકિસ્તાને મધ્યસ્થની ભૂમિકા ભજવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન