સ્પર્મ સિસ્ટર્સ : 'અમને ખબર જ નહોતી કે અમારા પિતા એક જ છે'

ઇમેજ સ્રોત, Sperm Sisters
- લેેખક, જેમા ડનસ્ટન
- પદ, વેલ્સ ઇન્વેસ્ટિગેટ્સ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
નતાશા, જેમ્મા અને હેલેન મોટી થઈ ત્યાં સુધી એમ જ માનતાં હતાં કે તેઓ જાણે છે કે તેમના પિતા કોણ છે. પરંતુ, દાયકાઓ પછી જ્યારે તેમણે ડીએનએ પરીક્ષણ કરાવ્યું, ત્યારે ખુલાસો થયો કે તેમનો જન્મ એક જ વેલ્શ સ્પર્મ ડૉનરના શુક્રાણુ દ્વારા થયો હતો.
તેમનો જન્મ યુકેમાં 1991માં નિયમો અમલમાં આવ્યા તે પહેલાં થયો હોવાથી, તેમનું કહેવું છે કે તેઓ સ્પર્મ ડોનેશનની એ પેઢીનો ભાગ છે જેને "વાઇલ્ડ વેસ્ટ" (કોઈ પણ પ્રકારના કાયદા-કાનૂન વિનાનો સમયગાળો) કહેવામાં આવે છે. તેઓ પોતાને "સ્પર્મ સિસ્ટર" કહે છે અને સાથે મળીને પોતાના નવા બહેન જેવા સંબંધોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ કહે છે કે પહેલી વાર મળવાનો અનુભવ "જાણે કોઈ પરીકથા જેવો હતો; બધું એટલું જાદુઈ લાગતું હતું કે હર્ષનાં આંસુ આવી ગયાં હતાં."

ઇમેજ સ્રોત, Gemma Hicks
જેમ્મા અને હેલન હિક્સ બર્કશાયરમાં સાથે મોટા થયાં હતાં અને તેઓ માનતાં હતાં કે તેમને ઉછેરનાર પિતા જ તેમના જૈવિક પિતા છે. પરંતુ, તેમની વીસેક વર્ષની ઉંમરના અંતિમ પડાવે પહોંચ્યાં ત્યારે તેમને ખબર પડી કે તેમનો જન્મ સ્પર્મ ડૉનરના શુક્રાણુ દ્વારા થયો હતો. જોકે તેઓ એ જાણી શક્યાં નહોતાં કે બંને માટે ડૉનર એક જ હતો કે નહીં, કારણ કે તેમના જન્મ સમયના રેકોર્ડ્સ ખૂબ મર્યાદિત હતા.
સરેમાં રહેતાં 36 વર્ષનાં જેમ્મા કહે છે, "તે સમયગાળામાં સ્પર્મ ડોનેશનની વ્યવસ્થા અનિયંત્રિત હતી. ઘણાં માતા-પિતાને કહેવામાં આવતું હતું કે બાળકને પોતાનું જ માનીને ઉછેરો અને આ વાતનો ક્યારેય ઉલ્લેખ ન કરો. તેમને એ જ રીતે વિચારવા માટે પ્રેરિત કરવામાં આવતાં હતાં."
યુકેમાં પ્રજનન સંબંધિત નિયમનકારી સંસ્થા, હ્યુમન ફર્ટિલાઇઝેશન ઍન્ડ એમ્બ્રિયોલોજી ઑથોરિટી (HFEA)ની સ્થાપના ઑગસ્ટ 1991માં થઈ હતી. ત્યારબાદ જ આ ક્ષેત્ર માટે માર્ગદર્શિકાઓ અમલમાં આવી હતી.
ડીએનએ પરીક્ષણે માત્ર એટલું જ સાબિત ન કર્યું કે બંનેના જૈવિક પિતા એક જ હતા, પરંતુ તેના કારણે તેમની મુલાકાત અન્ય નવી બહેનો સાથે પણ થઈ. જેમ્માએ જણાવ્યું, "મને શારીરિક રીતે પણ કંઈક બદલાઈ ગયું હોય એવું લાગ્યું. મને એવું લાગવા લાગ્યું કે હું ખરેખર કોણ છું એ જ મને ખબર નહોતી. પછી હું મારા જીવનની દરેક નાની બાબત વિશે વિચારવા લાગી કે કદાચ એ મારા જનીનોના કારણે તો નથી ને?"
હેમ્પશાયરમાં રહેતાં 35 વર્ષની હેલેન માટે શરૂઆતનો આઘાત પસાર થયા પછી આ સમાચાર એક પ્રકારની સ્પષ્ટતા લઈને આવ્યા. તેમણે જણાવ્યું, "મને ખરેખર એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો. હું મારા જીવનના ઘણા પ્રસંગોને ફરી યાદ કરવા લાગી અને ઘણી એવી બાબતો સમજાવા લાગી, જે પહેલાં ક્યારેય સમજાઈ નહોતી."

ઇમેજ સ્રોત, Natasha Goldstein-Opasiak
ત્યારબાદ તેઓ એ જ ડૉનરથી જન્મેલી બીજી બે બહેનો સાથે પણ જોડાયાં. તેમાંનાં એક હતાં ઍસેક્સમાં રહેતાં 36 વર્ષનાં નતાશા ગોલ્ડસ્ટીન-ઓપાસિયાક. નતાશાને 21 વર્ષની ઉંમરે ખબર પડી હતી કે તેનો જન્મ ડૉનર કન્સેપ્શન દ્વારા થયો હતો, પરંતુ તેણે 31 વર્ષની ઉંમર સુધી ડીએનએ પરીક્ષણ કરાવ્યું નહોતું. તેમણે જણાવ્યું, "મેં ડીએનએ ટેસ્ટ કરાવ્યો કારણ કે મને ખરેખર એ જાણવાની ઉત્કંઠા હતી કે મારું બીજું અડધું અસ્તિત્વ કઈ બાબતોથી ઘડાયું છે. મેં તો સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે મને ભાઈ-બહેનો મળી જશે. તમને એક ઈમેલ મળે છે કે તમારા કેટલાક સંબંધીઓ મળ્યા છે. ખરેખર તો આ એક ટિન્ડર જેવી જ પ્રક્રિયા છે. તેમાં લખેલું હોય છે કે તમારું મૅચિંગ થયું છે, આ રહી તમારી સાવકી બહેનો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હેલેન અને જેમ્માએ નતાશાનો સંપર્ક કર્યો અને એક મહિનાની અંદર મળવાનું નક્કી કર્યું. જેમ્માએ કહ્યું, "અમે હંમેશાં કહીએ છીએ કે અમે ચુંબકની જેમ એકબીજા તરફ ખેંચાયાં હતાં. મને લાગે છે કે અમે ટેબલ પર બેસીને વાત શરૂ કરી તેની એક જ મિનિટમાં અમને સમજાઈ ગયું કે અમે એકસરખી રીતે વાત કરીએ છીએ, ઘણી બાબતોમાં અમારા વિચારો પણ સરખા છે. એ બધું થોડું અજીબ તો લાગતું હતું, પણ સાથે સાથે અદ્ભુત અને જાદુઈ પણ."
તેમને એ પણ ખબર પડી કે તેઓ અગાઉ એકબીજાની નજીક આવી ચૂક્યાં હતાં. જેમ્મા અને નતાશા 15 વર્ષ પહેલાં લીડ્સમાં એક જ યુનિવર્સિટીમાં એક જ રૂમમાં રહેતાં હતાં. જેમ્માએ જણાવ્યું, "એ વિચારતાં ખૂબ દુઃખ થાય છે કે બાળપણ અને યુવાની દરમિયાન અમને એકબીજા સુધી પહોંચવાનો અવસર જ મળ્યો નહોતો. અમે સાથે સમય વિતાવી શક્યાં હોત, જન્મદિવસની ઉજવણીઓ કરી શક્યાં હોત. જીવનની કેટલીય કિંમતી ક્ષણો આમ જ હાથમાંથી સરકી ગઈ, એ વિચાર ખરેખર દુઃખદ છે."
ત્રણેયમાં સર્જનાત્મકતાની લાક્ષણિકતાઓ સમાન છે. જેમ્માએ કલા, હેલેને સંગીત અને નતાશાએ નૃત્યનો અભ્યાસ કર્યો છે અને તે બધા એક સમયે શિક્ષક અથવા વ્યાખ્યાતાં રહ્યા છે. જેમ્માએ જણાવ્યું, "હું ખરેખર સર્જનાત્મક પરિવારમાં ઊછરી નથી, પરંતુ અમારું મૂળ ગહન રીતે સર્જનાત્મકતા સાથે જોડાયેલું છે તે જાણીને ઘણું સારું લાગે છે. હવે મને મારું મહત્ત્વ અને મૂલ્ય પણ સમજાય છે."

ઇમેજ સ્રોત, Gemma Hicks
ત્રણેય બહેનો વાત કરે છે કે તમારા વારસાને જાણવાથી તમારી ઓળખ કેવી રીતે પ્રભાવિત થાય છે. જેમ્મા અને હેલેનને ઉછેરનાર પિતા વેલ્શ હતા. બંને બહેનો બાળપણથી જ વારંવાર વેલ્શ જતાં હતાં અને વેલ્શની રગ્બી ટીમને સમર્થન આપતાં રહ્યાં. જેમ્માએ કહ્યું, "મને લાગે છે કે વેલ્શ હોવાની લાગણી અમારા ઉછેરનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. અમે ગૌરવની ખૂબ જ મજબૂત ભાવના સાથે મોટા થયાં છીએ."
યોગાનુયોગ ડીએનએ ટેસ્ટમાં પણ જાણવા મળ્યું કે તેમના જૈવિક પિતા વેલ્શ હતા. જેમ્માએ આગળ જણાવ્યું, "સદ્ભાગ્યે અમારા માટે બહુ કંઈ બદલાયું નથી. જો અમને ખબર પડી હોત કે અમારાં મૂળ ફ્રેન્ચ છે કે કંઈક બીજાં છે, તો કદાચ મને ઘણું અજીબ લાગ્યું હોત. મને ખરેખર દુઃખ થાત કે વેલ્શ સમુદાય અને તેની સાથેનું જોડાણ અમારા અસ્તિત્વનો ભાગ નથી."
નતાશા ક્યારેય એવું વિચારીને મોટી નહોતી થઈ કે તે વેલ્શ છે, પરંતુ વેલ્શ સાથે તેના સંબંધો હતા. "મેં મારા બાળપણનો ઘણો સમય ઉત્તર વેલ્શમાં બેંગોર અને ગ્વિનેડ જેવી જગ્યાઓમાં વિતાવ્યો હતો. એટલે નવાઈની વાત એ છે કે હું પહેલેથી જ વેલ્શ સાથે ખૂબ જોડાયેલી હોવાની અનુભૂતિ કરતી હતી. પછી જ્યારે ખબર પડી કે અમારા ડૉનર મહાશય પણ ત્યાંના જ હતા, ત્યારે મને ખરેખર ખૂબ આનંદ થયો."
હેલેને ઉમેર્યું, "જ્યારે તમને ખબર પડે કે તમે ખરેખર કોણ છો, ત્યારે મનમાં એક અદ્ભુત શાંતિ ઊતરી આવે છે. અમે ખૂબ નસીબદાર છીએ કે અમને જાણવાની તક મળી."
આ બહેનો તેમના જૈવિક પિતા કોણ છે તે જાણવામાં પણ સફળ થયાં, અને તેમણે તેમની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેઓ કહે છે કે ત્યાંથી તેમને "ઉષ્માભર્યો અને સકારાત્મક પ્રતિસાદ" મળ્યો હતો.
HFEAએ જણાવ્યું હતું કે 1991 પછી યુકેની લાઇસન્સ પ્રાપ્ત ક્લિનિકોમાં ડૉનર સારવાર દ્વારા 85,000થી વધુ બાળકોનો જન્મ થયો છે. 2005માં યુકેના કાયદામાં થયેલા ફેરફાર પછી સ્પર્મ, ઍગ્સ અથવા ભ્રૂણનું સંપૂર્ણપણે અનામી દાન કરવું શક્ય રહ્યું નથી. તેનો અર્થ એ છે કે ઍગ્સ, સ્પર્મ અથવા ભ્રૂણ દાનની મદદથી જન્મેલાં બાળકની જ્યારે 18 વર્ષની ઉંમર થાય ત્યારે તે ઇચ્છે તો પોતાના ડૉનરની માહિતી મેળવી શકે છે અને તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરી શકે છે.

ઇમેજ સ્રોત, Sperm Sisters
ત્રણેયનું કહેવું છે કે "સ્પર્મ સિસ્ટર્સ" તરીકે હવે તેઓ અવિભાજ્ય થઈ ગયાં છે અને આ જ નામથી તેમણે એક પોડકાસ્ટ પણ શરૂ કર્યું છે. નતાશાએ કહ્યું, "મને લાગે છે કે અમે ત્રણેય ખૂબ એકલાં અનુભવી રહ્યાં હતાં અને અમને લાગ્યું કે તેના વિશે વાત કરીને, અમે જવાબો શોધી શકીશું અને એકબીજાને જાણી શકીશું. આ પોડકાસ્ટ બનાવીને અમે અમારી 'બહેન'વાળી ભાવના વધારે મજબૂત બનાવી છે."
જેમ્માએ જણાવ્યું, "અમારી પાસે એકબીજાને જાણવા અને જણાવવા માટે ઘણું બધું છે - પૂરાં ત્રીસ વર્ષ." તેમણે એ પણ જણાવ્યું કે આ પોડકાસ્ટના લીધે તેઓ હેલેનથી પહેલાં કરતાં પણ વધારે નજીક આવી ગયાં છે.
આ ત્રણે બહેનો ડૉનર કન્સેપ્શન વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ ઉત્સુક છે. નતાશાના શબ્દોમાં, "આ એક એવો વિષય છે જેના વિશે બહુ ઓછું બોલાય છે." તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ લોકોને કહે કે તેમનો જન્મ ડૉનર કન્સેપ્શન દ્વારા થયો છે, ત્યારે મોટાભાગે તેમને સંપૂર્ણ ગૂંચવણભર્યો પ્રતિસાદ મળે છે અને લોકોને ખરેખર એનો અર્થ શું થાય તેની કોઈ સ્પષ્ટ સમજ હોતી નથી.
જોકે હવે કાયદા-કાનૂન વધારે સારા થઈ ગયા છે, છતાં પણ તેમનું કહેવું એમ છે કે ડૉનર કન્સેપ્શન દ્વારા જન્મેલાં તમામ બાળકોને હજુ પણ પૂરતું રક્ષણ મળતું નથી. આ બહેનોને હજુ પણ ખબર નથી કે તેમના બીજા કેટલાં ભાઈઓ અથવા બહેનો હોઈ શકે. તેમના જન્મના સમયે એક ડૉનર દીઠ વધુમાં વધુ 10 પરિવારોની મર્યાદા જેવો કોઈ નિયમ અસ્તિત્વમાં જ નહોતો.
તાજેતરના બીબીસી વેલ્સ ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા સાઇટ્સ અને ઍપ્લિકેશનો દ્વારા કાયદા-કાનૂન વિનાના અનિયંત્રિત સ્પર્મ ડોનેશનને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેમ્માએ જણાવ્યું કે, "ડોનરોની ઓળખ વિશે લોકોને માહિતી મળી શકે અને સમગ્ર પ્રક્રિયા યોગ્ય રીતે નિયમિત રહે તે માટે HFEAએ ખૂબ જ મહેનત કરી છે. કાયદાઓમાં ઘણા સુધારા થયા છે, પરંતુ દુર્ભાગ્યે એવું લાગે છે કે 'ફેસબુક સ્પર્મ' જેવી પ્રવૃત્તિઓના વધતા પ્રભાવને કારણે એ તમામ મહેનત ફરી પાછળ ધકેલાઈ રહી છે. અમારો જન્મ એવા સમયમાં થયો હતો જ્યારે કોઈ નિયમો નહોતા. અને સાચું કહું તો આજની સ્થિતિ પણ એટલી અલગ નથી. મને લાગે છે કે જો અમે ડૉનર કન્સેપ્શન દ્વારા જન્મેલાં આગામી પેઢીનાં બાળકો માટે અવાજ બની શકીએ તો કદાચ કેટલાંક માતા-પિતાને આ બાબત ગુપ્ત રાખવી કે પ્રશ્નો પૂછવાનું ટાળવું એ અંગે ફરીથી વિચારવાની પ્રેરણા મળશે."
હેલેને જણાવ્યું કે સ્પર્મ ડૉનરની મદદથી જન્મેલાં બાળકોની સ્થિતિ આજે પણ એવી છે કે તેમનો અવાજ લગભગ સાંભળવામાં જ આવતો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















