વૈભવ સૂર્યવંશીના 29 બૉલમાં 94 રન, ફૅન બન્યા ક્રિકેટરથી માંડીને પોલિટિશિયન, કોણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાના દાંબુલા ખાતે રમાઈ રહેલી 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીની અંતિમ મૅચમાં ભારત-એ ટીમના ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીની સ્ફોટક બેટિંગના ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકર પણ ચાહક બની ગયા છે.
વૈભવ સૂર્યવંશીએ માત્ર 11 બૉલમાં અડધી સદી ફટકારી અને 29 બૉલમાં 94 રનની ઇનિંગ રમી. તેમના સ્ફોટક અંદાજને કારણે ભારત એએ શ્રીલંકા એ સામે નવ વિકેટ ગુમાવીને 377 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો.
જોકે, આ પહેલાં વૈભવ સૂર્યવંશી સિરીઝની ચોથી મૅચમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મૅચમાં થયેલા વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા.
જોકે, એ બાદ સંજય માંજરેકરે કહ્યું હતું કે, "જો તેઓ ઇન્ડિયા-એના કોચ કે મૅનેજર હોત તો તેમણે અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી મૅચ માટે વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ ન કર્યો હોત."
પરંતુ રવિવારે, વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટક અંદાજને જોયા બાદ, સંજય માંજરેકરે ઍક્સ પર લખ્યું , "હમણાં જ અહેસાસ થયો કે વૈભવ 50 ઓવરના ક્રિકેટને એક એવા ફૉર્મેટ તરીકે જુએ છે જ્યાં તેઓ વધુ હાહાકાર મચાવી શકે છે! ખાસ કરીને, એટલા માટે, કારણ કે દસ ઓવર માટે સર્કલની બહાર બે ફિલ્ડર હોય છે, છ નહીં."
સંજય માંજરેકરના અગાઉના અને તાજેતરના નિવેદન અંગે સોશિયલ મીડિયા પર જાતભાતની પ્રતિક્રિયાઓ અપાઈ રહી છે, જેમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમને હવે "પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હશે."
એક ઍક્સ યૂઝર આદ્યાએ સંજય માંજરેકરની લેટેસ્ટ પોસ્ટ શૅર કરી અને લખ્યું , "આશા છે કે તમે હવે ઠીક હશો."
બીજા એક યૂઝરે સંજય માંજરેકરને રિપ્લાય કરતાં લખ્યું, "ખેલાડીઓને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરનારા તમારા વિશ્લેષણની પ્રશંસા થવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૈભવ સૂર્યવંશીએ 11 બૉલમાં 50 રન બનાવ્યા, પણ રેકૉર્ડ ચૂક્યા

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રવિવારે દાંબુલા ખાતે રમાયેલી 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા એ બૉલરો સામે ગજબ ફટકાબાજી કરી.
શ્રીલંકા એએ ટૉસ જીતીને ભારત એને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું.
પાછલી મૅચના વિવાદોને પાછળ મૂકતાં વૈભવે શરૂઆતથી જ ટી20 શૈલીમાં પોતાની આક્રમક બેટિંગથી યજમાન ટીમનો પરિચય કરાવ્યો.
તેમની અડધી સદી ફક્ત 11 બૉલમાં આવી. લિસ્ટ એ ક્રિકેટમાં આ એક નવો રેકૉર્ડ છે . જોકે, બિહારના 15 વર્ષીય બૅટ્સમૅન લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકૉર્ડ બનાવવાનું ચૂકી ગયા.
તેઓ ફક્ત 29 બૉલમાં 94 રન બનાવીને આઉટ થયા. તેમણે પોતાની ઇનિંગમાં દસ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. જો તેઓ 29મા બૉલે આઉટ ન થયા હોત અને એ બોલ પર છગ્ગો ફટકાર્યો હોત, તો તેઓ લિસ્ટ એ ક્રિકેટમાં સદી ફટકારનાર સંયુક્ત રીતે સૌથી ઝડપી બૅટ્સમૅન બન્યા હોત.
આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્કના નામે છે , જેમણે 29 બૉલમાં પોતાની સદી પૂરી કરી હતી.
દક્ષિણ ઑસ્ટ્રેલિયા તરફથી રમતા, તેમણે 2023-24 સિઝનમાં તાસ્માનિયા સામે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
તેમજ, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બૅટ્સમેન એબી ડી વિલિયર્સે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકૉર્ડ બનાવ્યો છે.
તેમણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ દ્વારા આયોજિત 2015ના વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ સામે માત્ર 31 બૉલમાં સદી ફટકારી હતી.
સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન

ઇમેજ સ્રોત, Johan Rynners-ICC/ICC via Getty Images
ત્રિકોણીય શ્રેણીમાં આ બંને ટીમો વચ્ચે રમાયેલી અગાઉની મૅચમાં જે બન્યું તે પછી, સૂર્યવંશી આ મૅચમાં એકદમ સંતુલિત દેખાતા હતા.
હકીકતમાં, પાછલી મૅચમાં તેમનું પ્રદર્શન આશા પ્રમાણેનું નહોતું. મેદાન પર સંયમ ન રાખવા બદલ પણ તેમની ટીકા થઈ હતી.
આ ઇનિંગ તેમના પોતાના દૃષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ હતી. તેમની પાછલી ચાર ઇનિંગ્સમાં નિષ્ફળતાઓ અને એક પણ અડધી સદીના અભાવે તેમના પ્રદર્શન પર પ્રશ્નો ઊભા થવા લાગ્યા હતા.
પરંતુ રવિવારે સવારે જ્યારે તેઓ ક્રીઝ પર પહોંચ્યા ત્યારે તેઓ દૃઢનિશ્ચય જણાતા હતા. તેમણે ફાસ્ટ બૉલર હોય કે સ્પિનર, કોઈનેય બાકી ન રાખ્યા.
તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે હજુ તૈયાર છે કે કેમ તેની પણ ચર્ચા થઈ રહી હતી.
જોકે, લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર વિશ્વના સૌથી યુવા બૅટ્સમૅન સૂર્યવંશીએ આ ઇનિંગમાં પોતાના બૅટથી બધી આશંકાઓનો જવાબ આપ્યો.
જ્યચારે વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા-એના ક્રિકેટર વચ્ચે ગરમાગરમી થઈ

ઇમેજ સ્રોત, Ashley Allen-ICC/ICC via Getty Images
સુપર ઓવરમાં શ્રીલંકા એ સામે ભારત એની હાર બાદ મેદાન પર તેમની શ્રીલંકન ક્રિકેટર સાથે ઉગ્ર દલીલ અને ધક્કામુક્કી થઈ હતી.
દાંબુલામાં રમાયેલી આ રોમાંચક મૅચના અંતે, વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના વિશેન હલમ્બાગે મેદાન પર જ ઝઘડો કરવા લાગ્યા હતા.
આ દરમિયાન માહોલ ખૂબ જ તંગ બની ગયો હતો. શ્રીલંકા એના વિકેટકીપર નિરોશન ડિકવેલાએ દરમિયાનગીરી કરીને બંને ખેલાડીઓને છૂટા પાડ્યા.
દાંબુલામાં રમાયેલી આ મૅચમાં, ભારત એએ પ્રથમ બેટિંગ કરીને 49.2 ઓવરમાં 265 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા એએ પણ 50 ઓવરમાં 265 રન બનાવી લીધા.
શ્રીલંકા એએ સુપર ઓવરમાં 16 રન બનાવ્યા, જ્યારે ભારત એએ જવાબમાં ફક્ત નવ રન જ બનાવી શક્યું. આમ, શ્રીલંકા એ મૅચ જીતી ગયું.
આ પહેલાં, ટીમ અફઘાનિસ્તાન સામે વરસાદથી પ્રભાવિત મૅચમાં ડીએલએસ નિયમ હેઠળ ચાર રનથી હારી ગઈ હતી.
તિલક વર્માના નેતૃત્વ હેઠળની ભારત એની ટીમે શ્રીલંકા એની ટીમ સામેની રોમાંચક લો-સ્કોરિંગ મૅચમાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.
વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગ વિશે કોણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Ashley Allen-ICC/ICC via Getty Images
વૈભવ સૂર્યવંશીના પ્રદર્શનની બિહારના ભૂતપૂર્વ ક્રિકેટરો, રમતગમત વિશ્લેષકો અને નેતાઓએ પણ ખૂબ પ્રશંસા કરી છે.
બીસીસીઆઇએ ઍક્સ પર લખ્યું, "94 રન, 29 બૉલ, દસ ચોગ્ગા અને આઠ છગ્ગા. ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં વૈભવ સૂર્યવંશી શાનદાર ફૉર્મમાં હતા."
સૂર્યવંશીના બાળપણના કોચ મનીષ ઓઝાએ કહ્યું , "વૈભવે સારી લયમાં બેટિંગ કરીને મૅચની શરૂઆત કરી હતી. તેનો ઇરાદો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. હા, પહેલાં તે સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં રૂપાંતરિત કરી શક્યો ન હતો અને તકો ગુમાવી રહ્યો હતો. પરંતુ આજે, તેણે તે બધી ખામીઓ દૂર કરી છે..."
છેલ્લી મૅચમાં થયેલા વિવાદ અંગે તેમણે કહ્યું , "દરેક માણસ લાગણીઓ સાથે જોડાયેલો હોય છે અને ક્યારેક લાગણીવશ હોવાને કારણે આવી પ્રતિક્રિયા આવે છે."
"પરંતુ વૈભવ હજુ ખૂબ નાનો છે. ધીમે ધીમે તે સમજી જશે કે ક્રિકેટમાં વ્યક્તિએ ફક્ત પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ."
"લોકો વાતો કરતા રહેશે, તેથી તેણે તેના પર ધ્યાન ન આપવું જોઈએ. મારી સલાહ છે કે તેણે સંપૂર્ણપણે તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેની લાગણીઓને કાબૂમાં રાખવી જોઈએ."
ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવને ઍક્સ પર લખ્યું , "પ્રતિભાની કોઈ સીમા નથી અને વૈભવ વારંવાર તે સાબિત કરી રહ્યો છે."
"29 બૉલમાં 94 રન અને લિસ્ટ એમાં સૌથી ઝડપી ફિફ્ટી. નિર્ભય, રોમાંચક અને દૃઢ નિશ્ચયથી ભરપૂર. આવી જ રીતે ઝળકતા રહો, ચૅમ્પિયન."
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપરાએ ઍક્સ પર પોતાનો એક વીડિયો શૅર કર્યો અને લખ્યું, "દબાણ? કેવું દબાણ? વૈભવ સૂર્યવંશી એકદમ અલગ સ્તરે રમી રહ્યો છે! 50 ઓવરની ફાઇનલમાં 29 બૉલમાં 94 રન. આ વ્યક્તિ સંપૂર્ણ મનોરંજન છે."
જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના રાજ્યસભા સાંસદ સંજયકુમાર ઝાએ ઍક્સ પર લખ્યું , "બીજો દિવસ, બીજો રેકૉર્ડ. વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે."
"ક્યારેક ક્યારેક નબળી દૃષ્ટિથી પીડાતા લોકો તેમનાં ચશ્માં ઉતારીને દૂરની તસવીર જોવા લાગે છે. બાદમાં તેમણે ખુદને પૂછવું જોઈએ કે કોની માફી માંગવી જોઈએ."
"કૉમેન્ટરી બૉક્સમાં એક ક્રિકેટર તરફથી આપવામાં આવેલી વિચિત્ર સલાહ માત્ર ખરાબ જ નહોતી, પણ સરળતાથી ટાળી શકાય તેવી પણ હતી."
"યુવા પ્રતિભાઓને ઉછેરવાની, માર્ગદર્શન આપવાની અને પ્રોત્સાહન આપવાની જરૂર છે, ના કે સમજ્યા-વિચાર્યા વગર તેમના અંગે મોટા મોટા નિર્ણય સંભળાવવાની."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















