'કૉક્રોચ જનતા પાર્ટીનો જન્મ ભલે મીમથી થયો, પણ તે ગંભીર પરિવર્તનની શરૂઆત હોઈ શકે છે': યોગેન્દ્ર યાદવ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારત, રાજકારણ, યુવાન

ઇમેજ સ્રોત, Screengrab from Cockroach Janta Party's website

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતના રાજકારણને એક અસાધારણ પ્રતીક મળ્યું છેઃ કૉક્રોચ. ગયા અઠવાડિયે ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કરેલી ટિપ્પણીને પગલે કૉક્રોચ અચાનક જ સમાચારોમાં ચમકી ગયો. એક સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પત્રકારત્વ અને ઍક્ટિવિઝમ તરફ વળી રહેલા બેરોજગાર યુવાનોની સરખામણી કૉક્રોચ અને પૅરાસાઇટ્સ સાથે કરી હતી.

પછીથી તેમણે એવી સ્પષ્ટતા કરી કે, તેમનો ઇશારો મુખ્યત્વે 'નકલી અને બૉગસ ડિગ્રી' ધરાવતા લોકો તરફ હતો, ભારતના યુવાનો તરફ નહીં.

પણ ત્યાં સુધીમાં તો આ ટિપ્પણી સોશ્યલ મીડિયા પર વ્યાપક રીતે ફેલાઈ ચૂકી હતી, જેના કારણે લોકોમાં આક્રોશ, રમૂજ ફેલાયાં હતાં અને એક "રમૂજી રાજકીય વિચાર" એવી કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નો જન્મ થયો હતો. સીજેપી એ કોઈ સત્તાવાર રાજકીય પક્ષ નથી, બલ્કે રાજકીય કટાક્ષ ઉપર આધારિત એક ઑનલાઇન ચળવળ છે.

તેના સભ્ય બનવા માટેના માપદંડમાં બેરોજગાર હોવું, આળસુ હોવું, હંમેશા ઑનલાઇન રહેવું અને વ્યાવસાયિક રીતે બળાપો ઠાલવવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર પાંચ જ દિવસમાં તેના એક કરોડ 70 લાખ કરતાં વધારે ફૉલોઅર્સ થયા છે. આ એકાઉન્ટ રાજકીય કમ્યુનિકેશન્સ સ્ટ્રૅટેજિસ્ટ અને બૉસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અભિજીત દીપકે દ્વારા બનાવવામાં આવ્યું હતું.

અભિજીત કહે છે કે, આ વિચાર એક મજાક સ્વરૂપે આવ્યો હતો, પણ રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવને નથી લાગતું કે આ કેવળ એક મજાક હોય.

"આપખુદશાહી શાસનોને સૌથી વધુ ડર મજાકનો લાગે છે"

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારત, રાજકારણ, યુવાન

ઇમેજ સ્રોત, Getty Images/BBC

યોગેન્દ્ર યાદવ કહે છે, "આ 'કૉક્રોચ જનતા પાર્ટી' સોશ્યલ મીડિયા પર એક મીમ તરીકે શરૂ થઈ હતી, પણ તે કેવળ એક જોક કે ગુસ્સો નથી. દેશની અંદર ગણગણાટ અને અશાંતિ વ્યાપેલાં છે, કારણ કે સિસ્ટમના સ્થાપિત માર્ગો અને દરવાજા બંધ થઈ ગયા છે. એક જોક અથવા તો મજાક હંમેશા કોઈ ઊંડી પીડા સાથે જોડાયેલી હોય છે. સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવો એ ગંભીર પરિવર્તનની શરૂઆત હોઈ શકે છે."

તેઓ આગળ કહે છે કે, જ્યારે પણ કોઈ સરકાર સંસ્થાઓ પર નિયંત્રણ મેળવીને પોતાની નિરંકુશ સત્તા સ્થાપિત કરે છે, ત્યારે અનપેક્ષિત જગ્યાએથી બળવાનો ઉદય થાય છે.

"1971માં ઇંદિરા ગાંધીની પ્રચંડ જીત પછી 1974માં જયપ્રકાશ આંદોલન છેડાયું હતું, 1980માં રાજીવ ગાંધીની અપાર બહુમતી પછી 1983માં અસમ આંદોલને માથું ઊંચક્યું હતું, 2009ના વિજય બાદ 2011માં અન્ના હઝારેનું આંદોલન છેડાયું હતું અને 2019ની ચૂંટણીમાં વિજયનાં બે વર્ષ પછી ખેડૂતોનું આંદોલન શરૂ થયું હતું. જ્યારે સિસ્ટમના રસ્તા બંધ થઈ જાય, ત્યારે પ્રજા નવો માર્ગ શોધી કાઢે છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ભારત, રાજકારણ, યુવાન

ઇમેજ સ્રોત, Abhijeet Dipke/X

ઇમેજ કૅપ્શન, આ અભિયાનની શરૂઆત અભિજિત દીપકેએ કરી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સીજેપીના ભૂતપૂર્વ ટ્વિટર હૅન્ડલ પર મૂકાયેલા પ્રતિબંધ વિશે યોગેન્દ્ર યાદવે કહ્યું હતું, "સરમુખત્યારશાહી સૌથી વધુ મજાકથી ડરે છે. જે સરકાર સાવ સાદી મજાક સહન ન કરી શકે, તે સ્વયં એક મજાક બનીને રહી જતી હોય છે. જો પ્રતિબંધ લાગુ કરવામાં ન આવ્યો હોત, તો આ આક્રોશ ઠંડો પણ પડી ગયો હોત, પણ હવે તે ઘણે આગળ સુધી જશે."

તેમનું એવું પણ માનવું છે કે, વિરોધ પક્ષ માટે આ એક ચેતવણીનો સંકેત છે. મોટી સંખ્યામાં યુવાનો મીમ એકાઉન્ટ સાથે જોડાઈ રહ્યા છે, તે દર્શાવે છે કે, વિપક્ષ જનતાને આકર્ષક વિકલ્પ પૂરો પાડવામાં નિષ્ફળ ગયો છે. સાથે જ તેઓ એમ પણ કહે છે કે, વિરોધ પક્ષના નેતાઓએ સમજવું જોઈએ કે, યુવાનો પોતાની મેળે તેમની પાસે નહીં આવે, બલકે તેમણે યુવાનો સુધી પહોંચવું પડશે.

પરંતુ, કેટલીક વખત લોકો તેમનો રોષ સોશ્યલ મીડિયા મારફત જરૂર ઠાલવતા હોય છે, પણ નક્કર સ્તર પર કશું થતું નથી. શું આ એવો જ રોષ છે અને એક વખત આ રોષ ઠંડો પડી જાય, તે પછી શું બધું ફરી પાછું સામાન્ય થઈ જશે?

આ સવાલના જવાબમાં યોગેન્દ્ર યાદવ કહે છે, "જો તેના પર પ્રતિબંધ ન મૂકાયો હોત, તો એ સાચું હોઈ શકે કે, લોકોનો ક્રોધ વ્યક્ત થઈ ગયો હોત અને વાત એટલેથી જ અટકી ગઈ હોત. પણ જ્યારે તમને તમારો ગુસ્સો વ્યક્ત કરતાં રોકવામાં આવે, જ્યારે તમને કહેવામાં આવે કે તમે ટ્વિટર પરની મજાકનો ભાગ નહીં બની શકો... તેનો અર્થ એ કે, મામલો ગંભીર છે. હજુ હમણાં સુધી તે મજાક આપણી વચ્ચે હતી. હવે સરકાર એ મજાકમાં સામેલ થઈ ગઈ છે. હવે તે મજાક સરકાર તરફ આંગળી ચીંધી રહી છે. અને હવે આ મામલો ઘણે આગળ સુધી જશે."

'આ બદલાયેલા સમયની ભાષા'

લોકો ઝડપથી આ એકાઉન્ટ્સ સાથે જોડાઈ રહ્યા છે અને હવે ગંભીર રાજકીય ચર્ચા છેડાઈ ગઈ છે. આ સ્થિતિ આગળ કઈ દિશા તરફ જતી જણાય છે, હવે આવતા અઠવાડિયે શું થશે?

યોગેન્દ્ર યાદવ કહે છે, "સૌથી પહેલાં તો એ વાત આવશે કે, આ પ્રતિબંધ હટાવી દેવો જોઈએ. અને મને લાગે છે કે, માત્ર આ 1.25 કરોડ ફૉલોઅર્સ જ નહીં, પરંતુ કરોડો લોકો સવાલ કરશે કે, તમે આને બંધ શા માટે કરી રહ્યા છો? આ તો કેવળ એક મજાક છે. હું આવનારા થોડા કલાકો વિશે પણ વિચારી રહ્યો છું કે, સરકાર આ પ્રતિબંધ લાદીને તેને વાજબી કેવી રીતે ઠેરવશે? કશુંક બહાર આવવા ઝંખી રહ્યું છે. જમીનની અંદર કંઈક હલચલ થઈ રહી છે. આપણે હજુયે નથી જાણતા કે, તે અભિવ્યક્તિ કરવા માટે કયો માર્ગ અપનાવશે. પણ મને એવું તો ચોક્કસ લાગે છે કે, તેને બંધ કરીને સરકારે મોટી મુસીબત વહોરી લીધી છે જે મામલો માત્ર મજાકથી અટકી ગયો હોત, તે હવે મોટી દિશામાં આગળ વધી શકે છે."

આ વિશે ઘણાં મીમ્સ બનાવાઈ રહ્યાં છે. શું મીમ્સ હવે ચૂંટણી ઢંઢેરાનું સ્થાન લઈ રહ્યાં છે કે પછી આ મીમ સ્વયં જ આજના યુવાનો માટે ચૂંટણી ઢંઢેરો બની શકે છે?

યોગેન્દ્ર યાદવ માને છે કે, બદલાતા સમયની આ નવી ભાષા છે. તેઓ જણાવે છે, "મારા સમયમાં લોકો ચૂંટણી ઢંઢેરો વાંચતા હતા. વર્તમાન સમયમાં લોકો યુટ્યુબ જુએ છે. અગાઉ લોકો પોસ્ટર્સ બનાવતાં હતાં, આજે તેઓ મીમ્સ બનાવે છે. આમ, આપણે દરેક પેઢીનું નવું વ્યાકરણ શીખવું પડશે. આ કટાક્ષની પાછળ એક ઊંડો રાજકીય સંદેશો છૂપાયેલો છે અને જો શાસક અને વિપક્ષ, બંને તેમાંથી શીખશે નહીં, તો તેઓ જમીન ગુમાવી બેસશે, એવું મારું માનવું છે."

"જો ભારતના ઘણા યુવાનો સ્વયંની સરખામણી કૉક્રોચ સાથે કરી રહ્યા હોય, તો શું તે ફક્ત ક્રોધની અભિવ્યક્તિ છે કે પછી તે ભારતની લોકશાહી વ્યવસ્થા પ્રત્યેની ઘોર નિરાશા વ્યક્ત કરે છે? હા, નિરાશા અને હતાશા ચોક્કસ છે, પણ આ ક્રોધ સાથે આશા, એક આકાંક્ષા જોડાયેલી છે. તમે આને કેવળ નકારાત્મક અભિવ્યક્તિ તરીકે જ ન જુઓ. કૉક્રોચની પાછળ છૂપાયેલી આકાંક્ષાને જુઓ. કોઈ આવે અને તેમનો હાથ પકડે, એવી આશા. તે આશા તરફ જુઓ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન