વડા પ્રધાન મોદી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબ કેમ નથી આપતા? જાણો સમગ્ર વિવાદ

ઇમેજ સ્રોત, X/@Narendramodi
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન પ્રેસના પ્રશ્નોના જવાબ ન આપવાના નિર્ણય પર વિવાદ ચાલી રહ્યો છે.
આ વિવાદને પગલે વિદેશ મંત્રાલયે ભારતની લોકશાહીનો બચાવ કર્યો છે. વડા પ્રધાન મોદીની મુલાકાત દરમિયાન આ બીજી વખત હતું જ્યારે સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડી.
નૉર્વેના વડા પ્રધાન યોનાસ ગાર સ્ટોરે સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, નૉર્વેનાં એક પત્રકારે વડા પ્રધાન મોદીને મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા વિનંતી કરી. જોકે, વડા પ્રધાન મોદીએ કોઈ જવાબ આપ્યો ન હતો.
યુરોપિયન દેશોમાં વિદેશી નેતાઓને પ્રશ્નો પૂછવા એ જૂની પરંપરાનો એક ભાગ છે.
નૉર્વેનાં પત્રકાર હેલા લેંગે વિદેશ મંત્રાલયની બ્રીફિંગમાં પણ માનવ અધિકારો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જવાબ આપતા કહ્યું હતું કે ભારત એક સિવિલાઇઝેશનલ નૅશન (સભ્યતાનો ઇતિહાસ ધરાવતો દેશ) છે.
અગાઉ, ઑસ્લોના સરકારી ગેસ્ટ હાઉસમાં વડા પ્રધાન મોદી અને વડા પ્રધાન સ્ટોરેની પ્રેસ બ્રીફિંગ સમાપ્ત થયા પછી હેલા લેંગે ઊભાં થઈને પ્રશ્ન પૂછ્યો હતો.
ભારતના વિદેશ મંત્રાલયે કરવી પડી સ્પષ્ટતા

ઇમેજ સ્રોત, @narendramodi
હેલાએ પૂછ્યું હતું કે, "વડા પ્રધાન મોદી, તમે વિશ્વના સૌથી સ્વતંત્ર પ્રેસના પ્રશ્નો કેમ નથી લેતા? શું તમે અમારી સરકારના વિશ્વાસને લાયક છો?" પીએમ મોદીએ આ પ્રશ્નોના કોઈ જવાબ આપ્યા ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હેલાના સવાલ પર ભારતમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાનની ટીકા કરતા પૂછ્યું કે તેઓ પ્રશ્નોથી કેમ ડરે છે.
ભારતના અગ્રણી અંગ્રેજી ભાષાના અખબાર ધ હિન્દુના દિલ્હીના સ્થાનિક સંપાદક વર્ગીસ કે. જ્યૉર્જે ઍક્સ પર લખ્યું, "ભારતમાં પત્રકારત્વ અને લોકશાહીને લઈને ઘણી ચિંતાઓ હોઈ શકે છે. પરંતુ એવું માનવું કે નૉર્વે લોકશાહી કે પત્રકારત્વ માટે અંતિમ (સર્વોચ્ચ) માપદંડ છે, તે વિવિધ દેશોની વિશિષ્ટ પરિસ્થિતિઓને અવગણવા જેવું હશે."
"પશ્ચિમ ઘણીવાર એવું માને છે કે લોકશાહી અને પ્રેસ સ્વતંત્રતાને ઊંચાઈ અને વજન જેવા જ માપદંડ દ્વારા માપી શકાય છે."
"નૉર્વેના પત્રકારો પણ તેમના પોતાના રક્ષણાત્મક અને મર્યાદિત દૃષ્ટિકોણમાં ઘેરાયેલા છે."
17 મેના રોજ વડા પ્રધાનની નેધરલૅન્ડ મુલાકાત દરમિયાન પણ સ્થાનિક પત્રકારોએ પ્રેસ કૉન્ફરન્સમાં પ્રશ્નો ન લેવાની પ્રથા સામે વાંધો ઉઠાવ્યો હતો.
આનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સિબી જ્યૉર્જે કહ્યું હતું કે, "અમારે આવા પ્રકારના પ્રશ્નોનો સામનો પ્રશ્ન પૂછનાર વ્યક્તિમાં સમજણના અભાવને કારણે કરવો પડતો હોય છે.
મોદીની જર્મનીની મુલાકાત પર પણ ઊઠ્યા હતા પ્રશ્નો

ઇમેજ સ્રોત, @narendramodi
જ્યારે સિબી જ્યૉર્જને વિદેશ મંત્રાલયની બ્રીફિંગમાં પૂછવામાં આવ્યું કે શું યજમાન દેશોના નેતાઓએ ભારતીય પક્ષને મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા કહ્યું હતું અને શું સરકાર તેની નીતિ પર વિચાર કરી રહી છે? ત્યારે જ્યૉર્જે જવાબ આપ્યો કે વિદેશ મંત્રાલય વડા પ્રધાનની યાત્રા બાબતેના પ્રશ્નોના જવાબ આપશે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં જર્મનીની મુલાકાત લીધી હતી.
તે સમયે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ત્ઝ હતા. જર્મનીમાં કોઈપણ વિદેશી નેતા ચાન્સેલરને મળ્યા પછી મીડિયા સમક્ષ હાજર થાય છે અને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપે છે તે રિવાજ છે. પણ તે મુલાકાત દરમિયાન પણ જવાબ આપવામાં નહોતા આવ્યા.

ત્યારબાદ જર્મન બ્રૉડકાસ્ટર ડૉયચે વેલેના ચીફ ઇન્ટરનૅશનલ એડિટર રિચાર્ડ વૉકરે વડા પ્રધાન મોદીની જર્મની મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે 2મે 2022ના રોજ ઍક્સ પર લખ્યું હતું કે, "મોદી અને શોલ્ત્ઝ હવે બર્લિનમાં પ્રેસ સમક્ષ હાજર થવાના છે. બંને સરકારો વચ્ચેના 14 કરારોની જાહેરાત કરવામાં આવશે. જોકે ભારતીય પક્ષના આગ્રહ પર એક પણ પ્રશ્ન લેવામાં આવશે નહીં."
ત્યાર બાદ ડૉયચે વેલેએ અહેવાલ આપ્યો, "મોદી અને શોલ્ત્ઝે સંયુક્ત પત્રકાર પરિષદમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. અહેવાલો અનુસાર, આ નિર્ણય વડા પ્રધાન મોદીના આગ્રહ પર લેવામાં આવ્યો હતો."
જર્મનીની મુલાકાતના લગભગ એક વર્ષ પછી જૂન 2023માં વડા પ્રધાન મોદીએ અમેરિકાની મુલાકાત લીધી અને તત્કાલીન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે એક પ્રેસ કૉન્ફરન્સમાં મીડિયાના બે પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
પશ્ચિમી મીડિયામાં આ ઘટનાને એક દુર્લભ ઘટના તરીકે જોવામાં આવી હતી, જોકે આ પ્રેસ કૉન્ફરન્સ એટલી ખુલ્લી નહોતી જેટલી સામાન્ય રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ વિદેશી નેતાઓ સાથે કરે છે.
અમેરિકાની મુલાકાત દરમિયાન મોદીએ પ્રશ્નોના જવાબ આપ્યા

ઇમેજ સ્રોત, @narendramodi
ન્યૂઝ એજન્સી એપીએ પોતાના અહેવાલમાં લખ્યું હતું કે "ભારતીય અધિકારીઓએ આ કાર્યક્રમ માટે માત્ર એક દિવસ અગાઉ જ સંમતિ આપી હતી. અમેરિકન વહીવટી અધિકારીઓએ મોદીના સલાહકારોને કહ્યું હતું કે વ્હાઇટ હાઉસની રાજ્ય મુલાકાત માટે મીડિયાના પ્રશ્નો લેવા એ સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ છે."
નરેન્દ્ર મોદીને પૂછવામાં આવેલા બે પ્રશ્નોમાંથી એક ભારતીય પત્રકારનો આબોહવા પરિવર્તનનો સામનો કરવા અંગેનો હતો જ્યારે બીજો એક અમેરિકન પત્રકારનો માનવ અધિકારોની ચિંતાઓ અંગેનો હતો.
માનવ અધિકારો અને લોકશાહી અંગેના એક પ્રશ્નના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું, "લોકશાહી અમારી નસોમાં વહે છે. અમારી લોકશાહીમાં ભેદભાવ માટે કોઈ સ્થાન નથી."
વડા પ્રધાન મોદી માટે મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા એ ખૂબ જ અસામાન્ય માનવામાં આવે છે.
વડા પ્રધાન બન્યા પછી તેમણે ભારતમાં એક પણ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી નથી જ્યાં પત્રકારો દ્વારા પ્રશ્નો પૂછાયા હોય.
મે 2019માં તેઓએ એક પ્રેસ કૉન્ફરન્સમાં હાજરી આપી હતી પરંતુ તેમણે એકપણ પ્રશ્ન લીધો ન હતો. તે સમયે અમિત શાહ જ પ્રશ્નોના જવાબ આપતા હતા.
મોદી પ્રેસ કૉન્ફરન્સ કેમ નથી કરતા?

ઇમેજ સ્રોત, Getty Images
મે 2024માં ઇન્ડિયા ટુડે સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન મોદીને પૂછવામાં આવ્યું કે તેઓ પ્રેસ કૉન્ફરન્સ કેમ નથી કરતા? મોદીએ વિગતવાર જવાબ આપ્યો.
તેમણે કહ્યું હતું કે, "મોટાભાગે મીડિયાનો ઉપયોગ સત્તામાં રહેલા લોકો દ્વારા કરવામાં આવે છે. તે હવે એક સંસ્કૃતિ બની ગઈ છે. તેઓ માને છે કે તમારે કંઈ કરવાની જરૂર નથી, ફક્ત મીડિયાનો ઉપયોગ કરો અને જે કહેવું હોય તે કહો, અને તે દેશભરમાં ફેલાઈ જશે."
"હું તે માર્ગ પર ચાલવા માંગતો નથી. હું સખત મહેનત કરવા માગું છું. હું ગરીબ લોકોનાં ઘરો સુધી પહોંચવા માગું છું."
મોદીએ કહ્યું હતું કે, "મેં એક નવી કાર્ય સંસ્કૃતિ શરૂ કરી છે. જો મીડિયાને આ નવી સંસ્કૃતિ યોગ્ય લાગે, તો મીડિયા તેને તે જ રીતે રજૂ કરી શકે છે અથવા ન પણ કરી શકે."
મોદીએ કહ્યું હતું કે હવે મીડિયા જ જનસંચારનું એકમાત્ર માધ્યમ નથી રહ્યું અને મીડિયા વિના પણ લોકો સાથે સીધો સંપર્ક શક્ય છે.
મોદીએ કહ્યું હતું કે પહેલા મીડિયા બેનામ હતું, પરંતુ હવે પત્રકારોની ઓળખ તેમના વિચારો સાથે જોડાયેલી છે.
તેમણે કહ્યું, "પહેલાં લોકો વિશ્લેષણ કરનાર વ્યક્તિ કોણ છે કે તેની વિચારધારા શું છે તેના પર ધ્યાન આપતા નહોતા. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે."
પરંતુ નરેન્દ્ર મોદીની આ દલીલથી પ્રેસ કૉન્ફરન્સ ન કરવાના પ્રશ્નનો જવાબ મળી ગયો એવું ન કહી શકાય.
ભારત પર વિશેષજ્ઞતા ધરાવતા ફ્રૅન્ચ રાજકીય વૈજ્ઞાનિક ક્રિસ્ટોફ જેફરલોએ ધ ડિપ્લોમેટ મૅગેઝિનને જણાવ્યું હતું કે, "મોદી પ્રેસ કૉન્ફરન્સ કે ખુલ્લી ચર્ચાઓ સ્વીકારતા નથી કારણ કે તેમની દલીલો એવા ભારતનું ચિત્રણ કરે છે જે ખરેખર અસ્તિત્વમાં જ નથી."
જેફરલોએ દલીલ કરી હતી કે મોદીએ એક પ્રકારની કાલ્પનિક દુનિયા બનાવી છે, જે આકર્ષક તસવીરો અને દંતકથાઓથી ભરેલી છે.
તેમણે કહ્યું કે ચીનની આક્રમકતા અને ભારતમાં બેરોજગારી જેવા મુદ્દાઓ એવા વિષયો છે જેના પર મોદી પ્રશ્નો સાંભળવા માંગશે નહીં.
જેફરલોના મતે, "આ જ કારણ છે કે મોદીના માટે સંવાદ 'વન-વે ટ્રાફિક' હોવો જરૂરી બની જાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























