પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપરિણામો પછી હિંસા, અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોતનો દાવો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sukumar Mahto
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન કેન્દ્રીય સુરક્ષાબળોની તહેનાતીને પગલે હિંસાના બનાવો લગભગ નહીંવત્ પ્રમાણમાં જોવા મળ્યા હતા, પરંતુ ચૂંટણીપરિણામો પછી રાજ્યના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી છે.
બીબીસી સંવાદદાતા પ્રભાકર મણિ તિવારીના અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં આ હિંસાને કારણે ચાર લોકોનાં મોત તથા અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
સોમવાર રાતથી ચાલી રહેલી હિંસા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે રાજ્યના ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓને હિંસામાં સામેલ લોકોની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોલકાતા પોલીસ કમિશનર અજય નંદાએ બુધવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં આવાં તત્ત્વોને હિંસાથી દૂર રહેવા ચેતવણી આપી હતી. તેમણે વિજય સરઘસોમાં બુલડોઝરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
સોમવારે ભાજપને બહુમત મળ્યા પછી કોલકાતા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તૃણમૂલ કૉંગ્રેસની ઑફિસો પર તોડફોડના સમાચારો આવ્યા હતા. આસનસોલમાં પાર્ટીની ઑફિસને સળગાવી દેવાઈ હતી.
કોલકાતાના ન્યૂ માર્કેટ વિસ્તારમાં માંસની એક દુકાનને તોડવાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. જોકે, તેની પુષ્ટિ બીબીસી કરી શક્યું નથી.
કોલકાતા પોલીસ કમિશનર અજય નંદાએ બુધવારે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હિંસા અને આગચંપીના આરોપસર અત્યાર સુધીમાં 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાંક હથિયારો પણ મળી આવ્યાં છે."
તેમણે કહ્યું કે જો હિંસા રોકવામાં પોલીસની બેદરકારી જણાશે તો સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ કમિશનરે કહ્યું, "કોઈ પણ પક્ષે વિજય સરઘસ કાઢવા માટે પોલીસની પરવાનગી લેવી પડશે. આવા સરઘસમાં બુલડોઝરનો સમાવેશ કરી શકાશે નહીં. જો કોઈ પણ સરઘસમાં બુલડોઝર જોવા મળશે, તો તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે."
વિજયની પાર્ટી તામિલનાડુમાં સરકાર બનાવશે? કૉંગ્રેસે ટીવીકેને ટેકો આપવાના સંકેત આપ્યા

ઇમેજ સ્રોત, @TVKPartyHQ/X
કૉંગ્રેસે તામિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેને ટેકો આપવાના સંકેત આપ્યા છે.
કૉંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે ટીવીકેના વડા વિજયે સરકાર બનાવવા માટે કૉંગ્રેસનો ટેકો માગ્યો છે.
વેણુગોપાલે કહ્યું, "કૉંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે તામિલનાડુમાં જનાદેશ એક ધર્મનિરપેક્ષ સરકારના પક્ષમાં છે, જે બંધારણની ભાવના અને શબ્દો બંનેનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ હો."
તેમણે ઉમેર્યું, "કૉંગ્રેસ એ ઇચ્છે છે કે ભાજપ અને તેના સાથી પક્ષો કોઈ પણ રીતે તામિલનાડુમાં સરકાર ચલાવી ન શકે. થિરુ વિજયે પણ કામરાજ પાસેથી પ્રેરણા લેવાની વાત કહી છે."
વેણુગોપાલના જણાવ્યા મુજબ, "કૉંગ્રેસના નેતૃત્વે તામિલનાડુ કૉંગ્રેસ સમિતિને એ નિર્દેશ આપ્યો છે કે ચૂંટણીના જનાદેશમાં દેખાયેલી ઝલક અને રાજ્યની લાગણીઓને ધ્યાનમાં રાખીને થિરુ વિજયની વિનંતી પર અંતિમ નિર્ણય લે."
ઉલ્લેખનીય છે કે ટીવીકેએ તામિલનાડુમાં 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી છે. સરકાર બનાવવા માટે 118 બેઠકોની જરૂર છે, જ્યારે કૉંગ્રેસે તામિલનાડુમાં પાંચ બેઠકો જીતી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે 'વોટ ચોરીથી ક્યારેક બેઠકો ચોરાય છે, ક્યારેક આખી સરકાર'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ ફરી એક વાર 'વોટ ચોરી'નો આરોપ મૂક્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે 'વોટ ચોરીથી ક્યારેક બેઠકો ચોરાય છે, ક્યારેક આખી સરકાર. લોકસભામાં ભાજપના 240 સાંસદોમાંથી મોટા ભાગે દર છઠો સાંસદ 'વોટ ચોરી'થી જીત્યો છે. ઓળખ કરવી મુશ્કેલ નથી. શું તેમને ભાજપની ભાષામાં 'ઘૂસણખોર' કહેવા?
"અને હરિયાણા? ત્યાં તો આખી સરકાર 'ઘૂષણખોર' છે."
"જે સંસ્થાઓ પોતાના ખિસ્સામાં રાખે છે, જે મતદારયાદીઓ અને ચૂંટણી પ્રક્રિયાને તોડી-મરોડી નાખે છે. તે પોતે રિમોટ કંટ્રોલ છે."
"તેમને હકીકતમાં તો સત્યનો ડર છે, કેમ કે નિષ્પક્ષ ચૂંટણી થાય તો આજે તેઓ 140 આસપાસ પણ જીતી ન શકે."
તેમણે કહ્યું કે "અમે મમતાજી સાથે સહમત છીએ. બંગાળમાં 100થી વધુ બેઠકોની ચોરી થઈ છે."
"મધ્ય પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને લોકસભા ચૂંટણીમાં પણ એવું જ થયું છે. ચૂંટણી ચોરી, સંસ્થા ચોરી અને હવે રસ્તો જ શું છે?"
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 15 વરસથી ટીએમસી સત્તામાં હતી. ચૂંટણીપંચના આંકડા અનુસાર, 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 293માંથી 207 બેઠકો જીતી છે, જ્યારે તૃણમૂલ કૉંગ્રેસે 80 બેઠકો જીતી છે. કૉંગ્રેસને બે બેઠક મળી છે.
ઈરાનના વિદેશમંત્રી અરાગચી ચીન પહોંચ્યા, શું છે એજન્ડા?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાની સમાચાર એજન્સીઓ તસ્નીમ અને ફાર્સ અનુસાર, વિદેશમંત્રી અબ્બાસ અરાગચી બુધવારે સવારે રાજદ્વારી પ્રતિનિધિમંડળ સાથે ચીનની રાજધાની બીજિંગ પહોંચ્યા છે.
અરાગચી ચીનના વિદેશમંત્રી સાથે વાતચીત કરશે.
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિમાં થઈ રહેલી ઘટનાક્રમો અંગે ચર્ચા કરવાનો છે.
ઍસોસિએટેડ પ્રેસ અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યા પછી ઈરાની વિદેશમંત્રીની આ પહેલી ચીનની મુલાકાત છે.
ચીન ઈરાનનો સૌથી મહત્ત્વપૂર્ણ વ્યાપારી ભાગીદાર અને ઈરાની ઑઇલનો મુખ્ય ખરીદદાર છે. ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો છતાં તેણે ઈરાની ઑઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.
અરાગચીની મુલાકાત એક મહત્ત્વપૂર્ણ સમયે આવી રહી છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 14 અને 15 મેના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવા માટે ચીનની મુલાકાતે છે.
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ચીનને આગ્રહ કર્યો છે કે તે અરાગચી પર દબાણ કરે, જેથી ઈરાન હોર્મુઝ સામુદ્રધુની પર પોતાનું નિયંત્રણ છોડી દે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















