ચોમાસાની તારીખો આવી ગઈ, ગુજરાતમાં વરસાદ ક્યારથી શરૂ થશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું છે.

ગુજરાતમાં કોઈ જગ્યાએ દિવસના તાપમાનમાં કોઈ મોટો ફરક જોવા મળ્યો નથી. સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે નોંધાયું છે.

ચોમાસા વિશે શું આગાહી કરવામાં આવી?

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં અને બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ પેદા થઈ છે.

આ ઉપરાંત અંદમાન સમુદ્રના બાકીના ભાગો અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું પ્રગતિ કરશે.

કેરળ પર 26 મેએ દક્ષિણપશ્ચિમ ચોમાસાનું આગમન થશે જેમાં ચાર દિવસ આગળ-પાછળ થઈ શકે છે.

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી.

જ્યારે આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા સ્થળે લઘુતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેવાની આગાહી છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસ સુધી સૂકું હવામાન રહેવાની શક્યતા છે. કોઈ જગ્યાએ વરસાદની આગાહી હજુ કરવામાં નથી આવી.

ગુજરાત સહિત આખા દેશમાં ક્યારે વરસાદ પડશે?

હવામાન વિભાગે 20 મેએ કરેલી આગાહી પ્રમાણે આ વખતે કેરળમાં 26 મેએ ચોમાસાનું આગમન થવાની શક્યતા છે.

ચોમાસું આ તારીખથી ચાર દિવસ વહેલું અથવા મોડું પણ બેસી શકે છે અને તેનો આધાર હવામાનની સ્થિતિ પર રહેશે.

કેરળમાં પ્રવેશ કર્યા પછી દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધતું જશે અને 15 જૂન સુધીમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચવાની શક્યતા છે.

20મી જૂન સુધીમાં ચોમાસું સામાન્ય રીતે ગુજરાત, રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારને કવર કરી લે છે અને ઉત્તરાખંડ સુધી પહોંચી જાય છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં કેરળના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડી શકે છે.

હાલમાં દરિયાકાંઠે આવેલા આંધ્ર પ્રદેશ અને નજીકના પ્રદેશમાં એક સાઇક્લોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ સર્જાઈ છે. તેના કારણે કેરળ પર એક લૉ-પ્રેશર એરિયા રચાઈ શકે છે જેમાં લક્ષદ્વીપનો કેટલોક ભાગ પણ આવી જશે.

તેના કારણે કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસે તેનાથી પહેલાં જ ઘણી જગ્યાએ જોરદાર વરસાદ પડી જવાની શક્યતા છે.

ગુજરાતમાં ગરમી અને ઉકળાટમાં રાહત ક્યારે મળશે?

હવામાન વિભાગે ગુજરાત સહિત ભારતમાં ચોમાસાના આગમનની સંભવિત તારીખ આપી તે મુજબ આગામી દિવસોમાં દેશના ઘણા ભાગોમાં ગરમી અને ઉકળાટમાં રાહત મળી શકે છે. દેશમાં કેટલાક ભાગોમાં દિવસે 42થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી જાય છે.

આગાહી પ્રમાણે તામિલનાડુમાં પહેલી જૂનથી 6 જૂન વચ્ચે ચોમાસું આવી શકે છે, જ્યારે કર્ણાટકમાં 1 થી 5 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. આંધ્ર પ્રદેશ માટે 4થી 10 જૂન અને તેલંગણા માટે 5થી 12 જૂનની તારીખ આપવામાં આવી છે.

ગુજરાતમાં 18 જૂનથી 25 જૂન દરમિયાન ચોમાસું બેસી જવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં લગભગ 8થી 15 જૂન દરમિયાન ચોમાસું આવી જશે.

દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્વચ્છ રહેશે અને દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.

દેશના ઘણા ભાગોમાં ભીષણ ગરમી કેમ પડી રહી છે?

ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે દેશના ઘણા ભાગોમાં હજુ પણ ભારે ગરમી અનુભવાઈ રહી છે.

ગુજરાતમાં 20 મેએ અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું અને 43.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતા 1.7 ડિગ્રી વધુ છે.

પીટીઆઈના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં પણ ભયંકર ગરમી પડે છે જેમાં વર્ધામાં બુધવારે 47.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું . મહારાષ્ટ્રનાં બીજાં કેટલાંક શહેરોમાં પણ પારો 46 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે.

આગામી સાત દિવસ સુધી અહીં ગરમીમાં રાહત મળવાની સંભાવના ઓછી છે.

આ ઉપરાંત રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને બીજાં રાજ્યોમાં પણ હિટવેવની સ્થિતિ છે. દિલ્હીમાં 44થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન