You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ: હત્યા કરી ઍડ્વોકેટમાંથી ઍક્ટર બનેલો કલાકાર 12 વર્ષે કેવી રીતે પકડાયો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં લગભગ 21 વર્ષ જૂના મર્ડરના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને 12 વર્ષ પહેલાં પેરોલ મેળવી નાસી છૂટેલા ગુનેગારને આખરે પકડી પાડ્યો હતો.
પોલીસનો દાવો છે કે આ ગુનેગાર હેમંત મોદી છે, જે પેરોલમાંથી છટકી જઈને ફિલ્મ, ટીવી સિરિયલ અને વેબ સિરીઝમાં ઍક્ટિંગ કરતો હતો. મળી રહેલી માહિતી મુજબ પોલીસે અમદાવાદમાં છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.
સમગ્ર મામલા અંગે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને હેમંત મોદીને ઓળખતા લોકો સાથે વાતચીત કરી હતી. આખો મામલો કેવી રીતે સામે આવ્યો અને કેવી રીતે આટલાં વર્ષોથી નાસતો-ફરતો ગુનેગાર પોલીસના સકંજામાં આવી ગયો?
શું હતો સમગ્ર મામલો?
અમદાવાદ ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા કહે છે કે, "અમે જ્યારે 'મોટી બાની નાની વહુ' સિરિયલમાં કામ કરતા આ ઍક્ટરને પકડવા પહોંચ્યા ત્યારે તેની ઍક્ટિંગ જોતાં એવી અદ્ભુત જણાઈ હતી કે તેની ઓળખ કરવાનું કામ અઘરું હતું. પણ તેની સજા સમયે નોંધાયેલા શરીર પરના નિશાનનો ડેટા જોઈને, અને બાદમાં આકરી પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલ કર્યું કે એ જ 12 વર્ષથી પોલીસની ચુંગાલમાંથી ભાગી ઍક્ટર બનેલો હેમંત મોદી છે."
કેસ અંગે મળેલી હકીકતો અનુસાર, મર્ડરના કેસ પહેલાં હેમંત મોદી અમદાવાદ નરોડાના સૈજપુર બોઘામાં આવેલી દાસની ચાલીમાં રહેતો હતો. એ સમયે 12 જૂન 2005ના રોજ પોતાના એક પાડોશી સાથે ઝઘડો થતાં, પોતાના ભાઈ અને મિત્રો સાથે ભેગા મળીને પાડોશીના મિત્ર નરેન્દ્ર તામલે ઉર્ફે નન્નોની હત્યા કરી નાખી હતી.
હેમંત મોદી પોતે ઍડ્વોકેટ હતો, એટલે પોતાની સાથે પકડાયેલા સાતેય લોકોનો કેસ એ લડ્યો હતો. પણ ત્રણ વર્ષ કેસની સુનાવણી ચાલ્યા બાદ 2008માં કોર્ટે હેમંત મોદી સહિત સાતેય જણાને આજીવન કેદની સજા કરી હતી.
વકીલ હોવાથી જેલ મેન્યુઅલના જાણકાર હેમંતે તત્કાલીન જેલર કેશવ કુમાર સામે અરજીઓ કરી હતી, અને તે ડિપ્રેશનમાં હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેની અમદાવાદની સાબરમતી જેલમાંથી મહેસાણા જેલમાં બદલી કરવામાં આવી હતી.
કોર્ટના નિર્ણયનાં છ વર્ષ બાદ મહેસાણા જેલમાં બંધ હેમંતે ગુજરાત હાઇકોર્ટમાંથી 30 દિવસના પેરોલ મેળવ્યા હતા અને પેરોલ બાદ તે નાસી છૂટ્યો હતો અને ઍક્ટર તરીકે પોતાની કારકિર્દી બનાવવામાં લાગી ગયો હતો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ શું કહે છે?
પીઆઇ પીએમ ધાકડાએ જણાવ્યું કે પેરોલ મળ્યા બાદ હેમંત ત્યાંથી ભાગી ગયો હતો. જુદી જુદી જગ્યાએ થોડો સમય રહ્યા બાદ પોતાનું નસીબ અજમાવવા એ ઍક્ટિંગ ક્ષેત્રે તકની શોધમાં મુંબઈ પહોંચી ગયો હતો.
તેઓ કહે છે, "ત્યાં એને જાણીતા ઍક્ટર સાથે સાઇડ રોલ મળવા લાગ્યા, નાટકોમાં કામ મળવા લાગ્યું. આ દરમિયાન એણે પોતાનું નામ સ્વપ્નિલ મોદી રાખ્યું હતું. તેણે પોતાની હેરસ્ટાઇલ પણ બદલી નાખી હતી. તે ફિલ્મ, ટીવી સિરિયલ અને વેબ સિરીઝમાં કામ કરવા લાગ્યો. દક્ષિણની ફિલ્મો સાથોસાથ એણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું, પણ કોઈ તેને ઓળખી ન શક્યું એટલે એની હિંમત વધતી ગઈ. આમ, એ ગુજરાતી ફિલ્મોમાં સાઇડ રોલ કરવાની સાથોસાથ સિરિયલમાં કામ કરવા લાગ્યો."
પોલીસે આપેલી માહિતી અનુસાર અમદાવાદ પરત ફર્યા બાદ તેણે અમદાવાદના કોટ વિસ્તારમાં ભાડે મકાન રાખ્યું અને 'મોટી બાની નાની વહુ' સિરિયલમાં કામ શરૂ કર્યું.
પોલીસે આગળ જણાવ્યું કે હેમંત અમદાવાદ આવી પોતાના મકાનની આસપાસના લોકોને પોતે મોટો ઍક્ટર હોવાની વાતો કરતો. પરંતુ આ વિસ્તારના એક સામાજિક કાર્યકરને તેની હિલચાલ પર શંકા ગઈ; કારણ કે હેમંતે પોતાના મકાનમાલિકને આધારકાર્ડ અને બીજા પુરાવા આપ્યા નહોતા. તેમજ ત્યાં એક અન્ય વકીલે આ સામાજિક કાર્યકરને હેમંત અગાઉ નાસી છૂટેલા એક ગુનેગાર જેવો લાગતો હોવાની વાત કરી હતી. એ બાદ આ સમગ્ર મામલો શંકાથી આગળ વધી પોલીસ સુધી પહોંચવાનો પાયો નખાઈ ગયો.
આ બાતમીના આધારે પોલીસે હેમંત પર વૉચ ગોઠવીને એક દિવસ સિરિયલનું શૂટિંગ પૂરું કરીને ઘરે ફરતી વખતે તેની અટક કરી અને પૂછપરછ બાદ તેણે બધું કબૂલી પણ લીધું. પોલીસે કહ્યું કે, "તેણે ખૂબ વિચારીને ફિલ્મો અને સિરિયલો માટે પોતાનું નામ બદલ્યું હતું, કારણ કે જો તેનું સાચું નામ સ્ક્રીન પર દેખાય તો તેના પકડાઈ જવાની બીક હતી."
ઓળખતા લોકો શું કહે છે?
ગુજરાતી ફિલ્મના લાઇન પ્રોડ્યૂસર અને જાણીતા સિનેમેટોગ્રાફરે રસિક ત્રિવેદીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મેં થોડા સમય પહેલાં મુંબઈના એક ઍક્ટરને લઈને ફિલ્મ બનાવી ત્યારે આ સ્વપ્નિલ મારી પાસે ફિલ્મમાં કામ માગવા આવ્યો હતો, પણ એની ઍક્ટિંગ મને આકર્ષક ન લાગતાં મેં કામ આપ્યું નહોતું."
"એ સમયે એ મારી સાથે અભદ્ર વર્તન કરીને ગયો હતો એટલે મને એનો ચહેરો યાદ છે. એણે મને કહ્યું હતું કે એ મુંબઈમાં સાઇડ ઍક્ટરના રોલ કરે છે, એનાથી વધુ કોઈ જાણકારી નથી."
અગાઉ સૈજપુર બોઘામાં દાસની ચાલીમાં રહેતા અને 2018થી નારણપુરામાં રહેતા મનીષ પટેલ સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું કે, "2005માં ઝઘડો થયો એ પહેલાં હેમંત મોદી દરેકને કાનૂની નોટિસ આપી લોકોને દબડાવતો હતો. એણે એની પત્નીને છૂટાછેડા આપ્યા હતા. આ ખૂન થયા પછી આ કુટુંબ સાથે કોઈ સંપર્ક નથી."
અમદાવાદના કોટ વિસ્તારમાં હેમંત જ્યાં રહેતો હતો, ત્યાં આવેલા એક સલૂનના કારીગર ઇકબાલ સાથે બીબીસી ગુજરાતીએ સ્થાનિક પત્રકારની મદદથી ટેલિફોનિક વાતચીત કરી હતી.
તેમણે કહ્યું, "એ અહીં આવે ત્યારે પોતાની ક્રીમ, હેરજેલ જેવી વસ્તુઓ સાથે લઈને આવતો અને એ કાયમ પોતે મુંબઈનો મોટો ઍક્ટર હોવાની વાતો કરતો. પોતે કોટ વિસ્તારમાં પોતાની નવી ફિલ્મ માટેનો માહોલ સમજવા માટે રોકાયો હોવાની વાતો કરતો, એટલે અમે એની તપાસ કરતા નહોતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન