મોહમ્મદ રફીનું વર્ષો સુધી કામ વગર બેસી રહેવાનું કારણ સુરેશ વાડકરે જણાવ્યું

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

જાણીતા ગાયક સુરેશ વાડકરને પહેલો બ્રેક રવીન્દ્ર જૈને આપ્યો હતો. સુરેશ વાડકરે ઘણી ફિલ્મોમાં ગીત ગાયાં છે, જેનાથી તેમને ઓળખ મળી છે.

સુરેશ વાડકરે 'મૈં હૂં પ્રેમ રોગી', 'મેરી કિસ્મત મેં તૂ', 'ઐ ઝિંદગી ગલે લગા લે', 'ચપ્પા ચપ્પા ચરખા ચલે', 'સપને મેં મિલતી હૈ, ઓ કુડી મેરી', 'રાત કે ઢાઈ બજે' જેવાં પ્રખ્યાત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.

આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુરેશ વાડકરને 49 વર્ષ થઈ રહ્યાં છે. તેઓ આજે પણ ગાય છે, પરંતુ સંગીતકારો સામે તેમને ફરિયાદ છે.

સંગીતકારોને તેમનો સવાલ છે, "કાં તો મને ગીત ગાતાં નથી આવડતું, તેથી મારી તરફ તમે ધ્યાન નથી આપતા અથવા તો તમારા ગીતને ખૂબ વધારે ન્યાય આપ્યો તેથી તમે નજરઅંદાજ કર્યો."

બીબીસી હિંદીની ખાસ પ્રસ્તુતિ 'કહાની જિંદગી કી'માં આ વખતે ઇરફાને ગાયક સુરેશ વાડકર સાથે વાત કરી.

કુસ્તી કરનાર પિતાને પુત્રમાં ગાયક દેખાયો

સુરેશ વાડકરના પિતા કૉટન મિલમાં નોકરી કરતા હતા, પરંતુ તેની સાથોસાથ તેઓ પહેલવાની પણ કરતા હતા.

મુંબઈમાં જન્મેલા સુરેશ વાડકર જણાવે છે કે તેમના પિતા માટીવાળી કુસ્તી કરતા હતા. તેથી સુરેશ વાડકરે પણ અખાડામાં જવું પડતું હતું, જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે.

પરંતુ તેમના પિતા સંગીતના પણ શોખીન હતા. તેની અસર સુરેશ વાડકર પર પણ પડી.

સુરેશ વાડકર કહે છે, "મારા પિતાને સંગીતનો ખૂબ જ શોખ હતો, તેઓ ભજન વગેરે ગાતા હતા, તેથી બાળપણથી જ મારા પર સંગીતની અસર રહી. એક દિવસ અચાનક તેમણે મને ગાતો સાંભળ્યો."

"તે સમયે મારી ઉંમર લગભગ ચાર વર્ષ હતી, મને સાંભળીને તેમને લાગ્યું કે આને ગાતાં શીખવવું જોઈએ."

આ રીતે, સંગીતના વાતાવરણમાં ઉછરી રહેલા સુરેશ વાડકરની ગાવાની ટ્રેનિંગ ચાર વર્ષની ઉંમરથી જ શરૂ થઈ ગઈ.

સુરેશ વાડેકરને જ્યારે એક હરીફાઈથી પહેલો બ્રેક મળ્યો

સુરેશ વાડકરે પહેલું પ્લેબૅક 'પહેલી' ફિલ્મમાં કર્યું. આ પહેલો બ્રેક તેમને રવીન્દ્ર જૈને આપ્યો હતો.

આ ફિલ્મ તેમને કઈ રીતે મળી તેના વિશે જણાવતાં તેઓ એક સ્પર્ધાનો ઉલ્લેખ કરે છે, જેના જજિસમાં રવીન્દ્ર જૈન, જયદેવ, હૃદયનાથ મંગેશકર સામેલ હતા.

સુરેશ વાડકર જણાવે છે, "1976માં એક હરીફાઈ યોજાઈ હતી, સૂર શ્રુંગાર સંસદ એક સંસ્થા હતી, તેમાં મેં પણ ભાગ લીધો હતો."

"મારા સિવાય તેમાં મારા ખૂબ જ પ્રિય મિત્ર હરિહરન અને રાની વર્માને પણ અવૉર્ડ મળ્યા હતા. મને મદનમોહન અવૉર્ડ, હરિને એચડી બર્મન અવૉર્ડ અને રાનીને વસંત દેસાઈ અવૉર્ડ."

સુરેશ વાડકર જણાવે છે કે એ સ્પર્ધામાં રવીન્દ્ર જૈન જ્યારે સ્ટેજ પર અવૉર્ડ આપવા આવ્યા હતા, ત્યારે તેમણે એનાઉન્સ કર્યું હતું કે જે વિનર હશે, તેને તેઓ પહેલો બ્રેક આપશે.

સુરેશ વાડકર કહે છે, "પછી તેમણે (રવીન્દ્ર જૈને) એક દિવસ મને ઘરે બોલાવ્યો, મને સાંભળ્યો. રાશિદ પ્રોડક્શનની એક ફિલ્મ બની રહી હતી, જેમાં માસ્ટર સત્યજિત પહેલી વાર ફુલ ફ્લેજ્ડ હીરો તરીકે આવવાના હતા."

"રાજકુમાર બડજાત્યાને મારો અવાજ સંભળાવ્યો. તેમના માટે ખાસ એક ગઝલ રેકૉર્ડ કરી. રાજકુમાર બડજાત્યાને મારો અવાજ ગમ્યો. આ રીતે મારી પહેલી ફિલ્મ 'પહેલી' છે."

'પહેલી'માં રવીન્દ્ર જૈન સાથે રેકૉર્ડ કરવામાં આવેલું તેમનું પહેલું ગીત, 'સોના કરે ઝિલમિલ-ઝિલમિલ… વૃષ્ટિ પડે ટાપુર ટુપુર' હતું, જે ખૂબ જ લોકપ્રિય થયું હતું.

જ્યારે સુરેશ વાડકરને લોકો ઓળખવા લાગ્યા

સુરેશ વાડકરે ફિલ્મ 'ગમન'માં 'સીને મેં જલન' ગીત ગાયું હતું. તેમના અનુસાર આ ગીતથી આખું નૉર્થ તેમને ઓળખવા લાગ્યું હતું.

'સીને મેં જલન' ગાવાની તક તેમને જયદેવે આપી હતી.

સુરેશ વાડકર જણાવે છે, "એક દિવસ સવાર-સવારમાં જયદેવજીનો ફોન આવ્યો. તેમણે મને મળવા બોલાવ્યો."

"તેમણે જણાવ્યું કે એક ખૂબ સુંદર ગઝલ બની છે, ફિલ્મ બની રહી છે 'ગમન', તો મારા માટે તમારે ગાવાની છે."

"તેમણે ગીત શીખવાડ્યું અને મેં ગાઈ આપ્યું અને તેનો પહેલો ટેક જ ઓકે થઈ ગયો."

સુરેશ વાડકર કહે છે કે જ્યારે તેમણે આ ગીતનો પોતાનો પહેલો ટેક સાંભળ્યો, ત્યારે તેઓ દુઃખી થઈ ગયા હતા.

તેમણે જયદેવને બીજો એક ટેક લેવા કહ્યું, પરંતુ તેમણે એમ કહીને ના પાડી દીધી હતી કે તેમને જેવું ગીત જોઈએ તેવું જ રેકૉર્ડ થઈ ગયું છે.

સુરેશ વાડકર જણાવે છે, "હું ઘરે આવીને રડવા લાગ્યો હતો. પરંતુ તે વખતે મને ખબર નહોતી કે એ ગીત પછીથી કેવો રંગ લાવશે."

"એ ગીત ખૂબ લોકપ્રિય થયું અને લોકો ઓળખવા લાગ્યા કે સુરેશ વાડકર નામનો કોઈ નવો છોકરો આવ્યો છે."

રાજ કપૂરની 'પ્રેમ રોગ'માં ગાવાની તક

સુરેશ વાડકર માટે ફિલ્મોમાં બીજો એક મહત્ત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજ કપૂરની 'પ્રેમ રોગ'માં ગાવાની તક મળી.

આ ફિલ્મ તેમને કઈ રીતે મળી, તેના વિશે તેઓ જણાવે છે, "હું ક્યાંક રેકૉર્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે ત્યાં ફોન આવ્યો કે લક્ષ્મીકાંતજીએ બોલાવ્યો છે. આની પહેલાં મને એ ખબર નહોતી કે લક્ષ્મીકાંતજીએ તેમને (રાજ કપૂરને) મારું અને લતાજીનું ગીત 'મેઘા રે મેઘા રે' સંભળાવ્યું હતું અને રાજ કપૂર નવો અવાજ શોધી રહ્યા હતા. તેઓ ખૂબ ખુશ થયા હતા કે આ છોકરાને બોલાવો. પ્રેમ રોગ માટે આ જ ગાશે."

સુરેશ વાડકર જણાવે છે કે જ્યારે 'મૈં હૂં પ્રેમ રોગી' ગીત રેકૉર્ડ થયું, ત્યારે રાજ કપૂર ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમણે 10 હજાર રૂપિયા આપ્યા હતા.

સુરેશ વાડકર જણાવે છે કે તે દિવસોમાં એક ગીત માટે વધારેમાં વધારે 1,500-2,000 રૂપિયા મળતા હતા. પરંતુ જ્યારે રાજ કપૂરે આપેલા કવરમાંથી 10 હજાર રૂપિયા નીકળ્યા ત્યારે તેમને લાગ્યું કે કોઈ બીજાનું કવર ભૂલથી તેમની પાસે આવી ગયું છે.

તેઓ કહે છે, "હું રાજ કપૂર પાસે ગયો અને કહ્યું કે કદાચ તમે ભૂલથી આ કવર આપી દીધું છે, તો તેમણે પૂછ્યું, 'કેમ બેટા, ઓછા છે?' મેં કહ્યું કે આ તો ખૂબ વધારે છે. તેમણે કહ્યું, 'મેં પ્રેમથી પૈસા આપ્યા છે'."

મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીની ખામીઓ અને ગળાકાપ હરીફાઈ

મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાંના સંઘર્ષ અને ગળાકાપ હરીફાઈના સવાલના જવાબમાં સુરેશ વાડકર કહે છે, "અહીં મોહમ્મદ રફી જેવા સિંગર, જેમણે આખી ઇન્ડસ્ટ્રીને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો તેમને આઠ કે નવ વરસ ઘરે બેસાડી દેવાયા."

તેઓ કહે છે, "અમારા સમયમાં પણ એવું થયું, કોઈ એકને તમે પૉપ્યુલર સિંગર કહો છો કે લકી સિંગર કહો છો. જ્યારે 100માં 98 ગીત તે ગાશે, તો તેમાંથી છથી આઠ ગીતો ચાલશે જ. આ જે નેગેટિવિટી છે, ગળાકાપ સ્પર્ધા છે, તે અમારા પોતાના લોકો કરે છે."

આ જ કારણે સુરેશ વાડકર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 'શાપિત' કહે છે.

તેઓ કહે છે, "આપણી ઇન્ડસ્ટ્રી શાપિત છે, તે ફૂલતીફાલતી નથી. જો વર્ષે 2,000 ફિલ્મો બને છે, તો તેમાંથી પાંચ ચાલે છે, એમાં તમે શું તીર મારી દીધું? આપણી ઇન્ડસ્ટ્રી એટલા માટે શાપિત છે, કેમ કે તમે લોકો દુઆઓ, આશીર્વાદ ઘણા ઓછા મેળવો છો. જેના ખભા પર ચડીને તમે આગળ વધો છો એને જ ભૂલી જાવ છો."

સુરેશ વાડકર ત્યારના અને અત્યારના મ્યૂઝિક ડાયરેક્ટરો વચ્ચે પણ તફાવત હોવાની વાત કરે છે.

તેઓ કહે છે, "હવે એ મ્યૂઝિક ડાયરેક્ટર નથી રહ્યા. આજકાલ સિચ્યુએશન પર કોઈ ગીત નથી હોતું. અચાનકથી ઊઠીને સ્વિટ્ઝર્લૅન્ડ ચાલ્યા જાય છે. પાછળ 150 છોકરા-છોકરીઓ ડાન્સ કરતાં હોય છે, આગળ હીરો-હીરોઇન ડાન્સ કરતાં હોય છે."

સુરેશ વાડકર કહે છે કે હવે સ્ટોરીની સાથે તાલમેળવાળાં ગીત નથી બનતાં, જ્યારે પહેલાં એવું થતું હતું. આ જ કારણથી સૅડ સૉંગ પણ હતાં અને જૉની વૉકર, મહમૂદની ઉપર કૉમેડી ગીત પણ હતાં.

આજના ટૅલેન્ટને સારા કામની જરૂર

સુરેશ વાડકર કહે છે આજે ટૅલેન્ટેડ સિંગર્સ આવી રહ્યા છે, ટૅલેન્ટેડ મ્યૂઝિક ડાયરેક્ટર પણ છે, પરંતુ તેમનો જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે.

તેઓ કહે છે, "જો તમે શૉર્ટ ટાઇમ માટે ગીત બનાવવા માગો છો, તો તે શૉર્ટ ટાઇમ માટે જ હોઈ શકે છે. આજની જનરેશન તમે જોશો, આ જે રિયાલિટી શોમાં છે, તેઓ પોતાને સાબિત કરવા માટે એ જ 60 અને 70ના દાયકાનાં ગીતો ગાય છે. આજનાં ગીતો ફિલ્મ સુધી આવે છે અને પછી થોડા સમયમાં કપૂરની જેમ ઊડી જાય છે, આવું ન હોવું જોઈએ."

સુરેશ વાડકરનું માનવું છે કે ગીતની વૅલ્યૂ જમાનાઓ સુધી જળવાઈ રહેવી જોઈએ.

તેઓ કહે છે કે સિંગર્સ તો ઘણા સારા આવ્યા છે, પરંતુ તેમને એ પ્રકારનું કામ નથી મળી રહ્યું, જે તેમને લાંબી રેસના ઘોડા બનાવે.

સુરેશ વાડકર અનુસાર તેમની મદદ મ્યૂઝિક ડાયરેક્ટર અને મેકર્સ જ કરી શકે છે.

તેઓ કહે છે, "મેકર્સનો ધર્મ માત્ર હીરો-હીરોઇન બનાવવાનો નથી હોતો, તેમનો ધર્મ એ પણ છે કે સારા રાઇટર્સ, સિંગર્સ તેમની ફિલ્મોમાંથી જન્મે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન