રાજ્યસભાની ગુજરાત માટેની ચાર ખાલી થનારી બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ગુજરાત સરકારના માહિતી વિભાગની પ્રેસનોટમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્યમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની મુદત આગામી 21-06-2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ ખાલી બેઠકો ભરવા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

જે સભ્યોની મુદત પૂર્ણ થઈ રહી છે તેમાં રામભાઈ હરજીભાઈ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબહેન બારાનો સમાવેશ થાય છે.

ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 1-06-26, ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 8-06-26, ઉમેદવારી પત્રકો ચકાસવાની તારીખ 9-06-26, ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 11-06-26, મતદાનની તારીખ 18-06-26 રહેશે.

મતદાનનો સમય સવારે 9થી સાંજે 4 કલાક સુધી રહેશે. મતગણતરી 18-06-26ના રોજ સાંજે પાંચ વાગ્યે હાથ ધરાશે અને સમગ્ર ચૂંટણી પૂર્ણ કરવાની આખરી તારીખ 22-06-26 રહેશે.

ત્વિષા શર્મા કેસ : પતિ સમર્થસિંહ સરેન્ડર કરવા જબલપુર જિલ્લા અદાલત પહોંચ્યા

આગોતરા જામીનની અરજી પરત લીધા બાત ત્વિષા શર્માના આરોપી પતિ સમર્થસિંહના જબલપુર જિલ્લા કોર્ટમાં સરેન્ડર કરવાના સમાચાર છે.

તેમના વકીલ સૌરભ સુંદરના જણાવ્યા પ્રમાણે, "સમર્થસિંહ સરેન્ડર કરવા માટે કોર્ટ પહોંચ્યા છે. આ સંબંધમાં ચીફ જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટ સામે આવેદન આપવામાં આવી રહ્યું છે."

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે સમર્થસિંહ કાળા ચશ્મા પહેરીને આવ્યા છે. તેમના વકીલ જયદીપ કૌરવે કહ્યું, "તેઓ (સમર્થસિંહ) જબલપુર કોર્ટમાં સરેન્ડર કરવા જઈ રહ્યા છે."

બીજી તરફ ત્વિષાના પરિજનો તરફથી વકીલ અનુરાગ શ્રીવાસ્તવે સરેન્ડરનો વિરોધ કર્યો છે.

તેમણે પત્રકારોને કહ્યું, "કોર્ટે આજે આદેશ આપ્યો છે કે સમર્થસિંહ ક્યાં તો ટ્રાયલ કોર્ટ સામે સરેન્ડર કરે અથવા તપાસ અધિકારી સામે. ટ્રાયલ કોર્ટ ભોપાલમાં છે, આ સિવાય તપાસ અધિકારી, એસઆઈટી છે અને આજે સીબીઆઈ પણ આ મામલે સામેલ છે."

"જુઓ, એક રિટાયર્ડ જજના દીકરાને કેવી રીતે બચાવવાની કોશિશ થઈ રહી છે. તેને જિલ્લા કોર્ટ જબલપુરમાં સરેન્ડર કરવાનો કોઈ અધિકાર નથી."

"અમને જાણકારી મળી છે કે તેઓ સરેન્ડર કરવા આવ્યા છે. જિલ્લા કોર્ટ જબલપુરના કોર્ટ રૂમમાં અંદર સમર્થસિંહ આરામથી બેઠા હતા. ત્યાં તમામ લાઇટ્સ બંધ હતી. તેમણે માસ્ક પહેરેલું હતું. જજ પોતાની સીટ પર નહોતા. ત્યાં ત્રણ ક્લર્ક ઉપસ્થિત હતા. મેં પૂછ્યું કે કયા અધિકાર અંતર્ગત તેમને ત્યાં બેસાડાયા છે, તો મારો સવાલનો તેમની પાસે જવાબ નહોતો."

વકીલ અનુરાગ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો કે "જેવા સમર્થસિંહે તેમને જોયા કે તેઓ ત્યાંથી ભાગી ગયા."

આ પહેલાં, મધ્ય પ્રદેશ હાઇકોર્ટે શુક્રવારે ત્વિષા શર્માના મૃતદેહનું બીજી વખત પોસ્ટમૉર્ટમ કરવાનો આદેશ આપ્યો. તે દિલ્હી એમ્સના ડૉક્ટરો દ્વારા કરવામાં આવશે તેવો આદેશ પણ આપ્યો.

પરિવારે મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં ત્વિષાના મૃતદેહનું બીજી વખત પોસ્ટમૉર્ટમ થાય તે માટેની અરજી કરી હતી.

આ બધા વચ્ચે મધ્ય પ્રદેશ સરકારે આ મામેલે સીબીઆઈ તપાસની ભલામણ પણ કરી હતી.

ઉમર ખાલીદની જામીનની અરજીને સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચને મોકલવાનો નિર્દેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે 2020માં થયેલી દિલ્હી હિંસાના ષડયંત્ર મામલે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીને લાર્જર બૅન્ચ પાસે મોકલવાનો નિર્ણય કર્યો છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે આ જ મામલાના બે અભિયુક્તો, તસ્લીમ અહેમદ અને ખાલિદ સૈફીને છ મહિનાના વચગાળાના જામીન આપી દીધા હતા.

આ ત્યારે થયું જ્યારે સુપ્રીમ કોર્ટે એક અન્ય બે જજોની બેન્ચે હાલમાં જ દિલ્હી હિંસાના ષડયંત્ર મામલે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાના ઇન્કાર બાદ ચુકાદા પર સવાલો ઉઠ્યા હતા.

અતિરિક્ત સૉલિસિટર જનરલ એસવી રાજુએ યુએપીએ અંતર્ગત જામીન સાથે જોડાયેલા મુદ્દાઓ પર સ્પષ્ટતા માટે લાર્જર બેન્ચનું ગઠન કરવાની માગ કરી હતી.

બેન્ચે દિલ્હી હિંસાના ષડયંત્ર મામલાના પાંચ આરોપીને જામીન આપતા સમયે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી ફગાવી દેવાઈ હતી.

વિવાદ તે વાતને લઈને છે કે જો કોઈ યુએપીએ મામલેમાં કેસ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવાની સંભાવના નથી, તો શું જામીનને અધિકાર ગણવામાં આવે કે નહીં?

ઉમર ખાલિદ અ સરજીલ ઇમામને જામીન આપવાથી ઇન્કાર કરનારા ચુકાદામાં કહેવાયું હતું કે કેસમાં મોડું માત્ર એક કારણ હોઈ શકે છે અને કોર્ટે બીજાં પાસાં પર પણ ધ્યાન આપવું પડશે.

જોકે, હાલની બેન્ચના ચુકાદામાં કહેવાયું છે કે આ 'વ્યાખ્યા ખોટી પ્રતીત' થાય છે.

હવે આ મામલો ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકવામાં આવશે. જે આ મુદ્દે ચુકાદો લેવા માટે એક બેન્ચનું ગઠન કરશે. આ ચુકાદાની લિખિલ કૉપી હાલ ઉપલબ્ધ નથી.

ત્વિષા શર્માનું દિલ્હી એમ્સના ડૉક્ટરો મારફતે બીજી વખત પોસ્ટમૉર્ટમ કરાવવાનો આદેશ

ત્વિષા શર્માના મૃતદેહનું બીજી વખત પોસ્ટમૉર્ટમ એમ્સ દિલ્હીના ડૉક્ટરોની એક ટીમ પાસે કરાવવાની મંજૂરી મળી ગઈ છે.

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે શુક્રવારે આ મામલે આદેશ આપ્યો, ડૉક્ટરોની એક ટીમને પોસ્ટમૉર્ટમ માટે ભોપાલ મોકલવામાં આવશે.

પરિવારે મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં બીજી વખત પોસ્ટમૉર્ટમની માંગ કરતી અરજી દાખલ કરી હતી.

ત્વિષા શર્માના પરિવારના વકીલ અંકુલ પાંડેએ બીબીસીને જણાવ્યું કે જલદી એમ્સ દિલ્હીના નિદેશક એક વિશેષજ્ઞ ટીમનું ગઠન કરશે.

ત્વિષા શર્માના પરિવારના બીજા વકીલ શુભાંક દીક્ષિતે બીબીસીને કહ્યું, "અમે હાઇકોર્ટમાં કુલ ત્રણ અરજી કરી હતી. પહેલી અરજી અભિયુક્ત પતિ સમર્થસિંહની આગોતરા જામીનની સામે કરવામાં આવી હતી. જોકે, આવેદનકર્તા સમર્થસિંહે ખુદ કોર્ટ સામે સરેન્ડર કરવાની વાત કરીને પોતાનું આવેદન પરત લીધું છે."

તેમણે કહ્યું, "અમારી બીજી અરજી ત્વિષાના મૃતદેહનું બીજી વખત પોસ્ટમૉર્ટમ કરવા માટે હતી. તેના પર માનનીય હાઇકોર્ટે અમારી માગ સ્વીકારતા એમ્સ દિલ્હીને નિર્દેશ આપ્યો છે કે જલદી એમ્સ દિલ્હીની ટીમ ભોપાલને મોકલીને ત્વિષાનું બીજી વખત પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવે."

"ત્રીજી અરજી આરોપી સાસુ ગિરિબાલાસિંહની જમાનત સામે હતી. જેના પર હાઇકોર્ટે ગિરિબાલાસિંહને કોર્ટ સમક્ષ 25મી તારીખે પેશ કરવાનું કહેવામાં આવ્યું છે."

ઍર ફ્રાન્સ અને ઍરબસ 228 લોકોની બિન-ઇરાદે હત્યા બદલ દોષિત

ઍર ફ્રાન્સ અને ઍરબસને 2009માં થયેલી વિમાન દુર્ઘટનામાં બિન-ઇરાદે હત્યા બદલ દોષિત ઠેરવ્યા છે. આ દુર્ઘટનામાં 228 લોકોનાં મોત થયાં હતાં.

પેરિસની કોર્ટે ઍરલાઇન અને વિમાન નિર્માતા કંપનીને આ દુર્ઘટના માટે "એકમાત્ર અને સંપૂર્ણ જવાબદાર" ઠેરવી છે.

આ દુર્ઘટના જ્યારે બ્રાઝિલના રિયો-ડી-જાનેરોથી પેરિસ થતી ફ્લાઇટ એએફ447 ઍટલાન્ટિક મહાસાગરમાં પડી હતી અને દુર્ઘટના સર્જાઈ હતી.

તોફાન દરમિયાન મુસાફર વિમાનનું સંતુલન ખોરવાયું અને તે દરિયામાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાન સવાર તમામ લોકોનાં મોત થયાં હતાં.

વિમાનમાં 12 ક્રૂ મેમ્બર અને 216 મુસાફરો હતો. આને ફ્રાન્સે વિમાનીય ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના ગણાવી હતી.

એપ્રિલ 2023માં એક કોર્ટે બંને કંપનીને આરોપમાંથી મુક્ત કરી દીધી હતી, પરંતુ આઠ અઠવાડિયાં ચાલેલી સુનાવણી બાદ ગુરુવારે તેને દોષી ગણાવી છે.

બંને કંપનીઓ સતત આરોપોથી ઇન્કાર કરતી રહી છે અને તેણે કહ્યું કે તે આ નિર્ણય સામે અપીલ કરશે.

મહેન્દ્રસિંહ ધોની IPLની આવતી સિઝનમાં રમશે કે નહીં, ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું

ચેન્નઈ સુપરકિંગ્સ (સીએસકે)ના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે આઈપીએલની આવતી સિઝનમાં મહેન્દ્રસિંહ ધોની રમશે કે નહીં, આ મામલે જવાબ આપ્યો છે.

પહેલી વખત એવું બન્યું કે ધોની સીએસકેની ટીમમાં આઈપીએલની એક સિઝનમાં એક પણ લીગ મૅચ નથી રમ્યા.

ગુરુવારના સીએસકેએ આ સિઝનની છેલ્લી લીગ મૅચ રમ્યા. આ મૅચ ગુજરાત ટાઇટન્સ સામે રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઇટન્સ 89 રનથી જીતી ગયું હતું.

મૅચ બાદ સીએસકેના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડને આવતી સિઝનમાં ધોનીના રમવા મામલે પૂછવામાં આવ્યું.

જેની પર તેમણે કહ્યું કે, "આનો જવાબ તમને આવતાં વર્ષે જ મળશે. મને પણ આવતાં વર્ષે જ ખબર પડશે. તેમની ખોટ અમને પડી જ છે."

તેમણે કહ્યું કે, "ધોનીનું ટીમમાં ન હોવું અમારા માટે ઘણું મુશ્કેલ હતું. ધોની એવા ખેલાડી છે જેનાથી વિરોધી ટીમમાં ડર બનેલો રહે છે, ખાસ કરીને છેલ્લી ઑવરોમાં. તેઓ માત્ર પિચ પર ટકીને મૅચના મૉમેન્ટમને બદલી શકે છે. આ સિઝનમાં તેમની મોટી ખોટ પડી છે."

"પરંતુ આવતી સિઝન વિશે અત્યારે કંઈ ન કહી શકાય."

દિલ્હી : ઍર ઇન્ડિયાના વિમાનના ઍન્જિનમાં આગ બાદ સુરક્ષિત લૅન્ડિંગ

બૅંગલુરુથી દિલ્હી જતાં ઍર ઇન્ડિયાના વિમાન AI2802માં ગુરુવારે સાંજે ઍન્જિનમાં આગ લાગ્યા બાદ તેનું દિલ્હી ઍરપૉર્ટ પર સુરક્ષિત લૅન્ડિંગ કરાયું હતું. આ વિમાનમાં 160 મુસાફર હતા.

ઍર ઇન્ડિયાએ આ ઘટના પર કહ્યું કે "દિલ્હીમાં વિમાનની અંતિમ લૅન્ડિંગ પ્રક્રિયા દરમિયાન કૉકપિટ ક્રૂના એક ઍન્જિનમાં લાગ લાગ્યાનો સંકેત મળ્યો હતો, જે બાદમાં સાચો પડ્યો."

"ક્રૂએ બધી માનક સંચાલન પ્રક્રિયાઓનું પાલન કર્યું અને વિમાનને સુરક્ષિત દિલ્હી ઍરપૉર્ટ પર ઉતાર્યું. બધા મુસાફરો અને ક્રૂના સભ્યો સુરક્ષિત છે અને બધાને સામાન્ય પ્રક્રિયા અંતર્ગત વિમાનમાંથી બહાર કાઢી લેવાયા હતા."

ઍર ઇન્ડિયાએ આ ઘટના બાદ તરત તપાસ શરૂ કરી હોવાની વાત કહી છે. આ તપાસ સંબંધિત નિયામક અધિકારીઓ સાથે મળીને કરાશે.

અમેરિકાના વિદેશ મંત્રીએ યુદ્ધ પૂરું કરવા અંગે શું કહ્યું?

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ગુરુવારે આશા વ્યક્ત કરી કે પાકિસ્તાની સેના પ્રમુખની ઈરાન યાત્રા યુદ્ધને પૂરું કરવાની દિશામાં રણનીતિને આગળ વધારશે, અને કહ્યું કે આ દિશામાં પ્રગતિ થઈ છે.

રુબિયોએ પત્રકારોને કહ્યું કે તેમને એ વાતની માહિતી હતી કે પાકિસ્તાની અધિકારીઓ તહેરાનની મુલાકાત લેશે.

તેમને આશા છે કે આનાથી યુદ્ધ પૂરું કરવા ચાલતી વાતચીતમાં વધુ પ્રગતિ કરવામાં મદદ મળશે.

અમેરિકાના વિદેશ મંત્રીએ ફરી એક વાર ઈરાન સામે યુદ્ધમાં અમેરિકાનું સમર્થન નહીં કરવા પર નેટોની ટીકા કરી છે.

તેમણે પત્રકારોને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ "તેમને લડાકુ વિમાન મોકલવાનું નથી કહેતા, પરંતુ તેઓ કંઈ પણ કરવાનો ઇનકાર કરી રહ્યા છે."

રુબિયોએ કહ્યું કે "અમે તેનાથી બહુ નારાજ છીએ."

તો ઈરાની વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકા સાથે વર્તમાન વાર્તા માત્ર યુદ્ધ સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે અને યુરેનિયમ ભંડારો અંગે કોઈ ચર્ચા નથી થઈ રહી.

બીબીસી ફારસી સેવા અનુસાર, ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ મીડિયાને જણાવ્યું કે "વાર્તાનો મુખ્ય ઉદ્દેશ લેબનોન સહિત બધા મોરચે યુદ્ધ સમાપ્ત કરવાનો છે."

તેમણે કહ્યું કે, "પરમાણુ મુદ્દાઓ, જેમાં સંવર્ધિત સામગ્રીનો મુદ્દો કે સંવર્ધન સામેલ છે, આ અંગે મીડિયાએ કરેલા દાવા માત્ર અટકળો છે અને તેમાં વિશ્વસનીયતાની કમી છે."

ગુરુવારે ઈરાનના યુરેનિયમ ભંડારો સંબંધિત અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદન બાદ મીડિયામાં અનેક ચર્ચા થઈ રહી હતી, ઇસ્માઇલ બકાઈ આ રિપોર્ટ્સ તરક ઇશારો કરતા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વ્હાઇસ હાઉસમાં ઈરાનના યુરેનિયમ ભંડાર અંગે કહ્યું હતું કે અમેરિકા તેને હાંસલ કરી લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન