ભારતમાં આવી રીતે થઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત, પહેલો શો કેવી રીતે યાદગાર રહ્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અકીલ અબ્બાસ જાફરી
- પદ, રિસર્ચર અને ઇતિહાસકાર, પાકિસ્તાન
- વાંચવાનો સમય: 10 મિનિટ
સાતમી જુલાઈ, 1896ના રોજ બૉમ્બે (આજનું મુંબઈ)ના ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારમાં એક જાહેરાત છપાઈ હતી, જેમાં શહેરના રહીશોને વૉટ્સન્સ હોટલ ખાતે "સદીની સૌથી મહાન ઉપલબ્ધિ અને વિશ્વની સૌથી મોટી અજાયબી"ના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
તે જાહેરાત અનુસાર, શહેરીજનોને સાંજના ચાર જુદા-જુદા સમય પર તે ચમત્કારના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને દરેક 'શો'ની ટિકિટ એક રૂપિયો રખાઈ હતી, જે તે સમયે ઘણી મોટી રકમ હતી.
તે ચમત્કાર બીજું કશું નહીં, બલ્કે ઉપખંડમાં એક 'મૂવી'નું પ્રથમ પ્રદર્શન હતું, જેને આજે આપણે 'ફિલ્મ' તરીકે ઓળખીએ છીએ. યોગાનુયોગે (અથવા તો કદાચ યોગાનુયોગે નહીં), મુંબઈની ગણના આજે વિશ્વનાં સૌથી વિશાળ ફિલ્મ નિર્માણ કેન્દ્રોમાં થાય છે, જ્યાં દર વર્ષે હોલીવૂડ કરતાં વધુ ફિલ્મોનું નિર્માણ થાય છે.
પરંતુ, 1896માં સાંજના છ વાગ્યાથી દસ વાગ્યા સુધીના ચાર શો જોવા આવેલા લોકોને નાચ-ગાન, ધારદાર સંવાદો અને ધમાકેદાર ઍક્શન દૃશ્યો નહોતાં જોવા મળ્યાં. તે સમયે દર્શાવાયેલી ફિલ્મનું નામ હતું - "અરાઇવલ ઑફ અ ટ્રેન".
એક જ ઘટના પર આધારિત ફિલ્મો

ઇમેજ સ્રોત, Getty Images
તમે કદાચ વિચારતા હશો કે, આ કેવા પ્રકારની ફિલ્મ છે. તો, અમે તમને જણાવી દઈએ કે, સિનેમાના પ્રારંભિક દિવસોમાં મોટાભાગની ફિલ્મો લગભગ એક જ ઘટના વિશેની રહેતી હતી અને તે ફિલ્મો પ્રથમ વિશ્વ યુદ્ધ અને તે પછીનાં ઘણાં વર્ષો સુધી થિયેટરોમાં બતાવવામાં આવેલી રીલ્સ જેવી રહેતી હતી.
આ ફિલ્મો બનાવનારા અને તેમને ભારત લઈ આવનારા બે ફ્રેન્ચ બંધુ લુઈ અને ઑગસ્ટ લુમિયર હતા, જેમની કંપની 'સિનેમેટોગ્રાફી'નું નામ હજુયે ફિલ્મસર્જનના ક્ષેત્રમાં વપરાય છે.
મિહિર બોઝે તેમના પુસ્તક 'બોલીવૂડ'માં લખ્યું છે કે, બંને ભાઈઓએ પહેલાં 28મી ડિસેમ્બર, 1895ના રોજ પેરિસના ગ્રાન્ડ કાફૅ ખાતે આવી ફિલ્મો દર્શાવી હતી અને પેરિસમાં સફળતા મળ્યા પછી તેમણે લંડનમાં રિજેન્ટ સ્ટ્રીટ પર પણ તેમની આ શોધનું જાહેર પ્રદર્શન કર્યું હતું.
ત્યાં 'ધ અરાઇવલ ઑફ અ ટ્રેન એટ લા સિઓટેટ સ્ટેશન' ફિલ્મ દર્શાવવામાં આવી હતી, જેમાં ટ્રેનને સ્ટેશનમાં પ્રવેશતી બતાવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મમાં નવાઈ પમાડી દેનારું કશું નહોતું. બસ, ટ્રેનને પ્લૅટફૉર્મ ઉપર થોભતી બતાવાઈ હતી. જોકે, લંડનના મોટા પડદા ઉપર જ્યારે તે દૃશ્ય બતાવવામાં આવ્યું, ત્યારે ઑડિયન્સને લાગ્યું હતું કે, ટ્રેન પડદામાંથી બહાર નીકળીને તેમની તરફ ધસી રહી છે અને ગણતરીની પળોમાં જ તેઓ ટ્રેન નીચે કચડાઈ જશે.

ઇમેજ સ્રોત, catalogue-lumiere.com
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આથી, ફિલ્મ ચાલી રહી હતી, ત્યારે કેટલાક લોકો બીકના માર્યા તેમની સીટ ઉપરથી ઊભા થઈને દરવાજા તરફ નાસવા માંડ્યા હતા, તો કેટલીક મહિલાઓ બેભાન થઈ જતાં વહીવટી તંત્રએ તેમને સંભાળવા માટે નર્સો બોલાવવી પડી હતી.
એરિક બાર્નો અને એસ ક્રિષ્ના સ્વામીના પુસ્તક 'ઇન્ડિયન ફિલ્મ્સ'માં પણ મિહિર બોઝના દાવાનું સમર્થન કરવામાં આવ્યું છે.
આ પુસ્તક અનુસાર, "લુમિયર બ્રધર્સે તેમની સિનેમેટોગ્રાફી ફિલ્મો વિશ્વના અન્ય દેશોમાં દર્શાવવાનું નક્કી કર્યું. તેમની ફિલ્મો દર્શાવવા માટે તેઓ ઑસ્ટ્રેલિયા જવા રવાના થયા, પણ તે મુસાફરી દરમિયાન માર્ગમાં બૉમ્બે આવ્યું અને તેમણે બૉમ્બેમાં થોડો સમય રોકાઈને આ 'કૉસ્મોપોલિટન શહેર'માં તેમની ફિલ્મો દર્શાવવા વિચાર્યું.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સમાવેશક ઈતિહાસ 'સો મેની સિનેમાઝ'ના જણાવ્યા પ્રમાણે, "દરેક શોમાં 17-17 મીટર લાંબી છ ફિલ્મો બતાવાતી હતી."
આ ફિલ્મો સામાન્ય દૃશ્ય પર આધારિત હતી, પણ તે સમયના લોકો માટે તે ઘણી રસપ્રદ હતી, કારણ કે, તેમણે અગાઉ આવું કશું જોયું નહોતું.
ઉદાહરણ તરીકે, ડિમોલિશનના દૃશ્યમાં કેટલાક મિસ્ત્રીઓ એક ઇમારતની દીવાલને ધરાશાયી કરતા દેખાય છે. આમ તો તે એક મામૂલી વાત છે, પણ પડદા ઉપર દીવાલ પાડવાનું તે દૃશ્ય તે જમાનાનાં દર્શકોમાં એવી જ લાગણી જન્માવતું હશે, જેવું આજે કોઈ બિગ બજેટની ઍક્શન ફિલ્મ જોઈને લાગે છે.
ફિલ્મના ઘણા શો બતાવાયા

ઇમેજ સ્રોત, Getty Images
તે જ પુસ્તકમાં લખ્યું છે, "આ ફિલ્મો બૉમ્બેના લોકોમાં ભારે લોકપ્રિય થઈ અને થોડા દિવસો પછી, 14મી જુલાઈ, 1896થી તે ફિલ્મો ફરી વખત ત્રણ દિવસ માટે બૉમ્બેના નૉવેલ્ટી થિયેટરમાં દર્શાવાઈ હતી."
દર્શકોનો રસ અને ઉત્સાહ જોઈને લુમિયર બ્રધર્સે નૉવેલ્ટી થિયેટરમાં નવી ફિલ્મોનો ઉમેરો કર્યો. તે સિરીઝ ઘણી લોકપ્રિય પુરવાર થઈ અને ફિલ્મો જોનારા લોકોના ઉમળકાભર્યા પ્રતિસાદથી પ્રેરાઈને ફિલ્મોની સંખ્યા પછીથી વધારીને 24 કરી દેવાઈ.
ફિલ્મો જોવા માટે લોકોનાં ટોળે-ટોળાં ઉમટી પડ્યાં અને સ્ક્રીનિંગનો સમય ત્રણ દિવસથી લંબાવીને એક મહિનો કરી દેવાયો. પડદો રાખતી મહિલાઓ અને પરિવાર સાથે આવનારા લોકો ખાતર બૉક્સની સુવિધા પણ કરવામાં આવી.
ફિલ્મની ટિકિટોનો ભાવ પણ બદલાયો અને ચાર આનાથી માંડીને બે રૂપિયા સુધીની જુદી-જુદી સીટો ગોઠવવામાં આવી.
ચાર આનાની ટિકિટ છેલ્લી સીટ પર બેસનારા લોકો માટે હતી અને બે રૂપિયાની ટિકિટ આગળ ઓર્કેસ્ટ્રા સાથે બેસનારા લોકો માટે હતી.
બૉમ્બેમાં આ ફિલ્મોનું સ્ક્રીનિંગ 15મી ઑગસ્ટ, 1896 સુધી ચાલતું રહ્યું. પ્રેમ પાલ અશ્ક તેમના પુસ્તક "ફિલ્મ શનાસી"માં લખે છે કે, તે ફિલ્મો ઉપર ટિપ્પણી કરતાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ લખ્યું હતું, "લુમિયર બ્રધર્સની આ શોધ આધુનિક યુગની મહાન વૈજ્ઞાનિક શોધ છે."
જે સમયે આ ફિલ્મો ઉપખંડમાં બતાવાઈ રહી હતી, તે જ સમયે લુમિયર બ્રધર્સની આવી જ ફિલ્મો વિશ્વના અન્ય દેશોમાં પણ દર્શાવાઈ રહી હતી. જેમકે, સાતમી જુલાઈ, 1896ના રોજ બૉમ્બેમાં ફિલ્મો બતાવાઈ રહી હતી તે જ દિવસે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં પણ પ્રથમ વખત મૂવિંગ પિક્ચર્સનું સ્ક્રીનિંગ થયું હતું.
ઘણા દેશોમાં ફિલ્મોનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, catalogue-lumiere.com
લગભગ એ જ સમયે ચીન, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ ફિલ્મો દર્શાવાઈ રહી હતી. યુરોપ અને અમેરિકાનાં ઘણાં શહેરોમાં આ ફિલ્મો અમુક સપ્તાહો કે મહિનાઓ પહેલાં બતાવાઈ ચૂકી હતી.
એરિક બાર્નો અને એસ. ક્રિશ્ના સ્વામીના જણાવ્યા પ્રમાણે, આ ઉતાવળ પાછળનું કારણ એ હોઈ શકે કે, લુમિયર બંધુ તેમની શોધનું ફળ વિશ્વના તમામ ખંડોમાં ઉતાવળે જોવા માગતા હતા. કારણ કે, તેમને બીક હતી કે, જો તેમણે જરા અમથી પણ આળસ દાખવીશું, તો બીજા શોધકો તે તકનો લાભ ઉઠાવી લેશે.
કદાચ એવું થયું પણ હોત. તે પછીનાં આગામી થોડાં વર્ષો સુધી, અન્ય ઘણી ફિલ્મ નિર્માણ કંપનીઓ તેમની ફિલ્મોને ઉપખંડમાં લઈ આવી. જાન્યુઆરી, 1897માં સ્ટુઅર્ટ, સપ્ટેમ્બર, 1897માં હ્યુજ અને 1898માં પ્રોફેસર ઍન્ડરસને બૉમ્બેમાં તેમની ફિલ્મો તથા ફિલ્મ નિર્માણનાં ઉપકરણો પ્રદર્શિત કર્યાં.
દર્શકોને લાગ્યો ફિલ્મોનો ચસકો

ઇમેજ સ્રોત, catalogue-lumiere.com
તે સિવાય, કલકત્તા (આજનું કોલકતા) પણ શોધકો માટે રુચિનું કેન્દ્ર બન્યું, જ્યાં સ્ટિવન્સે સ્ટાર થિયેટર ખાતે તેમની ફિલ્મો દર્શાવી.
લુમિયર બ્રધર્સનાં ફિલ્મ સ્ક્રીનિંગ્ઝ 15મી ઑગસ્ટ, 1896થી બંધ થયાં, પણ ઑડિયન્સને આ હાલતી-ચાલતી ફિલ્મોનો ચસ્કો લાગ્યો હતો. આથી, થોડા મહિનાઓ પછી ચોથી જાન્યુઆરી, 1897ના રોજ મુંબઈના ગેઇટી થિયેટર ખાતે ફિલ્મોનાં નિયમિત સ્ક્રીનિંગ શરૂ થયાં.
ફિરોઝ રંગૂનવાલા તેમના પુસ્તક 'અ પિક્ટોરિયલ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન સિનેમા'માં લખે છે, "થોડા જ સમયમાં આ ફિલ્મોમાં નવા ફેરફારો કરવામાં આવ્યા. ઉદાહરણ તરીકે, ગ્રીસ અને તુર્કી વચ્ચે યુદ્ધ, લંડન ફાયર બ્રિગેડ, નેલ્સનના મૃત્યુ તથા ગ્લેડસ્ટોનની અંતિમવિધિ પર આધારિત કેટલીક ડૉક્યુમેન્ટ્રીઝ અને ઐતિહાસિક ફિલ્મો પણ દર્શાવવામાં આવી. ઉપખંડમાં બનાવવામાં આવેલી કેટલીક ફિલ્મો પણ દર્શાવાઈ."

ઇમેજ સ્રોત, catalogue-lumiere.com
"1898માં, ક્રિસમસના ખાસ અવસર પર એક વિશેષ શોમાં મુંબઈમાં 'ધ અરાઇવલ ઑફ ધ ટ્રેન' અને 'ધ પૂણે રેસ' (1898) દર્શાવવામાં આવી હતી. તે ફિલ્મો વિદેશી ફિલ્મસર્જકો દ્વારા બનાવવામાં આવી હતી. વિદેશી ફિલ્મોની આયાત ચાલુ રહી અને પહેલી જાન્યુઆરી, 1900ના રોજ 25 નવી ફિલ્મો દર્શાવાઈ, જે બ્રિટન, અમેરિકા, ઇટાલી, ડૅનમાર્ક તથા જર્મનીમાંથી આયાત કરાઈ હતી.
મિહિર બોઝ લખે છે, "ઉપખંડમાં દર્શાવવામાં આવેલી આ ફિલ્મોના દર્શકો મોટાભાગે બ્રિટિશ અથવા તો અંગ્રેજ સમાજની જીવનશૈલીને પસંદ કરનારા ભારતીયો હતા. આ ફિલ્મોએ કેટલાક સ્થાનિક લોકો પર ઘેરો પ્રભાવ પાડ્યો. આવા જ એક સ્થાનિક હતા મહારાષ્ટ્રના હરીશચંદ્ર સખારામ ભાટવડેકર, જેઓ સામાન્યપણે સાવે દાદા તરીકે ઓળખાતા હતા."
"તેઓ વ્યવસાયે ફોટોગ્રાફર હતા અને તેમણે 1880ની આસપાસ બૉમ્બેમાં તેમનો પોતાનો ફોટોગ્રાફી સ્ટુડિયો ખોલ્યો હતો. 1896માં જ્યારે તેમણે લુમિયર બ્રધર્સની ફિલ્મો જોઈ, ત્યારે તેના જાદૂથી અંજાઈ ગયા. તેમણે તાત્કાલિક લંડનથી મોશન પિક્ચર કૅમેરા મગાવ્યો, જે ઉપખંડમાં આયાત કરવામાં આવેલો આ પ્રકારનો પ્રથમ કૅમેરા હતો. તે કૅમેરા 1897માં ભારતમાં આવ્યો. તેની મદદથી સાવે દાદાએ મુંબઈના હૅંગિંગ ગાર્ડન્સ ખાતે પંડાલક દાદા અને ક્રિષ્ના નેહદી નામના બે કુસ્તીબાજો વચ્ચેની કુસ્તીની મૅચનું ફિલ્માંકન કર્યું અને પ્રોસેસિંગ માટે તેને લંડન મોકલ્યું."

ઇમેજ સ્રોત, Getty Images
"આ સમય દરમિયાન તેમણે એક પ્રોજેક્ટર પણ ખરીદી લીધું. કુસ્તીની ફિલ્મ જ્યારે લંડનથી પરત આવી, ત્યારે તેમણે તેનું સ્ક્રીનિંગ રાખ્યું. તે પછી તેમણે સર્કસના વાંદરાની તાલીમનો વિષય લઈને એક ફિલ્મ બનાવી. તે પછી તેમને એક મહત્ત્વની ઘટનાનું ફિલ્માંકન કરવાની તક મળી - ભારતીય વિદ્યાર્થી આરપી પરાંજપેએ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતમાં અગ્રણી સ્થાન હાંસલ કર્યું હતું. ડિસેમ્બર, 1901માં જ્યારે આરપી પરાંજપે ભારત પરત ફર્યા, ત્યારે તેમને ઉષ્માપૂર્ણ આવકાર આપવામાં આવ્યો. સાવે દાદાએ તે ઘટનાને કચકડે કંડારીને તેનું સ્ક્રીનિંગ કર્યું, ત્યારે રાષ્ટ્રવાદી ભારતીયોએ તેની ભારે પ્રશંસા કરી. ઉપખંડના ફિલ્મ ઈતિહાસની તે પ્રથમ ન્યૂઝરીલ હતી."
2013માં નંદ કિશોર વિક્રમનું પુસ્તક "ઇન્ટરનૅશનલ ઉર્દૂ લિટરેચર, સિનેમા સેન્ટેનરી ઇશ્યૂ" પ્રકાશિત થયું. પુસ્તકના દાવા પ્રમાણે, ભારતમાં બનેલી પ્રથમ ફિલ્મ વિદેશી પ્રોફેસર સ્ટિવનસને બનાવી હતી. 1898માં બનેલી તે ફિલ્મનું શીર્ષક હતું "અ પેનોરામા ઑફ ઇન્ડિયન સિન્સ એન્ડ પ્રોસેસિસ." તે ફિલ્મ 1899માં લંડનમાં પણ દર્શાવાઈ હતી. બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં તે ફિલ્મ હજુયે સચવાયેલી છે.
ભારતમાં શરૂ થયો ફિલ્મોનો કારોબાર

ઇમેજ સ્રોત, Getty Images
ટીએમ રામચંદ્રન દ્વારા સંપાદિત પુસ્તક 'સેવન્ટી યર્સ ઑફ ઇન્ડિયન સિનેમા'માં જણાવ્યા મુજબ, "સમાન ગાળા દરમિયાન, 1900ના વર્ષમાં અન્ય એક ફિલ્મ નિર્માતા ચાર્લ્સ પાથેએ પણ ભારતમાં ફિલ્મનો કારોબાર શરૂ કર્યો. તેમની ફિલ્મોનું ખાસ પાસું એ હતું કે, તેમાં ભારતીય દૃશ્યો પણ દર્શાવવામાં આવતાં હતાં."
ઍરિક બાર્નો તથા એસ. ક્રિષ્ના સ્વામીના મતાનુસાર, હરીશચંદ્ર સખારામ તથા પાથેની સફળતાને પગલે અન્ય ભારતીયો પણ ફિલ્મનિર્માણ તરફ વળ્યા, જેમાં એફ.બી. થાનાવાલા, હીરાલાલ સેન અને જે. એફ. મદન જેવાં નામો મહત્ત્વનાં છે. એફ.બી. થાનાવાલાએ મુંબઈનાં દૃશ્યો તેમજ અંતિમવિધિનાં દૃશ્યો ફિલ્માવીને રજૂ કર્યાં.
કલકત્તાના રહેવાસી હીરાલાલ સેને રૉયલ બાયૉસ્કોપ હેઠળ બંગાળનાં સાત લોકપ્રિય નાટકોનાં જુદાં-જુદાં દૃશ્યો કૅમેરામાં ઉતાર્યાં. જે.એફ. મદન અને તેમની ઍલફિન્સ્ટન બાયૉસ્કોપ કંપની (કલકત્તા)એ 1905માં નિયમિત ધોરણે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.
તે ફિલ્મો સામાન્યપણે થિયેટરોમાં દર્શાવાતી હતી અને કેટલીક વખત તે ફિલ્મો નાટકો અને જાદૂના શો પછી સ્પેશ્યલ આઇટમ તરીકે રજૂ કરાતી. કલકત્તામાં હીરાલાલ સેને ઘણાં પ્રસિદ્ધ નાટકોનાં દૃશ્યો ઉતાર્યાં, જે તે નાટકો પછી બતાવવામાં આવતાં હતાં. 1898માં મુંબઈના પ્રસિદ્ધ જાદૂગર કાર્લ હર્ટ્સ તેમના જાદૂના શો પછી ફિલ્મો દર્શાવતા હતા.
વિશાળ શહેરોને થિયેટરોમાં આ ફિલ્મો દર્શાવવાનું પરવડતું હતું, પણ નાનાં શહેરો, નગરો અને ગામોમાં બગીચા અને ખેતરોમાં ઊભા કરાયેલા તંબુમાં ફિલ્મો બતાવાતી. આ મોબાઇલ સિનેમા ઝડપથી સમગ્ર ભારતમાં લોકપ્રિય થઈ ગયાં. જોકે, ઉપખંડમાં સિનેમાને લોકપ્રિય બનાવવામાં જે.એફ. મદને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેમનું આખું નામ હતું, જમશેદજી ફ્રામજી મદન.
તેઓ મુંબઈના પારસી સમુદાયમાંથી આવતા હતા. થિયેટર પ્રત્યેનો લગાવ તેમને કલકત્તા લઈ ગયો, જ્યાં તેમણે કૉરોનૅશન હૉલ ખાતે સાવ મામૂલી પાત્રો ભજવવા સાથે કારકિર્દી આરંભી અને ધીમે-ધીમે તેઓ પ્રસિદ્ધ અભિનેતા બન્યા. તેમણે એક થિયેટર કંપની ખરીદી. થિયેટર ઉપરાંત જે.એફ. મદન ખાણી-પીણી, શરાબ, ફાર્માસ્યૂટિકલ્સ, ઇન્શ્યૉરન્સ અને મિલકતોના વ્યવહારો જેવા અન્ય વ્યવસાયો સાથે પણ સંકળાયેલા હતા.
સમગ્ર જીવનકાળ દરમિયાન તેમણે થિયેટરની સાથે અન્ય વ્યવસાયો પણ સફળતાપૂર્વક ચલાવ્યા. 1902માં જે.એફ. મદને ફિલ્મનિર્માણનાં ઉપકરણો ખરીદ્યાં અને કલકત્તાની વચ્ચે એક મેદાનમાં પોતાનો બાયૉસ્કોપ બતાવવાની વ્યવસ્થા ઊભી કરી. તે ફિલ્મનિર્માણ, વિતરણ અને સ્ક્રીનિંગના એક મહાન સામ્રાજ્યની શરૂઆત હતી, જે ત્રણ દસકા સુધી માત્ર ભારતમાં જ નહીં, બલ્કે બર્મા અને સિલોનમાં પણ છવાયેલું રહ્યું. તે ત્રણ દાયકા દરમિયાન તેઓ 37 સિનેમાઘરોના માલિક બની ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
આ ગાળા દરમિયાન, અબ્દુલ અલી યુસુફ અલીએ તંબુઓમાં ફિલ્મો દર્શાવીને તેમની કારકિર્દી શરૂ કરી. 1901થી 1907ના ગાળા દરમિયાન તેઓ સમગ્ર દક્ષિણ એશિયા (સિંગાપોર, સુમાત્રા, જાવા, બર્મા અને સિલોન)માં તેમના બાયૉસ્કોપનું પ્રદર્શન કરતા રહ્યા. 1908થી 1914 સુધી તેમણે સમગ્ર ભારતમાં તેમના બાયૉસ્કોપનું પ્રદર્શન કર્યું.
આ ફિલ્મો જ્યાં બતાવવામાં આવતી હતી, તે તંબુ 100 ફૂટ લાંબો અને 50 ફૂટ પહોળો હતો અને તેમાં અંદાજે 1,000 લોકો સમાઈ શકતા હતા. અબ્દુલ અલી યુસુફ અલી લંડનમાંથી આ ફિલ્મો મગાવતા હતા અને એક શોમાં 40થી 50 ફિલ્મો બતાવતા હતા. તેમાં કૉમિક્સ, ઑપેરા, પ્રવાસની ફિલ્મો, રમત-ગમતની સ્પર્ધાઓ સામેલ હતી. આ ગાળા દરમિયાન, તેમણે રાણી વિક્ટોરિયાની અંતિમ વિધિ અને યુદ્ધનાં દૃશ્યો દર્શાવતી ફિલ્મો પણ રજૂ કરી. તે ફિલ્મો પણ ભારે લોકપ્રિય થઈ.
1914માં અબ્દુલ અલી યુસુફ અલી અને તેમના ભાગીદારે મુંબઈમાં ઍલેક્ઝાન્ડર સિનેમા ખરીદ્યું અને 1918માં મૅજેસ્ટિક સિનેમાનું નિર્માણ કરાવ્યું, જ્યાં 1931માં ઉપખંડની પ્રથમ ફુલ-લેન્થ ફિલ્મ 'આલમ આરા' દર્શાવવામાં આવી હતી.
જોકે, ફિરોઝ રંગૂનવાલાના મતે, ઉપખંડની કોઈ વાર્તા ઉપર આધારિત પ્રથમ ફિલ્મ "પંડાલક" હતી. તે ફિલ્મનું નિર્માણ આરજી તોર્ને તથા એનજી ચત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. તે ફિલ્મ મહારાષ્ટ્રની એક પ્રસિદ્ધ પ્રતિભાના જીવન ઉપર આધારિત હતી.
18મી મે, 1912ના રોજ મુંબઈના કૉરોનૅશન સિનેમા ખાતે ફિલ્મ રજૂ થઈ હતી અને ફિલ્મ જોવા માટે હિંદુઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલાક ફિલ્મ ઇતિહાસકારો "પંડાલક"ને ઉપખંડની પ્રથમ મૂક ફિલ્મ માને છે. જોકે, મોટાભાગના ઈતિહાસકારો તે સિદ્ધિ "રાજા હરિશ્ચંદ્ર"ને આપે છે, જે "પંડાલક"ની રિલીઝના આશરે એક વર્ષ પછી ત્રીજી મે, 1913ના રોજ રિલીઝ થઈ હતી અને તેનું નિર્માણ પ્રસિદ્ધ ફિલ્મસર્જક દાદાસાહેબ ફાળકેએ કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























