સંજય કપૂરની 30 હજાર કરોડની સંપત્તિના વારસાની લડાઈમાં કરિશ્મા કપૂરનાં બાળકોને દિલ્હી હાઇકોર્ટે આપી રાહત, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી હાઇકોર્ટે બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરનાં બંને બાળકોને વચગાળાની રાહત આપી છે. કોર્ટે સંજય કપૂરની સંપત્તિને વેચવા પર વચગાળાની રોક લગાવવાની અરજી મંજૂર કરી છે.
કરિશ્મા કપૂર અને સંજય કપૂરનાં લગ્ન વર્ષ 2003માં થયાં હતાં. પરંતુ લગ્નનાં 13 વર્ષ પછી 2016માં તેમના છૂટાછેડા થયા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. સંજય કપૂરનું વર્ષ 2025માં અવસાન થયું હતું.
લાઇવ લૉ અનુસાર, કોર્ટે દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરનાં પત્ની પ્રિયા સચદેવ કપૂરને તેમની સંપત્તિ વેચવા અથવા ખર્ચવા પર રોકી લગાવી છે. પ્રિયા સચદેવ કપૂર સંજય કપૂરનાં ત્રીજાં પત્ની છે.
કોર્ટે આદેશ આપ્યો છે કે સંજય કપૂરનાં બાળકો દ્વારા દાખલ થયેલા કેસની કાર્યવાહી ચાલતી હોય ત્યારે સુધી તેમની સંપત્તિને સુરક્ષિત રાખવામાં આવે.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે પ્રિયા સચદેવ કપૂર કોઈપણ સંપત્તિ વેચી કે ટ્રાન્સફર કરી શકશે નહીં.
કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બાર એન્ડ બેન્ચ અનુસાર જસ્ટિસ જ્યોતિસિંહે કહ્યું કે સંપત્તિનો નાશ થવો જોઈએ નહીં અને તેને સુરક્ષિત રાખવી જરૂરી છે. કોર્ટે એમ પણ કહ્યું કે પ્રિયા કપૂરે કરિશ્મા કપૂરનાં બાળકો દ્વારા ઉઠાવેલા સવાલોના જવાબ આપવા જોઈએ.
કોર્ટે વધુમાં જણાવ્યું કે કેસની સુનાવણીમાં સમય લાગી શકે છે, અને આ દરમિયાન અરજદારોએ ઉઠાવેલી તમામ ચિંતાઓનો ઉકેલ પ્રતિવાદી નંબર એક (પ્રિયા કપૂર) દ્વારા કરવો જોઈએ.
દિવંગત સંજય કપૂરનાં બહેન મંધિરા કપૂરે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "હવે પછીનું પગલું વસિયતની ફોરેન્સિક તપાસ કરાવવાનું છે. ન્યાય થયો છે. આ સમગ્ર લડાઈમાં લેવાયેલું પહેલું પગલું હોવાથી અમે ખૂબ ખુશ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "ટેક્નિકલી આ મારી માતાની સંપત્તિ છે. અમને વધારે ચિંતા છે કે સંપત્તિ ક્યાંક બરબાદ ન થઈ જાય. તે પરિવારમાં પાછી આવવી જોઈએ. બાળકોની સંભાળ લેવાવી જોઈએ. આ અમારા પરિવાર, મારી માતા અને બાળકો માટે ખૂબ સારો આદેશ છે."

ઇમેજ સ્રોત, Getty Images
બાર એન્ડ બેન્ચ અનુસાર કોર્ટે બાળકોની સાવકી માતા પ્રિયા સચદેવ કપૂરને સંજય કપૂરની સંપત્તિ પર કોઈ પણ ત્રીજા પક્ષને અધિકાર આપવા પરથી પણ રોકી દીધા છે.
જસ્ટિસ જ્યોતિસિંહે કહ્યું કે કરિશ્મા કપૂર અને રાણી કપૂરે (સંજય કપૂરનાં માતા) વસિયતની માન્યતા અને ખરાઈ પર શંકા વ્યક્ત કરી છે. તેથી હવે આ શંકાઓ દૂર કરવાની જવાબદારી પ્રિયા સચદેવ કપૂરની છે.
કોર્ટે પ્રિયા કપૂરને સંજય કપૂરની ભારતીય કંપનીઓનાં શૅર-ઇક્વિટી વેચવા, ટ્રાન્સફર કરવા, ગીરવે મૂકવા અથવા બદલવા પર પણ રોક લગાવી છે.
જસ્ટિસ જ્યોતિસિંહે કહ્યું, "મેં તેમને પ્રોવિડન્ટ ફંડની રકમ કાઢવા પર પણ રોક લગાવી છે. તેમજ વ્યક્તિગત વસ્તુઓ, કલાત્મક સામાન વેચવાથી પણ રોક્યા છે."
જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ આદેશ વિદેશમાં આવેલી સંપત્તિ પર લાગુ નહીં પડે.
મામલો શું છે?

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાર એન્ડ બેન્ચ અનુસાર કરિશ્મા કપૂરનાં બાળકોએ પ્રિયા સચદેવ કપૂર પર આરોપ લગાવ્યો છે કે તેમણે વસિયતમાં હેરાફેરી કરી છે અને સંપત્તિ પર સંપૂર્ણ કબજો કરવાની કોશિશ કરી છે.
બાળકોએ તેમનાં માતા મારફતે અરજી કરી અને દલીલ આપી કે જૂન 2025માં બ્રિટનમાં સંજય કપૂરના અચાનક મૃત્યુ પછી પ્રિયા કપૂરે તેમને સંપત્તિમાંથી ગેરકાયદે દૂર કરવાનું કામ કર્યું.
આ કેસમાં પ્રિયા કપૂર, તેમનો નાબાલિગ પુત્ર, રાણી કપૂર અને વસીયતના ઍક્ઝિક્યૂટર શ્રદ્ધા સુરી મારવાહને પ્રતિવાદી બનાવવામાં આવ્યાં છે.
આ વિવાદ 21 માર્ચ 2025ની વસિયત પરથી શરૂ થયો છે, જેમાં સંજય કપૂરની સમગ્ર સંપત્તિ પ્રિયા કપૂરના નામે કરાઈ હોવાનું કહેવામાં આવે છે.
બાળકોએ દાવો કર્યો કે તેમની સાવકી માતાએ દિનેશ અગ્રવાલ અને નિતિન શર્મા સાથે મળીને વસિયતને સાત અઠવાડિયાં સુધી છુપાવી રાખી અને ત્યારબાદ 30મી જુલાઈ, 2025એ જાહેર કરી.
કોર્ટમાં દલીલ કરવામાં આવી કે વસીયત નકલી છે. અરજી મુજબ, પ્રિયા કપૂર સંપત્તિ પર સંપૂર્ણ કબજો કરવાની કોશિશ કરી રહ્યાં છે.
પ્રિયા સચદેવ કપૂરે આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે વસિયત સાચી છે.
તેમણે કહ્યું કે વસિયતમાં કેટલીક ભૂલો હોવા છતાં તે અમાન્ય નથી. તેમજ તેમના વકીલે દલીલ કરી કે બાળકોને ટ્રસ્ટમાંથી તેમનો હિસ્સો પહેલેથી મળી ગયો છે.
વરિષ્ઠ વકીલ રાજીવ નાયરે કહ્યું કે કરિશ્મા કપૂરે સંબંધોને લઈને ખોટી છબિ ઊભી કરવાની કોશિશ કરી છે.
વકીલોનું નિવેદન

ઇમેજ સ્રોત, Sunjay Kapur/X
રાણી કપૂરના વકીલ વૈભવ ગગ્ગરે કહ્યું કે આ એક મજબૂત આદેશ લાગે છે અને તેમાં તમામ પક્ષોની દલીલોનો વિચાર કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે વસિયત સંબંધી શંકાઓમાં વજન છે અને હવે તેને ખોટી સાબિત કરવાની જવાબદારી પ્રિયા કપૂરની છે.
કરિશ્મા કપૂરના વકીલ રવિ શર્માએ કહ્યું કે આ આદેશ બાદ પ્રિયા કપૂર હવે કોઈપણ સંપત્તિ, શૅર, બૅન્ક એકાઉન્ટ અથવા ક્રિપ્ટો-વૉલેટમાં લેવડદેવડ નહીં કરી શકે.
સંજય કપૂર કોણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
53 વર્ષીય સંજય કપૂરનું 12 જૂન, 2025એ બ્રિટનમાં પોલો રમતી વખતે હાર્ટ-ઍટેકથી અવસાન થયું હતું.
તેઓ સોના કૉમસ્ટાર કંપનીના વારસદાર હતા, જેનો વ્યવસાય આશરે 3.6 અબજ ડૉલરનો છે.
કંપનીના ભારત, ચીન, મૅક્સિકો અને અમેરિકામાં પ્લાન્ટ્સ છે.
તેમણે ત્રણ લગ્ન કર્યાં હતાં. પહેલું લગ્ન નંદિતા મહતાની સાથે, બીજું કરિશ્મા કપૂર સાથે અને ત્રીજું પ્રિયા સચદેવ સાથે.
તેમના અવસાન પછી વારસદારી મુદ્દે પરિવાર વચ્ચે વિવાદ શરૂ થયો હતો.
રાણી કપૂરે અગાઉ કંપનીના બોર્ડને પત્ર લખીને કેટલાક નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે દાવો કર્યો કે તેમના દિવંગત પતિની 2015ની વસીયતમાં તેઓ એકમાત્ર હકદાર હતા અને જ્યારે પુત્રનું અવસાન થયું ત્યારે દુઃખની સ્થિતિમાં તેમને દસ્તાવેજો પર સહી કરવા મજબૂર કરવામાં આવ્યાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























