90 ટકા લોકો એ વસ્તુ ખાતા નથી જે તેમનું જીવન બચાવી શકે છે

    • લેેખક, જેમ્સ ગેલેઘર
    • પદ, હેલ્થ ઍન્ડ સાયન્સ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

જો તમને એક એવો ખાદ્યપદાર્થ આપવામાં આવે કે જેનાથી તમે લાંબુ જીવન વિતાવી શકો, તો શું તમને તે ખોરાકમાં રસ પડશે?

આ વસ્તુ એવી છે કે જે હૃદય રોગના હુમલાનું જોખમ ઓછું કરે છે અને સાથે જ ટાઇપ-2 ડાયાબિટીસથી પણ તમને દૂર રાખે છે.

ખાદ્ય પદાર્થો
ઇમેજ કૅપ્શન, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફાઇબરના કેટલા પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.

આ વસ્તુ તમારું વજન, બીપી (બ્લડપ્રેશર) અને કૉલેસ્ટ્રોલ જાળવી રાખવામાં મદદ કરે છે.

એ વાત ઉલ્લેખનીય છે કે આ વસ્તુ ખૂબ સસ્તી છે અને દુનિયાભરની બજારોમાં સહેલાઈથી મળી શકે છે.

line

પણ આ વસ્તુ છે શું?

ખાદ્ય પદાર્થો
ઇમેજ કૅપ્શન, ફાઇબર કબજિયાત દૂર કરવા માટે મદદરૂપ છે, પણ તેના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા ખૂબ વધારે છે.

આ વસ્તુ છે ફાઇબર. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફાઇબરના કેટલા પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.

સંશોધનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આપણે કેટલું ફાઇબર ખાવાની જરુર છે.

આ સંશોધનના એક સંશોધક પ્રોફેસર જૉન કમિંગ્સે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું :

"આ પુરાવા ખૂબ વધારે છે અને લોકોએ આ અંગે કંઈક કરવાની જરુર છે."

ફાઇબર કબજિયાત દૂર કરવા માટે મદદરૂપ છે, પણ તેના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા ખૂબ વધારે છે.

line

કેટલું ફાઇબર જરૂરી હોય છે?

કબાટમાં પડેલી ખાદ્ય વસ્તુઓ

ન્યૂઝીલૅન્ડની યુનિવર્સિટી ઑફ એટેગો અને યુનિવર્સિટી ઑફ ડુંડીના સંશોધકો કહે છે કે એક વ્યક્તિએ દિવસ દરમિયાન 25 ગ્રામ ફાઇબર લેવું જોઈએ.

જોકે, આ સંખ્યા પર્યાપ્ત છે, પરંતુ જો સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો એક વ્યક્તિ દરરોજ 30 ગ્રામ ફાઇબર લઈ શકે છે.

એક કેળું 120 ગ્રામનું હોય છે. પણ તે બધું જ ફાઇબર હોતું નથી.

શુગર અને પાણીને જો તેમાંથી કાઢી નાખવામાં આવે તો તેમાં માત્ર ત્રણ ગ્રામ ફાઇબર બચે છે.

દુનિયાભરના લોકો દિવસ દરમિયાન માત્ર 20 ગ્રામ ફાઇબર લે છે.

તો યુકેમાં 10માંથી માત્ર એક વ્યક્તિ દરરોજ 30 ગ્રામ ફાઇબર લે છે. સરેરાશ એક મહિલા 17 ગ્રામ અને પુરુષ 21 ગ્રામ ફાઇબર દરરોજ લે છે.

line

કયા ખોરાકમાં વધારે ફાઇબર હોય છે?

ખાદ્ય પદાર્થ
ઇમેજ કૅપ્શન, આ વસ્તુ એવી છે કે જે હૃદય રોગના હુમલાનું જોખમ ઓછું કરે છે અને સાથે જ ટાઇપ-2 ડાયાબિટીસથી પણ તમને દૂર રાખે છે.

ફાઇબર ફળ તેમજ શાકભાજીમાં મળી રહે છે. કેટલાક નાસ્તા, બ્રેડ અને પાસ્તા કે જે માત્ર અનાજમાંથી બન્યા હોય, કઠોણ જેમ કે દાળ અને ચણામાં ખૂબ ફાઇબર હોય છે.

આ સિવાય અખરોટમાં પણ ફાઇબર મળી રહે છે.

30 ગ્રામ ફાઇબર માટે શું ખાવું?

ઑકલેન્ડ યુનિવર્સિટી ઑફ ટેકનૉલૉજીનાં પ્રોફેસર એલેઇન રશે 25-30 ગ્રામ ફાઇબર મેળવવા માટે ઉદાહરણ આપ્યું છે.

  • અડધા કપ ઑટ્સ- 9 ગ્રામ ફાઇબર
  • કોર્ન ફ્લેક્સ જેવા સિરિઅલ- 3 ગ્રામ ફાઇબર
  • બ્રાઉન બ્રેડની એક સ્લાઇસ - 2 ગ્રામ ફાઇબર
  • પાકેલી દાળ- 4 ગ્રામ ફાઇબર
  • છાલ સાથે પાકેલું બટાટું- 2 ગ્રામ ફાઇબર
  • એક ગાજર- 3 ગ્રામ ફાઇબર
  • છાલ સાથે સફરજન - 4 ગ્રામ ફાઇબર

જોકે, તેઓ કહે છે કે રોજીંદા ખોરાકમાંથી વધારે ફાઇબર મેળવવું સહેલું નથી.

પ્રોફેસર કમિંગ પણ આ વાત પર સહમતી વ્યક્ત કરે છે.

line

ફાઇબરથી શું ફાયદો મળી શકે?

ખાદ્ય પદાર્થો
ઇમેજ કૅપ્શન, ફાઇબર અને અનાજ, ફળ તેમજ શાકભાજી સ્વાસ્થ્યવર્ધક છે તે વાત કોઈ નવી નથી.

185 સંશોધન અને 58 ટ્રાયલ કર્યા બાદ પરિણામ જાહેર કરાયા હતા.

પરિણામ જણાવે છે કે 1000 લોકોને ઓછા ફાઇબર ધરાવતી ડાયટ (15 ગ્રામ કરતા ઓછું) કરતા વધારે ફાઇબર (25-29 ગ્રામ) ડાયટ લેવાનું શરૂ કરાવવામાં આવે, તો તે 13 મૃત્યુ અને 6 હૃદયરોગના કેસ અટકાવી શકે છે.

સંશોધનમાં જાણવા મળ્યું કે તેનાથી ટાઇપ-2 ડાયાબિટીસ, કૅન્સરની સાથે સાથે વજનની સમસ્યા, બ્લડ પ્રેશર અને વધતા કૉલેસ્ટ્રોલથી પણ દૂર રાખે છે.

ફાઇબર અને અનાજ, ફળ તેમજ શાકભાજી સ્વાસ્થ્યવર્ધક છે તે વાત કોઈ નવી નથી.

ચિંતા એ વાતની છે કે લોકો ફાઇબર ગ્રહણ કરતા નથી.

યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજનાં પ્રોફેસર નીતા કહે છે, "આપણે આ સંશોધનને ગંભીરતાથી લેવાની જરૂર છે."

"આ સંશોધન એ વાતને સુનિશ્ચિત કરે છે કે ફાઇબર અને અનાજ લાંબા જીવન માટે ખૂબ જરૂરી છે."

આ સંશોધન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને મદદ કરવા માટે કરવામાં આવ્યું છે.

જેથી તે ઔપચારિક રૂપે ગાઇડલાઇન જાહેર કરીને લોકોને જણાવી શકે કે તેમણે દિવસ દરમિયાન કેટલું ફાઇબર લેવું જોઈએ જેથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો