સતલુજ :પંજાબનાં ગામડાંમાં આ ફિલ્મ કેમ બતાવાઈ રહી છે, ફિલ્મમાં એવું શું છે કે વિવાદ થયો?

પંજાબ, સતલજ, સેન્સર, માનવ અધિકાર, દિલજીત, બીબીસી, ગુજરાતી
    • લેેખક, હરમનદીપ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"1989માં મારા પતિ ગાયબ થઈ ગયા હતા. આજ સુધી તેમના વિશે કંઈ જ ખબર પડી નથી. હું મારા જીવનના એ જૂના સમયને ફરી જોવા આવી હતી, કદાચ આ ફિલ્મમાંથી મારા વિશે પણ કંઈક જાણવા મળે."

આ શબ્દો બલવિંદરકોરે અત્યંત ભાવુક થઈને કહ્યા. તેઓ મોગાના એક ગુરુદ્વારામાં જસવંત સિંહ ખાલડાના જીવન પર આધારિત ફિલ્મ 'સતલુજ' જોવા આવ્યાં હતાં.

દિલજીત દોસાંઝ અભિનીત ફિલ્મ 'સતલુજ' 3 જુલાઈ, 2026ના રોજ ઓટીટી પ્લૅટફૉર્મ ઝી-5 પર રિલીઝ થઈ હતી. જોકે, 48 કલાક પછી ભારતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ પંજાબનાં વિવિધ ગામો અને શહેરોમાં લોકોએ પોતાના સ્તરે આ ફિલ્મ ડાઉનલોડ કરીને મોટી એલઈડી સ્ક્રીનો પર જોઈ રહ્યા છે.

પંજાબનાં અનેક ગામોમાં લોકો પોતાના ખર્ચે મોટી એલઈડી સ્ક્રીનો ભાડે લાવીને ગુરુદ્વારાઓ તથા ખુલ્લી જગ્યાઓ પર એકત્રિત થઈને આ ફિલ્મ જોઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ગુરદાસપુર, સંગરૂર, જાલંધર, રોપડ, ભટિંડા, ફિરોઝપુર, મોગા, પટિયાલા સહિતના વિવિધ જિલ્લાઓનાં ગામોમાં 'સતલુજ' ફિલ્મ બતાવવામાં આવી રહી છે, તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ પ્રકારના જાહેર સ્ક્રીનિંગની તસવીરો રાજસ્થાનના શ્રી ગંગાનગર વિસ્તારથી પણ વાયરલ થઈ હતી. દિલજીત દોસાંઝે પણ તે તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી.

'હું ફિલ્મમાં મારા પતિને શોધવા આવી હતી'

પંજાબ, સતલજ, સેન્સર, માનવ અધિકાર, દિલજીત, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બલવિંદરકોરના પ્રથમ પ્રથમ પતિ 1989માં ગુમ થઈ ગયા હતા, ત્યારબાદ તેઓ ક્યારેય ઘરે પાછો ફર્યા નથી. બાદમાં મોગામાં તેમનાં બીજાં લગ્ન થયાં હતાં.

મંગળવારે મોગાના ગુરુદ્વારા બીબી કહાનકોરજી ખાતે ફિલ્મનું જાહેર સ્ક્રીનિંગ જોવા ગયેલા બીબીસીના પત્રકાર હરમનદીપ સિંહ સાથે વાત કરતી વખતે બલવિંદરકોર અત્યંત ભાવુક થઈ ગયાં હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફિલ્મ જોયા પછી રડતા રડતા બલવિંદરકોરે કહ્યું, "કદાચ આમાંથી મને મારા વિશે કંઈક જાણવા મળે. મેં આ સમયગાળો જોયો છે, ભોગવ્યો છે."

"મને તો એવું લાગ્યું જાણે આ ફિલ્મ મારા પર જ બની છે. ભગવાન કરે એવો સમય ફરી ક્યારેય ન આવે."

બલવિંદરકોરના પ્રથમ પતિ 1989માં ગુમ થઈ ગયા હતા અને ત્યારબાદ તેઓ ક્યારેય ઘરે પાછા ફર્યા નહોતા.

બલવિંદરકોર કહે છે કે ત્યારબાદ તેમનાં બીજાં લગ્ન મોગામાં થયાં હતાં.

તેઓ કહે છે, "1989માં હું મારા પિયર તરણ તારણમાં હતી. મારા પતિ દરજીનું કામ કરતા હતા."

"મારાં લગ્ન ચોહલા સાહિબમાં થયાં હતાં. તેમનું નામ રવિંદરપાલ સિંહ હતું."

"એક સવારે પોલીસ તેમને ઘેરથી ઉઠાવી ગઈ હતી. ત્યાર બાદ મને તેમનો મૃતદેહ પણ ક્યારેય મળ્યો નહીં."

બલવિંદરકોર જણાવે છે, "ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે તે સમયે કોઈ કોઈની વાત સાંભળતું નહોતું. અમારી સાથે પણ એવું જ બન્યું હતું."

"અમે ઘણી કોશિશ કરી, પણ તેઓ આજ સુધી અમને મળ્યા નથી."

મોગામાં, ડૉ. સરબજીતકોર પોતાનું ક્લિનિક બંધ કરીને ખાસ આ ફિલ્મ જોવા આવ્યાં હતાં.

તેઓ જણાવે છે, "આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ તો અમારી સાથે બનેલી હકીકત છે. જેમ તે સમયે જસવંત સિંહ ખાલડાનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો હતો, તેવી જ રીતે આજે તેમની ફિલ્મને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

"અમને આજે પણ એવું જ લાગે છે કે જાણે જસવંત સિંહ ખાલડા અમારી વચ્ચે જ હાજર છે."

"અમે નાનાં હતાં ત્યારે આ રીતે બધા ભેગા થઈને ટીવી પર ફિલ્મો જોતા હતા. આજે પહેલી વાર મેં ગુરુદ્વારામાં આટલા બધા લોકો સાથે મળીને કોઈ ફિલ્મ જોઈ છે."

"અમારા વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ ફિલ્મ જોવા માટે એકત્ર થયા છે."

"ફિલ્મ જોયા પછી અનેક પરિવારોની પ્રતીક્ષાનો અંત આવ્યો"

પંજાબ, સતલજ, સેન્સર, માનવ અધિકાર, દિલજીત, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુરદાસપુરના માંચોપડા ગામમાં જાહેરમાં ફિલ્મ જોવા આવેલા લોકોએ ફિલ્મ 'સતલુજ' પરના પ્રતિબંધ પર સવાલો ઉઠાવ્યા હતા અને પોતાની રીતે ફિલ્મ જોવાની હિમાયત કરી હતી.

બીબીસી સંવાદદાતા ગુરપ્રીત ચાવલાના જણાવ્યા અનુસાર, ગુરદાસપુરના માંચોપડા ગામમાં જાહેરમાં ફિલ્મ જોવા આવેલા લોકોએ ફિલ્મ 'સતલુજ' પરના પ્રતિબંધ પર સવાલો ઉઠાવ્યા હતા અને પોતાની રીતે ફિલ્મ જોવાની હિમાયત કરી હતી.

ફિલ્મ જોવા આવેલા એક યુવાને કહ્યું, "અમારો આ ફિલ્મ બતાવવાનો હેતુ એટલો જ છે કે લોકોને ખબર પડે કે પંજાબના નિર્દોષ યુવાનોને કેવી રીતે તેમના ઘરોમાંથી ઉઠાવીને મારી નાખવામાં આવ્યા હતા અને જસવંત સિંહ ખાલરા તેમના માટે કેવી રીતે લડ્યા હતા."

"પહેલી વાર કોઈએ આ વાતને ફિલ્મના માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી આવી ફિલ્મ લોકો સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે."

"પરંતુ સરકાર આ ફિલ્મને રિલીઝ થવા દેતી નથી, એટલે અમે અમારા સ્તરે લોકોને આ ફિલ્મ બતાવી રહ્યા છીએ."

પોતાના ગામસ્તરે ફિલ્મનું જાહેર સ્ક્રીનિંગ કરનારા યુવાનોમાંના એકે કહ્યું, "આ ફિલ્મ જોયા પછી એવા પરિવારોની લાંબી રાહનો અંત આવ્યો, જેમના પરિવારના સભ્યો તે સમયગાળા દરમિયાન ગુમ થઈ ગયા હતા."

"અમને પંજાબના ઇતિહાસ અને ખાલડા સાહેબ વિશે ઘણી એવી માહિતી જાણવા મળી, જે પહેલાં ખબર નહોતી."

"અમે કોઈ ખોટું કામ કરી રહ્યા નથી. જો ફિલ્મ બની છે, તો અમને તે જોવા દેવી જોઈએ. અમે સરકારને આ માટે અપીલ કરીએ છીએ."

મોગામાં પોતાના પતિ અને બાળકો સાથે ફિલ્મ જોવા આવેલાં વીરપાલકોરે જણાવ્યું, "જે દિવસે અમને ખબર પડી કે ફિલ્મ રિલીઝ થઈ છે, તે દિવસે જ અમે નક્કી કર્યું હતું કે આ ફિલ્મ તો જોઈશું જ."

"પછી તેને Zee5 પરથી દૂર કરવામાં આવી અને મંગળવારે સાંજે, અમને ખબર પડી કે ફિલ્મ ગુરુદ્વારા સાહિબમાં બતાવવામાં આવી રહી છે, અમે બાળકો સાથે આખો પરિવાર ફિલ્મ જોવા આવી ગયા."

હું કાનૂની કાર્યવાહી માટે પણ તૈયાર છું: આયોજક

પંજાબ, સતલજ, સેન્સર, માનવ અધિકાર, દિલજીત, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મોગાના ગુરુદ્વારા સાહિબ ખાતે ફિલ્મ સ્ક્રીનિંગના આયોજક રાજવંત સિંહ મલ્લ

જોકે, 'સતલુજ'ના દિગ્દર્શક હની ત્રેહને અને Zee5એ દર્શકોને ફિલ્મની ફરીથી રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવાની અપીલ કરી હતી.

નિર્દેશક હની ત્રેહને ગેરકાયદેસર રીતે ફિલ્મ ડાઉનલોડ કરીને તેનું જાહેર પ્રદર્શન કરતા લોકોને પણ આવું ન કરવાની અપીલ કરી હતી.

પરંતુ આ અપીલ છતાં મોટી સંખ્યામાં લોકો, વિવિધ સંગઠનો અને યુવાનો પોતાના સ્તરે પંજાબનાં અલગ-અલગ ગામોમાં આ ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન કરી રહ્યા છે.

મોગાના ગુરુદ્વારા સાહેબમાં ફિલ્મ સ્ક્રીનિંગના આયોજક રાજવંત સિંહ મલ્લ જણાવે છે, "આપણા દેશની સરકારે જસવંત સિંહ ખાલડા પર બનેલી ફિલ્મ રિલીઝ થવા દીધી નથી."

"અમારા મનમાં ખૂબ ઉત્સુકતા હતી કે અમારા માટે લડનાર અમારા નાયક પર બનેલી ફિલ્મ અમને જોવા કેમ નથી દેવામાં આવતી."

"તેથી અમે ગુરુદ્વારા સમિતિના સહયોગથી ગુરુદ્વારા સાહેબમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ કર્યું."

તેઓ આગળ કહે છે, "જો આ રીતે ફિલ્મનું સ્ક્રીનિંગ કરવા બદલ અમારી સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, તો અમે તેના માટે પણ તૈયાર છીએ."

"સૌથી મોટો અન્યાય એ છે કે માનવાધિકારો માટે અવાજ ઉઠાવનાર વ્યક્તિ પર બનેલી ફિલ્મ લોકોને જોવા જ નથી દેવામાં આવતી."

"લોકોએ અમારી ધારણા કરતાં પણ ઘણો વધારે સહકાર આપ્યો છે."

દિલજીતે પણ ગામોમાં થતા ફિલ્મના સ્ક્રીનિંગને સમર્થન આપ્યું છે

પંજાબ, સતલજ, સેન્સર, માનવ અધિકાર, દિલજીત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Diljit Dosanjh/Insta & KHALRA MISSION ORGANISATION/FB

ઇમેજ કૅપ્શન, આ ફિલ્મમાં દિલજીત દોસાંઝે જસવંત સિંહ ખાલડાનું પાત્ર ભજવ્યું છે.

ફિલ્મ અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝે પણ તેમના ઇન્સ્ટાગ્રામ લાઇવ પર વિવિધ સ્થળોએ થઈ રહેલાં ફિલ્મના સ્ક્રીનિંગને સમર્થન આપ્યું હતું.

ઇન્સ્ટાગ્રામ પર લાઇવમાં મોટી સંખ્યામાં જોડાયેલા પોતાના ફોલોઅર્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ હવે બંધ ન થવી જોઈએ. આ ફિલ્મ લોકો સુધી પહોંચવી જોઈએ.

આ ઉપરાંત દિલજીત દોસાંઝના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર લગભગ દરરોજ એવી સ્ટોરી શેર કરવામાં આવે છે, જેમાં પ્રતિબંધ લાગ્યા પછી પણ ભારતમાં વિવિધ સ્થળોએ લોકો પોતાના સ્તરે આ ફિલ્મ જોઈ રહ્યા છે.

જોકે, ફિલ્મના નિર્દેશક હની ત્રેહને પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરીને લોકોને આવું ન કરવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે ફિલ્મ ડાઉનલોડ કરીને ન જોવી જોઈએ. તેમણે લોકોને ધીરજ રાખવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ ફરીથી ઉપલબ્ધ થશે.

પરવાનગી વિના ફિલ્મના જાહેર સ્ક્રીનિંગ અંગે કાયદો શું કહે છે?

પંજાબ, સતલજ, સેન્સર, માનવ અધિકાર, દિલજીત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, ZEE5/INSTA

ઇમેજ કૅપ્શન, OTT પ્લૅટફૉર્મ Zee5 પર રિલીઝ થયા પછી આ ફિલ્મને હટાવી દેવામાં આવી હતી.

સિનેમા થિયેટરોમાં રિલીઝ થતી ફિલ્મોથી વિપરીત, Zee5 જેવા OTT પ્લેટફોર્મ પર સીધી રિલીઝ થતી ફિલ્મોને CBFC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન)ના પ્રમાણપત્રની જરૂર હોતી નથી.

પરંતુ આ OTT પ્લેટફૉર્મ ચોક્કસપણે ભારત સરકારના માહિતી ટેકનૉલૉજી અધિનિયમ, 2000 અને માહિતી ટેકનોલોજી નિયમો, 2021 હેઠળ આવે છે.

જોકે Zee5એ ફિલ્મ 'સતલજ'ને પોતાના પ્લૅટફૉર્મ પરથી દૂર કરવાનું સ્પષ્ટ કારણ આપ્યું નથી, જો સરકારે આવો આદેશ આપ્યો હોય, તો તેમને તેમ કરવાનો અધિકાર છે.

સરકાર આઇટી ઍક્ટની કલમ 69Aનો ઉપયોગ કરીને ઓનલાઈન સામગ્રીને બ્લૉક કરવા અથવા દૂર કરવાની સત્તા ધરાવે છે.

આવા આદેશ પછી સંબંધિત ફિલ્મનું ભારતમાં જાહેર પ્રદર્શન કરી શકાતું નથી. આ કાયદાનું ઉલ્લંઘન કરનારને સાત વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે.

રાજકીય પક્ષો ફિલ્મ સ્ક્રીનિંગનું આયોજન કરી રહ્યા છે

પંજાબ, સતલજ, સેન્સર, માનવ અધિકાર, દિલજીત, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, officeofssbadal

શિરોમણી અકાલી દળ (બાદલ)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલે બુધવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું, "શિરોમણી અકાલી દળ પંજાબના દરેક ગામ અને ખૂણામાં ફિલ્મ 'સતલુજ' બતાવવામાં આવશે, જેથી અમારાં બાળકો અને ભાવિ પેઢીઓ શીખ સમુદાય પર થયેલા અત્યાચારોથી સારી રીતે વાકેફ થાય."

દિલ્હી શીખ ગુરુદ્વારા મૅનેજમેન્ટ કમિટીએ પણ જાહેરાત કરી છે કે તેઓ દિલ્હીમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરશે અને લોકોને જસવંત સિંહ ખાલડાના જીવન વિશે જાગૃત કરશે.

ફિલ્મ 'સતલુજ'ના સ્ક્રીનિંગ માટે શિરોમણી અકાલી દળ (એસએડી), વારિસ, પંજાબ દ્વારા પણ ફિલ્મ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન