બારુઈપુરમાં સગીરા પર બળાત્કાર બાદ હત્યા, આરોપીનું ઍન્કાઉન્ટરમાં મોત, પોલીસ કાર્યવાહી સામે સવાલો

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, પ્રત્યુષ રૉય
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
કોલકાતાના દક્ષિણ ઉપનગરના બારુઈપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા પર બળાત્કાર અને હત્યાના કેસમાં એક આરોપીનું પોલીસ ઍન્કાઉન્ટરમાં મોત થયું છે.
મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ પ્રભાસ મંડલ તરીકે થઈ છે. યુવતીના પરિવારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ તેની ઓળખ કરી હતી.
સૂર્યપુરમાં એક સગીર છોકરી પર બળાત્કાર અને હત્યાનો કેસ નોંધાયો હતો. 5 જુલાઈના રોજ તેનો મૃતદેહ સ્થાનિક તળાવમાંથી મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે મોડી રાત્રે આરોપી પ્રભાસ મંડલને તપાસના ભાગરૂપે ક્રાઇમ સીનને રીક્રિયેટ કરવા માટે તળાવ પાસે લઈ જવામાં આવ્યો હતો.
પોલીસનો દાવો છે કે આ દરમિયાન તેણે એક પોલીસકર્મીની સર્વિસ રિવૉલ્વર છીનવી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યાર બાદ પોલીસે તેના પર ગોળી ચલાવી હતી. ઘાયલ આરોપીને બારુઈપુર સબ-ડિવિઝનલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ પર બેદરકારીના ગંભીર આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદથી પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે. પ્રાથમિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ સગીરનું મૃત્યુ ડૂબી જવાથી થયું હતું.
સ્થાનિક લોકોનો આરોપ છે કે જો પોલીસે શરૂઆતની ફરિયાદ પર ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી હોત તો છોકરીનો જીવ બચાવી શકાયો હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું, "અમે તે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી. રવિવારે સવારે સ્થાનિક લોકો પાસેથી માહિતી મળ્યા બાદ અમે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આરોપીને ઓળખી કાઢી તેની ધરપકડ કરી."
તેમણે વધુમાં દાવો કર્યો કે "આરોપીએ પોલીસ સ્ટેશનમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. અમે તેની સાથે ઘટનાસ્થળે ગયા અને મૃતદેહ કબજે કર્યો. છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. આ દરમિયાન સ્થાનિક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા શાંતનુ મંડલે આરોપીને ભાગવામાં મદદ કરી."
સ્થાનિક ભાજપ નેતા શાંતનુ મંડલે તેમના પર લાગેલા આ આરોપોને નકારી કાઢ્યા છે.
તેમણે મીડિયાને જણાવ્યું, "ઘટનાની માહિતી મળ્યા પછી અમે પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પાસે ગયા અને ફરિયાદ નોંધાવી. સીસીટીવી ફૂટેજ જોયા પછી અમે એક વ્યક્તિને ઓળખી કાઢી જે છોકરીને લઈ જતો જોવા મળી હતી. અમે તેને જાતે પકડી લીધો અને તેણે ગુનો કબૂલી લીધો."
સ્થાનિક રહેવાસીઓએ જે માણસને આરોપી તરીકે બતાવી રહ્યા હતા તે પ્રભાસ મંડલ હતો, જે સાત અને આઠ જુલાઈની રાત્રે પોલીસ સાથેના ઘર્ષણમાં મૃત્યુ પામ્યો હતો. જોકે, તેની સામે બળાત્કાર અને હત્યાના આરોપો હજુ સુધી કોર્ટમાં સાબિત થયા નથી.
માનવાધિકાર સંગઠને કહ્યું કે 'આ મામલો શંકાસ્પદ છે'

ઇમેજ સ્રોત, ANI
ઍસોસિયેશન ફૉર ધ પ્રોટેક્શન ઑફ ડેમૉક્રેટિક રાઇટ્સ (એપીડીઆર)ની સેન્ટ્રલ કમિટીના સભ્ય રણજિત સુરે આ ઘટના પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ મામલો શંકાસ્પદ છે.
તેમણે કહ્યું, "આ વ્યક્તિ આખા કેસમાં સૌથી મહત્ત્વપૂર્ણ સાક્ષી હતી. તેના મૃત્યુ પછી પોલીસ તેમની સુવિધા મુજબ વાર્તા ઘડી શકે છે અને તેમની નિષ્ફળતાઓ પર પડદો પાડી શકે છે."
તેમણે એમ પણ કહ્યું કે દેશનાં ઘણાં રાજ્યોમાં પોલીસ ઍન્કાઉન્ટરની વાર્તાઓ લગભગ એક જેવી હોય છે, આરોપી પોલીસનું હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસ કરે છે અને પછી ઍન્કાઉન્ટરમાં માર્યો જાય છે.
આરોપીનાં માતાએ કહ્યું કે 'તમારે કરવું હોય તે કરો, મને કોઈ વાંધો નથી'

ઇમેજ સ્રોત, ANI
આરોપી પ્રભાષ મંડલનાં માતાએ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું, "બે પોલીસકર્મીઓ મારા ઘરે આવ્યા હતા. હું ત્યારે બસ જાગી જ હતી અને તેમણે મને કહ્યું કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે અને તેમણે મને પૂછ્યું કે શું હું હૉસ્પિટલ જવા માગું છું. મેં તેમને કહ્યું કે હું જઈ શકતી નથી, કારણ કે મારા પતિ બીમાર છે."
"મેં કહ્યું, તમારે જે કરવું હોય તે કરો, મને કોઈ વાંધો નથી."
"મારા દીકરાને તેનાં કર્મોની સજા મળી છે. હું તેનો મૃતદેહ સ્વીકારીશ નહીં. હું તેનો મૃતદેહ ઘરે પણ લાવીશ નહીં."
"તેણે કોઈ સારું કામ નથી કર્યું. તેણે ખોટું કર્યું હતું અને તેને તેની સજા મળી છે. તેને મારી નાખો કે જે ઇચ્છો તે કરો મને કોઈ વાંધો નથી. મને તેનો મૃતદેહ પણ નથી જોઈતો."
'હથિયાર છીનવીને ભાગી જવા'ના દાવા સંબંધિત ઘણા કેસ
તાજેતરનાં વર્ષોમાં દેશનાં વિવિધ રાજ્યોમાં આવા ઘણા ઍન્કાઉન્ટર કેસ સામે આવ્યા છે, જેમાં પોલીસે દાવો કર્યો હતો કે આરોપીએ પોલીસનું હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ તેને ગોળી મારવી પડી હોય.
આવો એક મામલો 2019માં હૈદરાબાદમાં એક હાઇ-પ્રોફાઇલ કેસ બન્યો ત્યારે પણ સામે આવ્યો હતો, જ્યારે પશુચિકિત્સક પર બળાત્કાર અને હત્યાના આરોપી ચાર પુરુષો પોલીસ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. પોલીસે દાવો કર્યો હતો કે ક્રાઇમ સીનના રીક્રિયેટ દરમિયાન આરોપીઓએ પોલીસનું હથિયાર છીનવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ એમનેસ્ટી ઇન્ટરનૅશનલે એક નિવેદન બહાર પાડીને તેને "એકસ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ' ગણાવી હતી. સંગઠને જણાવ્યું હતું કે ગુનેગારોને ન્યાયિક પ્રક્રિયા દ્વારા સજા મળવી જોઈએ.
તો ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના નવ વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં 17,043 પોલીસ સાથે ઘર્ષણની ઘટના નોંધાઈ છે, જેમાં 289 ગુનેગારો માર્યા ગયા છે.
પોલીસનું કહેવું છે કે આમાંના ઘણા કેસોમાં આરોપીઓ ક્રાઇમ સીનના રીક્રિયેટ કરતી વખતે પોલીસનું હથિયાર છીનવીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બારુઈપુર કેસ શું હતો?

ઇમેજ સ્રોત, ANI
બારુઈપુર વિસ્તારમાં એક સગીર યુવતી પર બળાત્કાર અને હત્યાના બનાવને કારણે પશ્ચિમ બંગાળમાં તંગદિલી છે.
યુવતીના પરિવારે આરોપ લગાવ્યો હતો કે હત્યા કરતાં પહેલાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો, જોકે પોલીસે શરૂઆતમાં બળાત્કારનો કેસ નોંધ્યો ન હતો.
પરંતુ પ્રારંભિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોક્સોની કલમો હેઠળ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.
પરિવારના સભ્યોનું કહેવું છે કે છોકરી શનિવારથી ગુમ હતી. રવિવાર પાંચ જુલાઈએ એક તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં તણાવ વધી ગયો હતો.
આ ઘટના પછી ટોળાએ હત્યાની શંકામાં એક યુવાનને પણ માર માર્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું.
બારુઈપુરમાં આ ઘટના સામે આવ્યા બાદ ટીએમસીએ દાવો કર્યો હતો કે પૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજી બારુઈપુર જવા માગતાં હતાં, પરંતુ તેમને હાઉસ અરેસ્ટ કરાયાં હતાં.
તે જ સમયે ભાજપે ટીએમસીના આરોપોને ફગાવી દીધા છે.
રવિવારે બારુઈપુર પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં બીજા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આ વિસ્તારમાં પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. બારુઈપુરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વહીવટીતંત્રનું કહેવું છે કે વિસ્તારમાં વધુ અશાંતિ ન થાય તે માટે પગલાં લેવાઈ રહ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















