'માનવ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી': જ્યારે હિટલરની નકલી ડાયરીઓએ બ્રિટિશ મીડિયાને મૂર્ખ બનાવ્યું

ઍડોલ્ફ હિટલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍડોલ્ફ હિટલર
    • લેેખક, માયલ્સ બર્ક
    • પદ, બીબીસી કલ્ચર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

એપ્રિલ 1983માં એક જર્મન સામયિક 'સ્ટર્ન' અને એક બ્રિટિશ અખબાર 'ધ સન્ડે ટાઇમ્સ'એ એવો દાવો કર્યો હતો કે તેમણે સદીની સૌથી અસાધારણ અને ઐતિહાસિક શોધ કરી છે.

હકીકતમાં, તે સદીની સૌથી અસાધારણ છેતરપિંડીઓમાંની એક હતી. ત્યાર બાદ આ કૌભાંડને કારણે લાખોનું નુકસાન થયું અને પ્રતિષ્ઠા પણ ખરડાઈ.

25 એપ્રિલ 1983ના રોજ આજથી 42 વર્ષ પહેલાં, આ અઠવાડિયામાં, પ્રતિષ્ઠિત જર્મન સામયિક 'સ્ટર્ન'એ એક એવા સમાચાર છાપ્યા જેને તેઓ સદીના સૌથી સનસનાટીભર્યા ઐતિહાસિક સમાચાર ગણાવતા હતાઃ એડોલ્ફ હિટલરની અત્યાર સુધી છૂપી રહેલી ખાનગી ડાયરીઓ.

દુનિયાભરના પત્રકારો સમક્ષ પોતાના આ અસાધારણ વિશેષ ખુલાસાનું પ્રદર્શન કરવા માટે આ સાપ્તાહિક સામયિકે એ જ દિવસે હેમ્બર્ગમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

આ સમાચાર ખરેખર વિશ્વભરનાં મથાળાંમાં છવાઈ ગયા હતા, પરંતુ એ રીતે નહીં, જે રીતે સામયિકે આશા રાખી હતી.

ત્રણ દિવસ પહેલાં 'સ્ટર્ન'ના લંડનના સંપાદક પીટર વિકમેને બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણપણે ખાતરી છે કે તેમની પાસે હિટલરની અસલી ડાયરીઓ છે. "શરૂઆતમાં અમને શંકા પડી, તેથી અમે એક હસ્તલેખ નિષ્ણાત પાસે તેની તપાસ કરાવી, તેમણે કાગળને બારીકાઈથી તપાસ્યો."

"અમારી પાસે પ્રોફેસર ટ્રેવર-રોપર જેવા ઇતિહાસકારો પણ હતા, અને તેઓ બધા જ ખાતરીપૂર્વક માને છે કે આ ડાયરીઓ અસલી છે."

હિટલરની 'ડાયરીઓમાં આંખો ઉઘાડનારી માહિતી'

સ્ટર્નના લંડન ઍડિટરે બીબીસીને જણાવ્યું કે આ ડાયરીઓમાં હિટલરના સ્પાઇડરી ગોથિક અક્ષરોમાં લખાણ હતું

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, સ્ટર્નના લંડન ઍડિટરે બીબીસીને જણાવ્યું કે આ ડાયરીઓમાં હિટલરના સ્પાઇડરી ગોથિક અક્ષરોમાં લખાણ હતું

હસ્તલિખિત ડાયરીઓ 1932થી 1945 સુધીની હતી, જેમાં હિટલરના ત્રીજા 'રીક'ના સમગ્ર સમયગાળાને આવરી લેવામાં આવ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિકમેને બીબીસીને જણાવ્યું, "કુલ 60 ડાયરીઓ છે. તે દેખાવમાં શાળાની કસરતની નોટબુક જેવી લાગે છે, પરંતુ તેના પર સખત કવર છે."

"બહારની બાજુએ સ્વસ્તિક અને ગરુડની મુદ્રાઓ છે અને અંદર, સ્વાભાવિકપણે હિટલરની ખૂબ જ કરોળિયાના પગ જેવી ગૂંચવાડાવાળી ગોથિક હસ્તલિપિ છે."

'સ્ટર્ન' માનતું હતું કે તેમની આ શોધમાં નાઝી નેતાઓ વિશે અગાઉ જે વાતો જાણીતી હતી તેને ફરીથી લખવાની ક્ષમતા છે.

અને આ ડાયરીઓની સામગ્રી ખરેખર આંખો ઉઘાડનારી હતી.

તેમાં ફ્યુહરરના બહુ ઓછા જાણીતા સંવેદનશીલ પાસાને ઉજાગર કરવામાં આવ્યું હતું.

તેમાં હિટલરના પેટમાં ગૅસ અને મોઢાની દુર્ગંધ સામેના સંઘર્ષોથી લઈને, તેની પ્રેમિકા ઈવા બ્રાઉન દ્વારા ઑલિમ્પિક્સની ટિકિટ મેળવવા માટે કરવામાં આવેલા દબાણ સુધીની વિગતો હતી.

તેમજ સ્ટાલિન–'તે વૃદ્ધ શિયાળ'–ને જન્મદિવસનો ટેલિગ્રામ મોકલવા અંગેની નોંધો પણ હતી.

આ નોટબુકોમાં એક ચોંકાવનારી વાત એ પણ બતાવવામાં આવી હતી કે નાઝી નેતાઓને તેમના નામે ચલાવવામાં આવી રહેલા હૉલોકોસ્ટ (યહુદીઓનો નરસંહાર) વિશે કંઈ જ ખબર નહોતી.

'સ્ટર્ન'ના પત્રકાર ગેર્ડ હાઇડેમેને આ ડાયરીઓ શોધી કાઢી હોવાનું માનવામાં આવે છે. 'સ્ટર્ન'માં આ પત્રકારને નાઝી સમયગાળાની ચીજવસ્તુઓ ભેગી કરવાનો શોખીન ગણવામાં આવતો હતો.

1973માં, મૅગેઝિને તેમને એક જર્જરિત યાટ વિશે વાર્તા લખવાનું કામ સોંપ્યું હતું, જે એક સમયે હિટલરના સેકન્ડ-ઇન-કમાન્ડ હર્મન ગોરિંગની હતી.

હાઇડેમેને આ યાટ ખરીદવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે ઘણો ખર્ચો કર્યો હતો.

તેમણે ગોરિંગની પુત્રી એડ્ડા સાથે પણ અફેર શરૂ કર્યું હતું, જેણે તેમને ઘણા ભૂતપૂર્વ નાઝીઓ સાથે પરિચય કરાવ્યો હતો.

હાઇડેમેનના મતે આ સંપર્કો દ્વારા જ તેમને હિટલરની ડાયરીઓ મળી હતી.

હિટલરની ડાયરીઓનો સોદો કરવા અખબાર માલિકે ધાર્યું

કોનરાડ કુજાઉ એ ચિત્રકાર હતા જેમણે હિટલરની બનાવટી ડાયરીઓ બનાવી હતી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, કોનરાડ કુજાઉ એ ચિત્રકાર હતા જેમણે હિટલરની બનાવટી ડાયરીઓ બનાવી હતી

હાઇડેમેને દાવો કર્યો હતો કે ડાયરીઓ વિમાનમાં હતી, અને પ્લેન ક્રૅશ બાદ તેને બચાવી લેવામાં આવી હતી, પછી ઘાસ રાખવાની જગ્યા (હેલોફ્ટ)માં છુપાવીને રાખવામાં આવી હતી.

ત્યાર બાદનાં વર્ષોમાં તે એક પૂર્વ જર્મન સંગ્રાહક સુધી પહોંચી ગઈ હતી, જેઓ હવે તેને વેચવાની ઑફર કરી રહ્યા હતા.

આ ડાયરીઓ ખરીદવાનો સોદો કરાવવા માટે તે પોતાના પૂર્વ જર્મન સ્ત્રોત અને 'સ્ટર્ન' વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યો હતો.

નાઝી સરમુખત્યારની અમુક એવી વાતો જે અગાઉ ક્યારેય બહાર નહોતી આવી, તેને દુનિયા સામે લાવવાની આ જબરદસ્ત તકને આ મૅગેઝિન અવગણી ન શક્યું.

પરંતુ 'સ્ટર્ન' એ બાબતે ખૂબ જ સતર્ક હતું કે તેમના આ સ્કૂપ (વિશેષ ખબર) વિશે કોઈ જાણતું તો નથીને.

તેથી જ્યારે તેઓએ ડાયરીઓને પ્રમાણિત કરવા માટે હસ્તલેખનના નિષ્ણાતોને રાખ્યા, અને સરખામણી માટે તેમને 'અસલ' દસ્તાવેજો પૂરા પાડ્યા, ત્યારે તેઓ તેમને નોટબુકના ફક્ત થોડાક પસંદ કરેલાં પાનાં જ જોવાં માટે આપતાં હતાં.

'સ્ટર્ન'એ આ ડાયરીઓ માટે લગભગ 9.3 મિલિયન ડ્યુશમાર્ક (£2.3 મિલિયન) ચૂકવ્યા હતા, અને આટલી મોટી રકમ ચૂકવ્યા પછી તેને સુરક્ષિત રાખવા માટે સ્વિત્ઝર્લૅન્ડની એક ખાસ તિજોરીમાં રાખવામાં આવ્યા હતા.

ડાયરીઓની તપાસ કરનાર પ્રથમ ઇતિહાસકાર પ્રોફેસર હ્યુ ટ્રેવર-રોપર હતા, જેમને ગ્લેન્ટનના લૉર્ડ ડેકર તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

 હિટલર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Daniel Berehulak/Getty Images

ઇમેજ કૅપ્શન, હિટલરના હસ્તાક્ષર સાથે 'મી કાંફ' પુસ્તકની પ્રતિ જે લંડનમાં તારીખ 2 જૂન, 2005ના પ્રદર્શિત કરવામાં આવી હતી.

1947માં તેમણે 'ધ લાસ્ટ ડેઝ ઑફ હિટલર' નામનું એક પુસ્તક લખ્યું હતું, જેણે તેમને ખૂબ જ શૈક્ષણિક પ્રતિષ્ઠા અપાવી હતી, અને તેઓ નાઝી સરમુખત્યારના અગ્રણી નિષ્ણાત પણ ગણાતા હતા.

તેઓ 'ધ ટાઇમ્સ' અખબારના સ્વતંત્ર ડિરેક્ટર પણ હતા. આ અખબાર અને તેના સહયોગી અખબાર 'ધ સન્ડે ટાઇમ્સ'ને બે વર્ષ પહેલાં રૂપર્ટ મર્ડોકે ખરીદી લીધાં હતાં.

શરૂઆતમાં લૉર્ડ ડેકરને આ ડાયરીઓ પર શંકા હતી. તેઓ તેને જોવા માટે સ્વિત્ઝર્લૅન્ડ ગયા.

જ્યારે તેમણે ડાયરીઓ કઈ રીતે મળી તેની કથા સાંભળી અને તેમને એવી ખોટી માહિતી આપવામાં આવી કે રાસાયણિક પરીક્ષણોમાં તે યુદ્ધ પહેલાંની હોવાનું સાબિત થયું છે, ત્યારે તેમનો અભિપ્રાય બદલાવા લાગ્યો.

પરંતુ આ ઇતિહાસકારનું મન ખરેખર ત્યારે બદલાયું જ્યારે તેમણે વિપુલ પ્રમાણમાં તેની સામગ્રી જોઈ.

'ધ ટાઇમ્સ'ના સંપાદક ચાર્લ્સ ડગ્લાસ-હોમે 22 એપ્રિલ 1983ના રોજ બીબીસીને જણાવ્યું હતું હતું, "હ્યુ ટ્રેવર-રોપરને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ, અને એક બિન-નિષ્ણાત તરીકે મને પણ, જ્યારે મેં અસલી સામગ્રી જોઈ, તે હતી તેની વિશાળ માત્રા. આ સમગ્ર સંગ્રહનો અતિ વિશાળ વ્યાપ."

1932માં મ્યુનિખમાં લેવાયેલી હિટલરની તસવીર

ઇમેજ સ્રોત, Heinrich Hoffmann/Archive Photos/Getty Images

ઇમેજ કૅપ્શન, 1932માં મ્યુનિખમાં લેવાયેલી હિટલરની તસવીર

"હિટલરની હસ્તલિપિમાં લખાયેલી લગભગ 60 નોટબુકો છે, એટલું જ નહીં, પરંતુ તેની સાથે તેનાં લગભગ 300 ચિત્રો, રેખાંકનો અને તેની પાર્ટી સભ્યપદ કાર્ડ જેવા વ્યક્તિગત દસ્તાવેજો પણ છે."

"મને યાદ છે કે તેમાં તે રેખાંકનો પણ હતાં જે તેણે યુવાન અવસ્થામાં કલા શાળામાં પ્રવેશ મેળવવાની આશાએ રજૂ કર્યાં હતાં, અને તેમાં એક તેલચિત્ર પણ હતું, અને આવી બીજી વસ્તુઓ પણ હતી."

"હવે આટલા વિશાળ ક્ષેત્રને આવરી લેતી બનાવટી સામગ્રી તૈયાર કરવા માટે કોઈ પણ ચાલબાજને અત્યંત કુશળ હોવું પડે."

લૉર્ડ ડેકરને વિશ્વાસ આવી ગયો કે આ ડાયરીઓ અસલી છે.

તેમણે 'ધ ટાઇમ્સ' માટે એક લેખ પણ લખ્યો, જેમાં તેમણે તેમની અધિકૃતતાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેના પરિપ્રેક્ષ્યમાં ઐતિહાસિક ઘટનાઓનું ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર પડી શકે છે.

જેમ જેમ હિટલરની ડાયરીઓ વિશે વાત ફેલાતી ગઈ, તેમ તેમ તેમના શ્રેણીબદ્ધ અધિકારો માટે બોલી લગાવવાનું યુદ્ધ શરૂ થયું. 'ધ સન્ડે ટાઇમ્સ'ના માલિક રૂપર્ટ મર્ડોક પોતે આ સોદો કરવા માટે ઝુરિક જઈ આવ્યા.

હપ્તાવાર પ્રકાશન પર હસ્તાક્ષર થયા પછી 'સ્ટર્ન'એ વિશ્વ સમક્ષ હિટલરની ડાયરીઓનું પ્રકાશન કરવાની જાહેરાત માટે ઝડપથી એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું.

પરંતુ આ ડાયરીઓ બધાની સામે આવે તેની પહેલાં જ તેની સત્યતા અંગે શંકાઓ ઊભી થવા લાગી હતી, ખાસ કરીને 'ધ સન્ડે ટાઇમ્સ'ના સ્ટાફ દ્વારા. કેમકે તેઓ અગાઉ પણ છેતરાઈ ચૂક્યા હતા.

1968માં અખબારે ઇટાલિયન ફાસીવાદી નેતા બેનિટો મુસોલિની દ્વારા લખાયેલી ડાયરીઓ માટે ડાઉન પેમેન્ટ કર્યું હતું.

તેના અસલ હોવાની ખાતરી સ્વયં તેમના પુત્રે આપી હતી.

'ધ સન્ડે ટાઇમ્સ'ની તપાસ ટીમ માટે કામ કરતા પત્રકાર ફિલિપ નાઇટલીએ 2011માં વિટનેસ હિસ્ટ્રીને જણાવ્યું હતું કે, "પછી ખબર પડી કે તે મિલાનની બહાર વર્સેલીમાં રહેતી બે વૃદ્ધ મહિલાઓ દ્વારા લખવામાં આવેલી નકલી ડાયરીઓ હતી."

હિટલરની ડાયરી મામલે છેતરપિંડીનો ભાંડો કેવી રીતે ફૂટ્યો?

જર્મન મૅગેઝિન સ્ટર્નના એક અંકની કોપી જેમાં હિટલરની ડાયરીઓનું કવર પેજ જોવા મળે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જર્મન મૅગેઝિન સ્ટર્નના એક અંકની કૉપી જેમાં હિટલરની ડાયરીઓનું કવર પેજ જોવા મળે છે

જોકે, મર્ડોકને આ ડાયરીઓ પર પૂરેપૂરો ભરોસો હતો, અને તેના સંપાદક ફ્રેન્ક ગિલ્સને વાંધો હોવા છતાં, 'સ્ટર્ન'ની પત્રકાર પરિષદની જાહેરાતના એક દિવસ પહેલાં જ તેમણે "વર્લ્ડ ઍક્સક્લુઝિવ" શીર્ષક હેઠળ 'ધ સન્ડે ટાઇમ્સ'માં તેનું ધારાવાહિક પ્રકાશન શરૂ કરી દીધું.

ગાઇલ્સે લૉર્ડ ડેકરને ફોન કરીને આ સમાચાર અંગે ખાતરી કરી, ત્યારે ઇતિહાસકારે સ્વીકાર્યું કે તેમને આ ડાયરીઓની સત્યતા અંગે માત્ર શંકા જ નથી, પરંતુ તેઓ 180-ડિગ્રી વળાંકે પોતાનો અભિપ્રાય બદલી રહ્યા છે.

નાઇટલીએ કહ્યું, "ત્યારે ઓરડામાં હાજર દરેક વ્યક્તિ, બધા અખબારી અધિકારીઓ પોતાની ખુરશીમાં ઢળી પડ્યા અને માથું હાથમાં પકડીને બેસી ગયા, કારણ કે અમે અમારા મુખ્ય પ્રમાણકર્તાને ગુમાવી દીધા હતા. એક વાત સ્પષ્ટ હતી કે આ કથા સંપૂર્ણપણે ખોટી હતી."

'ધ સન્ડે ટાઇમ્સ' પાસે હજુ પણ છાપકામ અટકાવીને પ્રથમ પાનું બદલવાની તક હતી. પરંતુ જ્યારે ગાઇલ્સે માલિકને ફોન કર્યો, ત્યારે મર્ડોકે કહ્યું, 'ડેકર આટલો સમયથી ડગમગી રહ્યો છે, એટલે તેને જવા દો, આપણે તેને છાપીશું જ."

'સ્ટર્ન' માટે, બીજા દિવસે યોજાયેલી તેની પત્રકાર પરિષદમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની હતી.

મુખ્ય સંપાદક પીટર કોચે જાહેર કર્યું કે, "તેમને 100 ટકા ખાતરી છે કે આ ડાયરીઓમાંનો દરેક શબ્દ હિટલરે જ લખ્યો છે."

પરંતુ, લૉર્ડ ડેકરે, જે ઇતિહાસકારે ખાતરી આપી હતી કે આ ડાયરીઓ સાચી છે, તેમણે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે હવે તેમને આ ડાયરીઓની સત્યતા અંગે શંકા છે.

સ્ટર્નના અધિકારીઓના ભયભીત ચહેરાઓ વચ્ચે, લૉર્ડ ડેકરે કહ્યું કે તેઓ વિમાન દુર્ઘટના અને કથિત ડાયરીઓ વચ્ચે કોઈ કડી જોડી શક્યા નહોતા અને તેમની પાસે ઉતાવળમાં નિર્ણય લેવડાવવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, "એક ઇતિહાસકાર તરીકે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, પત્રકારત્વના મોટા સમાચાર (સ્કૂપ)ની જરૂરિયાતને લીધે ઐતિહાસિક ચકાસણીની સામાન્ય પદ્ધતિઓને, કદાચ મજબૂરીમાં તો મજબૂરીમાંં પણ, અવગણવામાં આવી છે."

આ અવ્યવસ્થાભરી પ્રેસ કૉન્ફરન્સના બીજા જ દિવસે અમેરિકન ઑટોગ્રાફ ડીલર ચાર્લ્સ હેમિલ્ટને બીબીસી બ્રેકફાસ્ટને જણાવ્યું હતું કે ડાયરીઓનાં પાનાં જોતાંની સાથે જ તેમને "બનાવટી દસ્તાવેજોની તીવ્ર ગંધ" આવી ગઈ હતી.

હેમિલ્ટને કહ્યું કે તેઓ જાણતા હતા કે આ દસ્તાવેજો સાચા નથી, કારણ કે તેમને સતત હિટલરના નકલી દસ્તાવેજો જોવાના થતા હતા.

તેમણે જણાવ્યું, "ટૂંક સમયમાં કોઈપણ શંકા વિના આ વાત સાબિત થઈ જશે અને તેની માટે કોઈ નિષ્ણાતોની પેનલની પણ જરૂર નહીં પડે."

"પછી આ આખો મુદ્દો શાંત થઈ જશે અને તે માનવ ઇતિહાસની એક મહાન છેતરપિંડી ગણાશે."

અને તેઓ ખોટા નહોતા.

બે અઠવાડિયામાં જ કડક ફોરેન્સિક તપાસમાં ડાયરીઓ નકલી હોવાનું બહાર આવ્યું.

હેમિલ્ટને બીબીસીને જણાવ્યું હતું તેમ, હિટલરના કથિત હસ્તાક્ષર તો અસલી નહોતા જ, પરંતુ રાસાયણિક પરીક્ષણમાં એ પણ જાણવા મળ્યું કે તેમાં વપરાયેલાં કાગળ, ગુંદર અને શાહી પણ બીજા વિશ્વયુદ્ધ પછી બનાવવામાં આવ્યાં હતાં.

ડાયરીઓ ભૂલો, આધુનિક શબ્દાવલીઓ અને ઐતિહાસિક ક્ષતિઓથી ભરપૂર હતી. અને કેટલીક એવી માહિતીનો ઉલ્લેખ પણ હતો કે જેના વિશે હિટલરને માહિતી હોય તે અસંભવ હતું.

આ ખુલાસાઓના પગલે 'ધ સન્ડે ટાઇમ્સ'એ ઝડપથી તેનું પ્રકાશન બંધ કરી દીધું અને માફીપત્ર છાપ્યું.

'સ્ટર્ન'એ પણ છેતરપિંડીનો શિકાર બનવા બદલ જાહેરમાં માફી માંગી.

હિટલરની ડાયરીનું પ્રકાશન કરવાથી અખબારની પ્રતિષ્ઠા ઘટી, પરંતુ વેચાણ વધ્યું

ઍડોલ્ફ હિટલર

ઇમેજ સ્રોત, Getty Images

દબાણમાં આવવાથી હાઇડેમેને ખુલાસો કર્યો કે આ ડાયરીઓ પૂરી પાડનાર વ્યક્તિ પૂર્વ જર્મન કોનરાડ કુજાઉ હતો, જે એક ઠગ હતો અને ખરેખર તો એ જ એ ડાયરીઓનો લેખક હતો.

કુજાઉ એક કુશળ કલાકાર હતો, પરંતુ તેની બનાવટો એટલી પણ સુસંસ્કૃત નહોતી. પ્રેરણા માટે તેણે મેક્સ ડોમારસના પુસ્તક 'હિટલર: સ્પીચીસ ઍન્ડ પ્રોક્લેમેશન્સ 1932-1945'ના ઘણા ભાગોની નકલ કરી હતી.

પરિણામે તે પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં કેટલીક સમયક્રમ અને તથ્યસંબંધિત ભૂલોની પણ શબ્દશઃ નકલ કરી નાખી હતી.

ડાયરીઓને વધુ અંગત બનાવવા માટે તેણે ફ્યુહરરના જીવનના એક સાધારણ પાસાની કલ્પના કરી હતી, જેમકે, "હું કામથી છૂટીને ઈવાને પણ મળી શકતો નથી", "પોસ્ટ ઑફિસ જવું પડશે, થોડા ટેલિગ્રામ મોકલવા પડશે", અને "ઈવા કહે છે કે મારા શ્વાસમાં દુર્ગંધ આવે છે".

કુજાઉને ડાયરીના કવર પર વપરાયેલા જટિલ ગોથિક મૂળાક્ષરો લખવામાં પણ મુશ્કેલી પડી હતી અને તેણે ભૂલથી AHની જગ્યાએ FH મૂળાક્ષરો ચોંટાડી દીધા હતા.

ત્યાર બાદ તેણે નોટબુકો પર ચા ઢોળીને અને પોતાના ડેસ્ક પર પછાડીને જૂની બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ડાયરીઓની પ્રારંભિક પ્રમાણિકતા સ્થાપિત કરવામાં જે બાબતે મદદ કરી, તે એ હતી કે કુજાઉ નાઝી સ્મૃતિચિહ્નોની બનાવટમાં એટલો બધો સક્રિય હતો કે સ્ટર્ને નિષ્ણાતોને હિટલરની હસ્તલિપિની સરખામણી કરવા માટે આપેલા ઘણા 'અસલી' દસ્તાવેજો પણ હકીકતમાં કુજાઉએ જ બનાવેલા હતા.

પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેણે છેતરપિંડીમાં પોતાની ભૂમિકા સ્વીકારી હતી. તેણે તો પોતાનો ગુનો સાબિત કરવા માટે પોતાનું કબૂલનામું પણ હિટલરની હસ્તલિપિની શૈલીમાં લખીને બતાવ્યું હતું.

1985માં, તેને છેતરપિંડી અને બનાવટના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો અને સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.

વધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે હાઇડેમેને ડાયરીઓ માટે તેના સ્ત્રોત દ્વારા માંગવામાં આવેલી કિંમતો પણ વધારીને કહી હતી. અને સ્ટર્ને ચૂકવેલા પૈસામાંથી અમુક ભાગ તેણે પોતે રાખી લીધો હતો.

એવું લાગે છે કે તેણે આ કામ પોતાની વૈભવી જીવનશૈલી, પોતાની નાઝી યાટના જાળવણી ખર્ચ અને સરમુખત્યારોની વધુ ને વધુ સ્મૃતિચિહ્નો ખરીદવાના શોખને પૂરો કરવા માટે કર્યું હતું. (બાદમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે ઇદી અમીનના અન્ડરવેર છે).

કુજાઉની જેમ તેને પણ 1985માં છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ચાર વર્ષ, આઠ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. તેની ટ્રાયલ વખતે હાઇડેમેને કહ્યું હતું કે તેની સાથે પણ છેતરપિંડી થઈ છે, પરંતુ કુજાઉ હંમેશાં એમ જ કહેતો હતો કે રિપોર્ટરને ખબર હતી કે ડાયરીઓ નકલી છે.

આ કૌભાંડના પરિણામે લોર્ડ ડેકરની ઇતિહાસકાર તરીકેની પ્રતિષ્ઠા કાયમ માટે ખરડાઈ ગઈ. કોચ અને 'સ્ટર્ન'ના અન્ય એક સંપાદકે પોતાની નોકરી ગુમાવી, જ્યારે ગાઇલ્સને 'ધ સન્ડે ટાઇમ્સ'ના સંપાદક પદેથી હટાવી દેવામાં આવ્યા. મર્ડોકે પણ 2012માં મીડિયા નૈતિકતા અંગેની લેવેસન તપાસ સમક્ષ સ્વીકાર્યું હતું કે "આ સમાચાર પ્રકાશિત કરવાનો નિર્ણય મેં કરેલી એક મોટી ભૂલ હતી. તેની સંપૂર્ણ જવાબદારી હું સ્વીકારું છું. મારે આખી જિંદગી આ ભૂલ સાથે જીવવું પડશે."

જોકે, ખોટી વાર્તા છાપવાના તેમના નિર્ણયથી તેમના અખબારનું પ્રસારણ વધ્યું. કારણ કે મર્ડોકે એવો કરાર કરાવ્યો હતો કે જો ડાયરીઓ નકલી સાબિત થાય તો 'સ્ટર્ન'એ 'ધ સન્ડે ટાઇમ્સ' પાસેથી મેળવેલી તમામ રકમ પરત કરવી પડશે, તેથી મીડિયા સામ્રાજ્યના આ માલિકને આ છેતરપિંડીમાંથી પણ આર્થિક રીતે તો નફો જ થયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન