You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનમાં સત્તા ખરેખર કોના હાથમાં છે - રાષ્ટ્રપતિ કે સેના, નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ ક્યાં છે?
- લેેખક, આમીર અઝીમી
- પદ, સંપાદક, બીબીસી ન્યૂઝ ફારસી
- વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકા અને ઇઝરાયલ સાથે જંગ શરૂ થયા બાદ ઈરાન સામે એક સવાલ ઊભો થયો છે, દેશની સત્તા આખરે કોના હાથમાં છે?
જોકે, ઔપચારિકપણે આનો જવાબ સ્પષ્ટ છે. 28 ફેબ્રુઆરના રોજ જંગના પ્રથમ દિવસે પોતાના પિતા અલી ખામેનેઈના મૃત્યુ બાદ મોજતબા ખામેનેઈ દેશના નવા સર્વોચ્ચ નેતા બન્યા.
ઈરાનમાં ઇસ્લામિક ગણરાજ્યની વ્યવસ્થામાં આ પદ સૌથી મોટું મનાય છે. સર્વોચ્ચ નેતા પાસે લગભગ દરેક મહત્ત્વના મામલે નિર્ણય લેવાનો અધિકાર છે. તેમાં જંગ, શાંતિ અને દેશની વ્યૂહરચના સાથે સંબંધિત મુદ્દા સામેલ છે.
પરંતુ હકીકતમાં તો ઈરાનની તસવીર ખૂબ ઝાંખી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વને 'અંદરોઅંદર વિભાજિત' ગણાવ્યું છે અને સંકેત આપ્યો છે કે અમેરિકા એવા નવા પ્રસ્તાવની રાહ જોઈ રહ્યું છે, જે ઈરાનમાં સર્વસંમતિથી તૈયાર કરાયો હોય.
જ્યારે ઈરાનના નેતાઓએ ઈરાનીઓના મોબાઇલ ફોન પર એક સંદેશો મોકલ્યો ત્યારે તેમનાં મનમાં નિશ્ચિતપણે એકતાનો વિચાર હતો.
આ સંદેશમાં કહેવાયું હતું કે, "ઈરાનમાં કટ્ટરપંથી કે ઉદારવાદી જેવી કોઈ બાબત નથી. અહીં માત્ર એક રાષ્ટ્ર છે અને એક જ માર્ગ છે."
મોજતબા ખામેનેઈ ક્યાં છે?
સત્તા સંભાળ્યા બાદ મોજતબા ખામેનેઈના એક લેખિત નિવેદનમાં હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરવાની વાત પર ભાર મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ જાહેરમાં નથી જોવા મળ્યા અને કેટલાંક લેખિત નિવેદનો સિવાય તેમના દૈનિક નિયંત્રણનો કોઈ પ્રત્યક્ષ પુરાવો નથી.
ઈરાની અધિકારીઓએ સ્વીકાર્યું કે તેઓ શરૂઆતના હુમલામાં ઘાયલ થઈ ગયા હતા, પરંતુ એ વિશે વધુ માહિતી નથી આપી.
ન્યૂયૉર્ક ટાઇમ્સે ઈરાની સૂત્રોનો હવાલો આપી આ અઠવાડિયે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે મોજતબા ખામેનેઈના ચહેરા સહિત ઘણી જગ્યાએ ઈજા થઈ છે, જેના કારણે તેમને બોલવામાં તકલીફ પડી રહી છે.
તેમની આ કમી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ઈરાનની રાજકીય વ્યવસ્થામાં સત્તા માત્ર સંસ્થાગત જ નથી, પરંતુ ઘણા પ્રકારનાં કામોને અંજામ આપે છે.
ખામેનેઈના દિવંગત પિતા ભાષણો, સુનિયોજિત હાજરી અને અલગ-અલગ જૂથો વચ્ચેની પ્રત્યક્ષ દખલના માધ્યમથી પોતાના ઇરાદા જાહેર કરતા હતા.
હાલ, આવા સંકેત આપવાની ક્ષમતા ઘણી હદ સુધી ગાયબ દેખાય છે.
આનું પરિણામ એ આવ્યું કે ઈરાનમાં હાલ કેવી સ્થિતિ છે, એ અંગે અનિશ્ચિતતા પેદા થઈ ગઈ છે.
કેટલાક લોકોની દલીલ છે કે જંગ દરમિયાન મોજતબા ખામેનેઈને મળેલા પદે તેમને પોતાની શરતો પર સત્તા સ્થાપિત કરવાની તક ન આપી.
તેમજ, અન્ય લોકો તેમની ઈજા સંબંધિત અહેવાલોનો હવાલો આપીને સવાલ ઉઠાવે છે કે શું હકીકતમાં સક્રિય રહીને વ્યવસ્થા ચલાવવા માટે સક્ષમ છે કે કેમ?
બંને સ્થિતિમાં નિર્ણય લેવાની પ્રક્રિયા જંગના પહેલાંના સમયની સરખામણીએ ઓછી કેન્દ્રીકૃત દેખાઈ છે.
કૂટનીતિની ધુરા કોના હાથમાં છે?
કાગળ પર ઈરાનમાં કૂટનીતિની ધુરા સરકારના હાથમાં છે. ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના નેતૃત્વમાં વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી અમેરિકા સાથે વાતચીતમાં દેશની આગેવાની કરી રહ્યા છે.
પરંતુ બંનેમાંથી કોઈ પણ વ્યૂહરચના નક્કી કરતા નથી દેખાતા અને તેમના અધિકાર પર એ હકીકતને કારણે વધુ સવાલ ઊઠે છે કે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બઘર ઘાલિબાફ કરી રહ્યા છે.
અરાઘચીની ભૂમિકા નિર્દેશ આપવાના સ્થાને સંચાલન કરવાની જણાય છે.
તેમણે હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી હોવાની વાત કહી, પરંતુ બાદમાં પોતાનું નિવેદન તરત પાછું ખેંચી લીધું. આનાથી એક સંકેત જરૂર મળે છે કે સૈન્ય નિર્ણયો પર રાજકીય પક્ષનું ખૂબ ઓછું નિયંત્રણ હોય છે.
તેમજ, પેઝેશ્કિયાને પ્રત્યક્ષપણે શાસનને પ્રભાવિત કર્યા વગર, પોતાની જાતને શાસન પ્રમાણે ઢાળી લીધા છે.
અમુક હદ સુધી ઉદારવાદી મનાતા પેઝેશ્કિયાન અત્યાર સુધી કોઈ સ્વતંત્ર વલણ અપનાવવાથી દૂર રહ્યા છે.
ઇસ્લામાબાદમાં અમેરિકા સાથે વાતચીતના બીજા તબક્કાનું અટકી જવું આ વાતની પુષ્ટિ કરે છે. એવું લાગે છે કે રાજદ્વારી ચૅનલ ખુલ્લી હોવા છતાં દેશની વ્યવસ્થા પ્રતિબદ્ધ રહેવા માટે અસમર્થ છે કે પછી તેની ઇચ્છા નથી.
આઇઆરજીસીની વધતી તાકત
જોવા જઈએ તો હોર્મુઝની સામુદ્રધુની પર નિયંત્રણ ઈરાનનું સૌથી અસરકારક હથિયાર છે, પરંતુ તેને બંધ કરવાનો નિર્ણય રાજદ્વારીઓ કરતાં વધુ અહમદ વાહિદીના નેતૃત્વવાળા ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ (આઇઆરજીસી)ના હાથમાં છે.
આવી રીતે દેશની વાસ્તવિક શક્તિ એ લોકોના હાથમાં આવી જાય છે, જેઓ પડદા પાછળથી કામ કરે છે.
પાછલાં સંકટોથી ઊલટું આ વખત ઈરાનમાં કોઈ એક વ્યક્તિ એવી નથી જે સ્પષ્ટપણે વ્યૂહરચનાનું નેતૃત્વ કરી રહી હોય.
આના સ્થાને એક પૅટર્ન સામે આવતી દેખાય છે - પહેલા કાર્યવાહી, બાદમાં સંદેશ. જોકે, આ પૅટર્ન પણ સ્થાયી હોવાનું નથી જણાતું.
હકીકતમાં, હોર્મુઝની સામુદ્રધુનીની નાકાબંધી લાગુ કરવાથી શરૂ કરીને ખાડી ક્ષેત્રમાં ઠેકાણાં પર હુમલા કરવા સુધી, આઇઆરજીસીની કાર્યવાહી જ સંકટની દિશા નક્કી કરતી દેખાય છે.
ઈરાનમાં રાજકીય અને રાજદ્વારી પ્રતિક્રિયાઓ જાતે નક્કી નથી કરાતી, બલકે ઉપરના આદેશથી ચાલે છે.
તેનો અર્થ એ નથી કે પ્રશાસનિક શાખાઓમાં તાલમેલ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
પરંતુ આનાથી એ વાતની ખબર જરૂર પડે છે કે સ્પષ્ટ રાજકીય દખલના અભાવમાં, આઇઆરજીસીની ઑપરેશનલ સ્વાયત્તતા ઓછામાં ઓછી હાલ વધી છે.
ઘાલિબાફની ભૂમિકા શું છે?
આ અસ્પષ્ટતામાં મોહમ્મદ બઘર ઘાલિબાફ સામે આવે છે.
પૂર્વ રિવૉલ્યૂનરી ગાર્ડ કમાન્ડર અને હાલ સંસદના અધ્યક્ષપદે કાર્યરત ઘાલિબાફ, હાલના સમયમાં ઈરાનની સૌથી મોટી હસ્તીઓ તરીકે સામે આવ્યા છે.
તેમણે વાતચીતમાં સક્રિયપણે ભાગ લીધો છે, જનતાને સંબોધિત કરી છે અને ઘણી વાર યુદ્ધને વૈચારિક દૃષ્ટિકોણને બદલે વ્યવહારિક આધારે રજૂ કર્યું છે.
સંસદની અદંર અને દેશના રૂઢિવાદીઓ વચ્ચે વાતચીત અંગે હજુ પણ ઘર્ષણ જળવાયેલું છે.
ઈરાનના કઠોર સંદેશામાં તેજી આવી છે. દેશનાં સરકારી મીડિયા અને સાર્વજનિક અભિયાન વાતચીતને દેશના દુશ્મનો સામે કમજોરીના સંકેત તરીકે રજૂ કરી રહ્યાં છે.
ઘાલિબાફની સ્થિતિ એટલા માટે પણ અનિશ્ચિત છે, કારણ કે તેઓ સક્રિય તો છે, પરંતુ તેમને સ્પષ્ટપણે અધિકાર નથી અપાયા.
તેઓ ભારપૂર્વક કહે છે કે તેમનાં કાર્ય મોજતબા ખામેનેઈની ઇચ્છા પ્રમાણેનાં છે, તેમ છતાં સર્વોચ્ચ નેતા પાસેથી તેમના પ્રત્યક્ષ તાલમેલનો કોઈ સ્પષ્ટ પુરાવો નથી.
એક એવી વ્યવસ્થામાં જે ટોચના સ્તરેથી મળતા સંકેતો પર આધારિત છે, ત્યાં અસ્પષ્ટતા ઘણું બધું કહી જાય છે.
ઈરાનની સિસ્ટમ ખરેખર સુરક્ષિત કે માત્ર એક દેખાડો છે?
આ તમામ વાતોને એક સાથે જોતાં, એ ખબર પડે છે કે દેશની સિસ્ટમ કામ તો કરી રહી છે, પરંતુ તેની પાસે પૂરતા નિર્દેશ નથી.
તેની પાસે સર્વોચ્ચ નેતાનો અધિકાર મોજૂદ છે, પરંતુ તેનો કોઈ પ્રત્યક્ષ ઉપયોગ થતો જોવા નથી મળી રહ્યો.
દેશના રાષ્ટ્રપતિ આ બધામાં સામેલ છે, પરંતુ નેતૃત્વ નથી કરી રહ્યા.
કૂટનીતિ સક્રિય છે, પરંતુ નિર્ણાયક નથી. સૈન્ય પાસે મહત્ત્વપૂર્ણ શક્તિઓ છે, પરંતુ કોઈ રસ્તો બતાવનાર જાહેરપણે કોઈ સ્પષ્ટ વ્યક્તિ નથી.
રાજકીય હસ્તીઓ આગળ આવી રહી છે, પરંતુ તેઓ આના માટે કેટલી કાયદેસર છે, એ સ્પષ્ટ નથી.
પરંતુ આ દેશનું પતન નથી. ઈરાન હજુ પણ અખંડ છે. જોકે, આ વાત એક નાનકડો સંકેત આપે છે - એક એવી વ્યવસ્થા જે પોતાના પ્રભાવનો ઉપયોગ કરવા માટે સંઘર્ષ કરી રહી છે.
જેમ કે, હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરવાની ક્ષમતા - જેથી ભારે દબાણના આ સમયગાળામાં આ મુદ્દાને સ્પષ્ટ વ્યૂહરચનામાં પલટી શકાય.
ઈરાનની વ્યવસ્થા હજુ પણ ઘણા મોરચે કાર્યવાહી કરી શકે છે, પરંતુ પોતાનાં સત્તા કેન્દ્રોને સ્પષ્ટ દિશા-નિર્દેશ આપવામાં તેને મુશ્કેલી પડી રહી છે.
અને ઈરાનના રાજકીય મૉડલમાં, સંકેત આપવો એ જ તાલમેલ જાળવી રાખવાની રીત છે.
હાલ આ વ્યવસ્થા વધતા દબાણ છતાં સ્થિતિને સાચવી રહી છે. તેનું નિયંત્રણ જળવાયેલું છે અને કોઈ પણ પ્રકારે વ્યવસ્થા સ્પષ્ટપણે બગડેલી નથી દેખાઈ રહી.
પરંતુ એવો સવાલ સતત ઊઠી રહ્યો છે કે શું હકીકતમાં તાલમેલનું પાલન થઈ રહ્યું છે કે એ માત્ર દેખાડો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન