You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જોડિયાં બાળકોનાં માતા એક અને પિતા અલગ-અલગ હોઈ શકે?
- લેેખક, સેન્ટિયાગો વેનેગસ
- પદ, બીબીસી ન્યૂઝ મુન્ડો
- વાંચવાનો સમય: 5 મિનિટ
2018માં એક મહિલાએ કૉલંબિયાની પૉપ્યુલેશન જિનેટિક્સ એન્ડ આઇડેન્ટિફિકેશન લૅબોરેટરી પર જઈને વિનંતી કરી કે બે વર્ષ પહેલાં તેમને જોડિયાં બાળકો જન્મ્યાં હતાં અને હવે તે પુત્રોના પિતા કોણ છે, તેની તેઓ પુષ્ટિ કરવા માગે છે.
તેમણે રૂટિન ટેસ્ટ કરાવ્યો. પરિણામ એટલું આશ્ચર્યજનક હતું કે, તેઓ ખાતરી કરવા માગતા હતા તેથી તે ટેસ્ટ ફરી કર્યો. ટેસ્ટનો રિપોર્ટ આવ્યો જેમાં બંને જોડિયાં બાળકોનાં માતા એક હતાં, પણ પિતા જુદા-જુદા હતા.
આ એક અત્યંત દુર્લભ ઘટના છે, જે 'હેટરોપેટર્નલ સુપરફેકન્ડેશન' (જેમાં જોડિયાં બાળકોના પિતા અલગ-અલગ હોય છે) તરીકે ઓળખાય છે. વિશ્વભરના વૈજ્ઞાનિક લેખોમાં આ પ્રકારના અંદાજે વીસ કિસ્સા નોંધાયા છે.
આમ તો નૅશનલ યુનિવર્સિટી ખાતેના નિષ્ણાતો જાણતા હતા કે, આવું કશુંક થઈ શકે છે, પણ આવા કોઈ કિસ્સાનો તેમને પ્રત્યક્ષ સામનો થયો નહોતો.
અને સ્વાભાવિકપણે, આ ઘટનાથી તેમની વિજ્ઞાની જીજ્ઞાસા વધી ગઈ.
'બે પિતા-એક માતા'ના કિસ્સાની કેવી રીતે ખબર પડી?
કોઈ વ્યક્તિનું પિતૃત્વ નક્કી કરવા માટે કૉલંબિયાની જિનેટિક્સ એન્ડ આઇડેન્ટિફિકેશન લૅબોરેટરીના વિજ્ઞાનીઓ "માઇક્રોસેટેલાઇટ માર્કર્સ" તરીકે ઓળખાતી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરે છે.
તેમાં બાળક, માતા અને કથિત પિતાનાં ડીએનએના નાના-નાના ટુકડાઓનું વિશ્લેષણ કરીને તેમની તુલના કરવામાં આવે છે.
લૅબોરેટરીના ડિરેક્ટર પ્રોફેસર વિલિયમ ઉસાક્વેને બીબીસી મુન્ડોને જણાવ્યું હતું, "અમે તે દરેક વ્યક્તિમાંથી ડીએનએ લઈએ છીએ તથા 15 અને 22ની વચ્ચેના પૉઇન્ટ્સ જોઈએ છીએ, જે માઇક્રોસેટેલાઇટ્સ તરીકે ઓળખાય છે. તે પછી અમે તેમને એક પછી એક સરખાવી જોઈએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ આ પ્રક્રિયા ડીએનએને શક્તિશાળી માઇક્રોસ્કોપની નીચે મૂકીને તેનું નિરીક્ષણ કરવા જેટલી સરળ નથી.
આંગળીના ટેરવા પરથી બ્લડ સૅમ્પલ્સ લીધાં પછી વિજ્ઞાનીઓ ડીએનએ તથા જે ડીએનએ ન હોય, તેવા પદાર્થોથી અલગ કરવા માટે એક રાસાયણિક પ્રક્રિયા કરે છે.
તે પછી તેઓ ડીએનએ લે છે, જે અત્યંત સૂક્ષ્મ હોય છે. વિશિષ્ટીકૃત ઉપકરણના ઉપયોગથી તેને ઍમ્પ્લિફાઇ કરવામાં આવે છે.
મળેલા પ્રવાહીને અવલોકન માટેના 15થી 22 પોઇન્ટ્સ (માઇક્રોસેટેલાઇટ્સને ચિહ્નિત કરવા માટે ફ્લોરોસન્ટ તત્ત્વો સાથે ભેળવવામાં આવે છે અને પછી દરેક સૅમ્પલના માઇક્રોસેટેલાઇટને વાંચવા માટે અને તેમને સંખ્યાત્મક ક્રમમાં રૂપાંતરિત કરવા માટે સક્ષમ અન્ય એક મશીનમાંથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાય છે.
આખરે, સંખ્યાત્મક ક્રમ મળી ગયા પછી સંશોધકો જે-તે માણસ બાળકનો પિતા છે કે નહીં, તે નક્કી કરવા માટે વિશ્લેષણ હાથ ધરે છે.
જ્યારે બાળકની અડધી આનુવંશિક પ્રોફાઇલ માતા સાથે અને બાકીની અડધી કથિત પિતા સાથે મળતી આવે, ત્યારે પિતૃત્વની ખરાઈ થાય છે.
અસાધારણ પરિણામ
2018માં જુદા-જુદા પિતા ધરાવતા જોડિયા ભાઈઓના સામે આવેલા કિસ્સામાં કૉલંબિયાની નૅશનલ યુનિવર્સિટી ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનેટિક્સના વિજ્ઞાનીઓએ માતા, બે બાળકો અને ટેસ્ટ કરાવવા માટે તૈયાર થયેલા કથિત પિતાનાં ડીએનએમાં 17 માઇક્રોસેટેલાઇટ્સનું વિશ્લેષણ કર્યું.
તેમને માલૂમ પડ્યું કે, કથિત પિતાનું ડીએનએ બે પૈકીના એક જ બાળક સાથે મૅચ થતું હતું. તે તમામ રીતે એક અસાધારણ પરિણામ હતું.
વિલિયમ ઉસાક્વેન કહે છે, "હું 26 વર્ષ સુધી લૅબોરેટરીનો ડિરેક્ટર રહ્યો છું, પણ આવો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે અને અત્યાર સુધીનો તે એકમાત્ર કિસ્સો છે."
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનેટિક્સ ખાતેનાં જિનેટિક્સ નિષ્ણાત તેમજ સંશોધક ઍન્ડ્રિયા કૅસાસ જણાવે છે, "અન્ય અહેવાલો પરથી અમે જાણ્યું કે, વિશ્વભરમાં ઘણાં ઓછાં સ્તર પર આવા અન્ય કિસ્સા ખરેખર જોવા મળ્યા છે."
સૅમ્પલ્સ બદલાઈ ગયાં હોવાની શક્યતાનો છેદ ઉડાડવા માટે, તેમણે પ્રોટોકૉલ પ્રમાણે, નવેસરથી ફરી ટેસ્ટ હાથ ધર્યો.
બીજી વખત પણ એ જ પરિણામ આવ્યું.
આમ થવું શા માટે અત્યંત અસાધારણ છે?
અમેરિકાના બાલ્ટિમોર ખાતે આવેલી એક લૅબોરેટરીના વિજ્ઞાનીઓ દ્વારા 2014માં પ્રકાશિત કરવામાં આવેલા એક લેખમાં સૂચવ્યું હતું કે, 39,000 પિતૃત્વ પરીક્ષણ પરની વિગતો સાથેના ડેટાબેઝમાં હેટરોપેટર્નલ સુપરફેકન્ડેશન (જુદા-જુદા પિતાનાં જોડિયાં બાળકો)ના માત્ર ત્રણ કિસ્સા સામે આવ્યા હતા.
પ્રોફેસર વિલિયમ ઉસાક્વેન આવી જૈવિક ઘટના આટલા ઓછા પ્રમાણમાં શા માટે જોવા મળે છે, તેની સમજ આપે છે.
"પ્રથમ તો, મહિલા જાતીય સબંધ માટે બે પાર્ટનર ધરાવતી હોવી જોઈએ. બીજું કે, તેણે સાવ ટૂંકા ગાળામાં જ તે બંને પુરુષ પાર્ટનર્સ સાથે જાતીય સંબંધ બાંધ્યો હોવો જોઈએ. વધુમાં, પૉલિવ્યૂલેશન થવું જોઈએ (એક જ માસિક ચક્રમાં બે કે તેથી વધુ ઈંડાં મુક્ત થવાં જોઈએ). અને અંતે, બંને વખત તે મહિલા ગર્ભવતી થવી જોઈએ.
ઉસાક્વેન રમૂજમાં કહે છે, "તે એક વિચિત્ર ઘટના પછીની વિચિત્ર ઘટના, આમ એક-એકથી ચઢિયાતી વિચિત્ર ઘટનાઓનો સરવાળો છે."
એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે, જુદા-જુદા પિતાઓ ધરાવતાં જોડિયાં બાળકો કોઈપણ સંજોગોમાં એકસરખાં નથી દેખાતાં (આઇડેન્ટિકલ ટ્વિન્સ નથી હોતાં), કારણ કે, એકસરખાં દેખાતાં જોડકાં બાળકો એક જ ઈંડા અને શુક્રાણુમાંથી વિકસે છે.
'ઈંડાં એક જ સમયે મુક્ત થાય, એ જરૂરી નથી'
સામાન્યપણે, જો કોઈ મહિલા એક કરતાં વધુ ઈંડાં મુક્ત કરે અને માત્ર એક જ ફલિત થાય છે, ત્યારે બીજું ઈંડું (કે ઈંડાં) ઝડપથી મૃત્યુ પામે છે.
આથી જ, સુપરફેકન્ડેશન પણ દુર્લભ છેઃ કારણ કે, બીજું ગર્ભાધાન અફલિત ઈંડું મૃત્યુ પામે, તે પહેલાં થવું જોઈએ.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનેટિક્સના વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે, બંને ગર્ભાધાન 24થી 36 કલાકની અંદર થવાં જોઈએ, કારણ કે, તે ઈંડાં મુક્ત થયાં પછી જીવંત રહેવાનો સમય છે.
જોકે, ઍન્ડ્રિયા કૅસાસ સમજાવે છે, "ઈંડાં એક જ સમયે મુક્ત થાય, એ જરૂરી નથી."
તેઓ ઉમેરે છે, "કેટલીક વખત એક ફેલોપિયન ટ્યૂબ એક ઈંડું મુક્ત કરે છે અને બે કે ત્રણ દિવસ પછી તે બીજું ઈંડું મુક્ત કરે છે, જેના કારણે બે જુદા-જુદા સમયે ગર્ભાધાન થવાની શક્યતા વધી જાય છે."
અલગ પિતાઓ ધરાવતાં જોડિયાં બાળકોના કિસ્સા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સામે આવવાનું બીજું એક કારણ એ છે કે, મોટાભાગના લોકો પિતૃત્વ પરીક્ષણ કરાવતા નથી.
હકીકતમાં, વૈજ્ઞાનિક સાહિત્યમાં એવું સૂચન કરવામાં આવે છે કે, પિતૃત્વ પરીક્ષણની વધી રહેલી લોકપ્રિયતા તથા મૉલેક્યુલર પદ્ધતિઓની પ્રાપ્યતાને જોતાં ભવિષ્યમાં આ ઘટના અસાધારણ નહીં રહે, એમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનેટિક્સના વિજ્ઞાનીઓએ તેમણે પુષ્ટિ કરેલા કેસનો અહેવાલ આપતા એક લેખમાં નોંધ્યું હતું.
હેટરોપેટર્નલ સુપરફેકન્ડેશન કયા સંજોગોમાં થાય છે, તે જાણવામાં શિક્ષણવિદોને રસ હોવા છતાં, સંશોધનની નૈતિકતા તેમને ટેસ્ટ કરાવવા આવનારા લોકોના અંગત જીવન વિશે સવાલ પૂછતા અટકાવે છે.
ઉસાક્વેન સમજાવે છે, "પિતૃત્વનું પરીક્ષણ હંમેશાં વ્યક્તિઓની ગોપનીયતાના રક્ષણના હેતુ સાથે કરવામાં આવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન