ટ્રમ્પની ડિનર પાર્ટીમાં ગોળીબાર થયા બાદ જેને પકડવામાં આવ્યો છે તે સંદિગ્ધ કોણ છે?

વાંચવાનો સમય: 4 મિનિટ

વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ડિનર કાર્યક્રમ દરમિયાન થયેલી ગોળીબારની ઘટના પછી એક સંદિગ્ધને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

ગોળીબારના અવાજો આવ્યા બાદ ભારે હથિયારો સાથે સજ્જ સુરક્ષા કર્મચારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરી લીધા અને પછી તેમને તાત્કાલિક સુરક્ષિત રીતે કાર્યક્રમ સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા..

આ પછી, ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર બે ફોટા શૅર કર્યા, જેમાં એકમાં એક શર્ટ વગરની વ્યક્તિ જમીન પર હાથ પાછળ બાંધીને પડેલી નજરે પડે છે. જેને "સંદિગ્ધ હુમલાખોર" માનવામાં આવે છે.

ટ્રમ્પે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે તેમણે સોશિયલ મીડિયામાં 'સંદિગ્ધ હુમલાખોર'ની તસવીરો પોસ્ટ કરી છે.

આ વ્યક્તિ વિશે કેટલીક માહિતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે, જ્યારે કેટલીક વિગતો પોલીસના હવાલાથી સામે આવી છે.

કોણ છે 'સંદિગ્ધ હુમલાખોર'?

અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ, સંદિગ્ધની ઓળખ 31 વર્ષીય કૉલ ટૉમસ ઍલન તરીકે થઈ છે, જે કૅલિફોર્નિયાના ટૉરન્સ શહેરનો રહેવાસી છે.

મેટ્રોપોલિટન પોલીસ વિભાગના ઇન્ચાર્જ ચીફ જૅફ્રી કેરોલે જણાવ્યું કે સંદિગ્ધ એ જ હોટલમાં રોકાયો હતો, જ્યાં કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. તે જે રૂમમાં રોકાયો હતો, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

જ્યારે જૅફ્રી કેરોલને પૂછવામાં આવ્યું કે "સંદિગ્ધનો હેતુ શું હતો?", ત્યારે તેમણે કહ્યું કે હજુ સુધી એ વિશે કંઈ જાણવા મળ્યું નથી.

જૅફ્રીએ કહ્યું, "ગોળીબાર થવો એ સુરક્ષામાં કચાશ કે ખામી નથી. જ્યાં સંદિગ્ધને અટકાવવામાં આવ્યો તે ચેકપૉઇન્ટ ખાસ કારણસર મૂકવામાં આવ્યો હતો અને તેણે પોતાનું કામ બરાબર કર્યું."

જૅફ્રી કેરોલે વધુમાં જણાવ્યું કે સંદિગ્ધ પાસે અનેક હથિયારો હતાં.

તેમણે જણાવ્યું, "તેની પાસે એક શૉટગન, એક હૅન્ડગન અને ઘણાં ચાકૂ હતાં. સંદિગ્ધને કોઈ ગોળી લાગી નથી અને પ્રારંભિક તપાસ મુજબ તે એકલો જ હુમલાખોર હતો. હવે લોકો માટે કોઈ જોખમ નથી."

ધરપકડ કરાયેલી વ્યક્તિને સોમવારે કોર્ટમાં રજૂ કરાશે

વૉશિંગ્ટન ડીસીનાં મેયરે જણાવ્યું કે સંદિગ્ધને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તે પોલીસ કસ્ટડીમાં છે.

અમેરિકન ઍટોર્ની જીનિન પિરોએ જણાવ્યું કે સંદિગ્ધ સામે બે આરોપ લગાવવામાં આવ્યા છે —

  • હિંસક ગુના દરમિયાન હથિયારનો ઉપયોગ
  • ખતરનાક હથિયાર વડે ફેડરલ અધિકારીઓ પર હુમલો

તેમણે જણાવ્યું કે સંદિગ્ધને સોમવારે ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ટ્રમ્પે કેવી રીતે વર્ણવી આખી ઘટના?

વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે યોજાયેલા ડિનર કાર્યક્રમમાં ફાયરિંગ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુરક્ષા વ્યવસ્થા અંગે એક નિવેદન આપ્યું હતું.

પત્રકારોએ જ્યારે પૂછ્યું કે શું પહેલેથી કોઈ આ હુમલાની ચેતવણી કે સંકેત મળ્યા હતા, ત્યારે ટ્રમ્પે કહ્યું, "કોઈ માહિતી નહોતી."

તેમણે કહ્યું કે તેમને હુમલા પાછળના હેતુ વિશે ખબર નથી, પરંતુ સંદિગ્ધ વિશે તેમણે જણાવ્યું કે તે "ખૂબ જ ખતરનાક દેખાતો હતો."

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સંદિગ્ધ આશરે 50 ગજ દૂરથી દોડતો આવ્યો હતો, ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓએ પોતાનાં હથિયારો કાઢી લીધાં.

ટ્રમ્પે કહ્યું કે જે સંદિગ્ધને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, તે "ખૂબ જ બીમાર માણસ" હતો.

અધિકારીઓએ કૅલિફોર્નિયામાં સંદિગ્ધના ઍપાર્ટમેન્ટ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મીડિયા સાથે વાત કરતા પહેલાં ટ્રમ્પે સીસીટીવી ફૂટેજ પણ શૅર કર્યાં હતાં, જેમાં હોટલના બૉલરૂમમાં સંદિગ્ધ વ્યક્તિ દોડતી દેખાઈ રહી છે. તે સુરક્ષા ચેકપૉઇન્ટ પાસેના મશીનને પાસ કરે છે અને તે જ સમયે સુરક્ષા એજન્ટો પોતાની બંદૂકો કાઢે છે.

ટ્રમ્પે જણાવ્યું, "આજે રાત્રે હુમલાખોર બૉલરૂમની નજીક પહોંચી શક્યો નહોતો, કારણ કે આખા વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યો હતો."

હાલનાં વર્ષોમાં ટ્રમ્પ પર બે વાર જીવલેણ હુમલાની કોશિશ થઈ ચૂકી છે. જોકે પોલીસે હજુ સુધી આજ (શનિવાર)ના હુમલાખોરના હેતુ અંગે માહિતી આપી નથી.

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે આ ઘટના જુલાઈ 2024માં પૅન્સિલવેનિયા ખાતે થયેલી રેલીથી કેવી રીતે અલગ હતી, જ્યાં એક વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમણે કહ્યું કે તેઓ આવી ઘટનાઓ અંગે સતત ચિંતિત રહી શકતા નથી, પરંતુ પૅન્સિલવેનિયાની સરખામણીએ આજ રાત્રે સુરક્ષા વ્યવસ્થા ઘણી વધારે મજબૂત હતી.

ઘટનાસ્થળે હાજર બીબીસી સંવાદદાતાએ શું જણાવ્યું?

બીબીસીના નૉર્થ અમેરિકા સંવાદદાતા ગૅરી ઑʼડોનહ્યૂ પણ તે સમયે ડિનર પાર્ટીમાં હાજર હતા.

તેમણે જણાવ્યું, "આ ઘટના આશરે રાત્રે 8:35 વાગ્યે (અમેરિકન સમય મુજબ) ઘટી. અમે સ્ટેજથી લગભગ 40 ફૂટ દૂર બેઠા હતા અને મુખ્ય દરવાજા અમારી સામે આશરે 100 ફૂટના અંતરે હતા."

તેમણે જણાવ્યું, "મુખ્ય દરવાજા તરફથી કેટલાક અવાજો સંભળાયા. સ્પષ્ટ નહોતું કે તે કયા પ્રકારના અવાજો હતા, પરંતુ તે ધડાકા જેવા લાગતા હતા, જે સામાન્ય રીતે ઑટોમેટિક ફાયર જેવા કહી શકાય."

તેમણે ઉમેર્યું કે હવે વ્હાઇટ હાઉસ પૂલ તરફથી માહિતી મળી છે કે એક હથિયારબંધ વ્યક્તિએ ઍન્ટ્રી ગેટ પર લગાવવામાં આવેલા મેગ્નેટોમીટર પાસ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે જ સિક્રેટ સર્વિસ તથા સુરક્ષા ટીમે તેને પકડી લીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન