સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષા સંબંધિત કઈ અરજીને ફગાવી દીધી? - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

સુપ્રીમ કોર્ટે સોમવારે NEET-UG પરીક્ષાને કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) એટલે કે ઓનલાઈન લેવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

આનો અર્થ એ થયો કે 21 જૂને યોજાનારી NEET-UG રી-ટેસ્ટ પરીક્ષા ફક્ત જૂના 'પેન-પેપર મોડ' (OMR શીટ) માં જ લેવામાં આવશે.

વેબસાઇટ લાઇવ લૉ અનુસાર, ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને અરવિંદ કુમારની બૅન્ચ આરજેડી સાંસદ સુધાકરસિંહ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં નીટ પરીક્ષા સંબંધિત અનેક રાહતોની માંગ કરવામાં આવી હતી.

કોર્ટે કેસ જુલાઈ સુધી મુલતવી રાખ્યો હતો. આનો અર્થ એ થયો કે નીટની પરીક્ષાને CBT મોડમાં ફરીથી લેવાની માગને હાલ પૂરતી નકારી કાઢવામાં આવી છે.

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકે ભારત આવ્યા બાદ વિરોધપ્રદર્શન કરવાની જાહેરાત કરી

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દિપકેએ આજે કહ્યું છે કે તેઓ છ જૂને ભારત પાછા ફરશે અને દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન શરૂ કરશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અભિજિતે કહ્યું છે કે આ વિરોધપ્રદર્શન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે કરવામાં આવશે. તેમનું કહેવું છે કે પરીક્ષાઓ સંબંધિત ઘણી કથિત ગેરરીતિઓ થઈ છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં અભિજિતે આ પાર્ટીના સમર્થકો અને વિદ્યાર્થીઓને દિલ્હીમાં તેમના વિરોધપ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી.

તેમણે કહ્યું, "હવે સમય આવી ગયો છે કે આપણે બધા એક સાથે આવીએ, બંધારણના માર્ગે ચાલીએ, અને શાંતિથી આપણો અવાજ ઉઠાવીએ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરીએ. જો આપણે બધા સાથે મળીને આપણો અવાજ ઉઠાવીશું, તો તેમને આપણો અવાજ સાંભળવો પડશે."

IPL 2026: ફાઇનલ જીતનાર રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2026 ની ફાઇનલ મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (આરસીબી)ની ટીમ જીતી ગઈ છે. ગુજરાત ટાઇટન્સની ટીમ આ સિઝનમાં રનર-અપ રહી છે.

બંને જ ટીમને પ્રાઇઝ મની મળી હતી. ચૅમ્પિયન બનનાર આરસીબીને ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયા મળ્યા હતા.

જ્યારે રનર-અપ ટીમ ગુજરાત ટાઇટન્સને 12.5 કરોડ રૂપિયા મળ્યા છે.

રાજસ્થાન રૉયલ્સના પ્લેયર વૈભવ સૂર્યવંશીને કુલ 5 ઍવૉર્ડ મળ્યા છે.

વૈભવે સિઝનમાં સૌથી વધારે 776 રન બનાવીને ઑરેન્જ કૅપનું ટાઇટલ જીત્યો છે. તેમણે મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર, મોસ્ટ સિક્સ ઍવૉર્ડ અને સુપર સ્ટ્રાઇકર ઑફ ધ સિઝન સહિત કુલ પાંચ ઍવૉર્ડ જીત્યા.

IPL 2026ની ફાઇનલ મૅચ બાદ ગુજરાત ટાઇટન્સની બસમાં શૉર્ટ સર્કિટ, શું થયું હતું

ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2026 ની ફાઇનલ મૅચ બાદ ગુજરાત ટાઇટન્સની ટીમની બસમાં શૉર્ટ સર્કિટ થઈ ગયું હતું. આ બસ રવિવાર મોડી રાત્રે ખેલાડીઓને લઈને સ્ટેડિયમથી હોટેલ જઈ રહી હતી.

સમાચાર સંસ્થા પીટીઆઈને મળેલી માહિતી અનુસાર, ટીમના બધા સભ્યો સુરક્ષિત છે અને કોઈને નુકસાન થયું નથી.

બસની અંદર ધુમાડો ફેલાયા બાદ ખેલાડીઓ અને સ્ટાફ થોડી વાર રસ્તા પર રાહ જોતા રહ્યા, પછી બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી અને તેઓ હોટેલ પહોંચ્યા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (આરસીબી)સામે હારી ગઈ હતી.

આરસીબી પાંચ વિકેટથી જીત મેળવીને સતત બીજી સિઝનમાં ટ્રોફી જીતવામાં સફળ થઈ છે.

કૉમર્શિયલ એલપીજી સિલિંડરના ભાવ વધ્યા, હવે કેટલી કિંમત થઈ

કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આજે એટલે કે પહેલી જૂને વધારો થયો છે. ભારતની સૌથી મોટી સરકારી રિફાઇનરી કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને 19 કિલોવાળા કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 42 રૂપિયાનો વધારો કર્યો છે.

દિલ્હીમાં કૉમર્શિયલ સિલિન્ડર 3113.50 રૂપિયામાં મળે છે. જ્યારે પાંચ કિલોવાળા એલપીજીસિલિન્ડરના ભાવ 821 રૂપિયા થઈ ગઈ છે.

જોકે, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ વધારો નથી થયો.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ શુક્રવારે કહ્યું હતું કે સરકાર ઈંધણ સુરક્ષાને મજબૂત કરવા માટે રણનીતિક ભંડાર બનાવી રહી છે અને સતત સપ્લાય સુનિશ્ચિત કરી રહી છે. તેમણે કહ્યું કે સંગ્રહખોરી વિરુદ્ધ સતત પગલાં લેવામાં આવી રહ્યાં છે.

વૈભવ સૂર્યવંશીએ પાંચ ઍવૉર્ડ જીત્યા બાદ કહ્યું – 'દબાણ અનુભવી રહ્યો છું'

રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ (આરસીબી)એ ગુજરાત ટાઇટન્સને હરાવીને સતત બીજી સિજનમાં આઈપીએલનો ખિતાબ જીત્યો છે. જોકે આ સિઝનમાં સૌથી વધારે ચર્ચા રાજસ્થાન રૉયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે.

વૈભવ સૂર્યવંશીએ સિઝનમાં સૌથી વધારે 776 રન બનાવીને ઑરેન્જ કૅપ જીતી હતી. તેમણે મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર, મોસ્ટ સિક્સ ઍવૉર્ડ અને સુપર સ્ટ્રાઇકર ઑફ ઝ સિઝન સહિત પાંચ ઍવૉર્ડ જીત્યા.

મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયરનો ઍવૉર્ડ મળ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું કે, "સારું લાગી રહ્યું છે પણ ઇન્ટરવ્યૂ આપવામાં થોડું દબાણ પણ લાગી રહ્યું છે."

વૈભવ સૂર્યવંશીએ રવિ શાસ્ત્રી સાથે વાત કરતા કહ્યું હતું કે, "આ સિઝનમાં શીખ્યું કે પ્રેશરવાળી ગેમમાં કેવી રીતે રમવું, પોતાની ગેમને ક્યારે કેવી રીતે ચેન્જ કરવાની છે."

તેમણે કહ્યું કે, "દરેક ગેમ તમે એક જ મોડમાં ન રમી શકો. તમારે ગેમને સ્થિતિને સમજીને રમવી પડશે અને ટીમને શું જરૂર છે તેના હિસાબથી રમવી પડશે."

મ્યાન્મારમાં ભીષણ વિસ્ફોટમાં 55 લોકોનાં મોત, અત્યાર સુધી શું-શું જાણવા મળ્યું

પેટ્રિક જૅક્સન અને બીબીસી બર્મીઝ

મ્યાન્મારમાં રવિવારે થયેલા એક ભીષણ બ્લાસ્ટમાં 55 લોકોનાં મોત થયાં અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ વિસ્તાર વિદ્રોહીઓના કબજામાં છે.

શાન રાજ્યમાં નામખામ ટાઉનશિપમાં થયેલી આ ઘટના વિશે એક સૂત્રએ જણાવ્યું કે 25 મહિલાઓ અને 30 પુરુષો માર્યા ગયા છે. કેટલાક અન્ય રિપોર્ટમાં અલગ-અલગ આંકડા આપવામાં આવ્યા છે.

આ વિસ્તાર પર કબજો કરનાર જૂથ અને સેના સામે લડી રહેલા તાઆંગ નૅશનલ લિબરેશન આર્મી (ટીએનએલએ)એ કહ્યું કે ખદાન અને પથ્થર તોડવામાં વપરાતા વિસ્ફોટકો ફાટી ગયા છે, જેને કારણે દુર્ઘટના બની છે.

ટીએનએલએના નિવેદન અનુસાર આ દુર્ઘટના રવિવારે બપોરે 12 વાગ્યે થઈ.

ટીએનએલએ અનુસાર, "આ બ્લાસ્ટના રકારણે કેટલાંક ગામોના લોકોના જીવ ગયા છે, લોકો ઘાયલ થયા છે અને તેમનાં ઘરોને નુકસાન થયું છે."

એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું કે શરૂઆતમાં કેટલાક લોકોન લાગ્યું કે આ હવાઈ હુમલો છે.

તેમણે લખ્યું કે, "નસીબથી મારા ફોને મારો જીવ બચાવી લીધો. હું મારા રૂમમાં બેસીને નૂડલ્સ ખાઈ રહ્યો હતો અને ફોન જોઈ રહ્યો હતો. જો હું રસોડામાં હોત તો કદાચ જીવતો ન રહ્યો હોત."

તેમણે કહ્યું કે તેમના પગમાં હળવી ઈજા થઈ છે અને તેમનું ઘર તબાહ થઈ ગયું છે. તેમણે લખ્યું કે, "લોકો રડી રહ્યા હતા, પોતાનાં માતાપિતાને પોકારી રહ્યા હતા. એવું લાગ્યું કે દુનિયા ખતમ થઈ ગઈ છે."

તેમણે સવાલ ઉઠાવ્યો કે રહેણાક વિસ્તારની પાસે વિસ્ફોટકો ચલાવવાની મંજૂરી કેમ આપવામાં આવી. તેમણે કહ્યું કે જે પરિવારના લોકો મરી ગયા છે, તેઓ ત્યાર સુધી સંતુષ્ટ નહીં થાય જ્યાં સુધી અધિકારીઓ પૂરી સ્પષ્ટતા નહીં કરે.

એએફપી અનુસાર દેશના કેટલાક વિદ્રોહી જૂથ પોતાનું અભિયાન ચલાવવા માટે કિંમતી ખનીજોની ખદાનો પર નિર્ભર રહે છે. સુરક્ષાની નબળી વ્યવસ્થાને કારણે ખદાન ધસી જવાની ઘટનાઓ અને આવી દુર્ઘટના બને છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન