GT Vs RCB : એવું શું થયું હતું કે વિરાટ કોહલીની શુભમન ગિલ અને અમ્પાયર સાથે તકરાર થઈ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઇટન્સની ફાઇનલમાં આરસીબી બીજી વાર ટ્રૉફી જીતી ગયું છે.

ફાઇનલમાં આરસીબીને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે આસાનીથી પાર કરી લીધો હતો.

આરસીબી 2009, 2011 અને 2016 પણ આઇપીએલની ફાઇનલમાં પહોંચી હતી, પણ ખિતાબ જીતી શકી નહોતી.

આ મૅચમાં વિરાટ કોહલી કેન્દ્રસ્થાને રહ્યા હતા, તેમણે ઓપનિંગમાં આવીને છેક સુધી બેટિંગ કરી અને જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.

વિરાટ કોહલીની સામે રહેલા બૅટ્સમૅન એક પછી એક વિકેટ ગુમાવતા રહ્યા, પણ કોહલીએ તેમના અનુભવના જોરે એક છેડો સાચવી રાખ્યો અને સ્કોર પાર કરી લીધો.

જોકે આ સમયે મેદાનમાં વિરાટ કોહલી અને ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલ વચ્ચે નાની એવી તકરાર પણ થઈ હતી.

જ્યારે વિરાટ કોહલીનો કૅચ છૂટ્યો

ફાઇનલમાં અગાઉની જેમ આ મૅચમાં પણ આરસીબી માટે વિરાટ કોહલી મહત્ત્વના સાબિત થયા હતા. ઓપનિંગમાં આવેલા વિરાટ કોહલીએ તેમની નિરંતર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા.

આરસીબી જ્યારે 16મી ઓવરમાં જીતથી 11 રન દૂર હતી એ સમયે અરશદ ખાનની ઓવરમાં વિરાટ કોહલીએ મિડઑફમાં શૉટ માર્યો અને શુભમન ગિલે આગળ વધીને ડાઇવ મારીને કૅચ કર્યો હતો.

એક તબક્કે એવું લાગતું હતું કે વિરાટ કોહલી આઉટ થઈ ગયા છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ પણ ઉજવણી શરૂ કરી દીધી હતી. આ સમયે વિરાટ કોહલીના રન 63 હતા.

જોકે વિરાટ કોહલીએ મેદાન પર હાજર અમ્પાયરને અપીલ કરી હતી કે તમે આ કૅચને ચેક કરો. આરસીબીએ આ કૅચ અંગે કોઈ રિવ્યૂ નહોતો લીધો.

આ સમયે વિરાટ કોહલી કૅચ કરનાર શુભમન ગિલ સાથે પણ કંઈક ચર્ચા કરતા જોવા મળ્યા હતા. તેમણે અમ્પાયરને પણ 'ડાઉટ' અંગે પૂછ્યું હતું.

એ પછી રિપ્લેમાં ટીવી અમ્પાયરને જણાયું કે બૉલ જમીનને અડી ગયો હતો અને વિરાટ કોહલીને નૉટ આઉટ જાહેર કર્યા હતા.

ગુજરાત ટાઇન્સ સામે ફાઇનલમાં કોહલીનું શાનદાર પ્રદર્શન

વિરાટ કોહલી ક્રિકેટજગતમાં 'ચેઝ માસ્ટર' તરીકે જાણીતા છે અને આ મૅચમાં પણ એવી જ ઇનિંગ રમી.

વેંકટેશ અય્યર અને વિરાટ કોહલી આરસીબી તરફથી ઓપનિંગમાં આવ્યા હતા. મૅચની શરૂઆત સારી રહી, પણ મોહમ્મદ સિરાજની બૉલિંગમાં અય્યર રબાડાને કૅચ આપી બેઠા. વેંકટેશ અય્યરને 16 બૉલમાં 32 રન કર્યા હતા.

જોકે આ સમયે પણ વિરાટનું બૅટ ફરતું રહ્યું હતું. વિરાટ કોહલીએ ચોથી ઓવર લઈને આવેલા કગિસો રબાડાની લાઇન લૅન્થ જાણે કે બગાડી નાખી હતી. વિરાટે પહેલા બૉલે લૅગ સાઇડમાં ચોગ્ગો માર્યો. એ પછી 4,6, 4 ફટકાર્યા. આમ પ્રથમ ચાર બૉલમાં 18 રન લઈ લીધા.

આરસીબીની પહેલી વિકેટ પડ્યા બાદ બેટિંગમાં આવેલા દેવદત્ત (1 રન) રજત પાટીદાર (15 રન) અને કુણાલ પંડ્યા (1 રન) કરીને આઉટ થઈ ગયા. એક તબક્કે એવું પણ લાગતું હતું કે આરસીબીની બેટિંગ લાઇનમાં દબાણમાં આવી ગઈ છે.

પણ સામે છેડો સાચવીને ઊભેલા વિરાટ એમના અનુભવના આધારે રન કરતા રહ્યા અને આરસીબીનો સ્કોર આગળ વધારતા રહ્યા.

છઠા ક્રમે બેટિંગમાં ઊતરેલા ટિમ ડેવિડે આરસીબીના ખાતામાં 24 રન જોડ્યા હતા અને વિરાટ હજુ પણ ક્રીઝ પર હતા.

આ સમયે ગુજરાત ટાઇટન્સના બૉલરોએ આરસીબીની વિકેટો પાડવાની ઘણી મહેનત કરી, પરંતુ ધીમે ધીમે સ્કોર આગળ વધતો રહ્યો અને આરસીબી જીતની નજીક પહોંચી ગયું.

વિરાટે 156 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં અણનમ 75 રન (42 બૉલ) કર્યા હતા. જેમાં ત્રણ સિક્સર અને નવ ચોગ્ગા સામેલ છે.

અને છેલ્લે અરશદ ખાનની 18મી ઓવરમાં આરસીબીએ જીત પાક્કી કરી નાખી. ઓવરના પાંચમા બૉલે વિરાટે ચોગ્ગો માર્યો અને બંને ટીમનો સ્કોર સરખો થઈ ગયો.

અને વિરાટે સિક્સર ફટકારી અને આરસીબીને જીત અપાવી.

મૅચ બાદ વિરાટ કોહલીએ કહ્યું કે "મેં મારા સાથીઓને કહ્યું હતું કે ગત વખતે જેટલું દબાણ હતું એટલું આ વખતે લાગતું નથી. સૌની શાનદાર રમતનું સંયોજન આજની રાત્રે જોવા મળ્યું. બ્રૅક પછી અમને થોડી હાર મળી પણ અમે ટૉપ પર જ ફિનિશ કરવા માગતા હતા."

ગુજરાત ટાઇટન્સની નબળી શરૂઆત

આરસીબીએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી નહોતી રહી.

ક્વૉલિફાયર-2માં મૅચના હીરો રહેલા શુભમન ગિલ અને સાઈ સુદર્શન ફાઇનલમાં ચાલ્યા નહોતા.

ફાઇનલની ઓપનિંગમાં આવેલા કૅપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન તેમનું પહેલાં જેવું પ્રદર્શન ફાઇનલમાં કરી શક્યા નહોતા.

સાઈ માત્ર 12 રન અને ગિલ પણ માત્ર 10 રન કરીને પેવેલિયન ભેગા થઈ ગયા. એટલે કે બંને ખેલાડી આઉટ થયા ત્યારે ગુજરાતનો સ્કોર માત્ર 30 રન હતો.

પહેલી ચાર ઓવરમાં જ આ બે ખેલાડી આઉટ થઈ જતા ગુજરાત ટાઇટન્સ શરૂઆતથી દબાણમાં આવી ગઈ હતી.

એ ઉલ્લેખનીય છે કે ગિલ અને સાઈના નામે આ સિઝનમાં 700થી વધુ રન બોલે છે.

કૅપ્ટન શુભમન ગિલે ફાઇનલમાં હાર મળ્યા પછી કહ્યું કે જો અમે 180થી 190 રન બનાવતા તો આ સારી મૅચ હોત.

પહેલી ત્રણ ચાર ઓવરમાં ઝડપી બૉલરોને સારી મૂવમેન્ટ મળી હતી અને અમે શરૂઆતમાં વિકેટ ગુમાવીને તેમાં જ મોમેન્ટમ ખોઈ નાખી હતી.

આરસીબીના બૉલરોએ જીટીના બૅટ્સમૅનોને ટકવા ન દીધા

ગુજરાત ટાઇટન્સના બૅટ્સમૅન જ્યારે મેદાનમાં ઊતર્યા ત્યારથી જ આરસીબીના બૉલરોએ જોઈ વિચારીને બૉલિંગ કરી અને ગુજરાત ટાઇટન્સની બેટિંગ લાઇનને કાબૂમાં રાખી.

આરબીસીમાં હેઝલવૂડ, ભુવનેશ્વરકુમાર, ડફી, કુણાલ અને રસિખ સલામ ડાર જેવા બૉલરો હતા. હેઝલવૂડે ગત વર્ષે આરસીબી તરફથી સૌથી વધુ 22 વિકેટ લીધી હતી.

ગુજરાત ટાઇટન્સની શરૂઆતની ચાર વિકેટ બહુ સસ્તામાં પડી ગઈ હતી. ચારમાંથી એક પણ બૅટ્સમૅનનો સ્કોર 20 રનથી વધુ નહોતો.

જોશ હેઝલવૂડે મહત્ત્વની ગણાતી ગિલ અને સાઈની ઓપનિંગ જોડીને તોડી હતી. જોશ હેઝલવૂડે ગિલની વિકેટ લીધી. તો ભુવનેશ્વરકુમારે સાઈ સુદર્શનની વિકેટ લીધી. ગુજરાત ટાઇટન્સના આ બંને બૅટ્સમૅન માત્ર 22 કરી શક્યા હતા.

વૉશિંગ્ટન સુંદર ક્રીઝ પર રહ્યા, પણ સામે છેડે આરસીબીના બૉલરો એક પછી એક વિકેટ ખેરવતા રહ્યા.

ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધુ રન વૉશિંગ્ટન સુંદર (50 અણનમ) કરી શક્યા હતા. જોકે માત્ર એક બૅટ્સમૅનના જોરે ગુજરાત ટાઇટન્સનો સ્કોર એટલો મોટો ન બની શક્યો કે આરસીબીને બહુ મુશ્કેલી પડે.

આરસીબી તરફથી રસિખ સલામે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી અને 27 રન આપ્યા હતા. રસિખ સલામ ડારે નિશાંત સિન્ધુ (20 રન), રાહુલ તેવટિયા (7 રન) અને રાશિદ ખાન (7 રન)ની વિકેટ લીધી હતી. જ્યારે જોશ હેઝલવૂડ અને ભુવનેશ્વરકુમારે બે-બે વિકેટ લીધી હતી.

આરબીસીના બૉલરોની બૉલિંગ એટલી ચુસ્ત હતી કે ગુજરાતના બૅટ્સમૅનો 20 ઓવરમાં માત્ર ત્રણ સિક્સર મારી શક્યા હતા.

વિરાટ કોહલીએ આરસીબીની વર્તમાન બૉલિંગ લાઇનઅપને 'વર્લ્ડ ક્લાસ' બૉલિંગ લાઇનઅપ ગણાવી હતી.

ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં જીત બાદ વિરાટ કોહલીએ કહ્યું કે "હવે અમારી પાસે એવા બૉલરો છે, જેના પર કોઈ પણ પરિસ્થિતિમાં વિશ્વાસ કરી શકાય છે."

આરસીબીના કૅપ્ટન રજત પાટીદારે કહ્યું કે "અમારો પ્લાન એકદમ ક્લિયર હતો અને રન ચેઝ કરવા ઘણું સરળ હતું. અમે તેમની ટૉપ-ત્રણ વિકેટ જલદી લેવા માગતા હતા. ભુવી, હેઝલવૂડ, રસિખ, કુણાલ અને શેફ્ફી બધા શાનદાર હતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન