You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'કોઈનું બાળક જોઉં તો થતું કે મારે પણ એક બાળક હોય', નસબંધી કરાવી ચૂકેલા નક્સલીઓની કહાણી
- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
"જ્યારે મેં કોઈ અન્યનું બાળક જોયું ત્યારે મેં વિચાર્યું કે મારી પાસે પણ આવું એક બાળક હોત તો હું એને ખોળામાં લઈને બધે ફરત, તેને બહુ પ્રેમ કરત અને તેને લાડકોડથી ઉછેરત."
પોતાના આંગણામાં એક ઝાડની નીચે ચટાઈ પર બેસીને મંદા ડોરપેટ્ટી વાત કરે છે અને કહે છે કે તેમની માતા બનવાની ઇચ્છા કેટલી પ્રબળ હતી. મંદા એક કટ્ટર નક્સલી છે અને હાલમાં ગઢચિરૌલી વિસ્તારમાં રહે છે. તેમણે ચાર રૂમનું પાકું ઘર બનાવ્યું છે અને પોતાના ઘરની પાસે એક નર્સરીમાં મજૂરીકામ કરીને પોતાનું જીવન ગુજારે છે.
આત્મસમર્પણ કર્યા બાદ માત્ર પતિ-પત્ની તરીકે જીવવાને બદલે તેઓ બાળકો પેદા કરવા માગે છે. જોકે તેમણે એ પણ વિચાર્યું કે આ શક્ય નહોતું, કેમ કે તેમના પતિએ નક્સલી આંદોલન સમયે નસબંધી કરાવી નાખી હતી.
પરંતુ હવે મંદાની માતા બનવાની ઇચ્છા પૂરી થઈ છે. તેમને બે પુત્રી છે અને તેમનો પરિવાર ખુશખુશાલ છે. ગઢચિરૌલી પોલીસના 'પ્રોજેક્ટ સંજીવની' હેઠળ કૃષ્ણાની નસબંધી ફરી ખોલવાને કારણે આ શક્ય બન્યું છે. મંદા કહે છે, "જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે મને લાગ્યું કે મારું પણ એક બાળક હશે. અમે તેની સાથે રમીશું, હું બહુ ખુશ હતી."
તેમના પતિ કૃષ્ણા કહે છે કે તેમના જીવનમાં પુત્રીઓ આવતાં અનેક ચીજો બદલાઈ ગઈ છે. તેઓ કહે છે, "નસબંધી ખોલ્યા પછી પહેલી વાર પ્રથમ છોકરીનો જન્મ થયો છે. જ્યારે હું બહારથી ઘરે આવું છું ત્યારે તે દોડતી આવે છે અને કહે છે કે, 'પાપા આવી ગયા, પાપા આવી ગયા.' તે જુએ છે કે શું ખાવાનું લાવ્યા છે. અમારા માટે આ બહુ ખુશીની વાત છે."
પિતા બન્યા બાદ કૃષ્ણા બહુ ખુશ છે, પરંતુ આ ખુશી તેમના જીવનમાં અગાઉ નહોતી. તેઓ વર્ષ 2003માં નક્સલી આંદોલનમાં સામેલ થઈ ગયા હતા. તેમનું કહેવું છે કે તેઓ એ નક્સલીઓને જોઈને આંદોલનમાં સામેલ થયા હતા, જે તેમના ગામમાં આવતા, ગાતા અને નાચતા હતા. તેમનો પોશાક અને હથિયારો જોઈને તેઓ આંદોલનમાં સામેલ થયા હતા. તેઓ 2006માં લગ્ન કરવા માગતા હતા. એ સમયે તેમની નસબંધીની સર્જરી થઈ હતી. બાદમાં તેમણે 2014 સુધી 11 વર્ષ નક્સલી આંદોલનમાં કામ કર્યું.
જોકે પોલીસનું પેટ્રોલિંગ વધી ગયું અને જંગલમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું, તેથી તેમણે પોતાની પત્નીની સાથે ગઢચિરૌલી પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું.
કૃષ્ણાનું કહેવું છે કે 2009 બાદ પોલીસ દળમાં વધારો થયો. ક્યાંય પાણી નહોતું. "અમે ખાવાનું બનાવી શકતા નહોતા, કશું ખાવાનું પણ મળતું નહોતું. હું જ્યાં પણ ગયો ત્યાં પોલીસ આવી જતી. અમને લાગતું કે અહીં રહીશું તો મરી જઈશું. આથી એક રાતે અમે છુપાઈને નીકળી ગયા અને પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે સમયે તેમણે આત્મસમર્પણ કર્યું ત્યારે તેમણે પોલીસ પૂછપરછમાં પિતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
"જંગલમાં અમારે બાળકો થઈ શકતાં નહોતાં. પણ જ્યારે અહીં આવ્યા ત્યારે વિચાર્યું કે શું મારે નસબંધી ખોલાવી નાખવી જોઈએ? પૂછપરછમાં મને જણાવાયું કે મારી નસબંધી થઈ ગઈ છે. જો ફરીથી ખોલવા માગું તો ખોલાવી શકું? હું તૈયાર હતો."
આત્મસમર્પણના એક વર્ષમાં તેમણે નસબંધી ખોલાવવાની સર્જરી કરાવી અને એ સફળ રહી. કૃષ્ણા અને મંદાને ત્યાં 2016માં પ્રથમ પુત્રીનો જન્મ થયો. તેમની બીજી દીકરી પણ ત્રણ વર્ષની થઈ ગઈ છે.
અત્યાર સુધીમાં 50 આત્મસમર્પણ કરનાર નક્સલીઓની નસબંધી
કૃષ્ણા અને મંદા ભણી શક્યાં નથી, પરંતુ તેમની મોટી દીકરી ઘરની પાસે એક સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણે છે. તેઓ પોતાનાં બાળકોને શિક્ષિત કરીને મોટા બનાવવાનું સપનું જુએ છે.
કૃષ્ણા કહે છે, "અમે કશું શીખી શક્યાં નથી, પરંતુ પુત્રીઓને શિક્ષિત કરવાનું સપનું છે. જેટલું જોઈએ તેટલું શીખવા દો. અમે મહેનત કરીશું અને પૈસા કમાઈશું, પણ તેમને ભણાવવી છે. તેમના મનમાં જે સપનાં છે એ પૂરાં કરવાં છે."
ન માત્ર કૃષ્ણા પણ તેમના જેવા આત્મસમર્પણ કરનારા 50 નક્સલીઓની અત્યાર સુધીમાં નસબંધી તપાસાઈ છે અને ફરીથી એને ખોલાઈ છે. તેમાંથી આત્મસમર્પણ કરનારા 14 લોકોએ બાળકોને જન્મ આપ્યો છે.
તેમાંના એક જાનુ હેડો પણ છે, તેઓ કહે છે, "બાળકો હોવાથી જીવન સારું લાગે છે. ઘડપણમાં બાળકો સહારો બને છે. જંગલમાં બાળકોને રાખવાની કોઈ જગ્યા નહોતી, આથી અમારાં બાળકો ન થઈ શક્યાં. જોકે અહીં અમે સ્વતંત્ર રીતે રહી શકીએ છીએ."
જાનુને એક પુત્રી અને એક પુત્ર પણ છે. તેઓ ગઢચિરૌલી શહેરની નવજીવન સોસાયટીમાં રહે છે. ગઢચિરૌલી પોલીસ સામે આત્મસમર્પણ કર્યા સમયની વાત કરતાં તેમને પૂછવામાં આવે છે કે શું તેઓ મુખ્ય ધારામાં સામેલ થવા માગે છે. એવું પણ પુછાય છે કે શું તેઓ માતા-પિતા બનવા માગે છે?
ગઢચિરૌલીના તત્કાલીન પોલીસ અધીક્ષક નીલોત્પલ કહે છે, "જ્યારે આત્મસમર્પણની વાત આવે તો અમે જણાવીએ છીએ કે ગઢચિરૌલી પોલીસ તેમને મુખ્ય ધારામાં લાવવા માટે જે કરવું પડશે એ કરશે. અનેક લોકોએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે કહ્યું કે અમે પતિ-પત્ની છીએ, પરંતુ અમે લગ્ન નથી કર્યાં."
"અમે બાળકો ઇચ્છીએ છીએ. અમને આ સુવિધા આપવાનો મોકો મળ્યો છે. નસબંધી એક સર્જરી છે, જેને ફરીથી ખોલી શકાય છે. આથી અમે પ્લાસ્ટિક સર્જરી થકી આત્મસમર્પણ કરનાર નક્સલીઓને આ સુવિધા પૂરી પાડી છે." તેમના કાર્યકાળમાં મોટી સંખ્યામાં નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે.
'લગ્ન પહેલાં નસબંધી'
ગત વર્ષે જાન્યુઆરીમાં ભૂપતિ સમેત કેટલાક નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. વર્તમાનમાં તેઓ પોલીસ પરિસરમાં 'આત્મસમર્પણ સેલ'માં રહે છે. તપાસ દરમિયાન 14 મહિલાઓની નસબંધી ફરી ખોલાઈ છે. હવે તેમને આશા છે કે તેઓ બાળકને જન્મ આપી શકશે.
સર્જરી કરાવી ચૂકેલા શિવકુમાર તલ્લમ કહે છે, "અમે બાળકોને જંગલમાં રાખી શકતા નહોતા. જો બાળકોને જંગલમાં રખાય અને પોલીસ આવી જાય તો અમે શું કરીએ? આ સમસ્યા હતી. આથી લગ્ન પહેલાં અમારે નસબંધી કરાવવી પડી. આ પાર્ટીનો નિયમ હતો. હવે નસબંધી ખોલી દેવાઈ છે, આશા છે કે અમારે બાળકો થશે."
રામ તારામ માત્ર 30 વર્ષના છે, તેઓ કહે છે, "અમે યુવાન છીએ તો કામ કરી શકીએ છીએ. ઘડપણમાં અમારું શું થશે? ઘડપણમાં અમને સહારો આપવા બાળકોની જરૂર છે. આથી અમે નસબંધી ખોલાવી દીધી છે. હવે અમે ઘર જઈશું, ખેતી કરીશું અને બાળકો પેદા કરીશું."
'તાલીમ લઈને એક વ્યક્તિએ સર્જરી કરી'
'તાલીમ લઈને એક વ્યક્તિએ સર્જરી કરી'
આ બધાં ઑપરેશન જંગલમાં કરાયાં હતાં. તેમનું કહેવું છે કે ત્યાં એક ડૉક્ટરે તેમનાં ઑપરેશન કર્યાં હતાં. આ ડૉક્ટર દલમ (નક્સલીઓનું જૂથ)ના હતા અને તેમણે એક એમબીબીએસ ડૉક્ટર પાસેથી સર્જરીની તાલીમ લીધી હતી.
અમારી મુલાકાત અર્જુન ઇચામી સાથે થઈ. અર્જુન છ ધોરણ સુધી ભણ્યા છે. તેઓ કહે છે કે તેઓ જંગલમાં સર્જરી કરી ચૂક્યા છે. તેઓ કહે છે, "મને એક એમબીબીએસ ડૉક્ટરે છ મહિના તાલીમ આપી હતી. હું વિજ્ઞાન સંબંધિત બાબતો શીખી ગયો, જેમ કે રોગ કેવી રીતે થાય છે, તેની સારવાર શું હોય છે. એમબીબીએસ ડૉક્ટરે મને બધું શીખવાડ્યું હતું."
"બાદમાં હું ન માત્ર નસબંધી કરતો હતો, પણ અન્ય સર્જરી પણ કરતો હતો. કેટલાક લોકો સારવાર માટે રાયપુર જતા હતા, પણ ત્યાં કોઈ ફાયદો થતો નહોતો. આથી તેમની સારવાર જંગલમાં જ કરી દેતો હતો. અત્યાર સુધીમાં મેં 500 લોકોની નસબંધી કરી છે."
અર્જુને પણ એક વર્ષ પહેલાં આત્મસમર્પણ કર્યું હતું. હવે તેઓ તેમના પરિવાર સાથે કસનસૂરજ પાસેના એક ગામમાં રહે છે અને ખેતી કરે છે.
જોકે તપાસમાં સામેલ ડૉ. અમિત પાટીદાર કહે છે કે આવા લોકો દ્વારા થયેલી સર્જરીમાં અનેક ખામી જોવા મળી છે. તેઓ કહે છે, "જંગલમાં કરાયેલી કેટલીક સર્જરી અમાન્ય હતી. એક બાજુ કરાઈ હતી, બીજી બાજુ નહીં, કેમ કે આ સર્જરી જંગલમાં અપ્રશિક્ષિત લોકો દ્વારા કરાવાતી હતી."
તેમણે એ પણ કહ્યું, "એ પણ સત્ય છે કે તેમને બાળકો નહોતાં, ભલે સર્જરી માનક રીતોથી કરાઈ નહોતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન