'ગરમ પાણીના ટબમાં બાળકીને નવડાવી અને તેનું મૃત્યુ થયું', હત્યારી સાવકી માતાનું રહસ્ય ખૂલતાં 50 વર્ષ લાગ્યાં

    • લેેખક, સોન્યા જેસઅપ
    • પદ, બીબીસી લંડન હોમ અફેર્સ સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

સપ્ટેમ્બર 2022ના એક રવિવારે એક માણસ ક્રોયડન પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો અને અધિકારીઓને કહ્યું કે તેમણે લગભગ અડધી સદીથી સાચવી રાખેલું એક ભયંકર રહસ્ય જાહેર કરવું છે.

ડેસમન્ડ બર્નાર્ડે જણાવ્યું કે કેવી રીતે 1978માં તેની સાવકી માતાએ તેની પાંચ વર્ષની બહેન એન્ડ્રિયાને દક્ષિણ લંડનના થૉર્ન્ટન હીથમાં આવેલા તેમના ઘરે ગરમ પાણીમાં નવડાવીને મારી નાખી હતી.

તેના મૃત્યુને હંમેશાં એક અકસ્માત ગણી લેવામાં આવ્યો હતો, પરંતુ બર્નાર્ડ, જે તે સમયે માત્ર આઠ વર્ષનાં હતાં, તેમણે અધિકારીઓને જણાવ્યું કે જેનિસ નિકસે તેમને ખરેખર જે થયું હતું તેના વિશે ખોટું બોલવાનો આદેશ આપ્યો હતો.

તેમણે જણાવ્યું કે ભાઈ-બહેન નિક્સ દ્વારા આપવામાં આવતી સજાના ખોફમાં જીવતાં હતાં. બંનેને ઢોર માર મારવામાં આવતો અને બિલાડીનો ખોરાક ખાવાની ફરજ પાડવામાં આવતી હતી.

મંગળવારે ઇસ્લેવર્થ ક્રાઉન કોર્ટની જ્યુરીએ 67 વર્ષીય નિક્સને એન્ડ્રિયાના હત્યાકાંડ અને બર્નાર્ડ પ્રત્યે બાળક્રૂરતા બદલ દોષી ઠેરવ્યાં.

  • ચેતવણી: આ લેખમાં વ્યથિત કરનારી સામગ્રી છે.

આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીઓનું સ્પષ્ટ માનવું છે કે જો દાયકાઓ બાદ બર્નાર્ડે હિંમત ન બતાવી હોત તો નિક્સને ક્યારેય સજા ન મળત.

મેટ્રોપોલિટન પોલીસની કોલ્ડ કેસ ટીમનાં ડિટેક્ટિવ કોન ફ્રેન હોમરે જણાવ્યું કે, એ સાંભળીને હૃદય ધ્રુજી ઊઠ્યું કે જે થયું તેના માટે બર્નાર્ડ પોતાને દોષી ગણી રહ્યા હતા, જોકે તે કોઈ પણ રીતે દોષી નહોતા.

તેમનું માનવું છે કે પોલીસ સ્ટેશને જવાનો તેમનો નિર્ણય એક એવા વિચારમાંથી આવ્યો હતો કે તેઓ "એન્ડ્રિયાનો એવો અવાજ બનવા માગતા હતા, જે તેને ક્યારેય મળ્યો નહોતો." અને તેમને લાગ્યું કે હવે તેમનાથી આટલા મોટા રહસ્યનો ભાર વધારે સહન નહીં કરી શકાય.

પરંતુ નિક્સને ગુનેગાર સાબિત કરવી ખૂબ જ મુશ્કેલ હતી, કેમ કે આ બાબતના પુરાવા બહુ જ ઓછા બચ્યા હતા.

હોમરે કહ્યું કે નવેમ્બર 2022માં જ્યારે નિક્સ પોલીસ ઇન્ટરવ્યૂ માટે સ્ટેશન પર આવી ત્યારે તે જરાકે ચિંતિત દેખાતી નહોતી.

શરૂઆતમાં તેણે દરેક પ્રશ્નનો જવાબ એટલો જ આપ્યો, "નો કૉમેન્ટ".

હોમરે કહ્યું, "મને લાગ્યું કે તે જાણતી હતી કે તે શું કરી રહી છે. તેને લાગ્યું કે એક છોકરાને બદલે મોટાની વાત વધારે માન્ય રાખવામાં આવશે, અને તે બચી જશે."

કાયદા-કાનૂનની મુશ્કેલીઓમાં ફસાવું એ નિક્સ માટે નવી નવાઈની વાત નહોતી. અગાઉ તેણે પોતાના ભૂતકાળ પર એક સંસ્મરણગ્રંથ લખ્યો હતો, જેમાં લંડનના કુખ્યાત ડ્રગ ડીલર મામા જે તરીકે તેમણે વિતાવેલું જીવન દર્શાવ્યું હતું.

તેમણે 2021માં આ વિશે બીબીસી સાથે વાત કરી હતી, જેમાં તેઓ કેવી રીતે ગુનાહિત જીવન છોડીને પ્રોબેશન ઑફિસર બન્યાં તેની વાત કરી હતી.

લગભગ 20 વર્ષ પહેલાં જ્યારે નિક્સને પહેલી વાર જેલમાંથી મુક્ત કરવામાં આવી, ત્યારે તેણે કહ્યું હતું કે તેમના ગુનાહિત રેકૉર્ડને કારણે તેમને નોકરી મળતી નહોતી ત્યારે તે ડિપ્રેશનનો ભોગ બની હતી.

ડિસેમ્બર 2016માં નિક્સને એક સરકારી પસંદગી સમિતિમાં સાક્ષી તરીકે બોલવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ગુનેગાર તરીકે તેને કાર્યસ્થળે કયા કયા પડકારોનો સામનો કરવો પડતો હતો.

તેણે કહ્યું હતું કે, "મને લાગ્યું કે સમાજ માફ કરવા તૈયાર નથી, પછી ભલે તમે બદલાઈ ગયા છો એ બતાવવા માટે ગમે તેટલા પ્રયત્નો કરો."

'આશ્ચર્યજનક તફાવતો'

પોલીસે જણાવ્યું કે તપાસની શરૂઆતના દિવસોમાં જ તેમને 6 જૂન 1978ની બપોરે એન્ડ્રિયા સાથે શું બન્યું હતું તે વિશેની નિક્સની વાતોમાં અસંગતતાઓ દેખાવા લાગી હતી.

એન્ડ્રિયાનું લગભગ અડધોઅડધ શરીર ગંભીર રીતે દાઝી ગયું હતું. તેના લીધે પાંચ દિવસ બાદ 13 જુલાઈના રોજ હૉસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

તે સમયે કોઈ પોલીસ તપાસ થઈ નહોતી. લંડનમાં ક્રાઉન પ્રૉસિક્યુશન સર્વિસના ડેપ્યુટી ચીફ ક્રાઉન પ્રૉસિક્યુટર ડેવિડ મેલોને જણાવ્યું કે તેના મૃત્યુની તપાસ માત્ર અડધા દિવસમાં પતી ગઈ હતી.

તેમણે જણાવ્યું કે, "આધુનિક સમયમાં હત્યાના કેસોની કાર્યવાહી ખૂબ જ અલગ રીતે થાય છે."

"હવે અમે ટેલિફોન, સીસીટીવી, ઑડિયોમાં અમારી પાસે જે ડેટા હોય તે જોઈએ છીએ. આજે તો દસ્તાવેજી પુરાવાઓનો ભંડાર છે. પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે આટલાં બધાં વર્ષો પાછળ જવાનું થાય ત્યારે સાક્ષીઓ પણ મૃત્યુ પામ્યા હોય છે."

હોમરે જણાવ્યું કે હૉસ્પિટલનો કોઈ જ રેકૉર્ડ જળવાયો નહોતો અને એ પણ જણાવ્યું કે અધિકારીઓએ આ કેસ સંબંધિત કંઈ માહિતી મળે છે કે નહીં તે જોવા સ્થાનિક મ્યુઝિયમ આર્કાઇવ્સ પણ ખોળી કાઢ્યાં.

તેમણે જૂના પડોશીઓને શોધવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ કોઈ પાસે તપાસને મદદરૂપ થાય તેવી માહિતી નહોતી.

જોકે તેમણે જણાવ્યું કે તેમને તે સમયની નિક્સની ગવાહી સાથેનો એક ટૂંકો કોરોનર રિપોર્ટ મળ્યો હતો, જેમાં નિક્સ આજે જે કહી રહ્યાં હતાં અને ત્યારે કહ્યું હતું તેમાં ચોંકાવનારા તફાવતો જોવા મળતા હતા. આ તફાવતો વિશે તેઓ સ્પષ્ટતા આપી શક્યાં નહોતાં.

ફેબ્રુઆરી 2025માં નિક્સની ઍરપૉર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. ત્યારે તેઓ એન્ટિગુઆથી લંડન પરત ફરી રહ્યાં હતાં. અને તે જ દિવસે તેની પર એન્ડ્રિયાની હત્યા અને ઑક્ટોબર 1975થી જૂન 1978 વચ્ચે બર્નાર્ડ સાથે ક્રૂરતા આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

હોમરે જણાવ્યું કે નિક્સ આઘાતમાં હોય તેવું લાગતું હતું.

ડિટેક્ટિવે જણાવ્યું, "મને નથી લાગતું કે તેણે ક્યારેય વિચાર્યું હશે કે તેનો ભૂતકાળ આ રીતે સામે આવીને ઊભો રહેશે."

'હું બસ એટલું જ ઇચ્છતો હતો કે આ બધું બંધ થઈ જાય'

નિક્સના કેસ દરમિયાન જ્યુરીએ સાંભળ્યું કે 1978માં નિક્સે શરૂઆતમાં એવો દાવો કર્યો હતો કે એન્ડ્રિયાએ પોતે સ્નાન કર્યું હતું, અને બાદમાં બેહોશ થતાં પહેલાં પગમાં ખંજવાળની ફરિયાદ કરી હતી.

નિક્સે સ્વીકાર્યું કે તેણે કોરોનરને ખોટી માહિતી આપી હતી, પરંતુ કહ્યું કે નાની છોકરીની દેખરેખ ન કરી શકવાને લીધે તે ગભરાઈ ગઈ હતી.

તેણે આ બાબતને તે સમયે પોતાના દ્વારા થયેલી બેદરકારી ગણાવી અને જ્યુરીને કહ્યું કે ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. તે બાગકામમાં વ્યસ્ત હતી ત્યારે તેને એન્ડ્રિયાની ચીસો સંભળાઈ અને તરત દોડાદોડ જઈને તેને પાણીમાંથી તેને બહાર ખેંચી કાઢી.

હોમરે કહ્યું કે તેણે ઘણા એવા દાવા કર્યા હતા કે જે સાવ પાયાવિહોણા હતા. અને નિષ્ણાતોએ તેને ખોટી ઠેરવી હતી. તેમાં એવા દાવા પણ હતા કે એન્ડ્રિયા ગંભીર રીતે દાઝી ગયાં પછી પણ વાતચીત કરી શકતી હતી, અને બૉઇલર તૂટી જવાથી બાથટબનું પાણી વધારે ગરમ થઈ ગયું હતું.

નિક્સે કોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે ક્યારેય બાળકો સાથે હિંસક વર્તન કર્યું જ નહોતું, પરંતુ ડેસમન્ડ બર્નાર્ડ, જેઓ હવે 56 વર્ષના થઈ ગયા છે, તેમણે પોતાની સાવકી માતા સાથેના ઘરના જીવનનું એક અલગ જ ચિત્ર વર્ણવ્યું.

તેમણે જ્યુરીને કહ્યું કે તે નિયમિતપણે બાળકોને મારતી હતી. નિક્સે તેને સિગારેટથી ડામ આપ્યા હતા અને બિલાડીનો ખોરાક પણ ખવડાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે 6 જૂનની બપોરે એન્ડ્રિયાએ તેમને કહ્યું હતું કે ઘર સાફ કરવામાં મદદ ન કરવાને કારણે તે મુશ્કેલીમાં છે.

બર્નાર્ડે કોર્ટને જણાવ્યું કે નિક્સ તેની નાની બહેન પર બરાડી હતી, તેને માર પણ માર્યો હતો અને તેમણે એન્ડ્રિયાનો એવો અવાજ પણ સાંભળ્યો હતો કે "બાથટબ ખૂબ ગરમ છે, મમ્મી".

પાણીનો છંટકાવ અને ચીસો સંભળાય તે પહેલાં તેમણે નિક્સને બૂમ પાડતાં પણ સાંભળ્યાં હતાં કે, "બાથટબમાં જા."

તેમણે જણાવ્યું કે નિક્સે પાછળથી એવું કહ્યું હતું કે જો હું બધાને એમ કહું કે આ એક અકસ્માત હતો, તો તે મને ફરી ક્યારેય નહીં મારે.

પ્રોસિક્યૂટર કેરી બ્રૂમે પૂછ્યું કે તેમણે ખોટું કેમ કહ્યું, ત્યારે બર્નાડે જવાબ આપ્યો, "કેમકે મને સલામતી નહોતી લાગતી, હું માત્ર એટલું જ ઇચ્છતો હતો કે આ બધું બંધ થઈ જાય."

હોમરે કહ્યું કે, "બંને બાળકો તેનાથી ખૂબ ડરતાં હતાં," બંને સાથે થયેલાં આ દુર્વ્યવહારને તેમણે ઘૃણાસ્પદ ગણાવ્યો.

તેમણે બર્નાર્ડની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ એક અદ્ભુત માણસ છે. અને કહ્યું કે તેમને કોર્ટમાં ઊભા રહીને પોતાની સાવકી માતાને જૂઠું બોલતાં અને પોતાને બદનામ કરવાનો પ્રયાસ કરતાં જોવાનું ખૂબ જ મુશ્કેલ લાગ્યું.

ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર લુઇસ કેવીને જણાવ્યું કે આ કેસ દર્શાવે છે કે પીડિતોને સાંભળવામાં આવશે, ભલે ગમે તેટલાં વર્ષો વીતી જાય.

"બર્નાર્ડ વિના કોઈ કેસ જ ન થઈ શકત, ન તો એન્ડ્રિયા વિશેનો કોઈ જવાબ મળત."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન