વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ વિશે પાકિસ્તાનમાં લોકો શું બોલ્યા, પાડોશી દેશમાં અપાયું ખાસ નામ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

રાજસ્થાન રૉયલ્સના યુવા બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી આઇપીએલ 2026માં પોતાના શાનદાર પ્રદર્શનથી ભારત સહિત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.

15 વર્ષીય ડાબોડી બૅટ્સમૅનની ધમાકેદાર બેટિંગ અને આક્રમક અંદાજને કારણે દુનિયાભરના પૂર્વ ક્રિકેટરો ભરપૂર વખાણ કરી રહ્યા છે. વૈભવની ચર્ચા ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ થઈ રહી છે, અનેક લોકો તેમનાં વખાણ કરી રહ્યા છે.

સચીન તેંડુલકરથી માંડીને વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેઇલ સુધી બધાએ વૈભવની પ્રતિભાને વખાણી છે. વૈભવનાં વખાણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પણ કર્યાં છે.

પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન અને સ્ટાર બૅટ્સમૅન મોહમ્મદ યુસૂફે રાજસ્થાન રૉયલના આ ઓપનરનાં ભરપૂર વખાણ કર્યાં છે.

યુસૂફે વૈભવને નીડર, વિસ્ફોટક અને ઊર્જાવાન બૅટ્સમૅન ગણાવ્યા, તેમજ તેમની તુલના પાકિસ્તાનના પૂર્વ સ્ટાર શાહિદ આફ્રિદી સાથે પણ કરી છે. આફ્રિદી પોતાની આક્રમક અને નીડર બેટિંગ માટે આખી દુનિયામાં જાણીતા છે.

યુસૂફે ઍૅક્સ પર લખ્યું કે "15 વર્ષીય વૈભવ સૂર્યવંશી મને યુવા શાહિદ આફ્રિદીની યાદ અપાવે છે. નીડર, વિસ્ફોટક અને ઊર્જાથી ભરપૂર. વૈભવનું ભવિષ્ય ઉજ્જવળ છે."

યુસૂફની ટિપ્પણી હકારાત્મક હતી, પરંતુ કેટલાક ભારતીય પ્રસંશકોને વૈભવની તુલના આફ્રિદી સાથે કરતા પસંદ પડ્યું નથી.

મોહમ્મદ યુસૂફનાં વખાણથી અસહમતિ

સોશિયલ મીડિયામાં અનેક લોકોએ આ તુલના કરતા મોહમ્મદ યુસૂફની ટીકા કરી છે.

અભિનવ રાજપૂત નામના એક ઍૅક્સ યૂઝરે લખ્યું, "પહેલાં વિરાટ કોહલીની તુલના રણજી કક્ષાના બૅટ્સમૅન બાબર આઝમ સાથે કરીને તેમનું અપમાન કર્યું. હવે વૈભવ સૂર્યવંશીની તુલના શાહિદ આફ્રિદી સાથે કરાઈ રહી છે."

"જ્યાં સુધી મને યાદ છે, આફ્રિદી મૂળ એક બૉલર હતા, તેમની એકાદ-બે વિસ્ફોટક ઇનિંગ ચોક્કસ હતી, પરંતુ વૈભવની બેટિંગ ટેકનિક, નિરંતરતા અને મૅચ કંટ્રોલ તેમનાથી સાવ અલગ સ્તર પણ દેખાઈ રહ્યું છે."

પાકિસ્તાનના સિનિયર સ્પૉર્ટ્સ જર્નલિસ્ટ અબ્દુલ ગફારે ઍક્સ પર લખ્યું છે, "મને નથી લાગતું કે વૈભવ માત્ર 15 વર્ષના હોય."

"ઘરેલુ અને આઇપીએલ ક્રિકેટમાં જે તેઓ કરી રહ્યા છે, એ પ્રભાવશાળી ચોક્કસ છે, પરંતુ અસલી પરીક્ષા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થશે."

"ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમની સરેરાશ હજુ પણ માત્ર 17 છે. પ્રતિભા સ્પષ્ટ દેખાય છે, પરંતુ લાંબી રેસ માટે ટેકનિક, નિરંતરતા અને દબાણમાં રમવાની ક્ષમતાનો ટેસ્ટ પણ બાકી છે. અસલી પરીક્ષા આવવાની બાકી છે."

બાસિતઅલીએ પોતાની યૂટ્યૂબ ચૅનલ પર કહ્યું, "હજુ આ બાળક છે, પરંતુ મિસ્ટર યુનિવર્સ બની ગયો. હું તેને પ્રેમથી બબલુ કહીશ, ભલે તમે સૂર્યવંશી કહો. શું બેટિંગ કરી છે."

"16 બૉલમાં 54 રન અને જે બૉલ પર આઉટ થયો છે, તે થર્ડ મૅન પર જો છગ્ગો લાગત તો ગેઇલનો રેકૉર્ડ પૂરો થઈ જાત. મને લાગે છે કે ગેઇલનો રેકૉર્ડ આ બાળક તોડી નાખશે."

બાસિતઅલીએ કહ્યું, "હું રાહુલ દ્રવિડ માટે તાળીઓ પાડીશ. એણે જ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સ માટે એક કરોડ 10 લાખમાં ખરીદાવ્યો હતો. રાહુલે દુનિયાને ભેટ આપી છે."

"આ કોઈ પણ બૉલરને ધોઈ શકે છે. જ્યારે આ બાળક આંતરરાષ્ટ્રીય રમશે તો આખી દુનિયામાં છવાઈ જશે."

"હું તેને બબલુ કહું છું, કેમ કે આ બબલું જ છે. તેની હરકતો પણ બબલું જેવી છે. રમતાં રમો બબલુમિયાં."

"દુનિયાના બૉલરો તમારાથી ડરશે. ઈસ્ટ કે વેસ્ટ સૂર્યવંશી ધ બેસ્ટ. તેણે બધાને હલબલાવી નાખ્યા."

" તો છગ્ગો પડવો જોઈતો હતો. એના 100 રન થવા જોઈતા હતા. 100થી વધુ ઇનિંગ તેણે રમી."

"જો એ 100 રન થઈ ગયા હોત તો આજે ગેઇલનો રેકૉર્ડ તૂટી જાત. આવનારા દિવસોમાં આ બાળક દુનિયા પર રાજ કરશે."

તો અગાઉ પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર કામરાન અકમલે કહ્યું હતું કે વૈભવ સૂર્યવંશી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર છે અને વર્તમાન આઇપીએલ સિઝન ખતમ થયા બાદ તેમને ભારતીય ટીમમાં મોકો મળી શકે છે.

પાકિસ્તાનમાં વૈભવ હોત તો શું થાત?

વૈભવે આ આઇપીએલમાં માત્ર 35 બૉલમાં સદી ફટકારીને ટુર્નામેન્ટમાં સૌથી વધુ ઝડપી સદી બનાવી હતી, જ્યારે બીજા સૌથી ઝડપી 50 રનનો રેકૉર્ડ પણ તેમના નામે છે.

ડેબ્યૂ મૅચમાં તેમણે પહેલા બૉલે છગ્ગો માર્યો હતો.

પોતાની યૂટ્યૂબ ચૅનલ શો ગેમપ્લાનમાં અકમલે કહ્યું હતું, "વૈભવ રેકૉર્ડ સર્જી રહ્યા છે. તેમના નામે પહેલેથી એક સદી છે."

"મને લાગે છે કે આઇપીએલ બાદ ભારતની આંતરરાષ્ટ્રીય મૅચોમાં તેમને તક મળશે."

"તેઓ ભારતીય ટી-20 ટીમમાં યુવા ખેલાડી બનશે. તેમણે પોતાની જાતને સાબિત કરી છે."

"જો તેઓ આ રીતે જ પ્રદર્શન કરશે તો ચોક્કસ તેમને મોકો મળશે."

ગત મહિને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિતઅલીએ વૈભવ સૂર્યવંશીનાં વખાણ કરતાં કહ્યું હતું કે જો આવો ખેલાડી પાકિસ્તાનમાં હોત તો લોકો તેને ટીમમાંથી બહાર કરવાની વાતો કરવા લાગત.

પોતાની યૂટ્યૂબ ચૅનલમાં બાસિતઅલીએ કહ્યું હતું, "14 વર્ષનો છોકરો વૈભવ સૂર્યવંશી. જે રીતે તેણે પહેલા બૉલે છગ્ગો માર્યો, એ બહુ મોટી વાત છે."

તેમણે કહ્યું હતું, "વિચારો, પહેલા બૉલે છગ્ગો મારવાના પ્રયાસમાં આઉટ થઈ જાત તો લોકો શું કહેત? પાકિસ્તાનમાં લોકો કહેત કે આને બહાર કાઢો."

બાસિતઅલીએ ભારતીય ક્રિકેટ સિસ્ટમનાં વખાણ કરતાં કહ્યું કે યુવા ખેલાડીઓને આ રીતે આત્મવિશ્વાસ અપાવાય છે, જેનો ફાયદો બાદમાં જોવા મળે છે.

તેમણે કહ્યું હતું કે "આ વિશ્વાસ ખેલાડીઓને અપાય છે અને બાદમાં એ કામ લાગે છે."

આઇપીએલ 2026માં જો એક ખેલાડીને ઉદયના રૂપમાં યાદ કરાશે, તો એ વૈભવ સૂર્યવંશી હશે.

રાજસ્થાન રૉયલ્સના યુવા બૅટ્સમૅને આ સિઝનમાં અનેક રેકૉર્ડ તોડ્યા છે અને 680 રન બનાવીને ઑરેન્જ કૅપની રેસમાં સૌથી આગળ છે.

વૈભવ સૂર્યવંશી પર દબાણની કોઈ અસર નહીં

વૈભવ સૂર્યવંશીની સિદ્ધિમાં સૌથી નવાઈ પમાડે તેવી બાબત એ છે કે આ કારનામું તેમણે કોઈ ગલી-ક્રિકેટ કે જુનિયર કક્ષાની ક્રિકેટમાં નથી કર્યું.

તેમણે આ બધું ઇન્ડિયન પ્રીમિયર લીગના ચકાચૌંધ અને ભારે દબાણ વચ્ચે કર્યું છે, જેને ભારતની સૌથી લોકપ્રિય રમત સ્પર્ધા ગણવામાં આવે છે.

આઇપીએલમાં ભારે રોકાણવાળી ટીમો ક્રિકેટના સૌથી નાના ફૉર્મેટ ટી-20માં સામસામે ટકરાય છે.

આઇપીએલ શોરબકોર, ઉત્સાહ અને વિશાળ ટીવી દર્શકો સામે રમાય છે. એક મૅચ લગભગ એટલા જ સમયમાં ખતમ થઈ જાય છે, જેટલી એક બેઝબૉલ મૅચ.

માટે આઇપીએલના સુપરસ્ટાર સામાન્ય રીતે બૅટ્સમૅન હોય છે, જે આક્રમક રીતે રમે છે, બૉલરો પર તૂટી પડે છે અને શક્ય એટલા રન બનાવે છે. વૈભવ સૂર્યવંશીએ અનેક રીતે સાબિત કરી નાખ્યું છે કે તેમને સમય વેડફવો પસંદ નથી.

ક્રિકેટના પ્રસિદ્ધ વાર્ષિક પુસ્તક વિઝડેન અલમનૅકના સંપાદક લૉરેન્સ બૂથે અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલને કહ્યું, "તેમની શૉટ રમવાની ક્ષમતા આગવી છે. એક પરિપક્વ ખેલાડીની જેમ બેટિંગ કરવી એ અસામાન્ય છે. જોકે આઇપીએલ જેવા દબાણને જાણે કે નકારી કાઢવું એ અલગ જ વાત છે."

ભારતના ક્રિકેટચાહકો માટે વૈભવનો ઉદય અચાનક નથી આવ્યો. નવેમ્બર 2025માં માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ આઇપીએલ કૉન્ટ્રેક્ટ મેળવનારા સૌથી યુવા ખેલાડી બનીને ચર્ચામાં આવ્યા હતા. તેમની પ્રતિભાએ આઇપીએલ હરાજીમાં બોલીની તડાફડી છેડી અને રાજસ્થાન રૉયલ્સે તેમને આ સિઝન માટે ટીમમાં સામેલ કરવા માટે અંદાજે 1.3 લાખ ડૉલર ખર્ચ કર્યા હતા.

રાજસ્થાન રૉયલ્સના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે વૈભવની 38 બૉલમાં 101 રનની ઇનિંગ બાદ કહ્યું હતું કે અમને ખબર છે કે તે શું કરી શકે છે અને કેવી રીતે શૉટ મારે છે. આટલા લોકો સામે, એવી પરિસ્થિતિમાં અને આટલી મજબૂત બૉલિંગ સામે આક્રમક રમવું એ ખરેખર બહુ ખાસ હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન