મૉડલિંગ એજન્સીએ 'ઍપ્સ્ટીનની ચુંગાલમાં પહોંચાડી' , રેપ સર્વાઇવર મહિલાની આપવીતી
જેફ્રી ઍપ્સ્ટીને જે મહિલાનો રેપ કર્યો હતો, તેમનું કહેવું છે કે જે મૉડલ એજન્સી તેમનું પ્રતિનિધિત્વ કરતી હતી, તેના પ્રમુખે તેમને જોખમમાં મૂકી દીધાં હતાં.
મહિલાના જણાવ્યા અનુસાર, એજન્સીના પ્રમુખે તેમને ફ્લોરિડામાં જાતીય ગુના માટે દોષિત ઠરેલા ઍપ્સ્ટીનના બીચ હાઉસમાં બે ફોટોશૂટ માટે મોકલ્યાં હતાં.
એ સમયે એટલે કે 2009માં ઍપ્સ્ટીન સગીરા વિરુદ્ધ જાતીય ગુનાના કેસમાં જેલની સજા ભોગવી રહ્યો હતો. જોકે, તેને દરરોજ પોતાના ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી હતી.
મહિલાએ બીબીસી વર્લ્ડ સર્વિસને કહ્યું હતું, "મારી એજન્સીની જવાબદારી મારી સુરક્ષા કરવાની હતી, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ રહી. હકીકતમાં, તેણે મને જોખમમાં મૂકી દીધી. આ માટે એજન્સીને જવાબદાર ઠેરવવી જોઈએ."
રોઝાની ઉંમર 18 વર્ષની હતી, જ્યારે એમસી2 મૉડલ મૅનેજમેન્ટની અમેરિકન શાખાએ તેમને પહેલી વાર ઍપ્સ્ટીનના પામ બીચસ્થિત ઘરે મોકલ્યાં હતાં.
તેના આશરે એક મહિના પહેલાં જ રોઝા ઉઝબેકિસ્તાનથી અમેરિકા આવ્યાં હતાં. એ સમયે એમસી2ની અમેરિકન શાખાના પ્રમુખ જેફ ફુલર હતા. હવે તેઓ અમેરિકાની બીજી એક મૉડલ એજન્સી 'ધ સોર્સ મૉડલ્સ' ચલાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



