આસો મહિનામાં ગુજરાતમાં અપૂરતા વીજ પુરવઠાની ફરિયાદો કેમ થાય છે, અલ નીનોની આ વર્ષે શું અસર છે?

ભાવનગરમાં આવેલા થર્મલ પાવર સ્ટેશન. આ વીજમથક લિગ્નાઇટ પ્રકારના કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરે છે.
ઇમેજ કૅપ્શન, ભાવનગરમાં આવેલા થર્મલ પાવર સ્ટેશન. આ વીજમથક લિગ્નાઇટ પ્રકારના કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરે છે.
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

ગુજરાત રાજ્ય ભારતમાં સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરવાની સ્થાપિત ક્ષમતા ધરાવતું રાજ્ય છે.

છતાં થોડા કેટલાક દિવસોથી ગામડાંમાં ખાસ કરીને ખેતીવાડી માટે આપવામાં આવતી વીજળીના પુરવઠામાં વારંવાર વિક્ષેપ થવાની ફરિયાદો ઊઠી છે.

બીજી તરફ વેપારી સંગઠનોએ પણ વીજ પુરવઠા બાબતે ફરિયાદો કરી છે અને કેટલાંક સંગઠનોએ વીજ-વિતરણ કરતી કંપનીઓ સાથે મીટિંગો યોજી હતી.

આ બેઠકો બાદ તેના સભ્યોને વીજ પુરવઠામાં સ્ટેગરિંગ એટલે કે વારાફરતી થતા કાપ મુજબ તેમના કામકાજના કલાકો ગોઠવવાની અપીલ કરી છે.

રાજ્યમાં વીજળીની સ્થિતિની સમીક્ષા કરવા માટે શનિવારે એક મીટિંગની અધ્યક્ષતા કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાતના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, "અલ નીનોની ઇફેક્ટના કારણે જે તાપમાન નીચું થવું જોઈએ અને આ મહિનામાં—તમને પણ ખબર છે કે ઑક્ટોબર માસમાં એ તાપમાન નીચું થતું હોય છે અને વીજમાંગનો પુરવઠો પણ પહેલાં જે હોય તેના કરતા ઘટતો હોય છે—પરંતુ આ વખતે જે ચાર વાગ્યા સુધી પણ ગયા વર્ષના પીકને ધ્યાને લેતા 3000 મેગાવૉટ કરતા વધારે ચાર વાગ્યા સુધીનો હતો. પરંતુ વિન્ડ અને સોલારના કારણે પહોંચી વળીએ છીએ."

"પરંતુ જે રાતનો વપરાશ છે, એટલે કે સાંજે પાંચ વાગ્યાથી 10-11 વાગ્યા સુધીનો જે વીજ વપરાશ છે, એ વીજ વપરાશમાં ક્યાંક આપણને તૂટ પડી રહી હતી."

"તેના માટે ગઈકાલે અમારા અધિકારીઓ કેન્દ્ર સરકારમાં જઈ પોતાની રજૂઆત અને વધારાના વીજ પુરવઠાની માંગ કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી...આશરે 1000 મેગાવૉટની આપણને ખાતરી મળી છે."

"પણ એ સ્ટ્રીમલાઇન થતા થોડો સમય લાગે તેમ છે… અમારો પ્રયત્ન એવો છે… કે આવતા સમયની અંદર આ રાતનો કાપ ન કરવો પડે."

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ (ડાબે) અને ઊર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા શનિવારની મીટિંગ દરમિયાન
ઇમેજ કૅપ્શન, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ (ડાબે) અને ઊર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા શનિવારની મીટિંગ દરમિયાન

આ સાથે જ મંત્રીએ ઉદ્યોગોને વિનંતી કરી કે તેઓ સાંજના સમયે ચાર-પાંચ કલાક વીજળીનો ઉપયોગ કરવાનું ટાળે જેથી કરીને લોકોને અજવાળા અને કૂલિંગ એટલે કે ઘર અને ઑફિસોને ઠંડા રાખવા માટે વીજળી મળી રહે.

ઑક્ટોબર મહિનામાં વીજ વિતરણ કરતી કંપનીઓએ વીજળીના પુરવઠામાં કાપ મૂકવો પડ્યો હોય તેવું આ પહેલી વાર નથી બન્યું.

દર વર્ષે આ સમસ્યા થોડા-ઘણા અંશે સર્જાય છે તેમ અધિકારીઓ જણાવે છે.

વીજ પુરવઠાની કટોકટી જેવી સ્થિતિને કારણે વિપક્ષ, કૉંગ્રેસે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પર નિશાન તાક્યું છે અને કહ્યું છે કે એક તરફ સરકાર ગુજરાત પાવર-સરપ્લસ સ્ટેટ હોવાની વાતો કરે છે ને બીજી તરફ લોકોને પૂરતી વીજળી મળતી નથી.

કૉંગ્રેસે આક્ષેપ કર્યો રાજ્ય સરકાર હસ્તકના પાવર પ્લાન્ટમાં ઘટતું વીજ ઉત્પાદન તેના માટે જવાબદાર છે.

તો બીજી તરફ સરકાર કહે છે કે વીજ પુરવઠાની સ્થિતિ ચિંતાજનક નથી અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે આયોજનો થઈ રહ્યાં છે.

ઑક્ટોબરમાં વીજ-પુરવઠો કેમ ડામાડોળ થાય છે?

ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ પાર્કની એક તસવીર. આ પાર્કમાં સોલર પૅનલ સૌર ઊર્જાનું અને પવનચક્કી પવન ઊર્જાનું વીજળીમાં રૂપાંતર કરે છે.
ઇમેજ કૅપ્શન, ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ પાર્કની એક તસવીર. આ પાર્કમાં સોલર પૅનલ સૌર ઊર્જાનું અને પવનચક્કી પવન ઊર્જાનું વીજળીમાં રૂપાંતર કરે છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેઋત્યનું ચોમાસું સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના મધ્ય સુધીમાં ગુજરાતમાંથી વિદાય લઈ લે છે અને ભાદરવા મહિનાના બીજા પખવાડિયાથી આસો મહિનાના પ્રથમ પંદરેક દિવસ દરમિયાન તડકો અને ગરમી પડે છે.

જો ચોમાસાના અંત તરફ વરસાદ ન પડ્યો હોય તો આવી પરિસ્થિતિમાં ખેડૂતોને તેમના ખરીફ એટલે કે ચોમાસું ઋતુના પાકોને પિયત આપવાની જરૂર પડે છે.

વળી, કેટલાક વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન રવિ એટલે કે શિયાળુ પાકોનું વાવેતર શરૂ થાય છે અને તેથી વીજળીની માંગ વધે છે.

ઑક્ટોબરમાં ગરમી વધતા લોકોને તેમના ઘર અને ઑફિસ ઠંડા રાખવા એટલે કે કુલિંગ માટે પંખા, ઍર કૂલર, ઍર કંડિશનર વગેરે વાપરવાની જરૂર પડે છે. આ કારણે ખાસ કરીને સાંજના સમયે વીજ વપરાશ વધે છે.

બીજી તરફ ઑક્ટોબર મહિનો ગુજરાતમાં ચોમાસા અને શિયાળા વચ્ચેનો સંક્રાંતિકાળ હોવાથી નેઋત્ય દિશામાંથી ગુજરાત પર ફૂંકાતા પવનો નબળા થઈ જાય છે કે બંધ થઈ જાય છે અને શિયાળો આવ્યો ન હોવાથી ઇશાન દિશાના પવનો પણ જોરશોરથી ફૂંકાતા નથી.

પરિણામે ગુજરાતમાં પવન ઊર્જાનું વીજળીમાં રૂપાંતર કરતી પવનચક્કીઓની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા લગભગ નહિવત્ થઈ જાય છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે આ વર્ષે વિન્ડ ઍનર્જી (પવન ઊર્જામાંથી ઉત્પન્ન થતી વીજળી)ના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. વળી, દિવસો પણ ટૂંકા થવાને કારણે સૌર ઊર્જા ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે.

પરિણામે વીજળીની માંગ છે અને પુરવઠામાં ઘટાડો થાય છે તેવી પરિસ્થિતિમાં વીજ કંપનીઓને વીજકાપ મૂકવાની ફરજ પડે છે.

ગુજરાતમાં કેટલી વીજળી ઉત્પન્ન થાય છે, કેટલી વપરાય છે?

વીજળીના બલ્બ
ઇમેજ કૅપ્શન, વીજળીના બલ્બ (પ્રતિકાત્મક તસવીર)

વીજળી એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. વીજળીનું માપન વૉટ, યુનિટ, હૉર્સપાવર, મેગાવૉટ વગેરે એકમોમાં થાય છે.

જો 100 વૉટના એક બલ્બને સતત 10 કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો તે એક કિલોવૉટ એટલે કે 1000 વૉટ વીજળી વાપરે.

એક કિલોવૉટ એટલે 1 યુનિટ વીજળી. આવા 1000 યુનિટ એટલે એક મેગાવૉટ થાય.

કેન્દ્ર સરકારના નૅશનલ પાવર પોર્ટલ અનુસાર ગુજરાતમાં પ્રતિ કલાક 80,000 મેગાવૉટ એટલે કે આઠ કરોડ યુનિટ્સ વીજળી ઉત્પન્ન કરવાની ઇન્સ્ટૉલ્ડ કૅપેસિટી એટલે કે સ્થાપિત ક્ષમતા છે.

ભારતના કોઈ પણ એક રાજ્યામાં આ સૌથી વધારે સ્થાપિત ક્ષમતા છે.

તેમાં કોલસામાંથી ઉત્પન્ન કરાતી 22,672 મેગાવૉટ, હાઇડ્રો એટલે કે પાણીમાંથી ઉત્પન્ન થતી 2,123 મેગાવૉટ, પરમાણુમાંથી ઉત્પન્ન કરાતી 1840 મેગાવૉટ, ગોબર તેમ જ અન્ય કચરામાંથી ઉત્પન્ન કરાતી 130 મેગાવૉટ, પવનથી ઉત્પન્ન થતી 14,044 મેગાવૉટ અને સૂર્યપ્રકાશમાંથી ઉત્પન્ન થતી 36,234 મેગાવૉટ વીજળીનો સમાવેશ થાય છે.

વીજળીનો વપરાશ ચોવીસેય કલાક એક સરખો રહેતો નથી.

દિવસના સમય અનુસાર તેમાં મોટી વધઘટ થયા કરે છે. સૌથી વધારે માંગવાળો સમય સામાન્ય રીતે સાંજનો સમય હોય છે જયારે મોડી સવારના સમયે માંગ ઓછી રહે છે.

શનિવારે એક અખબારી યાદીમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 29,822 મેગાવૉટ એટલે કે 2.98 કરોડ યુનિટની પીક ડિમાન્ડ એટલે કે ઊંચામાં ઊંચી માંગને પહોંચી વાળવા સક્ષમ રહી છે.

આનો અર્થ એ થયો કે રાજ્યની પીક ડિમાન્ડ ઇન્સ્ટૉલ્ડ પાવર જનરેશન કૅપેસિટી કરતા અડધાથી પણ ઓછી છે.

ગુજરાતમાં ખેડૂતો, ઉદ્યોગો કેટલી વીજળી વાપરે છે?

ઓવરફ્લો થઈ રહેલો નર્મદા ડૅમ
ઇમેજ કૅપ્શન, ઓવરફ્લો થઈ રહેલો નર્મદા ડૅમ

રાજ્યના ઊર્જા વિભાગ અનુસાર ગુજરાતમાં બે કરોડ વીજ જોડાણો છે. તેમાંથી આશરે 18 લાખ જેટલાં ખેતીવાડીનાં વીજ જોડાણો છે.

તે 18 લાખમાંથી લગભગ 12 લાખ જેટલા કૃષિ વીજ જોડાણો તો સૌરાષ્ટ્ર, અને ઉત્તર ગુજરાતના કેટલા ભાગમાં વીજ વિતરણ કરતી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા આપેલાં છે.

નીતિ આયોગ અનુસાર 2023-24માં ગુજરાતમાં કુલ 15,129 કરોડ યુનિટ વીજળીનો વપરાશ થયો હતો.

તેમાંથી ખેડૂતોએ 2144 કરોડ યુનિટ અને ઉદ્યોગોએ 9,953 કરોડ યુનિટ વીજળી વાપરી હતી. આમ, વીજવપરાશની બાબતમાં ઉદ્યોગો પછી ખેતીવાડીમાં બીજા નંબરે આવે છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે તેના 2024-25ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વપરાયેલા કુલ વીજળીમાંથી 46 ટકા વીજ વપરાશ હાઇટેન્શન પાવર કનેક્નશ ધરાવતા ઔદ્યોગિક એકમો કર્યો હતો અને 20 ટકા વપરાશ ખેડૂતોએ ખેતીવાડીમાં કર્યો હતો. વાણિજિયક એકમોએ 17 ટકા અને ઘરવપરાશમાં 14 ટકા વીજળી વપરાઈ હતી.

ખેડૂત, બીબીસી ગુજરાતી,
ઇમેજ કૅપ્શન, (ફાઇલ ફોટો)

માંગ કરતા ઉત્પાદનક્ષમતા બમણી તોય વીજ તંગી કેમ છે?

પવનચક્કીઓ અને સોલાર પેનલ્સ
ઇમેજ કૅપ્શન, પવનચક્કીઓ અને સોલાર પેનલ્સ (પ્રતીકાત્મક તસવીર)

માંગ કરતા ઉત્પાદન બમણું હોવા છતાં ગુજરાતમાં પાવરની કટોકટી કેમ સર્જાય છે?

બીબીસીએ આ સવાલ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના એક અધિકારીને કર્યો તો તેમણે જવાબ આપ્યો, "ગુજરાતની ઉત્પાદનક્ષમતા માંગ કરતા બમણું હોવા છતાં અત્યારે વીજળીની થોડી કરકસર ચાલે છે તે વાત સાચી છે."

"પરંતુ તેનું કારણ છે ઓછો વરસાદ, વધારે ગરમી અને કોલસાની તંગી. આ બધાં પરિબળો ઉપરાંત અત્યારે પવન પડી ગયો છે."

"તેથી, ઇન્સ્ટૉલ્ડ કૅપેસિટી હોવા છતાં ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થઈ રહ્યું નથી. તેથી, વીજળીની માંગ અને પુરવઠા વચ્ચે થોડું અસંતુલન ચાલી રહ્યું છે."

પીજીવીસીએલના એક અધિકારી કહે છે કે રાજ્યની કુલ ઇન્સ્ટૉલ્ડ જનરેશન કૅપેસિટીમાં સોલાર જનરેશન કૅપેસિટીનો આશરે 50 ટકા જેટલો હિસ્સો અને પાવરને બૅટરીમાં સ્ટોર કરવાની અપૂરતી ક્ષમતા મોટાં પરિબળો છે.

તે અધિકારીએ બીબીસીને જણાવ્યું, "સોલાર પાર્ક્સમાં પાવર જનરેશન સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સૌથી વધારે હોય છે. પરંતુ આ સમય દરમિયાન પાવરની ડિમાન્ડ ઘણી જ ઓછી હોય છે."

"સાંજના સમયે જ્યારે પાવરની પીક ડિમાન્ડ હોય ત્યારે સોલાર પાર્કસમાં વીજળી ઉત્પન્ન થતી નથી કારણ કે ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હોય છે. સમસ્યા એ છે કે ગ્રિડમાં વીજળીનો સંગ્રહ થઈ શકતો નથી."

"મેગાવૉટ સ્કેલમાં વીજળીનો સંગ્રહ કરવા માટે બૅટરીઓની મોટી સિસ્ટમની જરૂર પડે. બૅટરી સ્ટોરેજની ક્ષમતા આપણી પાસે પૂરતી નથી."

"તેથી, પૂરતો પાવર ઉત્પન્ન થતો હોવા છતાં પીક જનરેશન અને પીક ડિમાન્ડના સમય અલગ અલગ હોવાથી વીજ પુરવઠામાં થોડો થોડો કાપ મુકવાની ફરજ પડી રહી છે."

અલ નીનો કેવી રીતે અસર કરી રહ્યું છે?

નૅશનલ પાવર પોર્ટલ અનુસાર ગુજરાતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાં સોલાર અને વિન્ડ એનર્જીનો હિસ્સો અનુક્રમે 45 ટકા અને 21 ટકા છે.
ઇમેજ કૅપ્શન, નૅશનલ પાવર પોર્ટલ અનુસાર ગુજરાતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાં સોલાર અને વિન્ડ એનર્જીનો હિસ્સો અનુક્રમે 45 ટકા અને 21 ટકા છે.

સરકાર કહે છે કે અલ નીનોની અસર અને તહેવારો એક સાથે આવી જતા ગુજરાતમાં વીજળીની માંગમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે.

રાજ્ય સરકારે શનિવારે એક અખબારી યાદીમાં જણાવ્યું કે અલ નીનોની અસર હેઠળ વરસાદ ઓછો પડતા ખેતીવાડીમાં વીજળીનો વપરાશ વધ્યો છે અને પીક ડિમાન્ડ 12,000 મેગાવૉટ એટલે કે 1.2 કરોડ યુનિટે પહોંચી ગઈ છે.

યાદીમાં સરકારે ઉમેર્યું કે અલ નીનોના પ્રભાવ હેઠળ પડી રહેલી ગરમીને કારણે કૂલિંગ અટલે કે ઘર અને ઑફિસોને ઠંડાં રાખવા માટે વપરાતી વીજળીમાં પણ વધારો થયો છે.

સરકારે એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં જળવિદ્યુતનું ઉત્પાદન સામાન્ય રીતે ઑક્ટોબર અને નવેમ્બર મહિનાઓ દરમિયાન સૌથી વધારે થતું હોય છે પરંતુ અલ નીનોની અસર હેઠળ ઓછા પડેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક તુલનાત્મક રીતે ઓછી થઈ છે અને પરિણામે આ વરસે હાઇડ્રોપાવરનું ઉત્પાદન ઓછું થયું છે.

રાજ્ય સરકારે કહ્યું કે આ બધાં પરિબળોની વચ્ચે નવરાત્રી અને દિવાળીના તહેવારોનો માહોલ આવતા ઔદ્યોગિક એકમો ચીજ-વસ્તુઓનું ઉત્પાદન વધારવા માટે વધારે વીજળી વાપરી રહ્યા છે.

સરકારે તેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, "પરિણામે સપ્ટેમ્બર અને ઑક્ટોબર દરમિયાન ગુજરાતમાં વીજળીની માંગમાં પાછલાં વર્ષોની સરખામણીએ 12 ટકા એટલે કે આશરે 4000 મેગાવૉટ જેટલો વધારો થયો છે."

પીજીવીસીએલના મૅનેજિંગ ડાયરેક્ટર મહિપાલસિંહ ચુડાસમા કહે છે કે આ વર્ષની વીજ તંગી માટે અલ નીનો એક મોટું પરિબળ છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "અલ નીનોના પ્રભાવના કારણે આ વર્ષે ગુજરાતમાં વરસાદ ઓછો થયો છે. તેના કારણે પાણીનાં તળ નીચાં ગયાં છે."

"તેથી, પાકોને પિયત આપવા માટે ખેડૂતોને વધારે સમય સુધી મોટર-પમ્પ્સ ચલાવવાની કે વધારે હોર્સ પાવરવાળા મોટર પમ્પ્સ ચલાવવાની ફરજ પડી રહી છે."

"તેના કારણે વીજળીની માંગ વધી છે. બીજી તરફ તડકો પણ વધારે પડી રહ્યો હોવાથી ડોમેસ્ટિક કન્ઝ્યુમર્સ પણ વધારે વીજળી વાપરી રહ્યા છે."

સરકારી વીજમથકો બંધ હોવાનો વિપક્ષનો આરોપ

વણાકબોરી તાપ વિદ્યુત મથક કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજમથક મહિસાગર જિલ્લાના વણાકબોરીમાં આવેલું છે.
ઇમેજ કૅપ્શન, વણાકબોરી તાપ વિદ્યુત મથક કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજમથક મહિસાગર જિલ્લાના વણાકબોરીમાં આવેલું છે.

ગુજરાતમાં સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા ભલે 80,000 મેગાવૉટ હોય પરંતુ તેમાંથી મોટા ભાગની ક્ષમતા ખાનગી કંપનીઓએ સ્થાપેલા સોલાર અને વિન્ડ ફાર્મની છે.

રાજ્ય સરકારની માલિકીની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કૉર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કૉર્પોરેશન લિમિટેડ નામની કંપનીઓની કુલ ઉત્પાદન ક્ષમતા માત્ર 9693 મેગાવૉટ છે.

તેમાં 547 મેગાવૉટ જળવિદ્યુત અને લગભગ 2747 મેગાવૉટ જેટલી સોલાર અને વિન્ડ એનર્જીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નર્મદા યોજનાના બે પાવર હાઉસમાંથી ગુજરાતના ભાગે આશરે 90 મેગાવૉટ વીજળી આવે છે. તેથી રાજ્ય સરકારની સ્થાપિત ક્ષમતા આશરે 9783 મેગાવૉટ થાય છે.

સોલાર અને વિન્ડ એનર્જી પુન:પ્રાપ્ય ઊર્જાના સસ્તા સ્રોતો છે. પરંતુ તેમાંથી મળતી વીજળીનો પ્રવાહ ચોવીસેય કલાક સરખો રહેતો નથી.

સોલાર એનર્જીના કેસમાં ક્યારે વીજળી મળશે અને ક્યારે નહીં મળે તેનું પૂર્વાનુમાન લગાવી શકાય છે અને તેથી કોલસા કે ગેસ આધારિત વીજળીનું ઉત્પાદન વધારી તેવી ક્ષણિક ઘટને પહોંચી વળવા માટે આગોતરું આયોજન થઈ શકે છે. પરંતુ વિન્ડ એનર્જીના કેસમાં આવું પૂર્વાનુમાન લગાડવું થોડું મુશ્કેલ હોય છે.

કોલસા અને ગૅસ આધારિત, હાઇડ્રો પાવર મથકો અને અણુવીજ મથકો સાતત્યપૂર્ણ રીતે વીજળીનું ઉત્પાદન કરી શકે છે.

પરંતુ કોલસો બાળવાથી પ્રદૂષણની સમસ્યા ઉદ્ભવે છે.

ગુજરાતના ઊર્જાવિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર રાજ્યમાં કોલસા અને લિગ્નાઇટ (કોલસાનો એક પ્રકાર) આધારિત 12 પાવર પ્લાન્ટ્સ એટલે કે વિદ્યુત મથકો છે અને તેમની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 16092 મેગાવૉટ છે.

તેમાંથી અમદાવાદમાં આવેલો ટોરેન્ટ પાવર પ્લાન્ટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં આવેલો એસ્સાર પાવરનો પ્લાન્ટ, તેમ જ કચ્છના મુન્દ્રામાં આવેલા અદાણી અને ટાટા પાવરના પ્લાન્ટ્સ ખાનગી કંપનીઓની માલિકીના છે અને તે ચારેય પ્લાન્ટ્સની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 10182 મેગાવૉટ છે.

બાકીના આઠ ગુજરાત સરકારની માલિકીના છે.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કૉર્પોરેશનના પ્લાન્ટ્સ 7700 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે અને તેમાં કોલસા આધારિત ક્ષમતાનો ફાળો 4510 મેગાવૉટ એટલે કે 59 ટકા છે.
ઇમેજ કૅપ્શન, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કૉર્પોરેશનના પ્લાન્ટ્સ 7700 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે અને તેમાં કોલસા આધારિત ક્ષમતાનો ફાળો 4510 મેગાવૉટ એટલે કે 59 ટકા છે.

રવિવારે એક અખબારી યાદીમાં ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે સરકારી વીજ કંપનીઓ વીજ ઉત્પાદન ઘટાડી રહી છે અને બીજી તરફ રાજ્ય સરકાર ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવા અબજો રૂપિયા ખર્ચી રહી છે.

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા ટાંકતાં તેમણે કહ્યું કે 2024 અને 2025 એમ બે વર્ષમાં રાજ્ય સરકારે અદાણી પાવરને લગભગ 1539 અબજ રૂપિયા ચૂકવીને આશરે 2871 કરોડ યુનિટ વીજળી ખરીદી હતી.

તે જ રીતે ટાટા પાવર પાસેથી 1,177 કરોડ યુનિટ વીજળી ખરીદવા માટે અબજો રૂપિયા ચૂકવાયા હતા.

કૉંગ્રેસ પ્રવક્તાએ માંગ કરી કે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા વીજળી ઉત્પાદનમાં થયેલા ઘટાડો અને ખાનગી કંપનીઓ પાસેથી વીજળીની ખરીદીમાં વધારા બાબતે રાજ્ય સરકાર એક શ્વેતપત્ર બહાર પાડી ખુલાસા જનતા સમક્ષ મૂકે.

આ બાબતે બીબીસીએ ગુજરાતના ઊર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન