Jio Platforms IPO: ભારતીય બજારમાં અત્યાર સુધીના સૌથી મોટા આઇપીઓની કેમ ચર્ચા થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Reliance updates/Youtube
ભારતીય શૅરબજાર છેલ્લા એક વર્ષમાં લગભગ 13 ટકા ઘટ્યું છે અને પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે અનિશ્ચિતતાનો માહોલ છે, એવામાં ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ જૂથના ચૅરમૅન મુકેશ અંબાણી પોતાના જિયો પ્લેટફૉર્મનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઑફર) લાવી રહ્યા છે.
કંપની આ આઇપીઓ દ્વારા બજારમાંથી લગભગ 30,188 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેના કારણે તે ભારતીય શૅરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ બનશે.
19 ઑક્ટોબર, સોમવારથી આ આઇપીઓ ઍન્કર ઇન્વેસ્ટરો માટે ખૂલશે, જ્યારે બાકીના રોકાણકારો 21મી ઑક્ટોબરથી તેને સબસ્ક્રાઇબ કરી શકશે. 23 ઑક્ટોબરે આઇપીઓ સબસ્ક્રાઇબ કરવાનો છેલ્લો દિવસ રહેશે.
21 ઑક્ટોબરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઑઇલ રિફાઇનરીની મુલાકાત લેવાના છે. તેઓ નવી દિલ્હી જવાને બદલે જામનગર આવી રહ્યા છે, તેના કારણે ભારે રાજકીય ચર્ચા શરૂ થઈ છે.
શૅરનો ભાવ કેટલો હશે?

ઇમેજ સ્રોત, ANI
ભારતમાં વાજબી દરે 4G ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરીને વિશાળ બજારહિસ્સો મેળવનાર રિલાયન્સ જિયોનો આઇપીઓ સંપૂર્ણ છલકાશે તો જિયો બજારમૂલ્યની દૃષ્ટિએ ભારતની ચોથી સૌથી મોટી લિસ્ટેડ કંપની બનશે, એમ રૉયટર્સનો અહેવાલ જણાવે છે.
જિયો પ્લેટફૉર્મ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે અને આઇપીઓનું મૂલ્ય 3.2 અબજ ડૉલર થાય છે. એટલે કે કંપની 108.3 અબજ ડૉલરના વૅલ્યુએશનની અપેક્ષા રાખે છે. હજુ સુધી લિસ્ટિંગની તારીખ નથી આવી, પરંતુ 28 ઑક્ટોબરથી શૅરબજારમાં તેનું ટ્રેડિંગ શરૂ થવાનો અંદાજ છે.
જિયોનું લિસ્ટિંગ થશે ત્યારે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી ઍરટેલ અને એચડીએફસી બૅન્ક પછી ચોથા ક્રમની સૌથી મોટી લિસ્ટેડ કંપની હશે, એવું રૉયટર્સ જણાવે છે.
જિયોનું સંચાલન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી સંભાળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિયો પ્લેટફૉર્મના આઇપીઓમાં પ્રાઇસ બૅન્ડ 1065 રૂપિયાથી 1119 રૂપિયા પ્રતિ શૅર નક્કી કરવામાં આવી છે. તેમાં કુલ 27 કરોડ નવા શૅર ઇશ્યૂ કરવામાં આવશે.
રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 12 શૅરના લૉટમાં અરજી કરવાની રહેશે. એટલે કે એક લૉટની કિંમત 13,428 રૂપિયા રહેશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 14 લૉટ અથવા 168 શૅર માટે અરજી કરી શકશે, જેનું મૂલ્ય 1,87,992 રૂપિયા થશે. રિલાયન્સ જૂથના કર્મચારીઓને શૅરદીઠ 54 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે કંપનીએ પોતાના કર્મચારીઓ માટે 500 કરોડ રૂપિયાના શૅર અનામત રાખ્યા છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)ના પાત્રતા ધરાવતા શૅરધારકો માટે 2500 કરોડ રૂપિયા સુધીના શૅર રિઝર્વ રાખ્યા છે.
અત્યાર સુધીના મોટા આઇપીઓ

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
રિલાયન્સના જિયો પ્લેટફૉર્મનો આઇપીઓ પોતાની સાઇઝની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ હશે. અગાઉ 2024માં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનો 27,870 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ આવ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હતો.
આ ઉપરાંત ચાલુ વર્ષમાં નૅશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઈ)નો આઇપીઓ પણ આવ્યો હતો, જેના દ્વારા કંપનીએ 22,569 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા અને સાઇઝની દૃષ્ટિએ તે હ્યુન્ડાઇના આઇપીઓ પછી બીજા ક્રમે હતો. હવે જિયો પ્લેટફૉર્મના આઇપીઓ પછી એનએસઈનો પબ્લિક ઇશ્યૂ ત્રીજા ક્રમે પહોંચી જશે.
વર્ષ 2022માં સરકારી કંપની જીવન વીમા નિગમ (એલઆઈસી)નો પણ મેગા આઇપીઓ આવ્યો હતો, જેની સાઇઝ લગભગ 21,000 કરોડ રૂપિયાની હતી. જ્યારે વર્ષ 2021માં વન97 કૉમ્યુનિકેશન્સ (પેટીએમ)ના આઇપીઓનું કદ લગભગ 18,300 કરોડ રૂપિયાનું હતું.
ભારતમાં અન્ય મોટા આઇપીઓમાં ટાટા કૅપિટલનો 2025માં આવેલો ઇશ્યૂ સામેલ છે, જેનું કદ 15,512 કરોડ રૂપિયાનું હતું, જ્યારે 2010માં કૉલ ઇન્ડિયાના આઇપીઓની સાઇઝ 15,200 કરોડ રૂપિયાની હતી.
ઇલોન મસ્ક સાથે સ્પર્ધા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાજેતરમાં અમેરિકાના ટોચના ઉદ્યોગસાહસિક ઇલોન મસ્કે મુકેશ અંબાણી પર ભારતમાં મૉનોપૉલી જાળવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રશ્ન કર્યો હતો કે, તેમની સ્ટારલિંક છેલ્લાં પાંચ વર્ષથી ભારતીય કાયદાઓનું પાલન કરી રહી છે, છતાં હજુ સુધી તેને લાઇસન્સ કેમ મળ્યું નથી? શું અંબાણીનો સરકાર પર પ્રભાવ છે?
તાજેતરના સરકારી આંકડા અનુસાર, ભારતની બે સૌથી મોટી ખાનગી ટેલિકૉમ કંપનીઓ, રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડ અને ભારતી ઍરટેલ પાસે લગભગ 910 મિલિયન બ્રૉડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ છે, જે દેશના કુલ બજારના 80 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે.
ભારતમાં એક સમયે વૉડાફોન, આઇડિયા, ઍરસેલ, ઍરટેલ, આરકૉમ, ટાટા ડોકોમો, ટેલિનોર સહિતની ખાનગી કંપનીઓ ટેલિકૉમ ક્ષેત્રે કામ કરતી હતી, પરંતુ 2016માં રિલાયન્સ જિયો શરૂ થયા પછી ટેલિકૉમ ક્ષેત્રે ભયંકર પ્રાઇસ વૉરની શરૂઆત થઈ હતી, જેના કારણે મોટા ભાગની નાની કંપનીઓ બંધ થઈ ગઈ. હાલમાં જિયો, ઍરટેલ અને વૉડાફોન આઇડિયા સક્રિય ખાનગી કંપનીઓ છે. ટેલિકૉમ નિયમનકાર ટ્રાઇના આંકડાને ટાંકીને 'આઉટલૂક બિઝનેસ'ના અહેવાલ પ્રમાણે ભારતીય ટેલિકૉમ માર્કેટમાં લગભગ 39 ટકા બજારહિસ્સો જિયોના હાથમાં છે. ભારતી ઍરટેલ 38 ટકા અને વૉડાફોન આઇડિયા 15.4 ટકા બજારહિસ્સો ધરાવે છે.
રસપ્રદ વાત એ છે કે, ગયા વર્ષે જિયો અને ભારતી ઍરટેલે ભારતમાં સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસ લાવવા માટે ઇલોન મસ્કની સ્પેસઍક્સ સાથે અલગ ડીલ કરી હતી. તાજેતરના વર્ષોમાં જિયો માત્ર એક ટેલિકૉમ કંપની ન રહેતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ કામ પ્રસારી રહી છે. આ વર્ષે જૂન મહિનામાં મેટાએ જાહેરાત કરી હતી કે, તે ગુજરાતમાં રિલાયન્સ દ્વારા સ્થપાઈ રહેલા એઆઈ આધારિત ડેટા સેન્ટરમાં કૅપેસિટી લીઝ પર લેશે. આ ફેસિલિટીની ક્ષમતા 168 ગીગાવૉટ્સ રહેવાનો અંદાજ છે.
વિદેશી મીડિયામાં ચર્ચા જામી

ઇમેજ સ્રોત, Getty Images
જિયો પ્લેટફૉર્મના આઇપીઓ વિશે વિદેશી મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે.
બિઝનેસ વેબસાઇટ 'બ્લૂમબર્ગ'નો અહેવાલ જણાવે છે કે, રિલાયન્સે પોતાના લગભગ 4.20 લાખ કર્મચારીઓને 3.2 અબજ ડૉલરના આઇપીઓમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
રિલાયન્સે ઑક્ટોબર મહિનાનો પગાર પણ લગભગ 15 દિવસ વહેલો કરી દીધો છે, જેથી કામદારોને આઇપીઓ ભરવા માટે ફંડ મળી રહે.
અમેરિકન વાણિજ્ય અખબાર 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ પ્રમાણે, જૂન મહિનામાં જિયો પાસે 53.33 કરોડ સબસ્ક્રાઇબર્સ હતા અને ભારતના કુલ ડેટા ટ્રાફિકમાં જિયોનો હિસ્સો લગભગ 60 ટકા જેટલો છે.
હાલમાં મુશ્કેલ શૅરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરનો દેખાવ પણ નબળો રહ્યો છે. 2026માં પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર 23 ટકા ઘટ્યો છે.
69 વર્ષીય મુકેશ અંબાણીએ આ વર્ષે રિલાયન્સના શૅરધારકોને સંબોધતાં કહ્યું હતું કે, જિયોનો આઇપીઓ એ મૂલ્યસર્જનની દૃષ્ટિએ આ વર્ષની સૌથી મોટી ઘટના હશે.
ભારત ઉપરાંત મુકેશ અંબાણી અમેરિકામાં પણ જંગી રોકાણ કરી રહ્યા છે. માર્ચ 2026માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, ટેક્સાસ રાજ્યમાં 50 વર્ષ પછી નવી ઑઇલ રિફાઇનરી બની રહી છે, જેમાં રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી દ્વારા મૂડીરોકાણ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























