ટાઇગર શ્રૉફ પર હુમલો: પકડાયેલા ત્રણ આરોપી કોણ છે અને લૉરેન્સ બિશ્નોઈ વિશે મુખ્ય મંત્રીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images
રાજસ્થાનની કોટા પોલીસે દાવો કર્યો છે કે રવિવારે બૉલીવૂડ અભિનેતા ટાઇગર શ્રૉફ પર થયેલા હુમલાના સંબંધમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
ત્રણેય આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ પોલીસને સોંપવામાં આવશે, જે તેમની વિગતવાર પૂછપરછ કરશે.
રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીઓમાંથી એકના અનિલ પંડિત નામની વ્યક્તિ સાથે સંબંધો હોવાનું જાણવા મળ્યું છે.
અનિલ પંડિત એ લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. પોલીસે હજુ સુધી આરોપીઓ પાસેથી કોઈ હથિયાર જપ્ત કર્યા નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, એક આરોપી સગીર છે જ્યારે બે આરોપીઓ સોનીપતના છે.
કોટા શહેરના એસપી તેજસ્વિની ગૌતમે એક પ્રેસ કૉન્ફરન્સમાં આ અંગે માહિતી આપી હતી.
તેજસ્વીની ગૌતમે કહ્યું, "સોમવારે સવારે અમને મુંબઈના ડીસીપી ક્રાઇમ તરફથી માહિતી મળી કે ટાઇગર શ્રૉફ પર ગોળીબાર કરનારા ત્રણ આરોપીઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને ટૂંક સમયમાં કોટા પહોંચવાના હતા."
આરોપી કોણ છે?

ઇમેજ સ્રોત, ANI
તેજસ્વિની ગૌતમે કહ્યું, "કોટા પોલીસની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને માત્ર 15 મિનિટમાં ત્રણેયને ટ્રેનમાંથી પકડી લીધા. મુંબઈ પોલીસની ટીમ કોટા પહોંચી ગઈ છે અને ત્રણેયને મુંબઈ પોલીસને સોંપવામાં આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "આરોપી રેહાન અંસારી એ હરિયાણાના સોનીપતનો રહેવાસી છે. ઋતિક બિહારના બેગુસરાયનો રહેવાસી છે અને થોડા વર્ષોથી મુંબઈમાં રહે છે. તેમના સિવાય એક સગીરને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે."

ઇમેજ સ્રોત, ANI
એસપી તેજસ્વિની ગૌતમે મીડિયાને જણાવ્યું હતું કે, "આ આરોપીઓ પુણે અને જયપુર વચ્ચે દોડતી ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા."
તેમણે વધુમાં કહ્યું, "હુમલા પછી તરત જ, તેઓ ત્યાંથી જયપુર જવા માટે ટ્રેનમાં બેઠા. તેમની યોજના જયપુરથી બસ દ્વારા દિલ્હી અને દિલ્હીથી નેપાળ ભાગી જવાની હતી."
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ શરૂઆતની પૂછપરછમાં જણાવ્યું છે કે, "અનિલ પંડિત લૉરેન્સ ગૅંગનો માણસ છે. રેહાન તેના સંપર્કમાં આવ્યો હતો. રેહાન સોનીપતના એક સગીરને પોતાની સાથે લઈ ગયો અને તેઓ મુંબઈ ગયા અને આ હુમલો કર્યો."
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, "ટાઇગર શ્રૉફ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગોળીબાર બાદ ત્રણેય મુંબઈ ભાગી ગયા હતા. સુરતથી તેઓ જયપુર જતી ટ્રેનમાં બેઠા હતા. જ્યારે તેઓ જયપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે મુંબઈ પોલીસે તેમને શોધી કાઢ્યા અને મદદ માટે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો."
તેમણે કહ્યું, "રાજસ્થાન પોલીસની મદદથી, તેઓ કોટામાં પકડાયા. ત્રણેય કસ્ટડીમાં છે. ત્યાં કાર્યવાહી પૂર્ણ કર્યા પછી તેમને મુંબઈ લાવવામાં આવશે."
"તેમને મુંબઈ લાવ્યા પછી, કેસની વધુ તપાસ કરવામાં આવશે. પોલીસે ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરી છે."
"મુંબઈ પોલીસ જ્યાં સુધી આ મામલાના મૂળ સુધી નહીં પહોંચે ત્યાં સુધી અટકશે નહીં."
અભિનેતા ટાઇગર શ્રૉફના ગોળીબારની જવાબદારી બિશ્નોઈ ગૅંગે લીધી હોવાની ચર્ચા છે.
પત્રકારોએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ અંગે પ્રશ્ન કર્યો હતો. જેનો તેમણે જવાબ આપ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "આવી કોઈ પણ ગૅંગથી ડરવાની જરૂર નથી. આ કાયરોનું કામ છે. તેઓ પોતે ક્યાંક છુપાઈ જાય છે અને ત્યાંથી ધમકીઓ આપતા રહે છે."
તેમણે કહ્યું, "આમ છતાં, અમે દરેક ધમકીને ગંભીરતાથી લઈએ છીએ અને તેના પર કાર્યવાહી કરીએ છીએ. મુંબઈ પોલીસે બતાવ્યું છે કે જ્યાં સુધી આવા ગુનેગારો પકડાય નહીં ત્યાં સુધી તે અટકશે નહીં."
શું મુંબઈ પોલીસ લૉરેન્સ બિશ્નોઈને અટકાયતમાં લેવાનો પ્રયાસ કરશે? આ પ્રશ્નના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું, "પોલીસે તેને અટકાયતમાં લેવાની પ્રક્રિયા પહેલેથી શરૂ કરી દીધી છે. કાર્યવાહી ચાલુ છે. તેથી જ મેં કહ્યું કે તેમના આકા ગમે ત્યાં હોય, અમે કાર્યવાહી કરીશું."
હુમલો કેવી રીતે થયો?

ઇમેજ સ્રોત, Shivsena PR
રવિવારે સાંજે મુંબઈમાં બોલીવૂડ અભિનેતા ટાઇગર શ્રૉફની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં તેમના ડ્રાઇવરને ઈજા પહોંચી હતી.
બીબીસી ન્યૂઝ મરાઠી અનુસાર, મુંબઈના વિલે પાર્લે પશ્ચિમમાં જુહુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ ગોળીબારની ઘટના નોંધાઈ હતી.
મુંબઈના પશ્ચિમ ઝોન 2 ના ડૅપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) મોહિત ગર્ગે ટાઈગર શ્રૉફ સાથે થયેલી ગોળીબારની ઘટનાની પુષ્ટિ કરી છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં બે લોકો ઘાયલ થયા હતા. તેમાં ટાઇગર શ્રૉફના ડ્રાઇવર ફિરદોસનો પણ સમાવેશ થાય છે, જેને ડાબા હાથમાં ગોળી વાગી હતી.
ડીસીપી મોહિત ગર્ગના જણાવ્યા અનુસાર, "ટાઇગર શ્રૉફ સુરક્ષિત છે. તેમને ગોળી વાગી નથી અને તેઓ ઘાયલ થયા નથી."
ડીસીપી ગર્ગે જણાવ્યું હતું કે, "આ ઘટના સાંજે સાત વાગ્યાની આસપાસ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, તે કોઈ અંગત કામ માટે આવ્યો હતો. જ્યારે તે પોતાનું કામ પૂરું કરીને જઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બની."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























