મોદી સરકારમાં વધુ એક મંત્રીનું રાજીનામું, પીએમને લખેલા પત્રમાં કહી આ વાત - ન્યૂઝ અપડેટ

વડા પ્રધાનને લખેલા પત્રમાં મુરુગને સરકાર અને પાર્ટીમાં મળેલી વિવિધ જવાબદારીઓ અને તક બદલ આભાર માન્યો છે
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાનને લખેલા પત્રમાં મુરુગને સરકાર અને પાર્ટીમાં મળેલી વિવિધ જવાબદારીઓ અને તક બદલ આભાર માન્યો છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય કાર્ય રાજ્યમંત્રી એલ. મુરુગને મંગળવારે પોતાના મંત્રીપદ અને રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

આ અંગે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની વાત મૂકી છે.

એલ. મુરુગને જણાવ્યું કે હવે તેઓ તામિલનાડુ પરત ફરીને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવા અને 2029ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં સંપૂર્ણ રીતે જોડાવા માગે છે.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના તામિલનાડુ પ્રવાસ દરમિયાન રાજ્યના લોકોમાં જોવા મળેલા ઉત્સાહ અને સમર્થનથી તેમને તામિલનાડુમાં વધુ સક્રિય રીતે કામ કરવાની પ્રેરણા મળી છે.

મુરુગને જણાવ્યું કે તેમણે વડા પ્રધાનને વિનંતી કરી છે કે તેમને મંત્રીપદની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવે, જેથી તેઓ તામિલનાડુમાં પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા માટે પોતાનો સંપૂર્ણ સમય આપી શકે.

વડા પ્રધાનને લખેલા પત્રમાં મુરુગને સરકાર અને પાર્ટીમાં મળેલી વિવિધ જવાબદારી અને તક બદલ આભાર માન્યો છે.

તેમણે જણાવ્યું કે પાર્ટી અને વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ મળેલી જવાબદારીઓએ તેમની અંદરની સેવાભાવનાને વધુ મજબૂત બનાવી છે.

પોતાના રાજકીય જીવનનો ઉલ્લેખ કરતાં મુરુગને કહ્યું કે દૈનિક મજૂરના પુત્રથી લઈને કેન્દ્ર સરકારમાં મંત્રી બનવા સુધીની તેમની સફર તેમના માટે ગર્વ અને સન્માનની વાત રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત માતા અને તામિલનાડુની સેવા કરવાનો અવસર તેમના જીવનનાં સૌથી મોટાં સન્માન રહ્યાં છે.

ઇન્ડિગો અને અકાસાએ સાઉદી અરેબિયા જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી

ઇન્ડિગોના જણાવ્યા મુજબ, બુકિંગ વખતે આપવામાં આવેલી સંપર્ક વિગતો પર મુસાફરોને સતત જરૂરી માહિતી અને અપડેટ્સ મોકલાઈ રહ્યાં છે
ઇમેજ કૅપ્શન, ઇન્ડિગોના જણાવ્યા મુજબ, બુકિંગ વખતે આપવામાં આવેલી સંપર્ક વિગતો પર મુસાફરોને સતત જરૂરી માહિતી અને અપડેટ્સ મોકલાઈ રહ્યાં છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ડિગોએ સાઉદી અરેબિયાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરી છે. ઍરલાઇનના જણાવ્યા અનુસાર રિયાધ, જેદ્દાહ, દમ્મામ અને મદીના માટેની તેમજ ત્યાંથી આવતી-જતી તેની તમામ ફ્લાઇટ્સ 17 ઑક્ટોબર 2026 સુધી રદ રહેશે.

બીજી તરફ, અકાસા ઍરે પણ રિયાધ અને જેદ્દાહ માટેની પોતાની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

ઍરલાઇને મુસાફરોને ઍરપૉર્ટ જવા પહેલાં પોતાની ફ્લાઇટની સ્થિતિ ચકાસી લેવાની અપીલ કરી છે.

ઇન્ડિગોના જણાવ્યા મુજબ, બુકિંગ વખતે આપવામાં આવેલી સંપર્ક વિગતો પર મુસાફરોને સતત જરૂરી માહિતી અને અપડેટ્સ મોકલાઈ રહ્યાં છે. કોઈ પણ પ્રકારની માહિતી અથવા સહાય માટે ઍરલાઇનની મદદ ટીમો ઉપલબ્ધ છે.

ઍરલાઇને જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા અને સલામતી તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે તે સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.

આ વર્ષે જુલાઈમાં ઘણાં વર્ષોથી ચાલતા સંઘર્ષ ફરી ભડક્યા બાદ ઈરાન સમર્થિત હૂતી સશસ્ત્ર જૂથ દ્વારા સાઉદી અરેબિયાના વિવિધ વિસ્તારોમાં સૈંકડો હુમલા કરવામાં આવ્યા હતા.

રિયાધના મુખ્ય આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર થયેલા હુમલામાં 13 લોકોનાં મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ઍરલાઇન્સે આ નિર્ણય લીધો છે.

દેવભૂમિ દ્વારકા: ભાડથર વૉર્ડમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલે શું કહ્યું?

દેવભૂમિ દ્વારકા: ભાડથર વૉર્ડમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલે શું કહ્યું?

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ભાડથર વૉર્ડમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે.

આ જીત પછી અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીનો વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર એક પોસ્ટ મૂકી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ભાડથર જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત એ વાતની સાબિતી છે કે ગુજરાતના ખેડૂતોનો ભરોસો હવે આપ સાથે મજબૂતીથી જોડાઈ રહ્યો છે.

"દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને ન્યાય ન આપનારી ભાજપ સરકારને ખેડૂતોએ આકરો જવાબ આપ્યો છે."

આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરી હતી કે ભાડથર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત એ ગુજરાતના ખેડૂતો, ભાગિયા, મજૂરો અને શ્રમિકોની જીત છે!

જંતર-મંતર પરથી સૌરવ દાસ અને આશુતોષ રાંકાની પોલીસે અટકાયત કરી

સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે ફરીથી અટકાયત કરી

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સહ-સંયોજકો સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી પોલીસે ફરીથી અટકાયતમાં લીધા છે.

બંને સીજેપી નેતાઓને જંતર-મંતર તરફ આગળ વધવાનો પ્રયાસ કરતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, પાર્ટી સાથે સંકળાયેલા અજિંક્ય શિંદે સહિત ઘણા અન્ય સમર્થકોની પણ પોલીસે ડિટેન કર્યા છે.

આ ઘટના અંગે, સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં, કેટલાક પાર્ટી સમર્થકો જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

દીપકે વીડિયોની સાથે લખ્યું, "ત્રિરંગો લઈને કૉક્રોચ આજે વહેલી સવારે જંતર-મંતરમાં ઘૂસી ગયા અને દિલ્હી પોલીસે તેમને પકડી લીધા હતા. આશુતોષ રાંકા, સૌરવ દાસ, અજિંક્ય શિંદે અને ટીમના અન્ય સભ્યોની અટકાયત કરવામાં આવી છે."

તેમણે લખ્યું, "નરેન્દ્ર મોદી, તમે વિરોધ-પ્રદર્શનો ખતમ કરી શકતા નથી."

કૉક્રોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેએ વિપક્ષના માર્ચ વિશે શું કહ્યું?

કૉક્રોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેએ વિપક્ષના માર્ચ વિશે શું કહ્યું?

સોમવારે વિપક્ષની કૂચ બાદ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દીપકેએ પ્રતિક્રિયા આપી છે.

અભિજીત દીપકે કહ્યું છે કે કોણ વિરોધ કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, સૌથી મહત્વની વાત એ છે કે આપણે નાગરિકો તરીકે ચૂપ નથી.

દીપકે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર પોસ્ટ કરી હતી " તેનાથી કોઈ ફરક પડતો નથી, વિરોધ કોણ કરી રહ્યું છે અને ક્યાં કરી રહ્યું છે, અથવા કોની સાથે મળીને કરી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આપણે, આ દેશના નાગરિકો તરીકે ચૂપ રહેવાનો ઇનકાર કરીએ. આપણે જે જરૂરી છે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ."

વાસ્તવમાં, એક્સ પર એક યુઝરે લખ્યું હતું કે સીજેપી પ્રોટેસ્ટ કરે કે ઈન્ડિયા ગઠબંધન કરે, પરંતુ લોકોએ જ્ઞાનેશ કુમાર પ્રત્યે અવિશ્વાસ જાહેર કર્યો છે.

આવી જ એક એક્સ પોસ્ટના રિપ્લાઈમાં, દીપકેએ વિપક્ષી કૂચ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા.

નોંધનીય છે કે વિપક્ષની કૂચ કનૉટ પ્લેસથી સુપ્રીમ કોર્ટ સુધી આગળ વધવાની હતી, પરંતુ મંડી હાઉસ પાસે તેને અટકાવવામાં આવી અને સાંજે 7 વાગ્યાની આસપાસ, રાહુલ ગાંધી અને કેટલાક વિપક્ષી નેતાઓ પોલીસ થાપ આપીને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.

ત્યાં, વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ અને એસઆઈઆર અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

કેરળ વિધાનસભામાં જ્ઞાનેશકુમારને હટાવવાનો ઠરાવ પસાર

કેરળ વિધાનસભામાં જ્ઞાનેશ કુમારને હટાવવાનો પ્રસ્તાવ પસાર

કેરળ વિધાનસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવાની માંગ કરતો પ્રસ્તાવ લગભગ સર્વાનુમતે પસાર કર્યો છે, કેરળની વિધાનસભા આમ કરનાર દેશની પ્રથમ વિધાનસભા બની છે.

જ્ઞાનેશકુમાર કેરળ કેડરના પૂર્વ આઈએએસ અધિકારી છે.

કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ના નેતા અને મુખ્ય મંત્રી વીડી સતીશને આ ઠરાવ રજૂ કર્યો હતો.

વિપક્ષી કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના નેતૃત્વ હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફે) પણ તેને ટેકો આપ્યો હતો.

વિધાનસભામાં હાજર ત્રણ ભાજપના સભ્યોમાંથી બે સભ્યોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

140 સભ્યોની વિધાનસભામાં યુડીએફ પાસે 102 અને એલડીએફ પાસે 35 ધારાસભ્યો છે.

ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, "વર્તમાન પરિસ્થિતિમાં જ્યાં ચૂંટણીપંચની નિષ્પક્ષતા પર ગંભીર શંકાઓ ઊભી થઈ રહી છે, ત્યારે સંસ્થાની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી દૂર કરવા માટે પગલાં લેવા જરૂરી છે."

જ્યારે કેરળ ભાજપે આ પ્રસ્તાવની આકરી ટીકા કરી છે.

પાર્ટીએ તેના ઍક્સ ઍકાઉન્ટ પર લખ્યું, "આપણે બધા એસઆઈઆરની પ્રક્રિયામાંથી પસાર થયા. બીએલઓ અમારા ઘરે આવ્યા."

"હવે જે થઈ રહ્યું છે તે લાખો બીએલઓનું અપમાન છે જે પ્રામાણિકપણે કામ કરે છે."

વિરોધપ્રદર્શન પછી રાહુલ ગાંધીએ કહ્યું - 'આરએસએસના તે કાયર લોકો ક્યાં હતા...'

વિરોધ પ્રદર્શન પછી રાહુલ ગાંધીએ કહ્યું - 'આરએસએસના તે કાયર લોકો ક્યાં હતા...'

લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે એક વીડિયો જાહેર કરીને કૂચમાં ભાગ લેનારા લોકોનો આભાર માન્યો.

સોમવારે રાત્રે સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ ડરવાના નથી અને ગુંડાગીરી સહન કરશે નહીં.

રાહુલ ગાંધીએ કહ્યું, "આજે (સોમવાર) આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. બપોરે 3 વાગ્યે આ આંદોલનને પોતાની રીતે ટેકો આપનારા લાખો લોકોનો પણ આભાર. ઇન્ડિયા ઍલાયન્સના નેતાઓ, કૉંગ્રેસ અને ઇન્ડિયા ઍલાયન્સના તમામ કાર્યકરોનો પણ ખૂબ ખૂબ આભાર."

"આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો કારણ કે અમારે સરકારને બતાવવાનું હતું કે ભારતના લોકો ડરવાના નથી."

"તમે અમને હરાવી શકો છો, ધમકી આપી શકો છો, ડરાવવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ અમે ડરવાના નથી. અમે તમારી ગુંડાગીરી સહન કરીશું નહીં."

તેમણે કહ્યું, "હું વિચારી રહ્યો હતો કે ગઈકાલે આપણા યુવા સાથીઓને માર મારનારા કાયર આરએસએસના સભ્યો ક્યાં હતા? તેઓ ક્યાં હતા? આજે મેં તેમાંથી કોઈને જોયા નહીં. જ્યારે અમે ત્યાં ઊભા છીએ, જ્યારે દેશની જનતા પણ ત્યાં ઊભી છે, ત્યારે તમે બહાર કેમ નથી આવતા?"

"તમે તમારા નાના ગમછા લગાવીને બહાર કેમ નથી આવતા અને જોવો કે શું થાય છે? કારણ કે, તમે પણ દેશના વડા પ્રધાનની જેમ ફક્ત ગુંડાગીરી કરવાનું જાણો છો. તમારામાં ઊભા રહેવાની હિંમત નથી. તમે ફક્ત સત્તાના જોરે લડી શકો છો."

રાહુલે કહ્યું, "આજે જે બન્યું તે જોઈને આનંદ થાય છે. મને તમારા બધા પર ગર્વ છે."

"બધાએ એક ટીમ તરીકે કામ કર્યું. જેમ મેં મારી પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું, આ અલગ વિરોધપ્રદર્શન નથી. આ એક આંદોલન છે જેમાં અમે બધા સાથે ઊભા છીએ."

નોંધનીય છે કે વિપક્ષની કૂચ કનૉટ પ્લેસથી સુપ્રીમ કોર્ટ સુધી આગળ વધવાની હતી, પરંતુ મંડી હાઉસ પાસે તેને અટકાવવામાં આવી. સાંજે 7 વાગ્યાની આસપાસ, રાહુલ ગાંધી અને કેટલાક વિપક્ષી નેતાઓ પોલીસથી બચીને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.

ત્યાં, વિપક્ષી નેતાઓએ ચૂંટણીપંચ અને એસઆઈઆર અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન