જંતર-મંતરને વિરોધપ્રદર્શન સ્થળ તરીકે હઠાવાયું, નવાં સ્થળો સંસદથી કેટલાં દૂર છે?

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ સાડા ત્રણ દાયકાથી દેશભરનાં આંદોલનોનું કેન્દ્ર રહેલું દિલ્હીનું જંતર-મંતર હવે વિરોધપ્રદર્શન માટેની જગ્યા નથી રહ્યું.
તેના બદલે સરકારે ત્રણ નવી જગ્યા નિર્ધારિત કરી છે. આ ત્રણ જગ્યાઓ છે રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને સીબીડી ગ્રાઉન્ડ સામેલ છે.
દિલ્હી પોલીસે રાજધાનીમાં વિરોધપ્રદર્શન માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
દિલ્હી પોલીસે 11 ઑક્ટોબરે જાહેર કરેલા સ્ટૅન્ડિંગ ઑર્ડર અનુસાર, "કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિરોધપ્રદર્શનો માટે વૈકલ્પિક સ્થળોની સમીક્ષા કરવા માટે એક સમિતિ બનાવી હતી. નવી વ્યવસ્થા આ સમિતિની ભલામણોને આધારે લાગુ કરવામાં આવી છે."
તેમાં કહેવામાં આવ્યું છે કે, "આ ત્રણ સ્થળોએ વિરોધ પ્રદર્શનો કરવા માટે વિગતવાર અને સુધારેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રૉસિજર (SOP) અલગથી જાહેર કરવામાં આવશે."
નવાં સ્થળો સંસદથી કેટલાં દૂર છે?

આ ત્રણેય સ્થળો દિલ્હીના અલગ અલગ ભાગોમાં સ્થિત છે. આમ, હવે આ જગ્યાઓ બદલાવાથી હવે વિરોધપ્રદર્શનો હવે સંસદની આસપાસના સેન્ટ્રલ ઍડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટ્રિક્ટ(CDA)થી દૂર હશે.
રામલીલા મેદાન એ સેન્ટ્રલ દિલ્હીમાં છે, જ્યારે બુરાડી મેદાન છેક ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં છે અને સીબીડી મેદાન યમુના નદીની સામે પાર પૂર્વ દિલ્હીમાં આવેલું છે.
જંતર-મંતર સંસદથી માત્ર 1.5 કિલોમીટર દૂર હતું. જ્યારે રામલીલા મેદાન એ સંસદથી ચાર કિલોમીટર દૂર આવેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુરાડી ગ્રાઉન્ડ એ સંસદથી 20 કિમી દૂર આવેલું છે અને સીબીડી ગ્રાઉન્ડ 13 કિમી દૂર આવેલું છે.
જંતર-મંતર પાસે જેટલી જાહેર પરિવહન સુવિધાઓ છે એટલી રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને સીબીડી ગ્રાઉન્ડની આસપાસ નથી.
રામલીલા મેદાનની આસપાસ માત્ર બે જ મેટ્રો સ્ટેશન નવી દિલ્હી અને દિલ્હી ગેટ છે. જ્યારે એક માત્ર મોટું બસ સ્ટૉપ તુર્કમાન ગેટ બસ સ્ટૉપ છે.
બુરાડી ગ્રાઉન્ડથી નજીક માત્ર બુરાડી મેટ્રો સ્ટેશન અને બસ સ્ટૉપ છે. જ્યારે સીબીડી ગ્રાઉન્ડ નજીક કડકડડૂમા કોર્ટ મેટ્રો અને એમસીડી બસ સ્ટૉપ આવેલાં છે.
આમ, જાણકારોનું માનવું છે કે અહીં વિરોધપ્રદર્શનો આયોજિત કરવા એ જંતર-મંતર જેટલા પરિવહન સુવિધાઓની સરખામણીએ સહેલાં નથી.
જંતર-મંતર શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
એક સમયે જયપુરના મહારાજાએ તૈયાર કરાવેલી સૂર્ય ઘડિયાળ અને ખગોળીય વેધશાળાને કારણે દેશભરમાં જાણીતું દિલ્હીનું જંતરમંતર છેલ્લાં ત્રણેક દાયકાઓથી જાહેર વિરોધપ્રદર્શનો અને આંદોલનોના સ્થળની ઓળખ પામ્યું છે.
જયપુરના મહારાજા જયસિંહે દિલ્હી, જયપુર, મથુરા, વારાણસી અને ઉજ્જૈન સહિત દેશનાં પાંચ શહેરોમાં વેધશાળાઓ બનાવી હતી. દિલ્હી ખાતેની વેધશાળાનું નિર્માણ વર્ષ 1724માં કરાયું.
જે જંતરમંતર તરીકે ઓળખાય છે.
દિલ્હી ટુરિઝમની વેબસાઇટ પર મુકાયેલી માહિતી અનુસાર જંતર એટલે કે યંત્રનો અર્થ સાધન અને મંત્ર એટલે કે મંતરનો અર્થ ફૉર્મ્યુલા પરથી આ નામ પડ્યું છે.
મહારાજા જયસિંહને એ સમયે એવું લાગ્યું હતું કે હયાત ખગોળીય ઉપકરણો વિવિધ ગણતરીઓ કરવામાં ટૂંકી પડે છે તેથી તેમણે વેધશાળાઓ અંતર્ગત ખૂબ મોટાં સાધનો બનાવ્યાં.
અહીંનાં ઉપકરણો ખૂબ ચોક્કસ અવલોકનો આપી શકે તેવાં છે, પરંતુ હાલમાં આસપાસ બહુમાળી બિલ્ડિંગને કારણે તે ઉપયોગી નથી રહ્યાં.
એક વેધશાળા કે દિલ્હીમાં પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતું આ જંતરમંતર જે રીતે ધરણાંપ્રદર્શનોનું સ્થળ બન્યું એ વાત ખૂબ રોચક છે.
કઈ રીતે જંતરમંતર બન્યું ધરણાં માટેનું અધિકૃત સ્થળ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નવી દિલ્હીના ટોલ્સ્ટોય માર્ગ અને સંસદ માર્ગની નજીક જંતર મંતર આવેલું છે. હરિયાળીભર્યો આ વિસ્તાર સંસદ ભવનથી ખૂબ નજીક આવેલો છે.
લોકતંત્રનું પાવરહાઉસ ગણી શકાય તેવો આ વિસ્તાર છે જેના લીધે તેનું મહત્ત્વ વધી જાય છે.
એક સમયે મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી જેવાં નેતાઓ બોટ ક્લબમાં રેલીઓ કરતાં હતાં. એ સ્થળ તો વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના નિવાસસ્થાનથી વધુ નજીક હતું.
1988માં એવું બન્યું કે ખેડૂત નેતા મહેન્દ્રસિંહ ટિકૈતે રાજીવ ગાંધી સરકાર વિરુદ્ધ તેમના પ્રશ્નોને લઈને આંદોલન છેડ્યું હતું.
આ આંદોલનમાં લગભગ પાંચેક લાખ જેટલા ખેડૂતો દિલ્હીના રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને સાથે પોતાનાં ઢોર-ઢાંખર પણ લઈ આવ્યા હતા.
સમગ્ર દિલ્હી જાણે કે આ આંદોલનથી થંભી ગયું હતું અને ખેડૂતો પોતાના પશુઓ સાથે છેક વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના નિવાસસ્થાન સુધી પહોંચી ગયા હતા, જે સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર મામલો હતો.
ત્યારપછી 1993માં બાબરી મસ્જિદ અને રામ-જન્મભૂમિ મામલો જોર પકડી રહ્યો હતો. તેથી ખેડૂત આંદોલન જેવું કંઈ ન થાય એટલા માટે રાજીવ ગાંધીની સરકારે બોટ ક્લબ પર ધરણાં-પ્રદર્શન કરવા પ્રતિબંધ મૂક્યો અને જંતરમંતરને ધરણાં-પ્રદર્શનો માટે અધિકૃત સ્થળ જાહેર કરવામાં આવ્યું.
જંતર-મંતર મહત્ત્વનું કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં નાગરિક પ્રદર્શનોનો લાંબો અને સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે. ગાંધીજીની અહિંસાના પાયા પર થયેલી લડતો, ચપટી મીઠું ઉપાડીને કરેલો સત્યાગ્રહ વગેરે તેની સાક્ષી પૂરે છે.
એક પ્રદર્શન સ્થળ તરીકે જંતરમંતર 1993ની સાલથી અસ્તિત્વમાં આવ્યું.
અહીં હજારોની ભીડમાં પણ પ્રદર્શન થયાં છે અને કોઈ એકલો માણસ પણ પ્રદર્શન કરી શકે છે.
સૅન્ટ્રલ દિલ્હીમાં 35 વર્ષોથી રિપોર્ટિંગ કરતા વરિષ્ઠ પત્રકાર વિવેક શુક્લ કહે છે, "કનોટ પ્લૅસ જેવા વિસ્તારમાં આવેલું હોવાથી એવું કહી શકાય કે જંતરમંતર એ દિલ્હીના દિલમાં આવેલું છે. બોટ ક્લબ પછી વર્ષોથી જંતરમંતરમાં હજારો પ્રદર્શનો થતાં આવ્યાં છે. 1993માં તેને સરકાર દ્વારા અધિકૃત રીતે ધરણા સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું."
બે એન્ટ્રી અને ઍક્ઝિટ પૉઇન્ટ, મર્યાદિત સંખ્યામાં પ્રદર્શન કરનારા લોકો, હરિયાળીભર્યું વાતાવરણ, ચહલપહલભર્યો વિસ્તાર, સંસદથી ખૂબ નજીક, રાજકીય નેતાઓ અને મીડિયા માટે અનુકૂળ જગ્યા વગેરે મુદ્દાઓ જંતરમંતરને મહત્ત્વનું બનાવે છે.
પત્રકારત્વ અને રાજકારણના વિદ્યાર્થીઓ માટે આ સ્થળ 'લર્નિંગ ગ્રાઉન્ડ' બની રહે છે.
અહીં અન્ના આંદોલન, વન-રેન્ક-વન-પેન્શન માટેની લડત, પૂર્વ સૈનિકોનું આંદોલન, નાગરિકતા કાયદા વિરોધી આંદોલન, ખેડૂતોનાં અનેક આંદોલનો અને છેલ્લે કૉક્રોચ જનતા પાર્ટીનું થયેલું આંદોલન મુખ્ય છે.
આ આંદોલનોએ દેશની દિશા બદલવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન































