"ક્યારેક થપ્પડ ખાવી પડે, ક્યારેક ગાળો" વરસાદના અભાવે કચ્છમાંથી હિજરત કરીને આવતા માલધારીઓ અને સ્થાનિક ખેડૂતો વચ્ચે શું ચાલી રહ્યું છે?

આમદભાઈ જત અને તેમનાં પત્ની જીજલીબાઈ માલવણ ગામે તેમના તંબુ નીચે. કચ્છના માલધારીઓ આવા તંબુને ભૂંગા કહે છે.
ઇમેજ કૅપ્શન, આમદભાઈ જત અને તેમનાં પત્ની જીજલીબાઈ માલવણ ગામે તેમના તંબુ નીચે. કચ્છના માલધારીઓ આવા તંબુને ભૂંગા કહે છે.
    • લેેખક,
    • પદ, બીબીસી ગુજરાતી
    • દ્વારા રિપોર્ટિંગ, માલવણ(સુરેન્દ્રનગર)થી
    • લેેખક, સચીન પીઠવા
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ ગામના પાદરમાંથી પસાર થતી નર્મદા યોજનાની માળિયા બ્રાન્ચ કૅનાલમાં ધસમસતું પાણી વહી રહ્યું છે.

ભાદરવા મહિનાના તડકામાં વહેતું ચોખ્ખું પાણી જોઈને કોઈને પણ ન્હાવાની ઇચ્છા થઈ જાય. આવા શેકી નાખે તેવા તડકામાં ભેંસો ચરાવી રહેલા ઇસ્માઇલ આમદ જત નામના યુવાન માલધારીના ચહેરાનો રંગ વધારે કાળો પડી ગયો છે.

પરંતુ કચ્છથી આવેલા આ માલધારીને તે કૅનાલના પાણીથી ન્હાવાની ફુરસદ નથી.

એક હાથમાં લાકડી અને એક હાથમાં ફોન લઈને આ માલધારી તેમની ભેંસોની સાથે સાથે ખેડૂતોના ખેતરના શેઢે-શેઢે સતત ચાલ્યા કરે છે.

ચરતા ચરતા ઇસ્માઇલની ભેંસો માળિયા બ્રાન્ચ કૅનાલમાંથી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટેની એક સબ-માઇનોર કૅનાલમાં ઊતરે છે અને થોડી વાર તેના શરીરને ઠંડાં કરે છે.

પરંતુ ઇસ્માઇલ નર્મદા જળની ઠંડક લેવાનું વિચારી શકતા નથી. તેની નજર સતત તેમની ભેંસોના ટોળા પર ફર્યા કરે છે.

30 વર્ષના ઇસ્માઇલ બાજુમાં આવેલા કાંટાળા તારની વાડવાળા અને કોઈ પણ પ્રકારની વાડવગરનાં ખેતરો તરફ આંગળી ચીંધે છે.

ઇસ્માઇલ કહે છે, "શેઢો છે. કોઈનું ખેતર ખુલ્લું પડ્યું છે. ભેંસોનું ધ્યાન રાખવું પડે. કોઈના ખેતરમાં જાય તો નુકસાન કરે તો કોઈ ખેતરવાળો ગાળ આપે."

"કોઈ થપ્પડ પણ મારે. મને આવા અનુભવ થઈ ચૂક્યા છે. કોઈ સારો હોય તો ના ન પાડે. ઘણા માણસો સારા છે."

સવારે આઠેક વાગ્યે પોતાની ભેંસો લઈને નીકળેલા આ માલધારી છેક સાંજે 6 વાગ્યે તેમના ઘરે પાછા ફરે છે.

હા, તેમનું ઘર એટલે માળિયા-વિરમગામ હાઇવે પર માલવણ ગામમાં આવેલા એક પેટ્રોલ પમ્પ પાછળની ખુલ્લી જગ્યામાં ઊભો કરાયેલો એક નાનકડો તંબુ.

તેમનું કાયમી ઘર તો 400 કિલોમીટર દૂર, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા ગામમાં છે.

પરંતુ ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલું તેમનું ગામ છોડીને ઇસ્માઇલ, તેમના પિતા આમદભાઈ અને અન્ય ત્રીસેક માલધારી પરિવારો 8 સપ્ટેમ્બરથી એટલે કે છેલ્લા એક મહિનાથી માલવણ ગામમાં "બેઠા" છે અને તેમની આશરે 500 ભેંસો અને રોજીરોટીને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે.

ગૌચર વગરના ગામમાં 500 ભેંસો ક્યાં ચરે?

માલવણ ગામે માળીયા બ્રાંચ કૅનાલ પરથી પસાર થઈ રહેલા કચ્છના માલધારીઓનું એક ખાડું
ઇમેજ કૅપ્શન, માલવણ ગામે માળિયા બ્રાંચ કૅનાલ પરથી પસાર થઈ રહેલા કચ્છના માલધારીઓનું એક ખાડું
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આશરે એકાદ હજારની વસ્તી ધરાવતું માલવણ ખેડૂતોનું ગામ છે.

નર્મદા યોજનાની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કૅનાલમાંથી છૂટી પડતી માળિયા બ્રાન્ચ કૅનાલ નર્મદા જિલ્લામાં કેવડિયા નજીક નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાંથી છોડાતું પાણી મોરબી જિલ્લાના ખીરઈ ગામ સુધી પહોંચાડે છે અને ત્યાંથી પાઇપલાઇન માફરફતે પીવાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છનાં દૂર-સુદૂર ગામડાં સુધી પહોંચાડાય છે.

પીવાનું પાણી પહોંચાડવાના માળખાનો પણ એક ભાગ હોવાથી માળિયા બ્રાન્ચ કૅનાલમાં લગભગ બારેય મહિના નર્મદાનું પાણી વહ્યા કરે છે. પરિણામે માલવણમાં ખેતી સમૃદ્ધ છે.

આ વર્ષે ગામની વાડીઓમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાવવામાં આવેલા કપાસ, તુવેર, એરંડા અને જુવારના પાકો લહેરાઈ રહ્યા છે.

પરંતુ માલવણ ગામના અગ્રણી જયંતીભાઈ પટેલ કહે છે કે તેમના ગામમાં ગૌચર તરીકે નિમાયેલો વિસ્તાર નહિવત્ છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "અમારા ગામમાં ગૌચર તો ખાસ નથી. ખરેખર તો ખુલ્લી સાર્વજનિક જગ્યા જ બહુ નથી કારણ કે અમારા ગામ ફરતો રોડ છે."

"કૅનાલ પણ ગામ નજીકથી જ પસાર થાય છે. તેથી ચરિયાણ તો નથી. પરંતુ કૅનાલની નજીક જમીનો પડતર પડી છે. તેમાં ગાયો-ભેંસો ચરે છે."

માલવણ ગામના લાલાભાઈ પટેલ નામના ખેડૂત કહે છે, "કૅનાલના પાણીનો ભેજ બે ખેતર સુધી ફેલાઈ જાય છે. પરિણામે ખેડૂતો કૅનાલ નજીકનાં ખેતરોમાં વાવેતર કરી શકતા નથી."

"તે જમીનો પડતર પડી રહે છે. કચ્છથી આવેલા આ માલધારીઓ મુશ્કેલીમાં છે. તેથી, મોટા ભાગના ખેડૂતો તેમાં તેમને ભેંસો ચારવાની ના નથી પડતા."

કચ્છના માલધારીઓ તેમના ગામ કેમ છોડી રહ્યા છે?

ઇસ્માઇલ આમદ જત. 30 વર્ષના આ માલધારીને તેના જીવનમાં બીજી વાર કચ્છમાંથી હિજરત કરવી પડી છે.
ઇમેજ કૅપ્શન, ઇસ્માઇલ આમદ જત. 30 વર્ષના આ માલધારીને તેના જીવનમાં બીજી વાર કચ્છમાંથી હિજરત કરવી પડી છે.

ખેતી અને પશુપાલન આજે પણ કચ્છના લોકોના મુખ્ય વ્યવસાય છે.

નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કૅનાલ વાટે નર્મદા નદીનું પાણી 2014માં કચ્છ જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા રાપર સુધી પહોંચી ગયું હતું.

ત્યાર બાદ જુલાઈ 2022માં નર્મદાનું પાણી કચ્છના પશ્ચિમ ભાગમાં આવેલા માંડવી તાલુકાના મોડકૂબા ગામે આવેલી કચ્છ બ્રાન્ચ કૅનાલના છેડા સુધી પહોંચી ગયું હતું.

પરંતુ આજે પણ કચ્છમાં ખેતી બહુધા વરસાદ આધારિત છે.

માલધારીઓની રોજીરોટી પણ ચોમાસાના વરસાદ પર જ નિર્ભર છે કારણ કે સારો વરસાદ થાય તો જ તેમના ગાય, ભેંસ, ઘેટાં-બકરાં અને ઊંટ માટે ઘાસ અને વેલા ઊગે છે.

કચ્છમાં પાછલાં 30 વર્ષ દરમિયાન સરેરાશ વાર્ષિક વરસાદ 20 ઇંચ નોંધાયો છે.

પરંતુ સત્તાવાર આંકડા અનુસાર આ વર્ષે સરેરાશ 11 ઇંચ વરસાદ જ પડ્યો છે. લાંબા ગાળાના સરેરાશ વરસાદની સાપેક્ષ આ માત્ર 57 ટકા વરસાદ ગણાય.

લખપત તાલુકામાં પશુપાલન ખૂબ મોટા પાયે થાય છે. પરંતુ ત્યાં સ્થિતિ વધારે ખરાબ છે કારણ કે ત્યાં માત્ર 7 ઇંચ વરસાદ પડ્યો છે જે તેની સરેરાશના 47 ટકા જ થાય.

લખપત તાલુકાના પાડોશી અબડાસા તાલુકામાં પણ 7 ઇંચ વરસાદ નોંધાયો છે જે તેની સરેરાશના 37 ટકા થાય. રાપર તાલુકાને બાદ કરતા કચ્છના નવ તાલુકામાં વરસાદની ખાધ 35 ટકાથી માંડીને 63 ટકા જેટલી છે.

લખપતમાં જુલાઈ અને ઑગસ્ટ લગભગ કોરા રહ્યા હતા.

ગૌચર અને સરકારી પડતર જમીનોમાં ઘાસ પૂરતું ન ઊગતા કે ખૂટી રહેતાં કે સુકાઈ જતાં માલધારીઓએ ઑગસ્ટ મહિનાથી જ તેમની ગાયો-ભેંસોને સાથે લઈને હિજરત કરવાનું શરૂ કરી દીધું હતું.

સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં લખપતમાં આશરે પાંચેક ઇંચ વરસાદ પડ્યો હતો.

તેથી, આ હિજરત થોડા સમય માટે અટકી હતી. પરંતુ પોતાના પશુને બચાવવા માલધારીઓની હિજરત હવે ફરી શરૂ થઈ છે.

માલવણમાં માળીયા બ્રાન્ચ કૅનાલના કાંઠે આવેલી ખેતીની પડતર જમીનમાં ચરી રહેલ ભેંસોનું ટોળું
ઇમેજ કૅપ્શન, માલવણમાં માળિયા બ્રાન્ચ કૅનાલના કાંઠે આવેલી ખેતીની પડતર જમીનમાં ચરી રહેલ ભેંસોનું ટોળું

લખપત તાલુકાના મીંઢીયારી ગામના માલધારી અલાના ફકીર જત તેમની ભેંસોને બે ખટારામાં ભરીને શુક્રવારે માલવણ લઈ આવ્યા. ભેંસોને 400 કિલોમીટર દૂર પહોંચાડવા માટે અલાનાએ ખટારા દીઠ 32000 ભાડું ચૂકવ્યું.

પોતાની ભેંસોને ખટારામાંથી ઉતાર્યા બાદ બીબીસી સાથે વાત કરતા અલાનાએ કહ્યું, "ત્યાં ભેંસો માટે ખાવાનું કઈ ન હતું. અમારી પાસે જેટલા પૈસા હતા, આઠ-દસ લાખ, એનું (ઘાસ) લઈને તેને ખવડાવ્યું. પછી ભેંસો મરતી હતી. એને કંઈ થાય તો રોટલો અમને ન ફાવે."

"તેથી, એને બચાવવા માટે ઘરબાર મૂકીને મારી 50 ભેંસો અહીંયા લઈ આવ્યા છીએ. જયારે વરસાદ પડ્યો ત્યારે થોડું થોડું ઘાસ થયું પણ તડકો આવ્યો એટલે ઘાસ બધું સૂકાઈ જાય."

"અમે આજ સુધી રાહ જોઈને બેઠા હતા કે ભગવાન મહેર કરે અમારા ઉપર. પણ વરસાદ ન આવ્યો."

"હવે ઠંડી પાડવા લાગી તેથી અમને લાગ્યું કે હવે ચોમાસું વીતી ગયું. હવે શિયાળાની સીઝન આવી ગઈ. એટલે હવે ના છૂટકે આ બાજુ નીકળવું પડ્યું."

અલાના ફકીર જત. આ માલધારી કહે છે કે કચ્છમાં હવે તેમની ભેંસો માટે ઘાસ-પાણી ઉપલબ્ધ નથી.
ઇમેજ કૅપ્શન, અલાના ફકીર જત. આ માલધારી કહે છે કે કચ્છમાં હવે તેમની ભેંસો માટે ઘાસ-પાણી ઉપલબ્ધ નથી.

કચ્છમાં 2018માં દુષ્કાળ પડ્યો હતો અને માલધારીઓએ તેમનાં પશુઓ માટે ઘાસ-અને પાણીની શોધમાં મોટા પાયે હિજરત કરવી પડી હતી.

ઇસ્માઇલ અને અલાના કહે છે કે તેમને પણ 2018માં હિજરત કરવાની ફરજ પડી હતી. હવે આઠ વર્ષ બાદ નબળું ચોમાસું આવતા તેમને ફરી એક વાર ઘરબાર છોડવાનો વારો આવ્યો છે. ઇસ્માઇલના પિતા અને બેખડામાં જત માલધારી સમાજના આગેવાન તેવા આમદભાઈ જત કહે છે કે તેમના ગામમાં છેક જાન્યુઆરી 2026થી ઘાસ-ચારાની તંગી ચાલી રહી છે.

બીબીસી સાથે વાત કરતા આમદભાઈએ જણાવ્યું, "અમારે ગયા વર્ષે પણ વરસાદ ઓછો પડ્યો હતો. તેથી, અમે પહેલા મહિનાથી ઘાસ (વેચાતું લેવાનું) ચાલુ કર્યું."

"પછી ખવડાવી ખવડાવીને થાક્યા એટલે અહીં આવવું પડ્યું. આઠ મહિના સુધી ખવડાવ્યું પછી આઠમા મહિનામાં હિજરત કરવી પડી. પશુઓ બચાવવા તો પડે ને?"

ખેડૂતો અને બહારથી આવેલા માલધારીઓ કેવી રીતે જીવે છે?

કચ્છથી આવેલાં એક માલધારી મહિલા માલવણ ગામે પોતાના તંબુ બહાર 9 ઑક્ટોબરના રોજ વાસણ ધોઈ રહ્યાં હતાં ત્યારની તસવીર
ઇમેજ કૅપ્શન, કચ્છથી આવેલાં એક માલધારી મહિલા માલવણ ગામે પોતાના તંબુ બહાર 9 ઑક્ટોબરના રોજ વાસણ ધોઈ રહ્યાં હતાં ત્યારની તસવીર

આમદભાઈ કહે છે કે માલવણના લોકોએ કચ્છના માલધારીઓને આશરો આપ્યો છે.

કચ્છના માલધારીઓએ જે જમીનમાં તંબુ તાણ્યા છે તે શાંતિલાલ પટેલ અને લાલાભાઈ પટેલ નામના ખેડૂતોની સંયુક્ત માલિકીની છે.

બીબીસી સાથે વાત કરતા શાંતિલાલ કહે છે, "કચ્છમાં દુષ્કાળ પડ્યો એટલે ત્યાંથી હિજરત કરીને આવેલા 18 પરિવારોએ મને પૂછ્યું કે અહીં ઉતારવા દેશો? તેમણે કહ્યું કે ભાડું આપશું."

"મેં કહ્યું કે મારે ભાડું કંઈ લેવું નથી. તમે ફ્રીમાં ઊતરો અને રહો. એટલે 18 કુટુંબ અને 80 જણને અમે અહીં ઉતારવા દીધા છે."

"મેં કહ્યું કે કચ્છમાં વરસાદ થાય ત્યાં સુધી રહો, અમારે તમારી પાસેથી કશું લેવું નથી."

આમદભાઈ કહે છે કે ભેંસો ખેડૂતોના ઊભા મોલને કોઈ નુકસાન ન કરે તેની માલધારીઓ શક્ય તમામ તકેદારી રાખે છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "અમારી ભેંસો કચ્છમાં એકલી ચરવા માટે ટેવાયેલી છે. અમારી ભેંસો રાત્રે પણ ચરવા માટે ટેવાયેલી છે. પરંતુ અહીં તે શક્ય નથી."

"ભેંસો સાથે અમારા માણસો સતત ફર્યા કરે છે. રાત્રે કોઈ ચારવા જતું નથી. રાત્રે નીકળીને ભેંસો કોઈની વાડીમાં નુકસાન ન કરે તે માટે ભેંસોને રાત્રે ખીલે બાંધી દઈએ છીએ."

"ખેડૂતોનો વિરોધ નથી. અમને શેઢે ભેંસો ચારવા દે છે. પણ અમે તેમની વાડીમાં નુકસાન થવા દેતા નથી. બાકી નુકસાન કરીએ તો અમને ઉઠાડી દેશે."

9 ઑક્ટોબરના રોજ માલવણમાં એક ખટારામાંથી પોતાની ભેંસોને ઉતારી રહેલા અલાના ફકીર જત.
ઇમેજ કૅપ્શન, 9 ઑક્ટોબરના રોજ માલવણમાં એક ખટારામાંથી પોતાની ભેંસોને ઉતારી રહેલા અલાના ફકીર જત.

આમદભાઈ ઉમેરે છે કે જે શાંતિભાઈ અને અન્ય ખેડૂતોએ તેમની જમીનમાં માલધારીઓને કોઈ પણ ભાડું લીધા વગર તંબુ તાણવા દીધા છેે તેના બદલામાં માલધારીઓ તેમની ભેંસોના છાણ ખાતર તરીકે તે જમીનના માલિકોને આપી દેશે.

જયંતીભાઈ પટેલનાં પત્ની હર્ષાબહેન ગામનાં વર્તમાન સરપંચ છે.

જયંતીભાઈ કહે છે, "કચ્છના માલધારીઓની ભેંસોએ અમારા ગામની કોઈની વાડીમાં નુકસાન કર્યું હોય તેવી ફરિયાદો હજુ સુધી અમને મળી નથી."

"અમે ખેડૂતોને કહ્યું છે કે પરિસ્થિતિને વશ થઈને કચ્છના માલધારીઓ અહીં આવ્યા છે અને જો તેમની ભેંસો ક્યારેક વાડીની અંદર આવી જાય તો મોટું મન રાખીને ફરિયાદ ન કરવી."

"પણ કોઈ પાંચ-પાંચ વીઘા જમીન ધરાવતા નાના ખેડૂતો હોય તો તેઓ અમારા ગામના ચોકીદારોને ફરિયાદ કરતા હોઈ શકે."

"પરંતુ હજુ સુધી એવો કોઈ વિવાદ અમારી સુધી નથી પહોંચ્યો.. બધાએ માનવતાના ધર્મનું પાલન કરવું એવી મારી અપીલ છે."

સરકાર શું કહે છે?

માળીયા બ્રાંચ કૅનાલમાંથી પાણી ભરી રહેલી માલધારી મહિલાઓ
ઇમેજ કૅપ્શન, માળિયા બ્રાન્ચ કૅનાલમાંથી પાણી ભરી રહેલી માલધારી મહિલાઓ

કચ્છ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડૉ. રાજેશ પટેલે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે રાજ્ય સરકારે જુલાઈ મહિનાથી પશુપાલકોને બે રૂપિયા પ્રતિ કિલોના રાહત ભાવે ઘાસ વિતરણ કરવાનું શરૂ કર્યું હતું અને 10 સપ્ટેમ્બર સુધી તે કામગીરી ચાલી હતી.

"ત્યાર બાદ સપ્ટેમ્બરમાં સરેરાશ ચારેક ઇંચ વરસાદ વરસી જતા ઘાસની માંગણી ઘટી હતી. તેથી ઘાસ વિતરણની કામગીરી બંધ કરવામાં આવી હતી. વળી, 125 મિલીમીટર (25 મિલીમીટર =1 ઇંચ) કરતા વધારે વરસાદ વરસી જતા કેન્દ્ર સરકારના અછત મૅન્યુઅલ મુજબ કચ્છ જિલ્લો અછતમાંથી બહાર નીકળી ગયો છે."

"પરંતુ માલધારીઓને પહેલાથી જ ઘાસકાર્ડ આપી દેવાયા છે અને જો માલાધારીઓ ઘાસની માંગણી કરશે તો અમે ફરી વાર ઘાસ વિતરણ ચાલુ કરીશું. જરૂર જણાયે કેટલા કૅમ્પ પણ ચાલુ કરાશે."

જો કે કેન્દ્ર સરકારના અછત મૅન્યુઅલમાં કેન્દ્ર સરકારે દુષ્કાળની સ્થિતિ છે કે નહીં તે નક્કી કરવા માટે વરસાદમાં તુલનાત્મક ઘટ ઉપરાંત ત્રણથી ચાર અઠવાડિયાં જેટલું લાંબું વાયરું ફૂંકાયું છે કે નહીં, ખેતીના પાકોના વાવેતર વિસ્તારમાં નોંધાયેલી ઘટ, ખેતી પાકોની ઉત્પાદકતામાં ઘટ, ડૅમ-તળાવોમાં સંગ્રહાયેલા પાણીના જથ્થામાં અને નદીઓમાં વહેતાં પાણીના સ્તરમાં તુલનાત્મક ઘટ, સૅટેલાઇટની મદદથી જે તે તાલુકામાં વાનસ્પતિક આવરણમાં થયેલી ઘટ, જમીનના ભેજની માત્રામાં થયેલી ઘટ, ઘાસચારાના ભાવમાં વધારો, લોકો દ્વારા સરકારની મનરેગા (હવે, 'વિકસિત ભારત - જી રામ જી') જેવી યોજનામાં કામની માગણીમાં થયેલો વધારો, કામની શોધમાં લોકોની હિજરત વગેરે પરિબળોને પણ ધ્યાને લેવા સૂચન કર્યું છે. આ વર્ષે કચ્છના કેટલાય વિસ્તારોમાં ચાર અઠવાડિયાં કરતાં લાંબુ વાયરું ફૂંકાયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન