ગુજરાતના તત્કાલીન CM મોદી અને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્યારે સામસામે આવી ગયા

જ્યારે નરેન્દ્ર મોદી અને ભારતના મુખ્ય ચૂંટણી કમીશનર એકબીજા સામે પડ્યા
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે દિલ્હી સહિત દેશભરમાં વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે. કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સતત રાજધાની દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે.

ત્યારે એક વિવાદ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના અને તે વખતના મુખ્ય ચૂંટણી કમિશનર વચ્ચે થયો હતો. તે ચૂંટણી કમિશનરનું નામ હતું જેમ્સ માઇકલ લિંગદોહ.

ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને જેમ્સ માઇકલ લિંગદોહ વચ્ચે વિવાદ વર્ષ 2002નાં ગુજરાત રમખાણો પછી રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવા બાબતે થયો હતો.

ફેબ્રુઆરી 2002માં ગોધરા કાંડ અને ત્યાર બાદ થયેલાં રમખાણો પછી જુલાઈ 2002માં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરી દીધું હતું અને રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવાની માગ કરી હતી.

જોકે, મુખ્ય ચૂંટણી કમિશનર જે. એમ. લિંગદોહની આગેવાની હેઠળના ચૂંટણીપંચે ગુજરાતની મુલાકાત લીધી અને જણાવ્યું કે 'રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજુ સામાન્ય નથી' અને હજારો લોકો રાહત શિબિરોમાં રહી રહ્યા હોવાથી વહેલી ચૂંટણી યોજવી શક્ય નથી.

ચૂંટણીપંચે એ સમયે વહેલી ચૂંટણી યોજવાનો ઇનકાર કરી દીધા બાદ આ મામલો સુપ્રીમમાં ગયો હતો.

ગુજરાતમાં ચૂંટણી યોજવાનો વિવાદ શું હતો?

તે વખતે ગુજરાતમાં એવો એક રાજકીય સૂર પણ ઊઠ્યો હતો કે જ્યારે તમે કાશ્મીરમાં ચૂંટણી યોજી શકો છો, તો ગુજરાતમાં કેમ નહીં?

2002માં તત્કાલીન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જે. એમ. લિંગદોહ આ વાત સાથે અસહમત હતા અને તેઓ કેન્દ્ર સરકાર તેમજ અરુણ જેટલી અને નરેન્દ્ર મોદીની સામે પડ્યા હતા.

ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ પોતાની ઘણી જાહેર સભાઓમાં લિંગદોહને સંબોધીને ભાષણ કર્યાં હતાં. જોકે, રાજકીય અને વહીવટી મુદ્દાઓ પર લિંગદોહના આ વલણે ગુજરાતમાં નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવામાં કેટલી મદદ કરી, તે એક ચર્ચાનો વિષય છે.

આ વિવાદ જુલાઈમાં ભડક્યો હતો જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ભંગ કરી દીધી અને ચૂંટણીપંચને નવી ચૂંટણી યોજવા માગ કરી હતી.

ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જે. એમ. લિંગદોહે તે વખતે ગુજરાતની સ્થિતિને "હજી પણ તંગ છે" તેમ ગણાવીને કહ્યું હતું કે, કેટલોક સમય વીત્યા બાદ પણ અમુક અંશે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થયા વગર ચૂંટણી યોજી શકાય નહીં.

વાજપેયીએ આ મામલે હસ્તક્ષેપ કરીને શું કહ્યું હતું?

લિંગદોહ અને નરેન્દ્ર મોદી વચ્ચે વિવાદ વધતા તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો
ઇમેજ કૅપ્શન, લિંગદોહ અને નરેન્દ્ર મોદી વચ્ચે વિવાદ વધતા તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો (ફાઇલ ફોટો)

ચૂંટણી કમિશનર લિંગદોહ અને નરેન્દ્ર મોદી વચ્ચેનો આ વિવાદ સમય જતાં એટલો કડવાશભર્યો બની ગયો કે એક તબક્કે મામલો શાંત પાડવા માટે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

વાજપેયીએ નરેન્દ્ર મોદીના નિવેદન પ્રત્યે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી અને ટકોર કરી હતી કે બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ સામે આવી અશોભનીય ભાષા કે વ્યક્તિગત આક્ષેપોનો ઉપયોગ ન કરવો જોઈએ.

વડા પ્રધાનની આ ટકોર બાદ નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું કે વડા પ્રધાનની માર્ગદર્શિકા પછી લિંગદોહ સાથેનો વિવાદ હવે પૂરો થઈ ગયો છે.

બાદમાં ગુજરાતમાં ડિસેમ્બર 2002માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો વિજય થયો હતો.

આ વિવાદને ભારતીય રાજનીતિમાં બંધારણીય સંસ્થાઓ અને રાજકીય નેતાઓ વચ્ચેના ટકરાવના એક મોટા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?

નરેન્દ્ર મોદીએ પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે બંધારણીય સંસ્થા પ્રત્યે 'અનાદર' દર્શાવવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.
ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે બંધારણીય સંસ્થા પ્રત્યે 'અનાદર' દર્શાવવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોદીએ વારંવાર સંકેત આપ્યા હતા કે લિંગદોહની ખ્રિસ્તી પૃષ્ઠભૂમિ અને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની તેમની કથિત નિકટતા એ તેમના નિર્ણયોને પ્રભાવિત કરતાં પરિબળો હતાં.

મોદીની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતાં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનરે (સીઈસી) 'સ્ટાર ન્યૂઝ'ને કહ્યું, "આ નિવેદનો દર્શાવે છે કે રાજકારણ કેટલું ક્રૂર છે. આ અત્યંત નિંદનીય છે."

તેમણે ઉમેર્યું, "મારો કોઈ ધર્મ નથી. મને એનાથી કોઈ ફરક પણ પડતો નથી. ધર્મોએ જ આ બધી મુશ્કેલીઓ ઊભી કરી છે."

નરેન્દ્ર મોદીએ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે બંધારણીય સંસ્થા પ્રત્યે 'અનાદર' દર્શાવવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.

જ્યારે નરેન્દ્ર મોદીને પૂછવામાં આવ્યું કે શું લિંગદોહની ખ્રિસ્તી પૃષ્ઠભૂમિ ગુજરાત અંગેના તેમના નિર્ણયો માટે 'જવાબદાર' હતી, ત્યારે તેમણે આ સવાલ ટાળી દીધો હતો.

મોદીએ કહ્યું, "મારે જે કહેવું હતું તે મેં સ્પષ્ટપણે કહી દીધું છે. ગુજરાતમાં વહેલી ચૂંટણી ન યોજવાના નિર્ણયને હું ગુજરાતને બદનામ કરવા માટે રચવામાં આવેલા ષડ્યંત્રના ભાગરૂપે જોઉં છું."

મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતના ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે કોઈ લોકપ્રિય સરકારે ભલામણ કરી હોય અને છતાં 'કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ (પર શંકા)'ના આધારે કોઈ રાજ્યમાં ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હોય.

મોદીએ કહ્યું, "1984માં દિલ્હીમાં થયેલાં શીખવિરોધી રમખાણો અને આસામના કુખ્યાત નેલી હિંસાકાંડ પછી પણ માત્ર 40 દિવસની અંદર ચૂંટણીઓ યોજવામાં આવી હતી."

સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

જ્યારે નરેન્દ્ર મોદી અને ભારતના મુખ્ય ચૂંટણી કમીશનર એકબીજા સામે પડ્યા

બીબીસીના એક અહેવાલ અનુસાર, ચૂંટણીપંચના નિર્ણયને પડકારી ન શકવાને કારણે કેન્દ્રીય કૅબિનેટે તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને આ વિવાદ સુપ્રીમ કોર્ટ પાસે મોકલવા માગ કરી હતી.

ભારતીય સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની એ અરજી ફગાવી દીધી હતી જેમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ વગર વિલંબે (તરત જ) યોજવાની માગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ સ્વતંત્ર ચૂંટણીપંચ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચેના વિવાદની સુનાવણી કરી હતી.

ચૂંટણીપંચનું કહેવું હતું કે નવેમ્બર કે ડિસેમ્બર પહેલાં ચૂંટણી યોજી શકાય તેમ નથી, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરત જ ચૂંટણી યોજવાની માગ કરી રહી છે.

પણ ચૂંટણીપંચની વાત સાથે સહમત થઈને સુપ્રીમ કોર્ટે સરકારની એ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

સમાચાર સંસ્થા પીટીઆઇના જણાવ્યા અનુસાર, તે વખતે મુખ્ય ન્યાયાધીશ બી. એન. કિરપાલે કહ્યું હતું કે, "કદાચ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવાની શક્યતા સૌથી વધુ છે."

નોંધનીય છે કે ગુજરાતમાં ડિસેમ્બર 2002માં ચૂંટણી યોજાઈ હતી અને ભાજપને એમાં બહુમતી મળી હતી.

ચર્ચિત મુખ્ય ચૂંટણી કમિશનર લિંગદોહ કોણ હતા?

જ્યારે નરેન્દ્ર મોદી અને ભારતના મુખ્ય ચૂંટણી કમીશનર એકબીજા સામે પડ્યા
ઇમેજ કૅપ્શન, ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર લિંગદોહ

ગુજરાત અને કાશ્મીરની ચૂંટણીમાં તેમના કાર્ય બદલ તેમને રૈમસે મેગ્સેસે ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ખાસી જનજાતિમાંથી આવતા ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય મેઘાલયના જે. એમ. લિંગદોહે દિલ્હીમાંથી શિક્ષણ મેળવ્યું હતું.

લિંગદોહ 22 વર્ષની ઉંમરે ભારતીય વહીવટી સેવામાં (આઇએએસ) જોડાયા હતા.

1997માં એચ. ડી. દેવગૌડાની સરકારે લિંગદોહને ચૂંટણી કમિશનર તરીકે નીમ્યા હતા અને 2001 તેમને મુખ્ય ચૂંટણી કમિશનરનો પદભાર સોંપવામાં આવ્યો હતો.

લિંગદોહને નજીકથી જાણનારાઓ માને છે કે તેઓ પોતાની કારકિર્દીમાં અનેક વખત સત્તા સાથે ટકરાઈ ચૂક્યા છે અને આ જ એમની કામ કરવાની શૈલી રહી છે.

પુરસ્કાર માટે તેમને પસંદ કરતી વખતે, રૈમસે મેગ્સેસે ઍવૉર્ડ સમિતિએ કહ્યું, "લિંગદોહે લોકશાહીનાં મૂળિયાં મજબૂત કર્યાં છે. તેઓ ભારતમાં ધર્મનિરપેક્ષતાને જાળવવા માટે પણ મોટી આશા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન