હવે રાજકોટના જેતપુર પાસે બે સિંહણો ટ્રેન નીચે કચડાઈ, જંગલ છોડી સિંહો રાજકોટ કેમ આવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસમાં ટ્રેન નીચે કચડાઈને ત્રણ સિંહોનાં મોત થઈ ગયાં છે. પહેલાં જૂનાગઢ અને હવે રાજકોટ જિલ્લામાં રેલવે ટ્રૅક પર સિંહોનાં મોતથી સિંહોના વધતા વિસ્તારની ચર્ચા શરૂ થઈ છે.
સોમવારે સાંજે આઠેક વાગ્યે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાવડી ગામે રેલવે પાટા પર આવી ચડેલી બે સિંહણોને એક ટ્રેને ઠોકર મારતાં તે બંને સિંહણોનાં મોત થયાં હતાં.
14 નવેમ્બરના રોજ રાજકોટને અડીને આવેલા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામે ઓઝત નદીના પુલ પર એક સિંહણ ટ્રેનની હડફેટે આવતા તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ બંને બનાવ વન્યજીવો માટેનાં અભયારણ્યો કે રાષ્ટ્રીય ઉદ્યાનો જેવા રક્ષિત વિસ્તારોની બહાર માનવ વસવાટવાળા રેવન્યુ એરિયા એટલે કે મહેસૂલી વિસ્તારોમાં બન્યા છે.
2014થી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય તેમ જ તેની આજુબાજુના વિસ્તારોમાં ટ્રેનો દ્વારા ટક્કર લાગવાથી સિંહોના મોતના છૂટાછવાયા બનાવો બનતા રહ્યા છે. પરંતુ વિસાવદર અને જેતપુરની ઘટનાઓ ભૂતકાળના આ પ્રકારના અકસ્માતોથી કેટલીય રીતે અલગ પડે છે તેમ વન વિભાગના અધિકારીઓ અને નિષ્ણાતો જણાવે છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
વાવડી ગામ જેતપુર શહેરથી પૂર્વ દિશાએ અઢારેક કિલોમીટર દૂર આવે છે.
પોરબંદરથી ભાવનગર જિલ્લાના ઢસાને જોડતી બ્રૉડગેજ રેલવેલાઇન આ ગામમાંથી પસાર થાય છે.
વાવડી ગામ જૂનાગઢના ભેસાણ તાલુકાને અડીને આવે છે. જૂનાગઢ વન્યજીવ અભયારણ્ય વાવડીથી ઉત્તરે આશરે 20 કિલોમીટર દૂર આવે છે. આ ગામ વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગના રાજકોટ વિભાગની જેતપુર રેન્જમાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક યુવરસિંહ ઝાલાએ કહ્યું કે એક પૅસેન્જર ટ્રેન ભાવનગરથી પોરબંદર જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
તેમણે કહ્યું, "ટ્રેનના લોકો પાઇલટે અમને જણાવ્યું કે સિંહણો અચાનક રેલવે ટ્રૅક પર આવી ગઈ. તેમને બચાવવા પાઇલટે ટ્રેનને બ્રેક મારી તેમ છતાં ટ્રેન ઊભી રહી તે પહેલાં સિંહણો સાથે ટકરાઈ ગઈ."
સિંહો નિશાચર પ્રાણીઓ છે અને ખોરાક-પાણી શોધવાની પ્રવૃત્તિ રાતના સમયે વધારે કરે છે.
જો કે વિસાવદરના ખંભાળિયાનો બનાવ બપોરના 12:30 વાગ્યે બન્યો હતો.
ગીર (પશ્ચિમ) વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સિંહણ ઓઝત નદીને કાંઠે ચરી રહેલાં ઘેટાં-બકરાંનો શિકાર કરવા નીકળી હતી પરંતુ નદી ઉપરના પુલ પર ટ્રેન સાથે અથડાઈને મોતને ભેટી હતી.
યુવરાજસિંહ ઝાલાએ કહ્યું કે વાવડી ગામે મૃત્યુ પામેલ સિંહણો ત્રણેક વર્ષની હતી અને અને યુવાનીના ઉંબરે ઊભી હતી.
તેમણે કહ્યું કે, "આ ઘટના નવાઈ પમાડે તેવી અને સાથે જ ચિંતાજનક પણ છે. આ ઘટના પહેલાં જેતપુર વિસ્તારમાં રેલવેના પાટા પર ક્યારેય સિંહોની અવરજવર કે મોત નોંધાયાં ન હતાં."
"જે જગ્યાએ ઘટના બની તે વિસ્તારમાં સિંહોની હાજરી પણ નિયમિત નોંધાતી નથી. તેથી આ લાઇન પર ટ્રેનોની ગતિ પર કોઈ નિયંત્રણો નથી."
જંગલ મૂકીને સિંહો રાજકોટ કેમ આવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
દુનિયામાં હાલ મુક્ત રીતે વિચરણ કરતા સિંહો માત્ર બે જ જગ્યાએ દેખાય છે. એક છે આફ્રિકા ખંડના દેશો અને બીજી જગ્યા છે ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર પ્રાંત.
2020માં સિંહોની વસ્તી 674 હોવાનો અંદાજ હતો. તેના પાંચ વર્ષ બાદ 2025માં ગુજરાતના વન વિભાગે હાથ ધરેલી સિંહોની વસ્તીગણતરીમાં 891 સિંહો નોંધાયા હતા. તેમાંથી છ સિંહો અને બે બચ્ચાં રાજકોટ જિલ્લામાં નોંધાયાં હતાં.
સિંહોની વસ્તીગણતરીમાં પહેલી વાર એવું બન્યું હતું કે રાજકોટ જિલ્લામાં સિંહો ગણાયા હતા. જો કે રઝળપાટ કરતાં-કરતાં સિંહો છેક રાજકોટ જિલ્લામાં આવી ચડવાના છૂટાછવાયા બનાવો 2019થી નોંધાઈ રહ્યા છે.
યુવરાજસિંહ ઝાલાએ કહ્યું, "જેતપુર તાલુકો જૂનાગઢ, અમરેલી અને રાજકોટ એમ ત્રણ જિલ્લાના ત્રિભેટે આવેલો છે. આ વિસ્તારમાં ગિરનાર અભયારણ્ય અને અમરેલી વિસ્તારના સિંહોની અવરજવર રહે છે."
"આ વિસ્તારમાં સિંહો હવે સ્થાયી થઈ ગયા છે તેમ કહી શકાય, કારણ કે આ વિસ્તારમાં સિંહોની હાજરી સતત નોંધાતી રહે છે જો કે તે વિસ્તારમાં દેખાતા સિંહો અલગ-અલગ પરિવારના હોઈ શકે અને તેમનું ગિરનારના જંગલ તેમ જ અમરેલી તરફ આવરો-જવરો રહે છે."
ભારતીય વન સેવાના ગુજરાત કેડરના નિવૃત્ત અધિકારી ડૉ. હરિશંકર સિંહ ગીરના સિંહનો નિષ્ણાત ગણાય છે.
તેઓ ગુજરાતના વન વિભાગમાંથી અગ્ર મુખ્ય વન સંરક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ 2014થી જૂન 2026 સુધી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડના સભ્ય તરીકે સેવા આપી હતી.
બીબીસી સાથે વાત કરતાં ડૉ. સિંહે કહ્યું, "20-25 વર્ષ પહેલાં ગુજરાતમાં સિંહોની વસ્તી આશરે 300 હતી. પાછલા દાયકાઓમાં સિંહોના જતન અને સંરક્ષણની થયેલી સારી કામગીરીને કારણે હવે આ વસ્તી 1000 થઈ ગઈ છે."
"તેથી, સિંહો જંગલોની બહાર ફેલાઈ રહ્યા છે અને રેવન્યુ એરિયામાં આવી રહ્યા છે. રાજકોટમાં આવી ચડેલા સિંહો આ કુદરતી રીતે વસ્તી ફેલાવાની પ્રક્રિયાનો ભાગ છે."
સિંહો કઈ દિશામાં ફેલાઈ રહ્યા છે?

આશરે ત્રણેક દાયકા પહેલાં સિંહો જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પથરાયેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં જ જોવા મળતા હતા.
પરંતુ આશરે પચીસેક વર્ષથી સિંહો ગીર અભયારણ્યથી પૂર્વે ભાવનગર જિલ્લામાં તેમ જ દક્ષિણે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તરફ ફેલાવાનું શરૂ થયું.
ત્યારબાદ સિંહો પશ્ચિમે માંગરોળ અને પોરબંદર તરફ પણ ફેલાવા લાગ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી પોરબંદરમાં આવેલ બરડા વન્યજીવ અભયારણ્યમાં પણ પહોંચીને સિંહો ત્યાં સ્થાયી થઈ ગયા છે.
ગીરના જંગલથી ઉત્તરે આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં પણ સિંહો બે-ત્રણ દાયકાથી વસવાટ કરી રહ્યા છે. છેલ્લાં સાત-આઠ વર્ષથી ગિરનાર અભયારણ્યથી પણ ઉત્તર દિશાએ આગળ વધીને રાજકોટ જિલ્લામાં ફેલાઈ રહ્યા છે.
યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું, "જેતપુરનો વિસ્તાર ગિરનાર અભયારણ્ય અને અમરેલીના સિંહોવાળા વિસ્તારથી બહુ દૂર નથી. તેથી, જેતપુરમાં સિંહોની હરફર રહે છે. જેતપુરમાં તેમને રહેવા માટે આશ્રયસ્થાન, ખોરાક અને પાણી મળી રહે છે."
"જેતપુરમાં વન વિભાગ હસ્તકના નાના નાના અનામત વનો આવેલાં છે."
"તે ઉપરાંત આ તાલુકામાંથી ભાદર, ઉબેણ, સુરવો જેવી નદીઓ પણ પસાર થાય છે અને તેની કોતરો અને પાણી સિંહોની જરૂરિયાતો પૂરી કરે છે."
"તાલુકામાં નીલગાય અને માલિક વગરની રઝળતી-ભટકતી ગાયો તેમ જ આખલાઓ પણ છે જે સિંહોનો ખોરાક બને છે."
કઈ કઈ રેલવે લાઇનો પર સિંહો મરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Bhavnagar Divisional Railway
ગીરનું જંગલ ગીર(પૂર્વ) અને ગીર(પશ્ચિમ) એમ બે ભાગોમાં વહેંચાયેલું છે.
ગીરના જંગલની દક્ષિણે ગીર સોમનાથ જિલ્લાના ઊના અને અમરેલી જિલ્લાના રાજુલા શહેર વચ્ચેના પચીસેક કિલોમીટરના પટ્ટાને બાદ કરતાં આ જંગલ ફરતે રેલવે લાઇનો છે. તેમાંથી વિસાવદર-કાંસિયા-સાસણ-તાલાલા-ઊના લાઇન ગીર(પશ્ચિમ)ના જંગલની વચ્ચેથી પસાર થાય છે અને તેના પર સિંહોનાં મોતની ઘટનાઓ બનતી રહેતી હતી.
સિંહોને બચાવવા આ લાઇન પર રાતના સમયે ટ્રેનોની અવરજવર પર પ્રતિબંધ અને દિવસ દરમિયાન ચાલતી ટ્રેનોની ગતિ પર પણ નિયંત્રણો મૂકવામાં આવતાં અકસ્માતોની સંખ્યા ઘટી હતી. આ લાઇન પર છેલ્લે 2014માં એક અકસ્માત નોંધાયો હતો.
પૂર્વમાં રાજુલા નજીક આવેલા પીપાવાવ બંદરથી ઢસા થઈને સુરેન્દ્રનગર જતી રેલવે લાઇન પર 2014થી 2024 વચ્ચે ઘણા અકસ્માતો નોંધાયા હતા.
અંગ્રેજી દૈનિક ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર 2014થી 2024ની વચ્ચેના દસ વર્ષમાં 19 જેટલા સિંહો ગીરના જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી રેલવે લાઇનો પર ટ્રેનો નીચે કપાઈ ગયા હતા. તેમાંથી મોટા ભાગના બનાવો પીપાવાવ-ઢસા લાઇન પર નોંધાયા હતા. આ ઉપરાંત ભાવનગરના મહુવા અને અમરેલીના સાવરકુંડલા વચ્ચેની બ્રૉડગેજ રેલવે લાઇન પર પણ સિંહોનાં મોત નોંધાઈ ચૂક્યાં છે.

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat
આ મહિને હવે તેમાં બીજી બે રેલવે લાઇનોનો ઉમેરો થયો છે. 14 નવેમ્બરે જૂનાગઢ શહેર અને વિસાવદર વચ્ચે ખંભાળિયા ગામે થયેલું સિંહણનું મોત જૂનાગઢ-ધારી (અમરેલી) મીટરગેજ લાઈન પર કોઈ સિંહના મોતની પ્રથમ ઘટના હતી.
આ લાઇન ગિરનાર અભયારણ્યની પશ્ચિમેથી શરૂ થઈને દક્ષિણ અને ત્યારબાદ પૂર્વ તરફની સરહદ પરથી પસાર થાય છે.
પોરબંદર-ઢસા લાઇન ગિરનાર અભયારણ્યની ઉત્તરે આવે છે અને તે અભયારણ્યની સમાંતર પૂર્વ-પશ્ચિમ દિશાએ ચાલે છે. તે જ રીતે જેતપુર નજીક જેતલસર ગામે રેલવેનું જંક્શન આવે છે, રાજકોટ સિટી તરફથી આવતી બ્રૉડગેજ લાઇન જેતલસરથી જૂનાગઢ શહેર તરફ જાય છે.
આ લાઇન અભયારણ્યની પશ્ચિમ સરહદ નજીકથી પસાર થાય છે. જૂનાગઢથી આ લાઇન કેશોદ અને ત્યાંથી વેરાવળ તરફ જાય છે અને ગીર(પશ્ચિમ) તેમ જ ગિરનારના જંગલમાંથી ફેલાઈ રહેલા સિંહોના માર્ગમાં આવે છે.
ડૉ. સિંહ કહે છે કે આ શક્ય છે.
તેઓ કહે છે, "ટ્રેનોની સંખ્યા અને તેમની ગતિ પર નિયંત્રણો મૂકવામાં આવે તો રેલવે પાટા પર સિંહોના મોતને ઓછા કરી શકાય તેમ છે. માનનીય ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ પિપાવાવ-સુરેન્દ્રનગર લાઇન પર આવાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે અને પરિણામે તે લાઇન પર સિંહો સાથે ટ્રેનો અથડાવાની ઘટનાઓમાં મોટો ઘટાડો થયો છે."
"પરંતુ આવા અકસ્માતો સંપૂર્ણપણે નિવારી શકાય તેવું લક્ષ્ય રાખવું થોડું વધારે મહત્ત્વાકાંક્ષી ગણાશે કારણ કે વન વિભાગનું અનુમાન છે કે 2047 સુધીમાં સિંહો સૌરાષ્ટ્રના અગિયારે અગિયાર જિલ્લાઓમાં ફેલાઈ ગયા હશે."
"તેમના વિસ્તારમાં ઘણી રેલવે લાઇનો અને હાઇવે આવશે. રેલવે ટ્રેક પર અકસ્માતો રોકવા કઠિન છે કારણ કે સિંહો અચાનક રેલવે ટ્રૅક પર આવી ચડે તો ટ્રેનને તાત્કાલિક ઊભી રાખવી કઠિન છે."
"તુલનાત્મક રીતે હાઇવે પર કોઈ બસ, ખટારો કે કારને કાબુમાં લેવું વધુ સરળ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























